દિલ્હીની વાત : આંધ્રના નાનકડા ગામે રિપબ્લિકન પાર્ટીના જીતની ખુશી કેમ મનાવી
નવીદિલ્હી : અમેરિકાની ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીના જીતની ખુશી અમેરિકામાં મનાવાય એ સ્વાભાવીક છે, પરંતુ આંધ્રપ્રદેશના એક નાનકડા ગામ વડલુરૂના લોકો પણ રિપબ્લિકન પાર્ટીના જીતની ખુશી મનાવી રહ્યા છે. આ ગામના લોકોને ખબર પડી ગઈ છે કે ગામની દિકરી અમેરિકાની 'સેકન્ડ લેડી' બનવાના છે. મતલબ કે અમેરિકાના હવેના ઉપરાષ્ટ્રપતિ જેડી વૈન્સના પત્ની ઉષા ચીરુકરી વૈન્સ ભારતમૂળના છે. વડલુરૂના લોકોના કહેવા પ્રમાણે ઉષા, ભારતીય સંસ્કૃતિ અને મૂલ્યોમાં શ્રદ્ધા ધરાવે છે. ઉષાના દાદીમા શાંતમ્મા હજી ગામમાં જ રહે છે. ૩૮ વર્ષના ઉષા વૈન્સનો જન્મ અને ઉછેર અમેરિકાના સૈનડીએગો ખાતે થયો છે. રિપબ્લિકન પક્ષની જીત થાય એ માટે વડલુરૂના લોકોએ મંદિરમાં પ્રાર્ર્થના પણ કરી હતી.
એક જમાનામાં ભાજપનું ગઢ ગણાતા થાણેમાં ભાજપ સામે અનેક મુશ્કેલી
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેનું કર્મક્ષેત્ર થાણે એક જમાનામાં ભાજપનો ગઢ ગણાતું હતું. જોકે આવનાર વિધાનસભા ચૂંટણીમાં થાણે ભાજપ માટે માથાનો દુખાવો બની ગયું છે. થાણે જિલ્લામાં ભાજપના સૌથી વધુ ધારાસભ્યો છે. કોર્પોરેશનથી માંડીને ગ્રામપંચાયતો પર પણ ભાજપનો કબજો છે. વિધાનસભાની ચૂંટણી લડવા માટે આતુર ભાજપના નેતાઓ મોટી સંખ્યામાં બળવાખોર બની ગયા છે. થાણે જિલ્લામાં વિધાનસભાની કુલ ૧૮ બેઠકો છે. વિધાનસભાની છેલ્લી ચૂંટણીમાં ભાજપએ ૮ બેઠકો પર જીત મેળવી હતી. આ વખતે થાણેમાં ભાજપના ૯, શિવસેના (એકનાથ શિંદે)ના ૭, એનસીપી (અજીત પવાર)ના ૨ ઉમેદવારો વિધાનસભાની ચૂંટણી લડી રહ્યા છે. શિવસેના (એકનાથ શિંદે)ના ત્રણ બળવાખોર ઉમેદવારો ભાજપના ઉમેદવારો સામે ચૂંટણી લડી રહ્યા છે. કલ્યાણ પૂર્વની બેઠક પર સુલભા ગાયકવાડ ભાજપના ઉમેદવાર છે, જ્યાં મુખ્યમંત્રી શિંદેના નજીક ગણાતા શહેર પ્રમુખ મહેશ ગાયકવાડે બળવો કરીને ઉમેદવારી નોંધાવી છે.
એકનાથ શિંદેએ ભાજપ હાઇકમાન્ડને ફરિયાદ કેમ કરવી પડી
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે મહાયુતિ ગઠબંધન પર સંકટ તોળાઈ રહ્યું છે. મહારાષ્ટ્રના સ્થાનિક ભાજપ નેતાઓથી કંટાળેલા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ ભાજપના ટોચના નેતાઓને ફરિયાદ કરી છે. શિંદેનું માનવું છે કે મહારાષ્ટ્ર ભાજપના નેતાઓ શિવસેના (એકનાથ શિંદે)ના ઉમેદવારો વિરૂદ્ધ કામ કરી રહ્યા છે. માહીમ વિધાનસભા ક્ષેત્રમાં રાજ ઠાકરેના પુત્ર અમિત ઠાકરેને ભાજપ ટેકો આપી રહ્યો હોવાથી શિંદે નારાજ થઈ ગયા છે. મુંબઈ ભાજપના અધ્યક્ષ આશિષ શેલાર આડકતરી રીતે મનસેના ઉમેદવાર અમિત ઠાકરેનું કામ કરી રહ્યા હતા. ભાજપ હાઇકમાન્ડે શેલારને ઠપકો આપ્યા પછી હવે શેલાર ઠંડા પડી ગયા છે.
