દિલ્હીની વાત : યુપીમાં પાર્ટી મજબૂત કરવા કોંગ્રેસ આરએસએસની જેમ કેડર બનાવશે
નવી દિલ્હી : ઉત્તર પ્રદેશમાં પક્ષને મજબૂત કરવા માટે કેટલાક સિનિયર કોંગ્રેસી નેતાઓએ આરએસએસની લાઇન પર કેડર મજબૂત કરવાનો નિર્ણય લીધો છે. આ માટે આખા રાજ્યમાંથી યુવાનો પસંદ કરીને એમને અલગ અલગ કેમ્પોમાં રાખવામાં આવશે. આ યુવાનોને ત્યાર પછી કોંગ્રેસની વિચારધારાની ટ્રેઇનિંગ આપવામાં આવશે. પોતાના કાર્યકરોને આ પ્રકારની ટ્રેઇનિંગ રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ આપે છે. કોંગ્રેસ પણ હવે આ જ મોડલ પર કાર્યકરો તૈયાર કરશે. કોંગ્રેસના નેતાઓનું માનવું છે કે ૨૦૨૭ની વિધાનસભાની ચૂંટણી પહેલા કાર્યકરોની એક મજબૂત ટીમ તૈયાર થશે. આ બાબતે ઉત્તર પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અજય રાયએ રાહુલ ગાંધી સાથે મુલાકાત પણ કરી હતી. આરએસએસની જેમ કોંગ્રેસ સેવાદળના યુવાનોને ઝંડા ઉતારવા તેમ જ ચઢાવવાની તેમ જ વંદે માતરમ ગાવાની ટ્રેનિંગ પણ આપી રહી છે.
મોદીનું ટેલિપ્રોમ્પટર બંધ થયું, આપ-કોંગ્રેસે ટીખળ કરી
દિલ્હીમાં ચૂંટણી પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે ત્યારે ભાજપ-કોંગ્રેસ-આપના નેતાઓ લોકોની સમસ્યા, લોકોના મુદ્દે વાત કરવાને બદલે બિનજરૂરી વિવાદો ઉભા કરે છે. એવો જ વિવાદ આપ અને કોંગ્રેસે ઉઠાવ્યો પીએમ મોદીના ટેલિપ્રોમ્પટરનો. ટેલિપ્રોમ્પટરમાં કંઈક ટેકનિકલ ગરબડ થઈ એટલે પીએમનું ભાષણ થોડી પળો માટે અટકી ગયું. મોદી મુંઝાઈ ગયા હતા. એક શબ્દ પણ બોલી શક્યા નહીં. એ બાબતે સોશિયલ મીડિયા બે ભાગમાં વહેચાઈ ગયું. કેટલાક લોકોએ ટીકા કરી કે ટેલિપ્રોમ્પટર બંધ થઈ જાય એટલે એક શબ્દ પણ બોલી ન શકો એ કેવું કહેવાય? બીજા વર્ગે બચાવ પણ કર્યો કે ટેકનિકલ ગરબડ થાય તો કોઈ પણ નેતાના કિસ્સામાં આવું થઈ શકે. એના શોર્ટ્સ વિડીયો બનાવીને કોંગ્રેસ અને આપે સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો.
ભાજપ નેતા રમેશ બિધુરીએ પ્રિયંકા ગાંધી વિશે કરેલા નિવેદનથી વિવાદ
ભાજપના નેતા અને દિલ્હી વિધાનસભાની ચૂંટણીના ઉમેદવાર રમેશ બિધુરીએ ભાષણમાં એવી વાત કરી હતી કે તેઓ દિલ્હીના રસ્તાઓને પ્રિયંકા ગાંધીના ગાલ જેવી બનાવી દેશે. આ બાબતે બિધુરીની ટીકા દેશભરમાંથી થઈ રહી છે. ભીમ આર્મીના વડા ચંદ્રશેખર આઝાદે પણ રમેશ બિધુરી સામે પ્રહાર કર્યા છે. ચંદ્રશેખર આઝાદનું કહેવું છે કે આ પ્રકારના નિવેદનો છેલ્લી કક્ષાના છે. બિધુરીએ અગાઉ પણ મહિલાઓ માટે આપત્તીજનક નિવેદનો કર્યા છે. આવી ટિપ્પણી કરવા માટે એમને ચપ્પલોથી મારવા જોઈએ. ભાજપ પહેલાથી જ મહિલા વિરોધી છે એ હવે સાબિત થઈ ગયું છે.
