Get The App

દિલ્હીની વાત : અયોધ્યામાં ભાજપના ટોચના નેતાઓ ટકરાયા

Updated: Sep 7th, 2024


Google NewsGoogle News
દિલ્હીની વાત : અયોધ્યામાં ભાજપના ટોચના નેતાઓ ટકરાયા 1 - image


નવી દિલ્હી : ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની પેટા ચૂંટણીની ૧૦ બેઠકો પર તૈયારી શરૂ થઈ ચૂકી છે. લોકસભાની ચૂંટણીના નબળા દેખાવ પછી હજી ભાજપના નેતાઓ સુધરવાનું નામ લેતા નથી. ઉત્તર પ્રદેશમાં ભાજપના નેતાઓ એક બીજા સામે કાવાદાવા કરી રહ્યા છે. અયોધ્યામાં ભૂતપૂર્વ સાંસદ લલ્લુસિંહએ પક્ષના એક નેતા ગુનેગાર હોવાનો આરોપ લગાડીને પક્ષના એક કાર્યક્રમનો બહિષ્કાર કર્યો હતો. સ્થાનિક નેતાઓનું માનવું છે કે, જો ઝડપથી પક્ષની અંદરના ઝઘડા શાંત નહીં થાય તો ભાજપ માટે પેટા ચૂંટણીમાં એક બેઠક જીતવી પણ મુશ્કેલ બનશે. જોકે અયોધ્યા ભાજપના નેતાઓ હાઇકમાન્ડની કોઈ વાત સાંભળવા તૈયાર નથી અને એમનો આંતરીક ડખો વધી જ રહ્યો છે. અસંતુષ્ટ નેતાઓ બીજા નેતાની પ્રેસ કોન્ફરન્સનો પણ બહિષ્કાર કરી રહ્યા છે.

મણિપુર મુદ્દે ભાગવતે આડકતરી રીતે ભાજપને ધોઈ નાંખ્યું

રાષ્ટ્રીય સ્વંયમ સેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે શંકર દિનકર કાણેના શતાબ્દિ વર્ષ નિમિત્તે આપેલા પ્રવચનમાં ભાજપ સરકાર પર આડકતરા ઘા કર્યા હતા. શંકર કાણે ઉર્ફે ભૈયાજીએ ૧૯૭૧ સુધી મણિપુરમાં ખૂબ કામ કર્યું હતું. ભાગવતે કહ્યું કે, મણિપુરની પરિસ્થિતિ ખૂબ ખરાબ છે. મણિપુરમાં સુરક્ષાની કોઈ ગેરંટી નથી. સ્થાનિક લોકો ખૂબ અસલામતી અનુભવી રહ્યા છે. ફક્ત આરએસએસના કાર્યકરો ખડે પગે લોકોની સેવા કરી રહ્યા છે. કેટલાક એનજીઓ કામ કરવાનો પ્રયત્ન કરે છે, પણ એમને સફળતા મળતી નથી. મણિપુરના સ્થાનિક નેતાઓ એવો આક્ષેપ કરે છે કે, મણિપુરના લોકો માટે ભાજપએ કઈ કર્યું નથી. મોહન ભાગવતે પણ એવો આડકતરો ઇશારો કર્યો છે કે મણિપુરમાં ભાજપના કાર્યકરો નહીં પરંતુ સંઘના કાર્યકરો જ કામગીરી કરી રહ્યા છે.

વાયનાડમાં ભૂસ્ખલન પીડિતો માટે યોગીએ 10 કરોડ રૂપિયા મોકલ્યા

વાયનાડમાં ભૂસ્ખલનથી પીડિત લોકો હજી સુધી તકલીફમાંથી બહાર આવી શક્યા નથી. સામાન્ય રીતે પીડિતોની સારસંભાળ રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર લેતી હોય છે. આવા સંજોગોમાં જ્યારે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રાહુલ ગાંધીના મત વિસ્તાર વાયનાડ માટે ૧૦ કરોડ રૂપિયા મોકલીને બધાને નવાઈમાં નાંખી દીધા છે. રાજકીય વર્તુળોમાં એમ મનાય છે કે, મોદી - શાહના કટ્ટર વિરોધી રાહુલ ગાંધીના મતદારોને આડકતરી મદદ કરીને યોગીએ ભાજપ હાઇકમાન્ડને મેસેજ આપ્યો છે કે, પ્રજા તકલીફમાં હોય ત્યારે રાજકારણથી પર રહીને કામ કરવું જોઈએ.