પશ્ચિમ બંગાળમાં મંત્રી અને ભાજપના નેતા વચ્ચે જામી પડી
પશ્ચિમ બંગાળના મંત્રી તિરહાદ હકીમ અને ભાજપના નેતા રેખા પાત્ર વચ્ચે શાબ્દિક તડાફડી થઈ ગઈ છે. તૃણમુલ કોંગ્રેસના મંત્રી હકીમે રેખા પાત્ર માટે 'માલ' શબ્દનો ઉપયોગ કર્યો હતો. હકીમનો વિડિયો વાયરલ થયા પછી સોશિયલ મીડિયા પર રેખા પાત્રએ હકીમને આડે હાથ લીધા હતા. બીજી તરફ પશ્ચિમ બંગાળ વિરોધ પક્ષના નેતા શુભેંદુ અધિકારીએ આ મામલે મંત્રી સામે કેસ કરવાની ધમકી આપી છે. રેખા પાત્રનું અપમાન થયું હોવાની વાત તો બરાબર છે, પરંતુ ઘણાને નવાઈ એ લાગે છે કે, તિરહાદ હકીમે નરેન્દ્ર મોદીને 'દાઢીવાળા' કહ્યા એ બાબતે પણ બંગાળ ભાજપના નેતાઓ નારાજ થઈ ગયા. નરેન્દ્ર મોદી દાઢી રાખે છે અને એમને દાઢીવાળા કહેવામાં ખોટુ શું છે એવી નુકતેચીની પણ કેટલાક કરી રહ્યા છે.
કમલા હેરીસની હારને કારણે એમના વતનમાં સન્નાટો
અમેરિકાની ચૂંટણીમાં કમલા હેરીસ, ડોનાલ્ડ ટ્રમ્પની સામે હારી ગયા છે. કમલા હેરીસના ગામ થૂલાસેન્દ્રપુરમના લોકો આ કારણે દુઃખી થઈ ગયા છે. હેરીસની જીત માટે થૂલાસેન્દ્રપુરમના લોકોએ યજ્ઞા પણ કરાવ્યો હતો. અમેરિકાની ચૂંટણીના પરિણામ આવી રહ્યા હતા ત્યારે ગામના લોકો ટીવી સામે ગોઠવાઈ ગયા હતા. હેરીસની હારના સમાચાર મળતા જ ગામમાં સન્નાટો છવાઈ ગયો હતો. ગામના લોકોએ તો ફટાકડા અને મિઠાઈ પણ તૈયાર રાખ્યા હતા. ગામના મંદીરમાં સામૂહિક ભોજનની તૈયારી પણ થઈ ગઈ હતી. જોકે ગામના લોકો કહી રહ્યા છે કે, કમલા હેરીસ ફક્તા ૬૦ વર્ષની ઉંમરના છે, તેઓ યૌદ્ધા છે અને ફરીથી પાછા ફરશે.
ભડકાઉ ભાષણ આપવા માટે મિથુન ચક્રવર્તી સામે કેસ દાખલ
ભડકાઉ ભાષણ આપવા માટે પશ્ચિમ બંગાળની પોલીસે ભાજપના નેતા અને એક જમાનાના ફિલ્મ સ્ટાર મિથુન ચક્રવર્તી સામે કેસ દાખલ કર્યો છે. મિથુન ચક્રવર્તીએ ૨૭મી ઓક્ટોબરે ઉત્તર પરગણા જિલ્લામાં એક ભાષણ આપ્યું હતું. આ ભાષણમાં મિથુને ઉંચા અવાજમા કહ્યું હતું કે, આપણે એવા કાર્યકરોની જરૂર છે જે સામી છાતીએ કહે કે માર, તારી પાસે જેટલી ગોળીઓ છે એ ચલાવ. ૨૦૨૬માં અમે પશ્ચિમ બંગાળમાં સરકાર બનાવીશું જ. હવે આ બાબતે પોલીસે મિથુન ચક્રવર્તી સામે ફરિયાદ દાખલ કરીને તપાસ શરૂ કરી છે. મિથુન ચક્રવર્તીએ આ ભાષણ આપ્યું ત્યારે સ્ટેજ પર એમની સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર હતા.
બટેંગે... વાળા યોગીના નિવેદન પછી સપાનું પોસ્ટર યુદ્ધ
ઉત્તર પ્રદેશમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે 'બટેંગે તો કટેંગે'નું સૂત્ર જાણીતું કર્યા પછી હવે સમાજવાદી પાર્ટીએ પણ સામે પોસ્ટર યુદ્ધ શરૂ કર્યું છે. અખિલેશ યાદવના રાજકીય સલાહકારે જાતભાતના સૂત્રો લખેલા પોસ્ટરો બનાવ્યા છે. સપાની ઓફિસ બહાર એક પોસ્ટર લગાડવામાં આવ્યું છે. આ પોસ્ટરમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને સપાના પ્રમુખ અખિલેશ યાદવની તસવીર છે. પોસ્ટરમાં નીચે લખવામાં આવ્યું છે કે, 'અગર બટેંગે તો એક સિલેન્ડર ૧૨૦૦ રૂપિયેમેં મિલેગા ઔર એક રહેંગે તો ૪૦૦ રૂપિયેમેં મિલેગા.' કોંગ્રેસના નેતા અજીતકુમાર મૌર્ર્યાએ આ પોસ્ટર વહેંચ્યા છે. મુખ્યમંત્રી યોગીએ જ્યારે બટેંગે તો કટેંગેનો નારો આપ્યો હતો ત્યારે સપાએ સામે કહ્યું હતું કે, 'ન બટેંગે ન કટેંગે ટીડીએ સંગ રહેગે.' ટીડીએનો મતલબ પછાત, દલિત અને અલ્પસંખ્યકો થાય છે.