તમિલનાડુમાં રાષ્ટ્રગીતના અપમાન મુદ્દે રાજ્યપાલ-સરકાર સામસામે
તમિલનાડુના રાજ્યપાલ આર એન રવિ વિધાનસભાના સત્ર દરમિયાન રાષ્ટ્રગીતના થયેલા અપમાનથી ક્રોધિત થઈને સંબોધન કર્યા વગર સદનમાંથી નીકળી ગયા હતા. નિયમો પ્રમાણે વિધાનસભાના સત્રની શરૂઆત થાય છે ત્યારે રાજ્યપાલ સંબોધન કરે છે. તમિલનાડુ વિધાનસભામાં રાષ્ટ્રગીતને બદલે રાજ્યગીત 'તમિલ થાઈ વજથુ' ગવાયું હતું. આ ગીત પુરુ થયા પછી રાજ્યપાલે રાષ્ટ્રગીત વગાડવાની માગણી કરી હતી, જોકે એમની માગણી સ્વીકારવામાં આવી નહોતી. રાજ્યપાલ તરફથી આ બાબતે નિવેદન પણ જાહેર કરવામાં આવ્યું છે. સોશિયલ મીડિયા પર મુકાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ભારતના બંધારણ અને રાષ્ટ્રગીતનું ફરી એકવાર તમિલનાડુ વિધાનસભામાં અપમાન થયું છે. બંધારણમાં કહેવામાં આવ્યું છે કે, સૌપ્રથમ રાષ્ટ્રગીતનું સન્માન કરવામાં આવે.
મહારાષ્ટ્રમાં બિડના સરપંચની હત્યા મામલે મંત્રી ફસાયા
મહારાષ્ટ્રના બિડમાં સરપંચ સંતોષ દેશમુખની થયેલી હત્યા બાબતે વિવાદ વકર્યો છે. બિડના સરપંચની હત્યા તેમ જ પરભણીમાં પોલીસ કસ્ટડીમાં થયેલી સોમનાથ સુર્યવંશીની હત્યાનો વિરોધ કરવા માટે મરાઠા સંગઠને પૂણેમાં એક રેલીનું આયોજન કર્યું હતું. આ રેલીને સંબોધન કરતા ભાજપના ધારાસભ્ય સુરેશ ઘાસે આક્ષેપ કર્યો છે કે જૂન મહિનામાં મહારાષ્ટ્રના મંત્રી ધનંજય મુંડેના સાથીદાર વાલ્મીક કરાડ તેમ જ એક કંપનીના અધિકારી વચ્ચે બિડ ખાતે મુંડેના ઘરે મિટિંગ થઈ હતી. ખંડણીની વસુલાત કરવા માટેની ચર્ચા આ મિટિંગમાં થઈ હતી. સંતોષ દેશમુખની હત્યા માટે કરાડે સીઆઇડી સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. મોરચામાં તમામ રાજકીય પક્ષોના નેતા હાજર રહ્યા હતા. મોરચામાં અજીત પવાર જૂથના નેતા ધનંજય મુંડે વિરુદ્ધ સૂત્રોચ્ચાર થયા હતા. આ વિવાદથી મહારાષ્ટ્રની મહાયુતિ સરકાર ટેન્શનમાં આવી ગઈ છે.
બિહારમાં લોકપ્રિય થવા પ્રશાંત કિશોરના નાટક : ભાજપ સાથે મીલીભગત
બિહારમાં જનસ્વરાજ પક્ષની સ્થાપના કર્યા પછી એક જમાનાના રાજકીય રણનીતિકાર પ્રશાંત કિશોર વિવિધ ગતકડા કરીને સમાચારમાં રહેવાના પ્રયત્નો કરે છે. બિહારમાં બીપીએસસી વિદ્યાર્થીઓ આંદોલન કરી રહ્યા છે. ચાર લાખ જેટલા વિદ્યાર્થીઓની આગેવાની લેવા માટે પ્રશાંત કિશોર દરરોજ ધરણા સ્થળે જઈને બેસે છે. પ્રશાંત કિશોર નજીકમાં જ મોંઘી વેનીટીવાન રાખે છે. એ બાબતે પણ વિવાદ થયો છે. રાજકીય નીરિક્ષકો માની રહ્યા છે કે, પાછલે બારણે પ્રશાંત કિશોરને ભાજપનો ટેકો છે. મુખ્યમંત્રી નિતિશકુમારને માપમા રાખવા માટે ભાજપ પ્રશાંત કિશોરને મદદ કરે છે. પ્રશાંત કિશોરે આક્ષેપ કર્યો છે કે તેઓ ધરણા પર બેઠા હતા ત્યારે બિહાર પોલીસે એમને થપ્પડ મારીને અટકાયતમાં લીધા હતા. કોર્ટે જ્યારે પીકેને શરતી જામીન આપ્યા ત્યારે એમણે જામીનની શરતો મંજૂર નહીં હોવાનું કહ્યું. ગમે તે હોય, પીકે આજકાલ સમાચારમાં સતત ચમકતા રહે છે.
