દિલ્હીની વાત : પ્રથમ કાર્યકાળમાં ટ્રમ્પે 6500 ભારતીયોને પાછા ધકેલ્યા હતા
નવીદિલ્હી : ડોનાલ્ડ ટ્રમ્પ સત્તામાં આવ્યા કે તરત જ ભારતીયોને પાછા મોકલવાની પ્રક્રિયા શરૂ થઈ છે. ગેરકાયદે ઘૂસેલા ભારતીયોમાંથી ઘણાં પાછા ફર્યા છે. હજુય મોટી સંખ્યામાં ભારતીય નાગરિકો પાછા આવશે. જોકે, ટ્રમ્પ પહેલા કાર્યકાળમાં પણ મોટી સંખ્યામાં ભારતીયોને પાછા મોકલ્યા હતા. ગેરકાયદે ઘૂસેલા ૬૫૦૦ ભારતીયો ટ્રમ્પની પ્રથમ ટર્મ વખતે ભારત આવ્યા હતા. ૨૦૧૬માં ટ્રમ્પ સત્તામાં આવ્યા પછી ૨૦૧૭માં ૧૦૨૪ ભારતીયોને સ્વદેશ મોકલી દીધા હતા. ૨૦૧૮માં ૧૧૮૦, ૨૦૧૯માં ૨૦૪૨ અને ૨૦૨૦માં ૧૮૮૯ ભારતીય નાગરિકોને ડીપોર્ટ કરાયા હતા. આટલી મોટી સંખ્યામાં ટ્રમ્પે ભારતીયોને પાછા ધકેલ્યા હતા છતાં અમદાવાદમાં ટ્રમ્પનું ભવ્ય સ્વાગત કરીને અબકી બાર ટ્રમ્પ સરકાર કહીને મોદીએ પ્રચાર સુદ્ધાં કર્યો હતો.
અમેરિકા હાથકડી પહેરાવીને ભારતીયોને પાછા મોકલે તે અયોગ્ય
૧૮ હજાર ભારતીયોને ડોનાલ્ડ ટ્રમ્પ ડીપોર્ટ કરશે. એમાંથી ઘણાં ભારતીયોને હાથકડી પહેરાવીને દેશમાં મોકલાયા છે. અગાઉ પણ છેલ્લાં ૧૦ વર્ષમાં હજારો ભારતીયોને ડીપોર્ટ કરાયા છે, પરંતુ એમાંથી હાથકડી પહેરાવીને અમાનવીય વર્તન કર્યાનું સામે આવ્યું નથી. આ પહેલી વખત જોવા મળી રહ્યું છે કે ગંભીર ગુનેગાર હોય એમ અમાનવીય વર્તન કરીને હાથકડી પહેરાવવામાં આવે છે. સવાલ એ છે કે આ ભારતીયોએ અમેરિકામાં કોઈ એવો ગંભીર ગુનો કર્યો ન હતો. પોતાના સપના પૂરા કરવા કામ-ધંધાની તલાશ માટે ગયા હતા. તેમની સાથે ગંભીર ગુનેગારો હોય એવું વર્તન કરાયું છે છતાં ભારતના વિદેશ મંત્રાલયે એ બાબતે અમેરિકાને કોઈ રજૂઆત કરી નથી. વળી, અમેરિકામાં ધાર્મિક અને સામાજિક સંસ્થાઓ છે. જે ભારતીયો માટે કાર્યરત છે. આ ધાર્મિક સંસ્થાઓ કેમ આવા ભારતીયો માટે આગળ ન આવી એ પણ એવો જ મહત્ત્વનો સવાલ છે.
