Get The App

દિલ્હીની વાત : મહારાષ્ટ્ર- ઝારખંડ વિધાનસભા અને વિવિધ રાજ્યોમાં પેટા ચૂંટણીથી રાજકીય ઉત્તેજના

Updated: Nov 7th, 2024


Google NewsGoogle News
દિલ્હીની વાત : મહારાષ્ટ્ર- ઝારખંડ વિધાનસભા અને વિવિધ રાજ્યોમાં પેટા ચૂંટણીથી રાજકીય ઉત્તેજના 1 - image


નવીદિલ્હી : આવનારા દિવસોમાં મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભાની ચૂંટણીની સાથે ૧૪ રાજ્યોની ૪૮ વિધાનસભા બેઠકો તેમ જ બે રાજ્યોમાં બે લોકસભા બેઠકોની પેટા ચૂંટણી યોજાઈ રહી છે. ચૂંટણીના પરિણામો વિશે ભાજપ સૌથી વધુ ચિંતીત છે. કેન્દ્રીય મંત્રી અમિત શાહે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જેપી નડ્ડા તેમ જ સિનિયર મંત્રીઓ સાથે ખાનગી મુલાકાત કરી હતી. કેન્દ્રીય મંત્રી નિર્મલા સિતારમણ, પીયુષ ગોએલ, સી આર પાટીલ, ધર્મેન્દ્ર પ્રધાન, ચીરાગ પાસવાન, જીતનરામ માઝી અને પ્રતાપરાવ જાધવ પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા. આ બેઠકમાં તમામ મંત્રીઓને કડક સૂચના આપવામાં આવી હતી કે, વિધાનસભાની ચૂંટણીઓ તેમ જ પેટા ચૂંટણીઓમાં ભાજપનો ફિયાસ્કો ન થાય એનું ધ્યાન રાખવું.

પેટા ચૂંટણી સમયે કેરળમાં હોટલ પર પોલીસના દરોડાથી વિવાદ 

કેરળના પલક્કડ વિધાનસભા વિસ્તારમાં પેટા ચૂંટણી થવાની છે. કેરળ પોલીસને માહિતી મળી કે મતદારોને વહેચવા માટે મોટા પ્રમાણમાં રોકડ રકમ ભેગી કરવામાં આવી છે. માહિતીને આધારે પોલીસે તડકે શહેરની એક હોટલ પર રેડ કરી હતી. આ હોટલમાં કોંગ્રેસના નેતા બિંદુ કૃષ્ણા અને શનિમોલ ઉષ્માનએ રૂમ રાખ્યા હતા. કોંગ્રેસી નેતાઓના રૂમ તપાસ્યા પછી પોલીસ એક મહિલા કોંગ્રેસી નેતાના રૂમમાં તપાસ કરવા ગઈ ત્યારે કોંગ્રેસના કાર્યકરોએ ભેગા થઈને પોલીસનો વિરોધ કર્યો હતો. પોલીસના કહેવા પ્રમાણે હોટલના ૧૨ રૂમની તપાસ કરવામાં આવી હતી અને દરેક રાજકીય પક્ષોના નેતાઓ અલગ અલગ રૂમમાં રોકાયા હતા. ૨૦ નવેમ્બરે થનારી પેટા ચૂંટણીમાં મોટા પાયે રોકડની હેરફેર થઈ રહી હોવાની શંકા છે.

એનઆઇએ હવે ભાજપના નેતાની કાર પરના હુમલાની તપાસ કરશે

પશ્ચિમ બંગાળ ભાજપના નેતા પ્રિયાગુ પાંડેયની કાર પર થોડા દિવસો પહેલા હુમલો થયો હતો. હવે આ મામલે રાજકારણ રમાઈ રહ્યું છે. નેશનલ ઇન્વેસ્ટિગેટીવ એજન્સી (એનઆઇએ) સામાન્ય રીતે આતંકવાદના મામલે તપાસ કરતી એજન્સી છે. નવાઇની વાત એ છે કે, પાંડેયની કાર પરના હુમલાની તપાસ પણ એનઆઇએને સોંપવામાં આવી છે. પાંડેયના ટેકેદારોનું કહેવું છે કે, પાંડેયની કાર પર ક્રૂડ બોમ્બ અને ઘાતક હથિયારોથી હુમલો કરવામાં આવ્યો હતો. પશ્ચિમ બંગાળની પોલીસ આ મામલે યોગ્ય તપાસ નહી કરતી હોવાથી એનઆઇએને તપાસ સોપવામાં આવી છે. જોકે ટીએમસીના ટેકેદારોનું કહેવું છે કે, મમતા બેનર્જી સામેના વેરને કારણે કેર્ન્સ સરકારે આ તપાસ રાષ્ટ્રીય એજન્સીને સોપી છે.