છત્તીસગઢમાં કોન્ટ્રાક્ટમાં ભ્રષ્ટાચાર ઉજાગર કરનારા પત્રકારની હત્યા
છત્તીસગઢમાં બીજાપુરના પત્રકાર મુકેશ ચંદ્રાકરની હત્યા કેટલાક ભ્રષ્ટાચારી નેતાઓએ કરાવી હતી. આ બાબતે હવે શિવસેના (ઉદ્ધવ ઠાકરે)ના સાંસદ સંજય રાઉત પણ સક્રિય થયા છે. સંજય રાઉતે કહ્યું હતું કે, રોડ કોન્ટ્રાક્ટમાં થતા ભ્રષ્ટાચાર બાબતે પત્રકાર મુકેશ અહેવાલો લખી રહ્યા હતા. છત્તીસગઢના કેટલાક સ્થાનિક કોન્ટ્રાક્ટરો અને સ્થાનિક નેતાઓએ રસ્તાના બાંધકામ મામલે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો છે. મહારાષ્ટ્રમાં પણ આવું જ ચાલી રહ્યું છે. મહારાષ્ટ્રમાં પણ પત્રકાર સંતોષ દેશમુખની હત્યા ભ્રષ્ટ અધિકારીઓ અને રોડ કોન્ટ્રાક્ટરોની સાંઠગાંઠને કારણે થઈ હતી. સંતોષની હત્યા કરાવનારાઓના ગોડફાધર આજે મહારાષ્ટ્ર કેબિનેટમાં મંત્રી છે. છત્તીસગઢમાં પણ ભાજપની જ સરકાર છે જ્યાં બેફામ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. ઝારખંડમાં પણ એક પત્રકારે ભ્રષ્ટાચારને ઉઘાડો કર્યો એ માટે એમને બે વર્ષથી જેલમાં રાખવામાં આવ્યા છે.
એપાર્ટમેન્ટમાં પાળેલા જાનવરોના માલિકો પાસેથી દંડ વસુલવો ગેરકાનૂની
ચેન્નાઇની એક કોર્ટે ચૂકાદો આપ્યો છે કે એપાર્ટમેન્ટની કમિટી પાળેલા જાનવરોના માલિકો પાસેથી દંડ વસૂલ કરી શકશે નહીં તેમ જ પ્રતિબંધ મૂકી શકશે નહીં. તિરૂવનમીયુરના એક એપાર્ટમેન્ટની કમિટિએ એવો ઠરાવ પસાર કર્યો હતો કે એપાર્ટમેન્ટના કોઈપણ સભ્ય પાળેલા જાનવરો રાખી શકશે નહીં અને તેઓ જો પાળેલા જાનવર રાખશે તો દંડ વસુલ કરવામાં આવશે. આ મામલો કોર્ટમાં ગયો હતો. કોર્ટનું કહેવું છે કે આ પ્રકારના નિયમો ફલેટ ધારકના હક્કોનું ઉલ્લંઘન કરે છે. ૭૮ વર્ષના મનોરમા હિતેશીએ કૂતરો પાળ્યો હતો. જેને કારણે એપાર્ટમેન્ટના મેનેજમેન્ટે વિવાદાસ્પદ નિયમો બનાવ્યા હતા. કૂતરાના માલિકને લિફટનો ઉપયોગ કરતા પણ રોકવામાં આવ્યા હતા.
મમતા અને અભિષેકના જૂથ વચ્ચે કોલ્ડવોર : સામ-સામી નિવેદનબાજી
મમતા બેનર્જી અને ભત્રીજા અભિષેક બેનર્જી વચ્ચે કંઈક નારાજગી હોવાની વાતો તો ક્યારની ચાલે છે. હવે એનો સંકેત ખુલ્લીને મળી રહ્યો છે. અભિષેક બેનર્જી અને મમતા બેનર્જીના જૂથ વચ્ચે નિવેદનબાજી શરૂ થઈ છે. આરજીકાર હોસ્પિટલના રેપ-મર્ડર કેસમાં જેમણે દેખાવો કર્યા હતા એ કલાકારોનો બહિષ્કાર કરવો જોઈએ એવું ટીએમસીના બંગાળના મહાસચિવ કૃણાલ ઘોષે કહ્યું. એની સામે અભિષેક બેનર્જીએ કહ્યું હતું કે આ ટીએમસીનો મત નથી. કૃણાલનો અંગત અભિપ્રાય છે. એ નિવેદન પછી તુરંત જ મમતા બેનર્જીના વિશ્વાસુ નેતા કલ્યાણ બેનર્જીએ કૃણાલની તરફેણમાં મત આપ્યો હતો. શિક્ષણ મંત્રી બ્રાત્ય બાસુએ પણ કહ્યું હતું કે મમતા બેનર્જીનો મત જ અમારા સૌ માટે મહત્ત્વનો છે. બીજા કોઈનું નિવેદન અગત્યનું નથી.
