દિલ્હીની વાત : દિલ્હીના પરિણામો પછી સચિવાલય સીલ કરવાનો વિચાર કોનો હતો
નવીદિલ્હી : દિલ્હી વિધાનસભાની ચૂંટણીના પરીણામો સ્પષ્ટ થતાની સાથે જ રાજ્યનું સચીવાલય સીલ કરી દેવામાં આવ્યું છે. સામાન્ય વહીવટી વિભાગના સંયુક્ત સચીવ પ્રદીપ ખ્યાલની સહી સાથે એક આદેશ જાહેર કરવામાં આવ્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે સુરક્ષા કારણોને ધ્યાનમાં લેતા સચીવાલયના પરીસરમાંથી સામાન્ય વહીવટીની મંજૂરી વગર કોઈપણ ફાઇલો, દસ્તાવેજો, કોમ્પ્યૂટર હાર્ડવેર બહાર લઈ જવા દેવામાં આવશે નહીં. રાજકીય નરીક્ષકો એવી ચર્ચા કરી રહ્યા છે કે, સામાન્ય માણસને આ નિર્ણય ભલે આંચકા ભર્યો લાગે, પરંતુ એમ મનાય છે કે, એક્ઝીટ પોલ પછી તરત જ એક શક્તિશાળી કેન્દ્રીય નેતાએ આ નિર્ણય લીધો હતો. એમનું માનવું હતું કે, આપની સરકાર વિરુદ્ધના કેટલાક પુરાવાઓ સચીવાલયમાંથી મળી શકશે. જોકે અરવિંદ કેજરીવાલ અને એમના સાથીઓ એટલા વેબકુફ પણ નથી કે કોઈપણ પ્રકારનો ટ્રેક રેકર્ડ પાછળ છોડી જાય.
આપની હાર પાછળના દેખીતા કારણો
દિલ્હીમાં ભાજપએ આસાન જીત મેળવી છે અને ધારણા કરતા આપનો દેખાવ ખૂબ નબળો રહ્યો છે એની પાછળ કેટલાક દેખીતા કારણો છે. કોરોના સમય દરમિયાન કેજરીવાલ સરકારે જે લીકર પોલીસી બનાવી હતી એને કારણે આપના સિનિયર નેતાઓ જેલમાં ગયા અને પ્રમાણિક પક્ષ તરીકેની આપની ઇમેજને મોટો ફટકો પડયો હતો. કેજરીવાલ ભ્રષ્ટાચારનો વિરોધ કરીને સત્તા પર આવ્યા હતા અને તેઓ જ ભ્રષ્ટ બની જાય એ વાત મતદારો પચાવી શક્યા નહીં. એક જમાનામાં આપની લોકપ્રિયતાનું કારણ મફતની યોજનાઓ હતી. આ વખતની ચૂંટણીમાં ભાજપે પણ આપ કરતા વધુ મફતની રેવડીઓ વેચવાનું વચન આપ્યું હતું જેથી આપનો યુએસપી (યુનિક સેલીંગ પોઇન્ટ) બુઠ્ઠો થઈ ગયો. ભાજપએ ચગાવેલો કેજરીવાલના રહેઠાણ શીશ મહેલનો મુદ્દો ખૂબ મહત્ત્વનો રહ્યો. દિલ્હીની ઝુપડપટ્ટીમાં રહેતા મતદારોને લાગ્યું કે સાદાઇની વાત કરનારા કેજરીવાલ કેવા મસ મોટા મહેલમાં રહે છે. કેજરીવાલના વફાદાર મતદારો એમનાથી વિમુખ થઈ ગયા.
