દિલ્હીની વાત : ફડણવીસ અંધવિશ્વાસને કારણે મુખ્યમંત્રી નિવાસમાં રહેતા નથી
નવીદિલ્હી : મહારાષ્ટ્રના રાજકારણમાં એવી અંધશ્રદ્ધા છે કે મુખ્યમંત્રીના ઓફિશ્યલ નિવાસસ્થાન વર્ષામાં જે મુખ્યમંત્રી રહેવા ગયા છે એમણે ગાદી ગુમાવવી પડી છે. ફરીથી મુખ્યમંત્રી બન્યા પછી દેવેન્દ્ર ફડણવીસ પણ આ ટર્મમાં વર્ષામાં રહેવા ગયા નથી. શિવસેના (ઉદ્ધવ ઠાકરે)ના સાંસદ સંજય રાઉતે એવો આક્ષેપ કર્યો છે કે, ફડણવીસ મુખ્યમંત્રીના આવાસમાં રહેવા જતા એટલા માટે ડરે છે કે, કયાંક એમની ખુરશી છીનવાઈ ન જાય. રાઉતે વધુમાં કહ્યું છે કે એકનાથ શિંદે જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે ગૌહાટી ગયા હતા અને કામાખ્યા માતાના મંદિરમાં જઈ ભેંસનો બલી ચઢાવ્યો હતો. ત્યાર પછી એ ભેંસના શીંગડા વર્ષાના કમ્પાઉન્ડમાં દફાનાવ્યા હતા. એકનાથ શિંદેએ આ વિધિ એટલા માટે કરી હતી કે મુખ્યમંત્રીપદ એમની પાસે જ રહે. હવે મુખ્યમંત્રી ફડણવીસે જવાબ આપવો જોઈએ કે તેઓ મુખ્યમંત્રીના આવાસમાં રહેવા શા માટે નથી જતા.
મહાકુંભમાં 61 વિદેશી શ્રદ્ધાળુઓએ સનાતન ધર્મ અપનાવ્યો
મહાકુંભમાં આવનારા શ્રદ્ધાળુઓ સનાતન ધર્મ પ્રત્યે આકર્ષાય છે. શક્તિધામની શિબિરમાં ૬૧ વિદેશી શ્રદ્ધાળુઓએ ગુરુદિક્ષા લઈને સનાતન ધર્મ અંગીકાર કર્યો છે. વાસ્તુવેદ, ડોક્ટર, આઇટી ડેવલોપર ઉપરાંત બીજા ઘણા પ્રોફેશનલ્સએ ગુરુમંત્ર સ્વિકાર્યો છે. સેક્ટર ૧૭માં આવેલા શક્તિધામ આશ્રમ ખાતે વૈદિક મંત્રોચ્ચાર સાથે ૬૧ વિદેશી શ્રદ્ધાળુઓએ જગત ગુરુ સાંઇમા લક્ષ્મી દેવી પાસેથી દિક્ષા લીધી હતી. આ તમામ વિદેશી શ્રદ્ધાળુઓએ ઓમ નમ: શિવાયની ધુન પર નૃત્ય કર્યું હતું. ગુરુ દિક્ષા લેનાર બેલ્જીયમની હાડકાના રોગની નિષ્ણાત ડો. કેથરીન ગિલ્ડેમીન કહે છે કે રોજબરોજના જીવનની ભાગદોડથી જે તણાવ ઉભો થાય છે એનો સામનો કરવા માટે સનાતન ધર્મના સિદ્ધાંતોનું અનુકરણ કરવું જોઈએ.
