દિલ્હીની વાત : હરિયાણામાં કોંગ્રેસ-આપ વચ્ચેનું જોડાણ તૂટવાની અણીએ
નવીદિલ્હી : રાજકીય સૂત્રોના જણાવ્યા પ્રમાણે હરિયાણામાં આપ અને કોંગ્રેસનું જોડાણ તૂટવાની તૈયારીમાં છે. હરિયાણાની ૯૦ બેઠકોમાંથી ૫૦ બેઠકો પર આપ ઉમેદવારો ઉભા રાખશે. કોંગ્રેસ અને ભાજપના અસંતુષ્ટ નેતાઓમાંથી કેટલાક આપમાં જોડાઈ શકે એમ છે. હરિયાણા કોંગ્રેસના નેતાઓ તો પહેલેથી જ આપ સાથે જોડાણ કરવાની વિરુદ્ધમાં હતા. લોકસભાની ચૂંટણી કોંગ્રેસ અને આપએ સાથે મળીને લડી હતી. લોકસભાની ફોર્મ્યુલાને આધારે જ આપ વિધાનસભાની ચૂંટણી પણ લડવા માંગતી હતી. આપએ કોંગ્રેસ પાસેથી ૧૦ બેઠકની માંગણી કરી હતી, પરંતુ કોંગ્રેસ હાઇમાન્ડ પાંચ બેઠકથી વધુ આપવા તૈયાર નહોતું. બીજી તરફ કોંગ્રેસ પોતાના ઉમેદવારોને પણ નારાજ કરવા માંગતી નહીં હોવાથી આપ - કોંગ્રેસ વચ્ચેનું જોડાણ શક્ય બન્યું નથી.
ભાજપના નારાજ નેતાએ સીએમ સૈનીનો હાથ તરછોડી દીધો
હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના સિનિયર નેતાઓ બળવાખોર બની ગયા છે. આ વાતનો પુરાવો આપતા હોય એવા સેંકડો વિડિયો હરિયાણામાં વાયરલ થઈ રહ્યા છે. હરિયાણા ઓબીસી મોરચાના નેતા અને પૂર્વ મંત્રી કરણ દેવ કંબોજ એક કાર્યક્રમમાં મુખ્યમંત્રી સૈની સાથે હાજર હતા. હાજર રહેલા બીજા નેતાઓ સાથે હાથ મેળવ્યા પછી મુખ્યમંત્રીએ પોતાનો હાથ કંબોજ તરફ લંબાવ્યો. જોકે નારાજ થયેલા કંબોજે સામે હાથ આપ્યો નહીં અને નજર ફેરવી લીધી. કંબોજના મોઢા પર મુખ્યમંત્રી માટેનો ગુસ્સો ચોખ્ખો દેખાતો હતો. હરિયાણા ભાજપના ટોચના નેતાઓ ખુદ આ વિડિયો વાયરલ કરી રહ્યા છે.
મણિપુરમાં ડ્રોન પછી રોકેટથી હુમલા : સરકારના આંખ આડા કાન
એમ લાગે છે કે ભાજપની કેન્દ્ર સરકારે મણિપુર બાબતે હાથ ધોઈ નાંખ્યા છે. ભાજપના ટોચના નેતાઓ મણિપુરમાં બનતી ઘટનાઓ બાબતે આંખ આડા કાન કરી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી મણિપુરની હાલત ફરીથી બગડી રહી છે. ઉગ્રવાદીઓએ પૂર્વ મુખ્યમંત્રી મેરેમ્બમના રહેઠાણ પર રોકેટથી હુમલા કર્યા હતા. જોકે રોકેટ નિશાન ચૂકી ગયું અને ઘરથી થોડે દુર જઈને પડયું હતું. છેલ્લા ૧૭ મહિનામાં પહેલી વખત ઉગ્રવાદીઓએ રોકેટથી હુમલો કર્યો છે. મણિપુરમાં છેલ્લા કેટલાક દિવસોથી સ્કૂલ અને કોલેજો બંધ છે. ઉગ્રવાદીઓ રોકેટ ઉપરાંત ડ્રોનથી પણ હુમલા કરી રહ્યા છે. વડાપ્રધાન અને એમના સાથીઓ વિદેશ નીતિ પર જેટલું ધ્યાન આપે છે એટલું ધ્યાન મણિપુરની ઘટનાઓ પર આપે તો કદાચ મણિપુરમાં શાંતિ સ્થપાઈ શકે.