યુદ્ધગ્રસ્ત યુક્રેનમાં ડીવોર્સના કેસમાં એક જ વર્ષમાં 50 ટકાનો વધારો
રશિયા-યુક્રેન યુદ્ધને આવતા મહિને ત્રણ વર્ષ થઈ જશે. આ ત્રણ વર્ષમાં યુક્રેનના લોકોનું જીવન ખૂબ જ યાતનાપૂર્ણ રહ્યું છે. ૬૦ લાખ લોકોએ યુક્રેન છોડી દીધું છે અને અન્ય દેશમાં શરણ લીધું છે. યુક્રેનમાં મહિલાઓ અને બાળકો દેશ છોડી શકે છે, પરંતુ માર્શલ લોના કારણે પુરુષો દેશ છોડી શકતા નથી. તેમણે યુક્રેનના સૈન્યમાં સેવા આપવી પડે છે. સતત પુરુષો પરિવાર અને પત્નીથી દૂર રહે છે. એના કારણે ઘણાં પરિવારો તૂટી રહ્યા છે. યુદ્ધગ્રસ્ત યુક્રેનને બદલે ઘણી મહિલાઓ અન્ય દેશમાં રહેવા ચાલી ગઈ છે તેના કારણે એ પતિને ડીવોર્સ આપી દે છે. આ ત્રણ વર્ષમાં યુક્રેનમાં જન્મદર પણ સાવ તળિયે છે. ૨૦૨૩ની સરખામણીએ ૨૦૨૪માં ડીવોર્સની સંખ્યા ૫૦ ટકા વધી ગઈ છે.
કેન્દ્રના 2020ના વાયદાને આગળ કરીને કેજરીવાલે ભાજપને ઘેર્યો
અરવિંદ કેજરીવાલે ભાજપને ઘેરવા માટે નવો વ્યૂહ ઘડયો છે. કેન્દ્ર સરકારે ૨૦૨૦માં દિલ્હી માટે કેટલાક વાયદા કર્યા હતા. જેમાં લેન્ડ રિફોર્મ એક્ટમાં સુધારા મુખ્ય વાયદો હતો. એનાથી દિલ્હીના લોકોની પરેશાની ઘટે તેમ છે, પરંતુ પાંચ વર્ષેય ભાજપે એ વાયદો પૂરો કર્યો નથી એમ કહીને અરવિંદ કેજરીવાલે કહ્યું કે પીએમ મોદીએ દિલ્હીના લોકોને છેતર્યા છે. કેજરીવાલે આરોપ લગાવ્યો હતો કે પીએમ મોદી દિલ્હીવાસીઓનું અપમાન કરી રહ્ય છે. દિલ્હીના લોકો વિધાનસભાની ચૂંટણીમાં આ અપમાનનો બદલો લેશે.
તેલંગણામાં રાજકીય ઉત્તેજના કેટીઆરની એસીબીએ પૂછપરછ કરી
કેટી રામારાવ ભારતીય રાષ્ટ્રીય સમિતિના કાર્યકારી પ્રમુખ છે. તેલંગણાના પૂર્વ સીએમ કે. ચંદ્રશેખરના દીકરા છે અને તેમના રાજકીય વારસ છે. અત્યારે પાર્ટીના બધા જ મહત્ત્વના નિર્ણયો તેમના ઈશારે થાય છે. કેસીઆરની સરકાર હતી ત્યારે કેટીઆર મંત્રી હતા અને તેમની પાસે ઘણાં પોર્ટફોલિયો હતા. ૨૦૨૩માં ફોર્મુલા કાર રેસ યોજાઈ એમાં ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો હોવાથી એસીબીએ કેટીઆરને સમન્સ પાઠવ્યું હતું. કેટીઆર એસીબીની ઓફિસ ગયા હતા. ત્યાં ડ્રામા થયો હતો. એસીબીના અધિકારીઓએ વકીલને સાથે લઈ જવ દેવાનો ઈનકાર કર્યો હતો. આ ઘટનાથી તેલંગણામાં રાજકીય ઉત્તેજના છે.
- ઈન્દર સાહની