'મમતા બેનર્જી મને મારી માતા જેવા લાગે છે' : ભૂતાનના મંત્રી
કોલકત્તામાં બંગાળ ગ્લોબલ બિઝનેસ સમીટ (બીજીબીએસ)નું આયોજન થયું હતું. આ બિઝનેસ સમીટ ઉદ્ધાટન કાર્યક્રમમાં એક એવી ઘટના બની હતી કે જેને કારણે શ્રોતાઓ ભાવુક બની ગયા હતા. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પણ નવાઈમાં પડી ગયા હતા. આ કાર્યક્રમમાં બધાના મોઢે પશ્ચિમ બંગાળના વખાણ સાંભળવા મળ્યા હતા અને મોટા ભાગના વક્તાઓએ મમતા બેનર્જીની કામગીરી બિરદાવી હતી. કાર્યક્રમમાં હાજર રહેલા ભૂતાનના કૃષિ અને પશુપાલન મંત્રી યોતેન ફંટશોએ મમતા બેનર્જીને માતા જેવી વ્યક્તિ કહ્યા હતા. એમણે કહ્યું હતું કે મારી માતાનો જન્મ ૧૯૫૫માં થયો હતો. અને મમતા પણ એ જ વર્ષમાં જન્મ્યા હતા. હું મમતા બેનર્જીને ખરેખર મારી માતા માનું છું. પશ્ચિમ બંગાળ અને ભૂતાન વચ્ચે સંબંધ વધારવા પર મંત્રીએ ભાર આપ્યો હતો.
તિરૂપતિ મંદિરમાં કામ કરતા બિનહિન્દુ કર્મચારીઓની હકાલપટ્ટી
તિરૂમાલા તિરૂપતિ દેવસ્થાનમ (ટીટીડી)ના ૧૮ કર્મચારીઓ બિનહિન્દુ હોવાથી એમની સામે શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવી છે. આ તમામને મંદિરના સંચાલકોએ મંદિર દ્વારા આયોજીત થતા ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યક્રમોમાં ભાગ લેતા રોકવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ટીટીડીના એક અધિકારીએ કહ્યું છે કે, હાંકી કઢાયેલા તમામ બિનહિન્દુ કર્મચારીઓ મંદિરના કોઈપણ કાર્યક્રમમાં ભાગ લઈ શકશે નહીં. તેલુગુ દેશમ પાર્ટીના નેતા નારા લોકેશે પણ એવું કહ્યું છે કે, તિરૂપતિ મંદિરના બોર્ડ દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે એને ફેરવવામાં નહીં આવે. આંધ્રપ્રદેશની સરકાર પણ ટીટીડીના નિર્ણયને ટેકો આપે છે.
સંઘના વડા મોહન ભાગવત બંગાળના લાંબા પ્રવાસે
આરએસએસના પ્રમુખ મોહન ભાગવત બંગાળ જઈને ત્યાંના વિવિધ વિસ્તારોનો પ્રવાસ કરશે. તેઓ ૧૦ દિવસ કરતા વધુ સમય બંગાળમાં રહેવાના છે. એમ મનાય છે કે, બંગાળમાં ભાજપની રાજકીય સ્થિતિ મજબૂત કરવા માટે સંઘે ખાસ યોજના બનાવી છે. ભાગવતની સાથે પૂર્વક્ષેત્રના સહપ્રચારક તેમ જ બંગાળના પ્રાંત પ્રચાર પ્રમુખ પણ રહેશે. વિવિધ જિલ્લાઓમાં સંઘના સ્વયંસેવકો સાથે મોહન ભાગવત મુલાકાત કરશે અને હિન્દુત્વ માટે લોકોને જાગૃત કરવા માટે કેવી યોજના બનાવવી જોઈએ એ વિશે ચર્ચા કરશે. ભાજપ હાઇકમાન્ડ બંગાળમાં પાયો મજબૂત કરવા માંગતુ હોવાથી ભાગવતની આ યાત્રાનું આયોજન થયું છે.
