દિલ્હીની વાત : દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં જંગપુરા બેઠક વધુ ચર્ચામાં
નવીદિલ્હી : દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં સૌથી પહેલા તૈયારી આમ આદમી પાર્ટીએ કરી હતી. આપે તમામ ૭૦ બેઠકો પરના ઉમેદવારોના નામ પણ જાહેર કરી દીધા છે. વિધાનસભાની તમામ બેઠકોમાંથી જંગપુરા વિધાનસભાની બેઠકની ચર્ચા વધુ થઈ રહી છે. આ બેઠક પરથી આપના ભૂતપૂર્વ ઉપમુખ્યમંત્રી મનિષ સિસોદિયા ચૂંટણી લડી રહ્યા છે. જંગપુરા બેઠક આપનો ગઢ મનાય છે. એક જમાનામાં આ બેઠક કોંગ્રેસનો ગઢ મનાતી હતી. લાંબા સમય સુધી જેલમાં રહ્યા પછી મનિષ સિસોદિયા આ બેઠક પરથી જીતી શકશે કે નહીં એ બાબતે દિલ્હીમાં ચર્ચા થઈ રહી છે. છેલ્લી ચૂંટણીમાં સિસોદિયા પટપડગંજ મતવિસ્તારમાંથી ચૂંટણી લડયા હતા. જોકે આ વખતે પટપડગંજની ટિકિટ શિક્ષણશાસ્ત્રી અવધ ઓઝાને આપવામાં આવી છે.
દિલ્હીમાં કોંગ્રેસ ઓફિસનું સરનામું ફરીથી બદલાશે
કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓ હમણા ૨૪ અક્બર રોડ સ્થિત કોંગ્રેસ ઓફિસમાં બેસે છે. હવે કોંગ્રેસ પોતાની મુખ્ય ઓફિસ ૯-એ, કોટલા રોડ પર લઈ જશે. કોંગ્રેસની નવી ઓફિસનું નામ ઇન્દીરા ભવન રાખવામાં આવ્યું છે. કોંગ્રેસ ઓફિસ માટે બનાવવામાં આવેલું મકાન ૭ માળનું છે. આ મકાનમાં પક્ષની ઓફિસ સિવાય કોંગ્રેસના બીજા વિભાગોની ઓફિસ પણ હશે. સેવાદળ તેમ જ યુથ કોંગ્રેસની ઓફિસ પણ હવે અહીં જ શિફ્ટ થશે. કોંગ્રેસના આ નવા કાર્યાલયમાં એક મ્યુઝિયમ હશે જેમાં ભારતની વાસ્તુકલા દર્શાવવામાં આવશે. આ મ્યુઝિયમમાં પક્ષના ઇતિહાસથી માંડીને વર્તમાન સમય સુધીની સફર બતાવવામાં આવશે.
અજીત પવારના નિવેદન બાબતે મહાયુતિમાં કચવાટ
મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી અજીત પવાર બફાટ કરવા માટે જાણીતા છે. પાણીની તંગી બાબતે થોડા વર્ષો પહેલા એમણે એક જાહેરસભામાં કહ્યું હતું કે પાણીની તંગી છે તો શું હું તળાવોમાં પેશાબ કરવા જાઉં? હવે એમણે બારામતિની એક જનસભામાં એવું કહ્યું કે, તમે મને ચૂંટીને મોકલ્યો છે એનો મતલબ એ નથી કે હું તમારો નોકર બની ગયો છું. તમે મને મત આપ્યો એના ેમતલબ એ નથી કે તમે મારા માલિક છો. અજીત પવારના આ સંબોધનનો વિડિયો મહારાષ્ટ્રમાં ખૂબ વાયરલ થયો છે અને સોશિયલ મીડિયા પર અજીત પવારની ભારે ધૂલાઈ થઈ રહી છે. મહાયુતિ સરકારના સાથી પક્ષ ભાજપ અને શિવસેના (એકનાથ શિંદે)ના નેતાઓએ પણ ખાનગીમાં અજીત પવારના આ નિવેદનની ટીકા કરીને કોઈ ટીપ્પણી કરવાનું ટાળ્યું છે.