હરિદ્વારમાં અંડરવર્લ્ડ ડોનને અખાડાનો સંત બનાવતા વિવાદ
ઉત્તરાખંડની અનમોડા જેલમાં કેદ કુખ્યાત ગેંગસ્ટર પ્રકાશ પાંડે ઉર્ફે પીપીને શ્રીપંચદસનામા જુના અખાડાના મહંત બનાવીને એમને ગુરુદીક્ષા આપવાનો નિર્ણય ભારે વિવાદાસ્પદ બન્યો છે. સોશિયલ મીડિયામાં આ સમાચાર વાયરલ થતાં જુના અખાડાના આંતરરાષ્ટ્રીય પ્રમુખ શ્રી મહંત હરીગીરી મહારાજે આ બાબતે તપાસ કરવાનો નિર્ણય લીધો છે. ગેંગસ્ટરને કોણે સંત બનાવ્યો એની તપાસ સાત સભ્યોની કમીટી કરશે. પ્રકાશ પાંડે, છોટા રાજન ગેંગનો ખાસ ગણાતો હતો. હત્યા કેસમાં પ્રકાશ પાંડેને આજીવન કેદની સજા થઈ છે. ગયા વર્ષે પ્રકાશ પાંડેને પૌવડી જેલમાંથી અલમોડા જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. મહંત બનાવવા ઉપરાંત પાંડેને કેટલાક મંદિરોના મુખ્ય મહંત પણ બનાવવામાં આવ્યો છે.
કેન્દ્ર સરકાર મને ચૂપ કરાવવા માંગે છે : ઉમર અબ્દુલ્લા
નેશનલ કોન્ફરન્સના ઉપપ્રમુખ ઉમર અબ્દુલ્લાએ કેન્દ્રની ભાજપ સરકાર સામે આક્ષેપ કરતા કહ્યું છે કે, સરકાર એમને ચૂપ કરવાનો પ્રયત્ન કરી રહી છે. વિધાનસભાની ચૂંટણીમાં એમની સામે અપક્ષ ઉમેદવાર ઉતારવામાં આવી રહ્યો છે. લોકસભાની ચૂંટણીમાં પણ બારામુલ્લા બેઠક પરથી એમની સામે એન્જીનિયર રસીદને અપક્ષ તરીકે ઉભા રાખવા પાછળ ભાજપનો હાથ હતો. રસીદે જેલમાંથી સંદેશો રેકોર્ડ કરીને મતદારો સુધી પહોંચાડયો હતો, એને માટે પણ ભાજપ જ જવાબદાર હતો. ઉમર અબ્દુલ્લા કાશ્મીર વિધાનસભાની ચૂંટણી ગાંદરબલ બેઠક પરથી લડી રહ્યા છે. હવે ગાંદરબલ બેઠક પર પણ ભાજપએ જેલમાં રહેલા સરજન બરકતીને અપક્ષ ઉમેદવાર તરીકે ઉભો રખાવ્યો છે. એમ લાગે છે કે જેલમાં રહેલા ઉગ્રવાદી તત્વો માટે ભાજપને ખાસ લાગણી છે.