પ્રદર્શનકારીઓએ હસીનાના પિતા મુઝીબૂર રહેમાનનું ઘર બાળી નાખ્યું
બાંગ્લાદેશમાં શેખ હસીના સામેનો વિરોધ પ્રદર્શન શાંત થતો નથી. પ્રદર્શનકારીઓએ વધુ એક વખત હિંસા કરી હતી અને ઢાકામાં આવેલું મુઝીબુર રહેમાનનું ઘર બાળી નાખ્યું હતું. આ બાબતે શેખ હસીનાએ આક્રોશ વ્યક્ત કર્યો. શેખ હસીના ઓનલાઈન બાંગ્લાદેશીઓને સંબોધન કરતી હતી એ વખતે જ આ ઘટના બની હતી. એ પછી શેખ હસીનાએ કહ્યું કે એવો તો મેં તમારો શું ગુનો કર્યો? મેં તમારે માટે કશું જ કર્યું નથી કે તમારે આ પ્રકારનું કૃત્ય કરવું પડે છે? શેખ હસીનાએ કહ્યું કે જે ઘરમાંથી મુઝીબુરે આઝાદીનો નારો આપ્યો હતો એ ઘર તોડી-ફોડીને બાળી નાખવા પાછળ કોનો હાથ છે એ લોકોએ સમજવું જોઈએ.
દિલ્હી અને ફલોદીના સટ્ટાબજારમાં આપની જીત પર સટ્ટો
દિલ્હી અને ફલોદીના સટ્ટાબજારોમાં આમ આદમી પાર્ટીને વિજય મળશે એની ફેવરમાં સટ્ટો લગાવવામાં આવી રહ્યો છે. એક્ઝિટ પોલમાં ભાજપની ૨૭ વર્ષ બાદ દિલ્હીમાં વાપસી થશે એવો વર્તારો થયો છે, પરંતું એનાથી બિલકુલ અલગ દિલ્હીના સટ્ટાબજાર પ્રમાણે આપને ૩૮થી ૪૦ બેઠકો મળશે. ભાજપને ૩૦થી ૩૨ અને કોંગ્રેસને એક પણ બેઠક મળશે નહીં. ફલોદીના સટ્ટાબજારમાં આપને ૩૭થી ૩૯ અને ભાજપને ૩૨થી ૩૪ બેઠકો માટે સટ્ટો લાગી રહ્યો છે. મોટાભાગના સટ્ટોડિયાઓ આપના વિજયમાં દાવ ખેલી રહ્યા છે.
ભાજપ સંઘ પ્રત્યે સમર્પિત, આપનાર માતાને કેમ ભૂલી શકાય : ગડકરી
નીતિન ગડકરીએ કહ્યું કે ભાજપ સંઘ પ્રત્યે સમર્પિત છે. જન્મ આપનારી માતાને કોઈ કેવી રીતે ભૂલી શકે? ગડકરીનું આ નિવેદન ચૂંટણી વખતે નડ્ડાએ આપેલા નિવેદનના સંદર્ભમાં આવ્યું હતું. તે વખતે નડ્ડાએ કહ્યું હતું કે ભાજપ પોતાની રીતે સક્ષમ છે. સંઘના સમર્થનની જરૂર નથી. ગડકરીએ એ સંદર્ભમાં સંઘને પૂરી ક્રેડિટ આપી ને કહ્યું કે સંઘની વિચારધારાને ભાજપ સમર્પિત છે. એમાંથી બાકાત રહી શકાય નહીં. તેમણે એવુંય સ્વીકાર્યું કે આજે હું જે કંઈ છું એમાં વિદ્યાર્થી પરિષદ અને સંઘનો સૌથી મોટો રોલ છે. ગડકરીનું આ નિવેદન બહુ જ સૂચક છે. ઘણાં સમયથી સંઘ અને ભાજપ વચ્ચે ઘર્ષણ થતું રહે છે. સંઘ ભાજપ સરકારની ટીકા પણ કરે છે. ત્યારે આ નિવેદન અગત્યનું બની રહે છે.