મોદીએ ચંદ્રાબાબુને એનડીએના અધ્યક્ષ બનવા ન દીધા : દેવગૌડા
પૂર્વ વડાપ્રધાન એચ.ડી. દેવગૌડાનો પક્ષ જેડીએસ અત્યારે એનડીએનો હિસ્સો છે અને કુમારસ્વામી કેન્દ્રીય મંત્રી પણ છે. દેવગૌડાએ એક એવું નિવેદન આપી દીધું કે તેના કારણે ભાજપે ખુલાસા કરવા પડે છે. દેવગૌડાએ કહ્યું કે ચંદ્રાબાબુ નાયડુને એનડીએના ઉપાધ્યક્ષ કે અધ્યક્ષ બનવાની ઈચ્છા હતી, પરંતુ નરેન્દ્ર મોદીએ તેમને એવી જવાબદારી આપી નહીં. મોદીએ ચંદ્રાબાબુ નાયડુનો પ્રસ્તાવ ઠુકરાવી દીધો હતો. એ મુદ્દે હવે ભાજપ પ્રમુખ જેપી નડ્ડાએ સ્પષ્ટતા કરવી પડી છે. નડ્ડાએ કહ્યું કે દેવગૌડા એનડીએના જ સહયોગી છે, પરંતુ તેમણે જે દાવો કર્યો એવી કોઈ વાત ક્યારેય થઈ નથી. દિલ્હીના રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે દેવગૌડા જમાનાના ખાધેલા રાજકારણી છે. તેમણે આ નિવેદન આપ્યું તો ચૂંટણી વખતે આવી કોઈ ઘટના બની હોવી જોઈએ. અત્યારે એનડીએના અધ્યક્ષપદે અમિત શાહ છે.
દિલ્હીમાં જીતની આશા જોઈને ભાજપ નેતાઓમાં સીએમ બનવા લોબિંગ
એક્ઝિટ પોલમાં એવો વર્તાવો કરવામાં આવ્યો છે કે દિલ્હીમાં ભાજપની સરકાર બનશે ત્યારથી ભાજપના નેતાઓએ પોત-પોતાની રીતે લોબિંગ શરૂ કરી દીધું છે. ભાજપે સીએમ ફેસ જાહેર કર્યા વગર જ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું હતું. હવે જો બહુમતી બને તો સીએમપદ મેળવવા કેજરીવાલ સામે ચૂંટણી લડતા ભાજપના સાંસદ પ્રવેશ વર્મા, દિલ્હીના સીએમ આતિશી સામે ચૂંટણી લડનારા રમેશ બિધૂડી, માલવિયા નગરથી ચૂંટણી લડનારા દિલ્હી ભાજપના પૂર્વ પ્રમુખ સતિષ ઉપાધ્યાય મુખ્ય દાવેદારો ગણાય છે. હજુ તો પરિણામ આવ્યું નથી ત્યાં જ ભાજપના ટોચના નેતાઓમાં સીએમપદને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે ને તેમના સમર્થકો દાવો આગળ કરી રહ્યા છે.
સપા અને તૃણમુલે કોંગ્રેસની નેતાગીરી બદલવા માગ કરી
દિલ્હી વિધાનસભાના ચૂંટણીના પરિણામો આવે એ પહેલા જ ઇન્ડિયા બ્લોકના કેટલાક પક્ષોએ કોંગ્રેસની આકરી ટીકા કરી છે. કોંગ્રેસના બે સાથી પક્ષો સપા અને તૃણમુલ કોંગ્રેસે ઇન્ડિયા બ્લોકના વધુ સારા દેખાવ માટે કોંગ્રેસની નેતાગીરી બદલવા અનુરોધ કર્યો છે. ગઠબંધનનું નેતૃત્વ પણ કોંગ્રેસ સિવાયના પક્ષોને કરવાનું કહેવામાં આવ્યું છે. સપાના પીઢ નેતા રામ ગોપાલ યાદવે કોંગ્રેસ પર આક્ષેપ કર્યો છે કે, કોંગ્રેસ ભાજપની ભાષા બોલે છે. કેન્દ્રમાં મોદી સરકાર ટકી રહી છે એ માટે કોંગ્રેસ જવાબદાર છે. તૃણમુલ કોંગ્રેસના સાંસદ કીર્તી આઝાદે પણ કહ્યું છે કે ઇન્ડિયા બ્લોકનું નેતૃત્વ કોંગ્રેસના નેતા પાસે રહેવું જોખમી છે. સપા અને તૃણમુલ કોંગ્રેસના નેતાઓ માને છે કે કોંગ્રેસના હમણાના નેતાઓ અભિમાની થઈ ગયા છે અને એમને બદલવા જરૂરી છે.