ફડણવીસ સરકારના પ્રધાને જ લાડલી બહન યોજના પર શંકા વ્યક્ત કરી
મહારાષ્ટ્રમાં મહાયુતિ સરકારની જીત માટે મહિલાઓ માટેની લાડલી બહન યોજનાનો ફાળો મોટો રહ્યો હતો. હવે મહારાષ્ટ્રના કૃષિમંત્રી માણીકરાવ કોકાટેએ ઉલટી બંદૂક ફોડી છે. માણીકરાવે કહ્યું છે કે, લાડલી બહન યોજનાને કારણે રાજ્યની તિજોરી પર બોજો વધી રહ્યો છે. આ યોજનાને કારણે ખેડૂતોના દેવાની માફી યોજના લાગુ કરી શકાતી નથી. લાડલી બહન યોજનાને કારણે રાજ્યની નાણાકીય સ્થિતિ ડામાડોળ થઈ ગઈ છે. અમે હવે પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ અને રાજ્યની નાણાકીય કટોકટી ઓછી થાય એટલે ખેડૂતોના દેવા માફીની યોજનાનો અમલ કરી શકાશે. માણીકરાવ કોકાટેની આ બયાનબાજીથી ફડણવીસ પણ ચોંકી ગયા છે.
વિશ્વની અબજોપતિ મહિલાઓ મહાકુંભમાં ડુબકી મારશે
પ્રયાગરાજમાં યોજાઈ રહેલા મહાકુંભ મેળામાં વિશ્વભરના શ્રદ્ધાળુઓ આવવાના છે. ફક્ત દેશના મહિલા શ્રદ્ધાળુઓ જ નહીં વિદેશમાંથી પણ લાખોની સંખ્યામાં મહિલાઓ મહાકુંભની મુલાકાત લેશે. વિશ્વની અબજોપતિ મહિલાઓના ઉતારા માટે મહાકુંભના કેમ્પસમાં મહારાજા ડિલક્સ સિવાય અત્યાધુનિક કોટેજીસ પણ બનાવવામાં આવ્યા છે. એપલના મહિલા માલિક લોરેન પોવેલ જોબ્સ માટે પણ રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. લોરેન પોવેલ જોબ્સ પોષી પૂર્ણિમાએ નદીમાં ડુબકી મારશે. આ સિવાય બીજી હિન્દુ પરંપરા પ્રમાણે પૂજા-અર્ચના કરશે. લોરેનના રહેવાની વ્યવસ્થા નિરંજની અખાડાના આચાર્ય મહામંડલેશ્વર સ્વામી કૈલાસાનંદની શિબિરમાં કરવામાં આવી છે. સનાતન ધર્મને સમજવા માટે લોરેન ૨૯ જાન્યુઆરી સુધી મહાકુંભ મેળાના સ્થળે રહેશે. આ સિવાય ઇન્ફોસિસના સુધામૂર્તિ તેમ જ ઓપી જીન્દાલ સમૂહના ચેરપર્સન રહી ચૂકેલા સાવિત્રી દેવી જીન્દાલ પણ મહાકુંભમાં આવશે.
અતુલ સુભાષ કેસમાં હાઇકોર્ટે એફઆઇઆર રદ કરવાની માંગ નકારી
અતુલ સુભાષના કેસ બાબતે કર્ણાટક હાઇકોર્ટે એક અગત્યનો ચૂકાદો આપ્યો છે. નિકીતા અને તેના કુટુંબી તરફથી એમની સામે થયેલી એફઆઇઆર રદ કરવા માટે હાઇકોર્ટમાં દાદ માગવામાં આવી હતી. જોકે કોર્ટે આ અરજી ફગાવતા એમ કહ્યું હતું કે, અતુલને આત્મહત્યા કરવા માટે ફરજ પાડવાના આક્ષેપોમાં તથ્ય હોવાનું લાગી રહ્યું છે. કર્ણાટક હાઇકોર્ટના ન્યાયાધીશ એસઆર કૃષ્ણકુમારએ આ અરજીની સુનાવણી દરમિયાન કહ્યું હતું કે, આત્મહત્યા બાબતના તથ્ય બહાર આવી ચૂક્યા છે અને એફઆઇઆર રદ કરવા માટેનું કોઈ કારણ નથી. થયેલી ફરિયાદમાં જ બધી બાબતો સ્પષ્ટ થઈ ગઈ છે.