કોલ્હાપુર બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ખસી ગયા, કોંગ્રેસનો અપક્ષને ટેકો

મહારાષ્ટ્રના કોલ્હાપુર વિધાનસભા વિસ્તારમાં કોંગ્રેસ પક્ષના સત્તાવાર ઉમેદવાર મધુરીમા રાજે છત્રપતિએ છેલ્લા સમયે પોતાનું ઉમેદવારી પત્ર પાછુ ખેંચ્યું હોવાથી કોંગ્રેસના નેતાઓ ચિંતિત થઈ ગયા હતા. છેવટે મહારાષ્ટ્ર  કોંગ્રેસના નેતાઓએ મનોમંથન કરીને અપક્ષ ઉમેદવાર રાજેશ લાટકરને ટેકો આપવાનો નિર્ણય કર્યો છે. રાજેશ લાટકર મૂળ તો કોંગ્રેસી જ હતા, પરંતુ કોલ્હાપુરથી એમને ટિકિટ નહી મળી હોવાથી તેઓ નારાજ થઈને અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા હતા. મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતાઓને હજી સુધી ખબર પડી નથી કે મધુરીમા રાજેએ છેલ્લી ઘડીએ ઉમેદવારી પત્ર કેમ પાછુ ખેંચ્યું.

પ.બંગાળ ભાજપના સાંસદે રાજ્યપાલને પત્ર લખીને વિવાદનો મધપૂડો છંછેડયો

પશ્ચિમ બંગાળમાં રાજ્યપાલ સીવી આનંદ બોઝ અને મુખ્યમંત્રી મમતા બેનર્જી વચ્ચે ઘણા સમયથી ખટરાગ ચાલી રહ્યો છે. બંને એકબીજાને નીચુ દેખાડવાની એક પણ તક છોડતા નથી. પશ્ચિમ બંગાળ ભાજપના સિનિયર નેતા અને સાંસદ જ્યોતિર્મય સિંહ મહંતોએ રાજ્યપાલને વિવાદાસ્પદ પત્ર લખીને મુખ્યમંત્રી મમતા બેનર્જીને ઘેરવાની કોશિશ કરી છે. સિંહે પત્રમાં લખ્યું છે કે, હિન્દુ તહેવારો હોય ત્યારે હિન્દુઓ સામે કોમવાદી હિંસા ભડકાવવામાં આવે છે. હિન્દુ વિરોધી હિંસાને શાસક પક્ષનો પણ ટેકો હોય છે. ટીએમસીએ જોકે ભાજપ પર વળતો પ્રહાર કરીને ભાજપ કોમવાદી ધિક્કાર ફેલાવતો હોવાનો આક્ષેપ કર્યો છે.

ઓડિશાના જગન્નાથ મંદિરમાં તિરાડ બાબતે ભાજપ અને બીજેડી વચ્ચે  વિવાદ

ઓડિસાના પુરીમાં આવેલા જગન્નાથ મંદિરની બહારની દિવાલ 'મેઘનાદ પચેરી' પર પડેલી તડો બાબતે સત્તાધારી પક્ષ ભાજપ અને વિપક્ષ બીજેડી વચ્ચે તૂતૂ મેંમેં થઈ રહ્યું છે. ભાજપએ એવો આક્ષેપ કર્યો છે કે, હેરીટેજ કોરીડોર યોજનાના અમલીકરણ વખતે થયેલી ગેરરીતીઓને કારણે મંદિરની દિવાલ પર તડો પડી છે. ભાજપના એક નેતાએ એવો આક્ષેપ કર્યો છે કે, સ્થાનિક રહેવાસીઓ અને પૂજારીઓ સહિત ઘણાનું માનવું છે કે કોરીડોર યોજનાના બાંધકામ દરમિયાન થયેલી બેદરકારીને કારણે આ તડો પડી છે. ભાજપના નેતાનું કહેવું છે કે આ દિવાલ પરની તડોના રીપેરકામ માટે એએસઆઇએ તરત કામગીરી શરૂ કરી દીધી છે. બીજી તરફ બીજેડીએ વળતો પ્રહાર કરતા કહ્યું છે કે, યોજનાના અમલીકરણ વખતે હમણાની ભાજપ સરકારે વિવિધ મશીનોનો ઉપયોગ કરીને ૨૦ ફૂટ ઊંડા ખાડા ખોદવાને કારણે મંદિરની દિવાલોમાં તડ પડી ગઈ છે.

કર્ણાટકમાં નેતાઓ વચ્ચે એક બીજા સામે એફઆઇઆર કરવાની સ્પર્ધા

કર્ણાટકમાં સત્તાધારી પક્ષ કોંગ્રેસ સામે કેન્દ્રીય સરકાર વિવિધ એજન્સીઓ મારફતે ભ્રષ્ટાચારના કેસો કરી રહી છે. બીજી તરફ કર્ણાટક સરકાર પણ ભાજપ અને બીજા વિરોધપક્ષના નેતાઓને ભીંસમાં લેવા રાજ્યની પોલીસ મારફતે એફઆઇઆર દાખલ કરે છે. હવે કર્ણાટકના એડીશનલ ડીજીપી, એમ ચંદ્રશેખરની ફરિયાદને આધારે કેન્દ્રિય મંત્રી અને જેડીએસ નેતા એચડીકુમાર સ્વામી સામે એફઆઇઆર દાખલ કરવામાં આવી છે. એડીશનલ ડીજીપીએ ફરિયાદ કરી છે કે, ખનન ગોટાળાની તપાસમાં રોડા નાખવા માટે એચડીકુમાર સ્વામી અને એમના પુત્રએ પ્રયાસ કર્યા હતા. બાપ બેટાએ મળીને એમને ડરાવવાની કોશિશ પણ કરી હતી. ગેરકાયદેસર રીતે ખાણમાંથી થતા ખોદકામની તપાસ પર સુપ્રિમ કોર્ટ પણ નજર રાખી રહ્યું છે.


Google NewsGoogle News