હવે દિલ્હીના મુખ્યમંત્રી કોણ બનશે તેના પર સૌની નજર
દિલ્હીમાં ભાજપે પ્રચંડ જીત મેળવ્યા પછી હવેનો પ્રશ્ન એ છે કે દિલ્હીના મુખ્યમંત્રી કોણ બનશે. ચૂંટણી પહેલાં ભાજપએ મુખ્યમંત્રીનો ચહેરો જાહેર કર્યો નહોતો. સમગ્ર ચૂટણી પ્રક્રીયા દરમિયાન જો ભાજપ જીતશે તો પ્રવેશ વર્મા, રમેશ બીઘુડી અને દુષ્યંત ગૌતમના નામો મુખ્યમંત્રી તરીકે આગળ હતા. રમેશ બીઘુડી ચૂંટણી હારી ગયા છે. પ્રવેશ વર્મા જાટ છે અને એમણે અરવિંદ કેજરીવાલને હરાવ્યા છે એટલે પ્રવેશ વર્મા સમાચારમાં છે. દિલ્હી અને હરિયાણાના જાટ મતદારો જીતવા માટે પ્રવેશ વર્માને મુખ્યમંત્રી બનાવવા પડે. દુષ્યંત ગૌતમ એસસી મતદારોના માનીતા છે. જાણકારોનું માનવું છે કે બિહાર વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમા રાખીને દુષ્યંત ગૌતમને પણ લોટરી લાગી શકે છે. ભાજપના સિનિયર નેતા વિજેન્દ્ર ગુપ્તા પણ મુખ્યમંત્રીપદની રેસમાં છે. વિજેન્દ્ર ગુપ્તાએ અરવિંદ કેજરીવાલ અને આપ સામે આક્રમક પ્રચાર કર્યો હતો. દિલ્હીમાં જ્યારે ભાજપને બે આંકડામાં બેઠક નહોતી મળતી ત્યારે પણ વિજેન્દ્ર ગુપ્તા આસાનીથી જીતતા હતા.
અન્ના હજારે ફરીથી 'રાજકીય વિશ્લેષક'ના રોલમાં
એક જમાનામાં અરવિંદ કેજરીવાલના ગુરુ અન્ના હજારે છેલ્લાં ઘણા વર્ષોથી લાઇમ લાઇટમા નથી. જ્યારે જ્યારે ચૂંટણીઓમાં આપ હારે છે ત્યારે ત્યારે અન્ના હજારે એકાએક વનવાસમાંથી બહાર આવીને રાજકીય વિશ્લેષણ કરવા માંડે છે. દિલ્હીમાં આપની હાર પછી ગણતરીની મીનીટોમાં જ અન્ના હજારે મીડિયા સમક્ષ આવી ગયા હતા. હજારેએ આપની હાર પાછળના કારણો ફટાફટ આપવા માંડયા. એમણે કહ્યું કે આપની હાર માટે અરવિંદ કેજરીવાલની લીકર પોલીસી જવાબદાર છે. લીકર પોલીસી અને પૈસા બનાવવા પાછળ જ સંપૂર્ણ ધ્યાન આપવાને કારણે આપની હાર થઈ છે. આપના ઉમેદવારો પાસે કોઈ ચારિત્ર્ય નહોતું. હજારે હંમેશા એમની આ જૂની રેકર્ડ વગાડીને ફરીથી સમાચારમાં ચમકવાની કોશીષ કરતા રહે છે.
ચૂંટણીમાં અધકચરો પ્રચાર કોંગ્રેસને નડી ગયો
દિલ્હી વિધાનસભાની ચૂંટણીના કેટલાક મહિના પહેલા એમ મનાતું હતું કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થશે. જોકે કોંગ્રેસના સિનિયર નેતાઓએ નક્કી કર્યું હતું કે આ વખતે આપ સાથે ગઠબંધન કરવું નથી. કોંગ્રેસે એકલે હાથે ચૂંટણી લડવાનું નક્કી કર્યું ત્યાં સુધી તો ઠીક છે. દિલ્હી કોંગ્રેસના નેતાઓએ પુરી તાકાતથી ચૂંટણીમાં ઝુકાવ્યું હતું. કોંગ્રેસના સૂત્રોના કહેવા પ્રમાણે કોંેગ્રેસ હાઇકમાન્ડ પહેલેથી જ આમ આદમી પાર્ટી વિરુદ્ધ ખુલ્લે આમ પડવા માંગતું નહોતું. દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેેસ એક બેઠક પર પણ જીતી શક્યું નથી. રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી જેવા સ્ટાર પ્રચારકોએ ચૂંટણી પ્રચાર કર્યો હતો ત્યાં પણ કોંગ્રેસની હાલત ખરાબ રહી. રાહુલ ગાંધીએ ૭ ચૂંટણી સભા સંબોધી હતી છતાં પણ એની અસર થઈ નહીં. કેટલાકનું માનવું છે કે કોંગ્રેસએ પૂરા દિલથી ચૂંટણી નહીં લડીને કાર્યકરોને નિરાશ કર્યા.