તેજસ્વીની પાર્ટી પર લાગેલા 'જંગલ રાજ'નું લેબલ દુર કરવા જહેમત

રાષ્ટ્રીય જનતા દળ (રાજદ)ના યુવા નેતા તેજસ્વી યાદવ ૧૦મી સપ્ટેમ્બરથી કાર્યકર્તા સંવાદ યાત્રા શરૂ કરી રહ્યા છે. તેજસ્વી યાદવનો ઉદ્દેશ પક્ષના કાર્યકરોને મજબૂત કરવાનો છે. તેઓ બિહારના લોકોને મળીને તેમની તકલીફ જાણવા માંગે છે. રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાની જેમ જ તેજસ્વી યાદવ બિહારભરમાં ફરીને લોકોને મળશે. લીલા કલરના સ્કાર્ફ અને લીલી ટોપી રાજદના સિમ્બોલ છે. તેજસ્વી યાદવએ લીલા કલરની ટોપી કે સ્કાર્ફ પર પ્રતિબંધ મૂક્યો છે. તેજસ્વીના આ નિર્ણયને કારણે ઘણાને નવાઈ લાગી છે. તેજસ્વીના પિતા લાલુ પ્રસાદ યાદવે રાજદના કાર્યકરોની ઓળખ ગણાતા લીલા કલરના સ્કાર્ફ અને ટોપીને લાયસન્સ ગણાવ્યા હતા. તેજસ્વી યાદવ યાત્રા કાઢીને પક્ષની ઇમેજ સુધારવા માંગે છે. આવનાર વિધાનસભાની ચૂંટણીમાં તેઓ લાલુ પ્રસાદ યાદવના વખતના રાજદની યાદ અપાવવા માંગતા નથી. લાલુ પ્રસાદ મુખ્યમંત્રી હતા ત્યારનો સમય બિહારમાં જંગલ રાજનો સમય હોવાનું બધા માને છે. તેજસ્વી યાદવ હવે આ ઇમેજને સંપૂર્ણ રીતે બદલવા માંગે છે.

કર્ણાટકમાં હવે ભાજપના ભવાડા બહાર આવશે

ભાજપ જ્યારે કર્ણાટકમાં સત્તા પર હતો ત્યારે હજારો કરોડ રૂપિયાના ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપો થતા હતા. હવે સત્તા પર આવેલી કોંગ્રેસ સરકારે ભાજપે કરેલા ભ્રષ્ટાચારો શોધીને ખુલ્લા પાડવાનું નક્કી કર્યું છે. કર્ણાટકની કેબિનેટે મળીને કોરોના સમયે ભાજપના સત્તાધિશોએ કરેલા ભ્રષ્ટાચારને બહાર પાડવા ચર્ચા કરી હતી. કર્ણાટકના મુખ્ય સચિવ અને વધારાના મુખ્ય સચિવ પાસે ભાજપના ભ્રષ્ટાચારના પુરાવા આવી ગયા છે. રિટાયર્ડ હાઇકોર્ટ જ્જની આગેવાનીમાં એક કમિશનની નિમણૂક થઈ હતી. આ કમિશને વિસ્તૃત અહેવાલ કર્ણાટકના મુખ્યમંત્રીને આપી દીધો છે. હવેના દિવસોમાં આ રિપોર્ટને આધારે વધુ તપાસ કરીને ભાજપ સરકારમાં રહેલા ભ્રષ્ટાચારીઓને જેલ ભેગા કરવામાં આવશે.

ભાજપ - સંઘને કાન પકડાવીને પણ જાતિ આધારીત વસ્તિ ગણતરી કરાવીશું : લાલુ

રાજદના પ્રમુખ લાલુ પ્રસાદ યાદવએ એક કાર્યક્રમમાં સોંગદ ખાઈને એવું કહ્યું કે, ભાજપ - સંઘને કાન પકડાવીને પણ અમે જાતિ આધારીત વસ્તિ ગણતરી કરાવીશું. લાલુનો ટોણો સાંભળીને શ્રોતાઓમાં હાસ્ય ફેલાઈ ગયું હતું. બિમારીમાંથી સારા થઈ રહેલા લાલુ પ્રસાદ ભાગ્યે જ કોઈ કાર્યક્રમમાં જાય છે. જોકે બિહારના લેનીન તરીકે ઓળખાતા બાબુ જગદેવો પ્રસાદની જન્મ જયંતિ નિમિત્તેના કાર્યક્રમમાં તેઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં લાલુએ બિહારના મુખ્યમંત્રી નિતિશકુમાર પર પણ કટાક્ષ કર્યા હતા. બિહારમાં એમ મનાય છે કે, નિતિશકુમાર ફરીથી રાજદ સાથે જોડાણ કરે એવી શક્યતા પૂરેપૂરી છે.

ફડણવીસ મરાઠાઓને નફરત કરે છે : મનોજ જરાંગેનો આક્ષેપ

મરાઠા અનામત માટે આંદોલન કરીને પ્રસિદ્ધ થયેલા મનોજ જરાંગેએ મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની આકરી ટીકા કરી છે. જરાંગેનું કહેવું છે કે, ફડણવીસને મરાઠાઓ માટે નફરત છે. રાજ્ય સરકારમાં ફડણવીસની સહમતી વીના કોઈ નિર્ણય લેવામાં આવતો નથી. ફડણવીસ પોતાની મનમાની કરે છે. જરાંગેએ ચેતવણી આપી છે કે, જો મરાઠાઓને અનામત નહીં મળે તો રાજ્યમાં મહાયુતિ ગઠબંધન સરકાર બનાવી શકશે નહીં. આ સરકાર લાડકી બહીન જેવી યોજનાઓ બનાવે છે, પરંતુ મરાઠાઓને અનામત આપવા તૈયાર નથી.