બાબા સિદ્દીકી હત્યાકાંડમાં 4,590 પાનાની ચાર્જશીટ દાખલ થઈ
બાબા સિદ્દીકીની હત્યા મામલે મુંબઈ પોલીસે ૪,૫૯૦ પાનાની ચાર્જશીટ દાખલ કરી છે. ચાર્જશીટમાં ઘણા ચોકાવનારા તથ્યો છે. પોલીસના કહેવા પ્રમાણે મુખ્ય ટાર્ગેટ ફિલ્મસ્ટાર સલમાન ખાન હતા. સલમાન ખાન સુધી હત્યારાઓ પહોંચી શકે એમ નહીં હોવાથી સિદ્દીકીને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા. બાબા સિદ્દીકીને દાઉદ ઇબ્રાહીમ સાથેના સંબંધો હોવાનું એક કારણ હત્યા માટે હતું. એ સિવાય મુંબઈ પોલીસ કસ્ટડીમાં અનુજ થાપનનું શંકાસ્પદ મૃત્યુ થયું હતું એનો બદલો પણ બિશ્નોય ગેંગે લેવો હતો. ચાર્જશીટમાં ૨૬ આરોપીઓના નામ છે અને ૨૧૦ લોકોના નિવેદન લેવામાં આવ્યા છે.
મધ્યપ્રદેશના સીએમ મોહન યાદવે ત્રણ ગામના નામ બદલ્યા
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે ત્રણ ગ્રામ પંચાયતના નામ બદલી નાખતા રાજકીય ચર્ચા જામી છે. મોહન યાદવે પોતાના હોમ ડિસ્ટ્રિક્ટ ઉજ્જૈનના ત્રણ ગામડાંના નામમાં ફેરફાર કર્યો છે. બડનગર કસબામાં આવતી મોલાના પંચાયતનું નવું નામ વિક્રમ નગર રાખ્યું છે. ગજનીખેડી ગામનું નામ બદલીને મુખ્યમંત્રીએ ચામુંડા માતા નગર રાખ્યું ને જહાઁગીરપુરનું નવું નામ જગદીશપુર રાખવામાં આવ્યું છે. આ મામલે કોંગ્રેસે કટાક્ષ કર્યો હતો કે સીએમ સંઘની વિચારધારાને આગળ કરી રહ્યા છે. એક કાર્યક્રમમાં હાજર રહેલા સીએમે એમ કહીને નામ બદલ્યા હતા કે એ નામ અટકતા હતા. એટલે કે આ નામ બોલવામાં બરાબર નથી અથવા તો ખટકે છે.
યુએઈના પ્રમુખ શેખ મોહમ્મદ બિન જાયદે પાકિસ્તાનનું નાક વાઢ્યું
કોઈ દેશના વડા અન્ય દેશમાં જાય તો સાથે સુરક્ષા અધિકારીઓ સાથે રાખે છે, પરંતુ જે દેશમાં જાય એની સુરક્ષા એજન્સીઓ જ તેમની સુરક્ષા કરે છે. યુએઈના પ્રમુખ શેખ મોહમ્મદ બિન જાયદ અને ઉપપ્રમુખ શેખ મંસૂર બિન જાયદ પાકિસ્તાનની મુલાકાતે આવ્યા. સાથે સુરક્ષા અધિકારીઓને નહીં, સૈન્યના અધિકારીઓને સુરક્ષા માટે લઈ આવ્યા. પાકિસ્તાન સરકાર જે સુરક્ષા આપે એના પર યુએઈની સરકારને ભરોસો ન હતો. આ ઘટના પછી પાકિસ્તાનની શાહબાઝ શરીફની સરકારની પાકિસ્તાનના સોશિયલ મીડિયામાં જ ટીકા થઈ હતી.