'હજી અંદરોઅંદર લડો...' પરિણામો પછી ઉમર અબ્દુલ્લા ભડક્યા
દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની જીત પછી ઇન્ડિયા ગઠબંધનના વિવિધ પક્ષો પણ ચિંતીત થઈ ગયા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે મમતા બેનર્જી અને અખિલેશ યાદવ વચ્ચે ટેલીફોન પર લાંબી વાત થઈ છે. કોંગ્રેેસને શૂન્ય બેઠક મળવાને કારણે હવે ઇન્ડિયા ગઠબંધનમાં એનો દબદબો ઘટી જશે એ નક્કી છે. જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ તો અકળાઈને કહ્યું છે કે, 'હજી અંદરોઅંદર લડો, સંતોષ થઈ જાય ત્યાં સુધી લડો, એક બીજાને ખતમ કરી નાંખો' એમ મનાય છે કે દિલ્હીમાં કોંગ્રેસ અને આપ વચ્ચે ગઠબંધન નહીં થવાથી નારાજ થયેલા ઉમર અબ્દુલ્લાએ આ પ્રકારનું રીએક્શન આપ્યું છે.
ચૂંટણી ગઈ, ચિહ્નો રહ્યા : દિલ્હીની દીવાલોમાં 19 લાખ પોસ્ટર્સ
દિલ્હીમાં ચૂંટણીનું પરિણામ આવી ગયું, ભાજપે જીતનો જશ્ન મનાવી લીધો, આપે પરાજય સ્વીકારી લીધો. પરંતુ હજુ પ્રચારના ચિહ્નો ઠેર-ઠેર જોવા મળી રહ્યા છે. દિલ્હીની દીવાલોમાં આ ચૂંટણી દરમિયાન ૧૯ લાખથી વધુ પોસ્ટર્સ ચોંટયા હતા. દિલ્હીની જાહેર દીવાલો ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. ઠેર-ઠેર ત્રણેય મુખ્ય પાર્ટીઓના પોસ્ટર્સ જ જોવા મળી રહ્યા છે. સફાઈ કર્મચારીઓએ કહ્યું હતું કે ઠેર-ઠેર પોસ્ટર્સ વેરાઈને પડે છે એ ઉઠાવાની દિલ્હીને સ્વચ્છ કરવામાં દિવસો નીકળી જશે. ઘણાં સ્વૈચ્છિક સંગઠનોએ આ મુદ્દો ઉઠાવ્યો છે. તેમણે દલીલ કરી હતી કે આ ગંદી થયેલી દીવાલો સારી કરવા માટે કલર કરવો પડશે અને એ રીતે લોકોના જ પૈસા વેડફાશે.
કોંગ્રેસે આપ સાથે દિલ્હીમાં હરિયાણાનો બદલો વાળ્યો
હરિયાણાની ચૂંટણીમાં કોંગ્રેસ જીતી જાય એવી પૂરી શક્યતા હતી. એક્ઝિટ પોલથી લઈને પ્રિપોલમાં પણ એવી અટકળો ચાલતી હતી. એ વખતે આમ આદમી પાર્ટીએ હરિયાણામાં ચૂંટણી લડવાની જાહેરાત કરી. લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ-આપ વચ્ચે ગઠબંધન હતું એટલે હરિયાણામાં ભૂપેન્દ્ર હૂડાએ રાઘવ ચઢ્ઢા સાથે બેઠક કરીને પાંચ બેઠકો આપવાનો પ્રસ્તાવ મૂક્યો, પરંતુ આપને ૨૦ બેઠકો જોઈતી હતી એટલે વાત બની નહીં. પરિણામે ૯૦માંથી ૮૯ બેઠકોમાં આપે ઉમેદવારો ઉભા રાખ્યા. ચર્ચા તો એવીય છે કે કેજરીવાલને ઉમેદવારો પાછા ખેંચવાના હતા એના એક દિવસ પહેલાં જેલમાંથી છોડવામાં એ ડીલ પર આવ્યા હતા કે તેમણે એકેય તમામ બેઠકો પર ચૂંટણી લડવાની છે. કારણ કે આપ ચૂંટણી લડે તો જ ભાજપને ફાયદો થાય તેમ હતો. ૧.૭૯ ટકા મતો મેળવ્યા. ભાજપ અને કોંગ્રેસ વચ્ચે વોટશેરમાં માત્ર ૦.૮૫ ટકાનો તફાવત હતો એમાં ભાજપે મેદાન મારી લીધું. કેટલીય બેઠકોમાં આપના ઉમેદવારોએ કોંગ્રેસનો ખેલ બગાડયો. દિલ્હીમાં કોંગ્રેસે સાત ટકા વોટશેર મેળવીને કેજરીવાલના વોટશેરમાં ગાબડું પાડયું ને હરિયાણાનો બદલો લીધો.