'હું તિહાર જેલમાં તમારી સાથે એક કોટડીમાં રહેવા નથી માંગતો'
કોંગ્રેસના સિનિયર નેતા મણીશંકર અય્યરે પોતાના રાજકીય જીવન વિશે પુસ્તક લખ્યું છે. પુસ્તકમાં એમણે કેટલીક ચોંકાવનારી વાતો કરી છે. અય્યર જ્યારે રમત ગમતના મંત્રી હતા ત્યારે એમને રાષ્ટ્રમંડળ રમતના આયોજન સમિતિના અધ્યક્ષ સુરેશ કલમાડી સામે વાંધો પડયો હતો. ૨૦૧૦માં એશિયન ગેઇમ્સનું આયોજન થયું હતું ત્યારે એ આયોજનને દેશની શરમ કહેવામાં આવ્યું હતું. આ માટે અય્યરે સુરેશ કલમાડીને જવાબદાર ઠેરવ્યા છે. એક તબક્કે અય્યરે કલમાડીને કહી દીધું હતું કે તમારી ગેરરીતી નહીં ચાલે. મારે તમારી સાથે તિહાર જેલની એક કોટડીમાં રહેવું નથી. આ બાબત પછી કલમાડીએ સોનિયા ગાંધીને ફરિયાદ પણ કરી હતી. રાજીવ ગાંધી જ્યારે વડાપ્રધાન બન્યા ત્યારે મણીશંકર અય્યર ભારતીય વિદેશ સેવામાં નોકરી કરતા હતા, પરંતુ રાજીવ ગાંધી એમને રાજકારણમાં લાવ્યા હતા.
યુજીસીના નિયમો બદલવા તૈયાર થયેલા ડ્રાફ્ટ સામે રાહુલને વિરોધ
યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (યુજીસી)ના નિયમોમાં ફેરફાર કરવા માટે એક ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી આ ડ્રાફ્ટનો વિરોધ કરી રહ્યા છે. આ બાબતે કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર રાજ્ય સરકારની તમામ સત્તા હસ્તગત કરવા માંગે છે. દિલ્હીના જંતર મંતર ખાતે રાહુલ ગાંધી વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે 'યુનિવર્સિટીઓ અને કોલેજોમાં શિક્ષકો અને અન્ય કર્મચારીઓની નિમણૂક બાબતે યુજીસીના ડ્રાફ્ટ આરએસએસના એજન્ડાને આગળ કરવાની કોશિષ છે. કેન્દ્ર સરકાર સમગ્ર દેશમાં એક ઇતિહાસ, એક પરંપરા અને એક ભાષા લાગુ કરવાનો પ્રયત્ન કરે છે. અમે કોઈપણ રીતે આ ડ્રાફ્ટ માન્ય રાખવાના નથી.'
તમિલનાડુમાં ડીએમકેના મંત્રીએ ભાજપને ચેતવણી આપી
તામિલનાડુના થિરુપ્પરનકુંદ્રમના મુદ્દે ડીએમકે નેતા અને મંત્રી પી કે શેખરબાબુએ ભાજપ પર હિંસા ભડકાવવાનો આરોપ કર્યો છે. મંત્રીના કહેવા પ્રમાણે જો ભાજપ હુલ્લડો કરાવવાની કોશિષ કરશે તો મુખ્યમંત્રી એમ કે સ્ટાલીન કડક પગલા લેશે. ચોથી ફેબ્રુઆરીએ મધુરૈના પલંગનાથમ ખાતે જે વિરોધ પ્રદર્શન થયું હતું તેમાં ફક્ત ભાજપના માણસો હતા અને બાકીના હિન્દુ સંગઠનોએ એમને સાથ આપ્યો નહોતો. તામિલનાડુમાં સરકારને અસ્થિર કરવા માટે ભાજપ કોમવાદી તણાવ વધારી રહી છે. મંત્રીના કહેવા પ્રમાણે ભાજપ ઉત્તર ભારતમાં ધ્રુવીકરણ કરવામાં સફળ થઈ છે, પરંતુ તામિલનાડુમાં એને સફળતા મળશે નહીં.
વિદેશ જતાં પ્રવાસીઓની સુરક્ષા માટે કાયદો બનશે : શશી થરૂર કમિટી
વિદેશ જઈને રોજગારી રળતા પ્રવાસીઓની સુરક્ષા માટે તેમ જ નિયમિત પ્રવાસીઓને ઉત્સાહીત કરવા કેન્દ્ર સરકાર નવો કાયદો બનાવશે. આ કાયદો બન્યા પછી વિદેશ જઈને નોકરી શોધતા નાગરીકોને સુરક્ષા મળશે. વિદેશ બાબતોની સંસદીય સમિતિએ કોંગ્રેસના સાંસદ શશી થરૂરની અધ્યક્ષતામાં કમિટી બનાવી હતી. આ કમિટિનો રીપોર્ટ એવા સમયે આવ્યો છે કે જ્યારે અમેરીકામાં ગેરકાયદે વસવાટ કરનારાઓને ભારત મોકલી આપવામાં આવ્યા છે. આ કમિટિનું તારણ છે કે, વિદેશમાં રોજગારી માટે જતા ભારતીય નાગરીકોની સુવિધા અને સુરક્ષા માટે દેશમાં એક જ સ્થાને આયોગની રચના થશે.