દિલ્હીમાં કોંગ્રેસ દિશાહિન: લોકલ નેતાઓનો સૂર હાઈકમાન્ડથી જુદો
દિલ્હીની ચૂંટણીની જાહેરાત ટૂંક સમયમાં થશે. તે પહેલાં ભાજપ અને આમ આદમી પાર્ટીએ તો પૂરજોશમાં પ્રચાર શરૂ કરી દીધો છે, પરંતુ કોંગ્રેસ હજુય અવઢવની સ્થિતિમાં છે. કોંગ્રેસ હાઈકમાન્ડ આક્રમક પ્રચાર કરીને આપનો ખેલ બગાડવાના પક્ષમાં નથી. હાઈકમાન્ડ, ખાસ તો રાહુલ ગાંધી માને છે કે વિપક્ષોની લડાઈ ભાજપ સામે છે. જો અંદરો અંદર લડીશું તો ભાજપ ફાવી જશે. તેની સામે સ્થાનિક નેતાઓને કેજરીવાલથી જબરી ચીડ છે. સ્થાનિક નેતાઓ કેજરીવાલને ભાજપની સ્ટાઈલમાં એન્ટી નેશનલ સુદ્ધાં કહે છે. કોંગ્રેસ હજુ સુધી દિલ્હીમાં દિશાવિહીન જણાય છે.
ઈન્ડિયા ગેટનું નામ બદલવા ભાજપે લઘુમતી મોરચાના પ્રમુખને આગળ કર્યા
ભાજપના લઘુમતી મોરચાના પ્રમુખ જમાલ સિદ્દીકીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને રજૂઆત કરી છે કે ઈન્ડિયા ગેટનું નામ બદલીને ભારત માતા દ્વાર કરવામાં આવે. ઈન્ડિયા ગેટ ભારતીય નામ નથી એટલે ભારતીય સંસ્કૃતિ પ્રમાણેનું નામ રાખવાની માગણી ઉઠી છે. રસપ્રદ બાબત એ છે કે આ માગણી કોઈ સાંસ્કૃતિક સંગઠને કે હિન્દુવાદી સંગઠને નથી કરી. ભાજપના લઘુમતી મોરચાના પ્રમુખ મારફતે કરાવવામાં આવી છે. સિદ્દીકીના પત્રમાં કહેવાયું છે કે મોદીના કાર્યકાળમાં રાજપથનું નામ બદલીને કર્તવ્ય પથ થયું છે. ઓરંગઝેબ રોડનું નામ બદલીને એપીજે કલામ રોડ થયું છે. ત્યારે હવે ઈન્ડિયા ગેટનું નામ બદલીને ભારતીયોની લાગણીને વાચા આપવી જોઈએ.
પ્રશાંત કિશોરનું બીજેપી કનેક્શન : પૂર્વ સાંસદની વેનિટીનો ઉપયોગ
પ્રશાંત કિશોર બીજેપીની બી ટીમ છે એવો આરોપ તેજસ્વી યાદવ લગાવતા રહે છે. રાજકીય નિષ્ણાતો તો ત્યાં સુધી અટકળો કરે છે કે નીતિશ કુમારના નાકમાં દમ લાવવા માટે ભાજપ જ પ્રશાંત કિશોરને આંદોલન કરવા કહે છે. આ બધા આરોપો વચ્ચે હવે પ્રશાંત કિશોરનું બીજેપી કનેક્શન ખૂલ્યું છે. પ્રશાંત કિશોર ધરણા પ્રદર્શન વખતે એક વેનિટી વેનનો ઉપયોગ કરે છે. તેમણે એ વાતનો ઈનકાર કર્યો હતો, પરંતુ વીડિયોમાં દાવો થઈ રહ્યો છે. યુટયૂબર્સ પણ રીપોર્ટ્સ આપી રહ્યા છે. હવે એમાં નવો ધડાકો એવો થયો કે પ્રશાંત કિશોર જે વેનિટી વેન ઉપયોગ કરે છે એ ભાજપના જ નેતા અને પૂર્ણિયાના પૂર્વ સાંસદ ઉદય સિંહની માલિકીની છે.
- ઈન્દર સાહની