હરિયાણામાં કોંગ્રેસ ઉમેદવાર વિનેશ ફોગાટનો પહેલેથી જ ફાઇટર મિજાજ
હરિયાણામાં જુલાના બેઠક પરથી વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસ તરફથી પહેલવાન વિનેશ ફોગાટને ટિકિટ મળી છે. હરિયાણામાં વિનેશ ફોગાટની લોકપ્રિયતા ઘણી છે. વિનેશ ફોગાટના સસરા પણ રાજકારણમાં રહી ચૂક્યા છે. વિનેશના સસરા રાજપાલ રાઠી પહેલાં ભારતીય લશ્કરમાં હતા. તેઓ ૨૦૦૦થી ૨૦૦૫ સુધી ગામના સરપંચ પણ રહ્યા હતા. વિનેશનું વતન હરિયાણાનું ચરખી દાદરી જિલ્લો છે. વિનેશ ફોગાટની જીત નક્કી મનાય છે, કારણ કે વિનેશની સામે ટક્કર લઈ શકે એવા કોઈ ઉમેદવાર ભાજપ પાસે નથી. વિનેશ ખૂબ નાના હતા ત્યારે એના કાકા મહાવિરસિંહ ફોગાટએ વિનેશને તાલીમ આપી હતી. વિનેશે કુસ્તી લડવાની શરૂઆત કરી ત્યારે ગામવાસીઓએ ખૂબ વિરોધ કર્યો હતો, કારણ કે કુસ્તી પુરુષોની રમત મનાતી હતી. આમ છતા વિનેશે નમ્યા વગર કુસ્તીની રમતમાં મેડલો જીતવાનું ચાલુ રાખ્યું હતું. હવે આજ વિનેશ ભાજપના ઉમેદવારને પણ ફાઇટ આપશે.
અમાનતુલ્લાહની ધરપકડ મામલે આપે ભાજપ કાર્યાલયને ઘેરી લીધું
આપના ધારાસભ્ય અમાનતુલ્લાહ ખાનની ધરપકડ થયા પછી હવે દિલ્હીમાં આપએ આક્રમક થવાની નિતિ અપનાવી છે. આપનું કહેવું છે કે, ભાજપ સરકાર ઇડી-સીબીઆઇનો દુરઉપયોગ કરી રહી છે. અમાનતુલ્લાહની ધરપકડ ભાજપનું કાવતરું છે. હાથમાં પોસ્ટર સાથે આપના હજારો કાર્યકરો ભાજપની ઓફિસે પહોંચી ગયા હતા અને સૂત્રોચ્ચાર કર્યા હતા. ઇડીની દલીલ છે કે અમાનતુલ્લાહે એજન્સીને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કર્યો હતો. દિલ્હીમાં થતી ચર્ચા પ્રમાણે ડરી ગયેલો ભાજપ આમ આદમી પાર્ટીના ટોચની હરોળના નેતાઓને માનસીક રીતે તોડી નાખવા જેલમાં મોકલી રહ્યો છે.
રશિયા-યુક્રેન યુદ્ધમાં લવાદી બને તો ભારત ચારેબાજુથી ઘેરાઈ જાય
રશિયન પ્રમુખ પુતિને એક ચર્ચાસ્પદ નિવેદન આપ્યું કે રશિયા-યુક્રેન યુદ્ધમાં ભારત-ચીન અને બ્રાઝિલ મધ્યસ્થી કરી શકે છે. આ ત્રણેય દેશો બ્રિક્સ સંગઠનનો હિસ્સો છે. પુતિન જાણે છે કે બ્રિક્સના આ દેશોની વાત અમેરિકા પ્રેરિત નાટો ક્યારેય માનવાનું નથી. લવાદ બનવા માટે ભારત-ચીન-બ્રાઝિલ તૈયાર થાય તો એમાં ચીનને અમેરિકાની નારાજગીની કોઈ પડી નથી. પરંતુ ભારત-બ્રાઝિલને અમેરિકા સાથે ઘર્ષણ થઈ શકે. કારણ કે અમેરિકા સમક્ષ રશિયાનો પક્ષ રાખવાનું કપરું છે. અમેરિકા ક્યારેય રશિયાની શરતો માને નહીં. ભારત અમેરિકા સામે અળખામણું થાય ને દ્વિપક્ષીય સંબંધો બગડે તો રશિયાને ફાયદો જ છે. ભારતની રશિયા તરફની નિર્ભરતા વધે અને ડિફેન્સથી લઈને વેપારના સોદા રશિયા સાથે વધે. ચીન પણ એવું જ ઈચ્છે છે કે ભારત રશિયાના કહ્યામાં રહે તો વાયા પોતાનું ધાર્યું કરાવી શકાશે.