મોદીએ ઉદ્યોગપતિઓને કહ્યું: બનારસી પાન ખાવા આવજો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સિંગાપોરની મુલાકાતે ગયા હતા. એ દરમિયાન સિંગાપોરના ઉદ્યોગપતિઓને પણ મળ્યા હતા અને ભારતમાં રોકાણ કરવાનું આમંત્રણ આપ્યું હતું. મીટિંગ વખતે મોદીએ હળવા અંદાજમાં કહ્યું હતું કે તમે સૌ ભારતમાં પાન ખાવા આવો. પાનની વાત નીકળે ત્યારે બનારસી પાન વગર ચર્ચા અધૂરી રહે. હું વારાણસીથી સાંસદ છું એટલે આપ સૌને વિશેષ આમંત્રણ આપું છે.

ડુંગળી-બટાકાના ભાવ વધતા ચૂંટણી રાજ્યોમાં આક્રોશ, ભાજપ ભીંસમાં

ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળીના ભાવ ૬૦ રૂપિયે પહોંચી ગયા છે. સામાન્ય રીતે ખેડૂતો, મજૂરોના ઘરમાં બીજી મોંઘી શાકભાજી ન હોય ત્યારે ડુંગળી અને બટેટા ઉપયોગી થઈ પડે છે, પરંતુ બંનેના ભાવમાં ઉછાળો આવ્યો છે. બટેટાનો રિટેલ ભાવ ૪૦-૫૦ સુધી પહોંચ્યો છે ત્યારે ચૂંટણી રાજ્યોમાં શાકભાજીના ભાવવધારા સામે આક્રોશ છે. હરિયાણા અને જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણી જાહેર થઈ ચૂકી છે. ઝારખંડ અને મહારાષ્ટ્રમાં આગામી મહિનાઓમાં ચૂંટણી છે. યુપીમાં ૧૦ બેઠકો માટે ગમે ત્યારે પેટા ચૂંટણી થશે. આવી પરિસ્થિતિમાં રાજ્ય ભાજપ યુનિટે ભાવવધારા અંગે હાઈકમાન્ડને ફરિયાદ કરી છે અને કંઈક ઉકેલ લાવવા જણાવ્યું છે. સત્તાધારી પક્ષ ભાજપ ડુંગળી-બટેટાના ભાવવધારાથી પરેશાન થઈ ગયો છે.

હરિયાણામાં ભાજપે ઉમેદવારોની જાહેરાત કરી પછી ભડકો થયો

હરિયાણાની ચૂંટણી માટે ભાજપે ૬૭ ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે, પરંતુ તેનાથી આંતરિક અસંતોષ ફાટી નીકળ્યો છે. નાયબ સિંહ સૈનીની સરકારમાં ઉર્જા મંત્રી રણજીત સિંહે રાજીનામું ધરી દઈને અપક્ષ ચૂંટણી લડવાની જાહેરાત કરી દીધી છે. રણજીત સિંહની ટિકિટ કાપીને પાર્ટીના જૂના કાર્યકર શિશપાલ કંબોઝને ટિકિટ આપી હતી. એ જ રીતે સાવિત્રી જિંદાલે પણ ભાજપને અલવિદા કરીને અપક્ષ ઉમેદવારીની જાહેરાત કરી છે. આગામી દિવસોમાં વધુ નેતાઓ ભાજપને ખેલ બગાડવા મેદાનમાં ઉતરે તો નવાઈ નહીં હોય.

પાર્લામેન્ટરી કમિટી માધવી પુરી બૂચની  પૂછપરછ કરે તેવી ચર્ચા

સેબીના વડા માધવી પુરી બૂચ સામે ગંભીર આરોપો લાગ્યા પછી દેશભરના રોકાણકારોમાં સોંપો પડી ગયો છે. સેબીની વિશ્વસનીયતા સામે પણ સવાલો ઉઠયા છે. ત્યારે વિપક્ષોએ તપાસની માગણી કરી છે. એ બધી ચર્ચા, દાવા, પ્રતિદાવા, ખુલાસા અને આરોપો વચ્ચે સૂત્રોએ કહ્યું હતું કે માધવીએ પાર્લામેન્ટરની પબ્લિક અકાઉન્ટ કમિટી સામે હાજર થવું પડશે. આ કમિટીના વડા કોંગ્રેસના નેતા કેસી વેણુગોપાલ છે અને કમિટીમાં સત્તાપક્ષ અને વિપક્ષના સાંસદો છે. સૂત્રો કહે છે કે અત્યારે કમિટીએ સત્તાવાર રીતે કોઈ એજન્ડા જાહેર કર્યો નથી, પરંતુ સેબીના પર્ફોર્મન્સને રિવ્યૂ કરવાના બહાને માધવીની ગંભીર આરોપો બદલ ઉલટતપાસ થશે. સંસદીય સમિતિ સમક્ષ ક્યારે હાજર રહેવું એ તેમને આ મહિને કહી દેવામાં આવશે.

- ઈન્દર સાહની


Google NewsGoogle News