અનિલ વીજની જીદ સામે સૈનીએ ઝૂક્યા : 103 અધિકારીઓની બદલી
હરિયાણા ભાજપમાં કેટલાય સમયથી ભડકો થયેલો છે. સિનિયર નેતા અને મંત્રી અનિલ વીજ કેટલાય સમયથી નાયબ સિંહ સૈનીની વિરૂદ્ધમાં આડકતરા નિવેદનો આપતા હતા. અધિકારીઓની બદલી માટે અનિલ વીજની ડિમાન્ડ હતી. અનિલ વીજે હરિયાણા બીજેપી યુનિટ પર દબાણ વધાર્યું એટલે આખરે થોડા દિવસથી હિલચાલ શરૂ થઈ હતી. અનિલ વીજ હરિયાણા ભાજપના કાર્યકારી પ્રમુખ સતિષ પુનિયાને મળ્યા ને પછી સીએમ સાથે પણ લાંબી ચર્ચા થઈ. આખરે અનિલ વીજની ડિમાન્ડ સામે સૈનીએ નમતું મૂક્યું હતું. આઈએએસ, આઈપીએસ, હરિયાણા સિવિલ સર્વિસ, પોલીસ સર્વિસ વગેરેના ૧૦૩ અધિકારીઓની બદલી થઈ હતી. અનિલ વીજે ધારણા પ્રમાણે બદલી કરાવીને હરિયાણાના રાજકારણમાં પોતાનું કદ વધુ એક વખત સાબિત કરી બતાવ્યું છે.
યુપીની એન્ટી રોમિયો સ્કવોડના સાત વર્ષ, 32 હજાર સામે ફરિયાદ
યોગી આદિત્યનાથે ૨૦૧૭માં એન્ટી રોમિયો સ્કવોડ બનાવી હતી. મહિલાઓને જાતીય સતામણીથી બચાવવા માટે બનેલી આ એન્ટી રોમિયો સ્કવોડને સાત વર્ષ પૂરા થયા. આટલા સમયમાં આ સ્કવોડે યુપીની વસતિના ૧૮ ટકા યાને ૩.૯૦ કરોડની તપાસ-પૂછપરછ કરી. એમાંથી ૧.૪૪ કરોડને ચેતવણી આપવામાં આવી હતી. સાત વર્ષમાં એન્ટી રોમિયો સ્કવોડે ૩૨ હજારથી વધુ સામે ફરિયાદ દાખલ કરીને કાર્યવાહી પણ કરી હતી. યુપી સરકારે દાવો કર્યો હતો કે એન્ટી રોમિયો સ્કવોડના કારણે મહિલાઓ વધુ સલામત બની છે અને તેમની સામે જાતીય સતામણીના કિસ્સા ઘટયા છે.
કર્ણાટકમાં ચોરી કરી ચોરે પ્રેમીકા માટે ત્રણ કરોડનું ઘર બનાવ્યું
કર્ણાટકની રાજધાની બેંગ્લુરુમાં ૧૪ લાખ રૂપિયાની ચોરી કરનાર આરોપીને પોલીસે પકડયો ત્યારે કેટલીક નવાઇ લાગે એવી માહિતી મળી. પોલીસે ચોર પાસેથી ૧૮૧ ગ્રામ સોનાના બિસ્કીટ, ૩૩ ગ્રામ ચાંદીના ઘરેણા અને એક પિસ્તોલ જપ્ત કર્યા હતા. આ ચોર એટલો હોંશિયાર છે કે, કેટલીક કન્નડ અભિનેત્રીઓ સાથે પણ એને સંબંધ છે. ભૂતકાળમાં એણે ચોરીની કમાણીમાંથી પ્રેમિકા માટે ત્રણ કરોડ રૂપિયાનો બંગલો પણ બનાવ્યો હતો. સોલાપુરનો રહેવાસી પંચાક્ષરી સ્વામી પરણિત છે અને એને સંતાનો પણ છે. છેલ્લાં ૨૦ વર્ષથી તે દેશભરમાં ફરીને ચોરી કરતો હતો. પંચાક્ષરી સ્વામીએ એક કન્નડ અભિનેત્રી માટે બંગલો બનાવ્યો હતો. આ અભિનેત્રીને પંચાક્ષરીએ ૨૨ લાખ રૂપિયાનું એકવેરિયમ પણ ભેટમાં આપ્યું હતું.
- ઈન્દર સાહની