આરજી કર કેસની ફરી તપાસની અરજી પર તરત સુનાવણી નહીં
કોલકત્તાની આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં થયેલી હત્યા અને દુર્ષ્કમ બાબતે સુપ્રીમ કોર્ટમાં એક નવી અરજી દાખલ કરવામાં આવી છે. અરજી કરતાએ સમગ્ર કિસ્સાની ફરીથી તપાસ કરવાની માંગણી કરી છે. પીડિત મહિલા ડોક્ટરના માતા - પિતાએ અરજી પર તાત્કાલીક સુનાવણી કરવાની માંગણી કરી હતી. જોકે કોર્ટે અરજી પર તરત સુનાવણી કરવાનો ઇન્કાર કર્યો છે. કોર્ટ આ અરજી પર ૧૭મી માર્ચે જ સુનાવણી કરશે. આ પહેલા નીચલી અદાલતે ૨૦મી જાન્યુઆરીએ આરોપીને સજા સંભળાવી હતી. આરોપી સંજય રોયને આજીવન કેદની સજા કરવામાં આવી હતી. પીડિતાના માતા-પિતાનું માનવું છે કે નીચલી અદાલતે આરોપીને ફાંસી નહી આપીને યોગ્ય ન્યાય કર્યો નથી.
પહેલી વખત લામા, બૌદ્ધ ભિક્ષુઓ અને ભંતેની કુંભમેળામાં ડુબકી
મહાકુંભની ધરતી પર એક નવો ઇતિહાસ રચાયો છે. પહેલી વખત દુનિયાભરના લામા, બૌદ્ધ ભિક્ષુઓ અને ભંતેએ સાથે ત્રિવેણી સંગમમાં સ્નાન કર્યું છે. સંગમનો કિનારો બુદ્ધમ્ શરણમ્ ગચ્છામિ, ધમ્મમ્ શરણમ્ ગચ્છામિ, સંગમ્ શરણમ્ ગચ્છામિ જેવા નારાઓથી ગુંજી ઉઠયો હતો. સંગમમાં ૫૦૦થી વધુ બૌદ્ધ ધર્મના વિવિધ સંતોએ સ્નાન કર્યું હતું. ભગવાન બુદ્ધ અને સમ્રાટ અશોકની જયજય કાર કરતા નારાઓ પણ લગાવવામાં આવ્યા હતા. બૌદ્ધ ભિક્ષુઓએ આરએસએસના અખિલ ભારતીય કાર્યકારીણી સભ્ય ઇન્દ્રેશકુમારની હાજરીમાં સનાતન ધર્મ અને બૌદ્ધ ધર્મની એકતા માટે સંકલ્પ કર્યો હતો.
હરિયાણા ભાજપ નેતા સામે રેપની ફરિયાદ કરનારી મહિલા સામે એફઆઈઆર
હરિયાણા ભાજપના પૂર્વ પ્રમુખ મોહનલાલ બડોલી સામે રેપની ફરિયાદ કરનારી મહિલા સામે જ હવે છેતરપિંડીની ફરિયાદ દાખલ થઈ છે. ભાજપના નેતા મોહનલાલ બડોલી ઉપરાંત સિંગર રોકી મિત્તલ સામે ગેંગરેપની ફરિયાદ દાખલ થયા પછી હવે એમાં નવો ટ્વિસ્ટ આવ્યો છે. રોકી મિત્તલે મહિલા સહિત ત્રણ લોકો પર વળતી ફરિયાદ કરી છે. પંચકુલા પોલીસે આ ફરિયાદ નોંધી છે. વળી, મહિલાએ ગેંગગેપની ફરિયાદ કરી હતી એ આશ્વર્યજનક રીતે રદ્ કરી દેવામાં આવી છે. કસૌલીની હોટેલમાં ફિલ્મમાં કામ આપવાના બહાને ગેંગ રેપ થયાનો આરોપ મહિલાએ લગાવ્યો હતો.
- ઈન્દર સાહની