શિંદે અને અજીત પવાર વચ્ચે તીવ્ર મતભેદોથી ગઠબંધનમાં ભડકો
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી શિંદે અને ઉપમુખ્યમંત્રી અજીત પવાર વચ્ચે તીવ્ર મતભેદો સપાટી પર આવ્યા છે અને એના કારણે એનડીએ ગઠબંધનમાં ભડકો થયો છે. શિંદેની શિવસેના અને અજીત પવારની એનસીપી વચ્ચે પોસ્ટર વોર શરૂ થઈ છે. બંનેના સમર્થકો પોસ્ટર્સ લગાવીને એકબીજાની ટીકા કરી રહ્યા છે. આ પોસ્ટર વોરની શરૂઆત અજીત પવારે કરી હતી. લાડકી બહેન યોજના હેઠળ બહેનોને જે સરકારી સહાય મળે છે એના એક કાર્યક્રમમાં શિંદેએ મુખ્યમંત્રીનું નામ કાઢી નાખ્યું હતું. પોસ્ટરમાં મુખ્યમંત્રી લાડકી બહેન નામને બદલે માત્ર લાડકી બહેન યોજના નામ રાખ્યું તેનાથી શિંદે જૂથના નેતાઓ અકળાયા હતા અને ખુલીને ટીકામાં ઉતરી આવ્યા હતા. દેવેન્દ્ર ફડનવીસે બંને વચ્ચે સુલેહ કરાવવાની કવાયત હાથ ધરી છે.
કેન્દ્રીય મંત્રીઓ સંઘ સંલગ્ન સંગઠનો સાથે સંકલન કરતા નથી
રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના અન્ય સંગઠનો ભાજપથી નારાજ છે. સંઘ અને ભાજપ વચ્ચે કેટલાય સમયથી આંતરિક અસંતોષ અને સંઘર્ષ ચાલી રહ્યો છે. એ દરમિયાન કેરળમાં સંઘની અખિલ ભારતીય સમન્વય બેઠક યોજાઈ હતી. એમાં ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડા હાજર રહ્યા હતા. બેઠક દરમિયાન સંઘ સંલગ્ન તમામ સંગઠનોના વડાઓએ નડ્ડા સાથે મુલાકાત કરી હતી અને નડ્ડાને ફરિયાદ કરી હતી કે કેન્દ્રના મંત્રીઓ સંઘના અન્ય સંગઠનો સાથે સંકલન કરતા નથી. તેમની વાત સાંભળતા નથી. નડ્ડાએ તેમને યોગ્ય રસ્તો કાઢવાની ખાતરી આપી હતી. નડ્ડાને ભાજપ-સંઘ વચ્ચે સંબંધો પૂર્વવત્ કરવાની જવાબદારી સોંપવામાં આવી છે.
નીતિશ કુછ ઝ્યાદા હી બદનામ હો ગયે હૈ : કેસી ત્યાગી
નીતિશ કુમારની પાર્ટી જનતા દળ (યુ) અને ભાજપ વચ્ચે ગઠબંધન થયું ત્યારથી જદયુમાં અસંતોષ છે. ઘણાં નેતાઓ નીતિશ કુમાર સામે ભાજપના ઈશારે નિર્ણયો લેતા હોવાનો આરોપ મૂકી રહ્યા છે. ઘણાં માને છે કે પાર્ટી હવે પહેલા જેવી રહી નથી. પાર્ટીએ મૂળભૂત વિચારધારા સાથે બાંધછોડ શરૂ કરી છે. એવા નેતાઓમાં એક નેતા કેસી ત્યાગી છે. જદયુના સિનિયર નેતા કેસી ત્યાગીએ મુખ્ય પ્રવક્તા પદેથી રાજીનામું આપી દીધું પછી પહેલી વખત નીતિશ કુમાર પર આરોપ લગાવતા કહ્યું હતું કે હવે નીતિશ બાબુ પહેલા જેવા રહ્યા નથી. જાતિ આધારિત વસતિ ગણતરીના પાર્ટીના નિર્ધારથી નીતિશ પીછેહઠ કરી રહ્યા છે. ત્યાગી બિહારી લહેકામાં કહ્યું હતું: નીતિશ થોડે ઝ્યાદા હી બદનામ હો ગયે હૈ.
- ઈન્દર સાહની