દિલ્હીમાં ગઠબંધન ન કરવાની પહેલ આમ આદમી પાર્ટીએ કરી હતી
ઈન્ડિયા ગઠબંધનના સાથીઓ આપની હારથી નિરાશ થયા છે. સૌ કોંગ્રેસને દોષ આપી રહ્યા છે. કોંગ્રેસે ગઠબંધન કર્યું હોત તો પરિણામ જુદું હોત. જોકે, કોંગ્રેસના નેતાઓ ગઠબંધન ન થયું તેનો બચાવ કરતા કહી રહ્યા છે કે લોકસભાની ચૂંટણીમાં ગઠબંધન કારગત નીવડયું નહીં એ પછી દિલ્હી વિધાનસભાની ચૂંટણી એકલા લડવાની જાહેરાત આમ આદમી પાર્ટીએ કરી હતી. બંને પાર્ટી વચ્ચે ગઠબંધનની શક્યતા તલાશવામાં આવી હતી, પરંતુ આપને ગઠબંધનમાં ખાસ રસ ન હતો. એના કારણે કોંગ્રેસે બહુ રાહ જોયા પછી પ્રચાર શરૂ કર્યો હતો.
યુપીની કુલ 10માંથી સાત બેઠકો જીતતા યોગીએ મહત્ત્વ સાબિત કર્યું
લોકસભામાં યુપીમાં કોંગ્રેસ-સપાના ગઠબંધનને મેદાન માર્યું હતું. એ પછી ભાજપ હાઈકમાન્ડમાંથી જ ઘણાં નેતાઓ યોગીને લોકસભાની હાર માટે જવાબદાર ઠેરવતા હતા. એ વખતે તો યોગીને હટાવી દેવાની અટકળો તેજ બની હતી. જોકે, લોકસભાની બેઠકો ફાળવવામાં યોગીની વાતને ધ્યાનમાં લેવામાં આવી ન હોવાથી પરિણામ મળ્યું ન હતું. એની સાબિતી એ પછી ખાલી પડેલી ૧૦ પેટાચૂંટણીના પરિણામો પરથી મળે છે. અગાઉ ૯ બેઠકોની પેટાચૂંટણી થઈ એમાંથી છ બેઠકો ભાજપને મળી હતી. બે બેઠકો સપાને અને એક ભાજપના સહયોગી આરએલડીને મળી હતી. મિલ્કીપુરની પેટાચૂંટણી બાકી હતી. એમાં પણ ભાજપને સફળતા મળી છે. જ્ઞાાતિના સમીકરણો સેટ થયા એટલે સપાના ઉમેદવાર અજીત પ્રસાદ હારી ગયા. સપાને સગાવાદ પણ નડી ગયો. અવધેશ પ્રસાદના દીકરાને જ ટિકિટ આપવાનું વલણ ભારે પડયું. પેટાચૂંટણીઓમાંથી હવે ભાજપ પાસે ગઠબંધનની એક બેઠક ગણીએ તો આઠ બેઠકો છે. આ પ્રદર્શનથી યોગીનું મહત્ત્વ ફરી વધ્યું છે.
હવે કેજરીવાલના ઈશારે ઉપરાજ્યપાલ સાથે ઘર્ષણ કરતા અધિકારીઓનું આવી બનશે
દિલ્હીમાં કેજરીવાલની નજીક ગણાતા અધિકારીઓમાં આપની હારથી ફફડાટ ફેલાઈ ગયો છે. દિલ્હીમાં ઉપરાજ્યપાલ અને આપની સરકાર વચ્ચે છેલ્લાં ૧૧ વર્ષથી કોઈને કોઈ મુદ્દે ઘર્ષણ ચાલતું હતું. કેજરીવાલના ઈશારે ઉપરાજ્યપાલ સાથે જુદા જુદા મુદ્દે ઘર્ષણ કરતા અધિકારીઓનું હવે આવી બનશે. અધિકારીઓ સવારથી જ પરિણામ પર નજર રાખીને બેઠા હતા. જેવું સત્તાપરિવર્તન થયું કે તરત જ કેન્દ્રમાં કાર્યરત સીનિયર્સ અધિકારીઓ અને બેચમેટ્સને ફોન જોડીને ઘણાં અધિકારીઓએ લોબિંગ શરૂ કરી દીધું હતું. ભાજપ દિલ્હીમાં મોટાપાયે ફેરફાર કરશે એ નક્કી છે. કેજરીવાલના નજીકના અધિકારીઓને સાઈડલાઈન કરવાનો તખ્તો નવા મુખ્યમંત્રી બનશે કે તુરંત ઘડાઈ જવાનો છે.