મિઝોરમમાં દવાઓની અછત, સરકાર મૂક પ્રેક્ષક
નવીદિલ્હી : આસામ-મિઝોરમ સરહદી વિવાદના પગલે મણિપુર આવતી ટ્રકોને આસામમાં રોકી દેવાતાં મિઝોરમમાં હાલત ખરાબ થઈ રહી છે. સરકાર મિઝોરમને દવાઓ સહિતની જીવન જરૂરીયાતની ચીજો સરળતાથી મળી રહે એવી વ્યવસ્થા કરવાના બદલે મૂક પ્રેક્ષક બનીને તમાશો જોઈ રહી છે તેની આકરી ટીકા થઈ રહી છે. મિઝોરમે આ પ્રવૃત્તિને માનવાધિકારનો અને દેશના બંધારણનો પણ ભંગ ગણાવીને સરકારને તાત્કાલિક દખલગીરી કરવા કહ્યું છે.
મિઝોરમમાં કોરોનાની સારવાર માટેની દવાઓ ખૂટી પડી છે એવો દાવો આરોગ્ય મંત્રી ડો. લાલથાંગલિયાનાએ કર્યો છે. આ દવાઓ તાત્કાલિક નહીં મળે તો મિઝોરમમાં કોરાનાના કારણે થતો મોતનો આંકડો ઝડપથી વધશે એવી ચીમકી પણ તેમણે આપી છે. આ સિવાય દૂધ, ઈંડાં જેવી રોજિંદી જરૂરીયાતની ચીજો પણ મળી રહી નથી.
સૂત્રોનો દાવો છે કે, ભાજપ સરકાર એક તરફ મિઝોરમને તમામ સહાયનો દાવો કરે છે જ્યારે બીજી તરફ સહાય મળતી રહે એ માટે કશું કરતી નથી. આ બેવડાં ધોરણોના કારણે લોકોમાં આક્રોશ વધી રહ્યો છે.
રેલ્વેનાં ભાડામાં હવે કોઈ રાહત નહીં મળે
સરકાર રેલ્વેનાં ભાડામાં પહેલાં અપાતી રાહતો ફરી શરૂ નહીં કરે એવો સ્પષ્ટ સંકેત નવા રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે આપી દીધો છે. સરકારનો ઈરાદો જોતાં હવે લોકોએ કાયમ માટે મોંઘા ભાવે રેલ્વેની મુસાફરી કરવાની તૈયારી રાખવી પડશે.
ગયા વરસે માર્ચમાં કોરોનાના કારણે લોકડાઉનના પગલે મોદી સરકારે તમામ ટ્રેનો બંધ કરવાની જાહેરાત કરી પછી ટ્રેન સેવા નિયમિત રીતે શરૂ થઈ નથી. સ્પેશિયલ ટ્રેનો જ દોડાવાય છે કે જેમાં કોઈ રાહતો નથી અપાતી.
રેલ્વે દ્વારા પહેલાં પ્રવાસી ભાડાંમાં ૫૧ પ્રકારની રાહતો અપાતી હતી. સીનિયર સિટિઝન્સને ૫૦ ટકા સુધી રાહત અપાતી હતી. દિવ્યાંગજનો, વિદ્યાર્થીઓ, દર્દીઓ વગેરેને અલગ અલગ કેટેગરીમાં રાહતો અપાતી હતી. વૈષ્ણવના કહેવા પ્રમાણે આ રાહતો ફરી શરૂ કરવાની હાલમાં કોઈ યોજના નથી. સૂત્રોના મતે, સરકાર રેલ્વેનું ધીરે ધીરે સંપૂર્ણ ખાનગીકરણ કરી નાંખવા માગે છે તેથી હવે સસ્તી મુસાફરી જ શક્ય નહીં રહે ત્યારે હવે કોઈ પણ રાહતની તો વાત જ થાય તેમ નથી.
ભાજપ-સંઘ રેટ્રો કર મુદ્દે સામસામે
સરકારે મોટી કંપનીઓ પરનો રેટ્રો કર નાબૂદ કરવાનો નિર્ણય લીધો તેનાથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ નારાજ છે. આ મુદ્દે સંઘ અને ભાજપ સામસામે આવી ગયાં છે ને ટ્વિટર વોર જામી છે.
સંઘ સાથે જોડાયેલા સ્વદેશી જાગરણ મંચે આ નિર્ણયની ઝાટકણી કાઢીને લખ્યું કે, સરકારે આંતરરાષ્ટ્રીય મધ્યસ્થીના દબાણમાં રેટ્રોસ્પેક્ટ્રિવ ટેક્સ નાબૂદ કર્યા વિના છૂટકો જ નહોતો. મીડિયામાં આ સમાચાર 'ચોરોને રાહત' એ હેડિંગ સાથે છપાવા જોઈતા હતા કે જેના કારણે સરકાર તથા પ્રજાને હજારો કરોડ રૂપિયાનો ચૂનો લાગી ગયો છે. વિદેશી રોકાણના ગેરફાયદાનું આ મોટું ઉદાહરણ છે.
ભાજપના વિદેશી બાબતોના પ્રભારી ડો. વિજય ચૌથાઈએ સવાલ કર્યો કે, તમે એફડીઆઈ પર સંપૂર્ણ પ્રતિબંધ ઈચ્છો છો ? મંચના અશ્વિની મહાજને સામો સવાલ કર્યો કે, કોઈ પણ નીતિના ફાયદા કે ગેરફાયદા વિશે બોલવું એ ગુનો છે ? ચૌથાઈએ જવાબ આપ્યો કે, અપરાધ ના હોય એ બધું દેશના હિતમાં હોય એ જરૂરી નથી ને આ વાત સમજવામાં તમે નિષ્ફળ ગયા છો.
સ્મૃતિની અનિચ્છા છતાં રેખા ફરી મહિલા પંચના ચેરમેન
રેખા શર્મા કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીની અનિચ્છા છતાં રાષ્ટ્રીય મહિલા પંચનાં ચેરમેન તરીકે ત્રણ વર્ષનું એક્સટેન્શન મેળવવામાં સફળ રહ્યાં છે.
સ્મૃતિ આ હોદ્દા પર પોતાની નજીકનાં દિલ્હી ભાજપનાં મહિલા નેતાને મૂકવા માગતાં હતાં પણ સંઘના દબાણના કારણે મોદીએ સ્મૃતિની ઈચ્છાને અવગણીને ફરી શર્માને નિમણૂક આપી હોવાનું કહેવાય છે.
સંઘની દલીલ છે કે, શર્મા હિંદુત્વના એજન્ડા પર કામ કરી રહ્યાં છે અને ભાજપને રાજકીય ફાયદો થાય એ રીતે પણ વર્તી રહ્યાં છે ત્યારે તેમને ડિસ્ટર્બ કરવાની જરૂર નથી. અમિત શાહે પણ રેખાની તરફેણ કરી હોવાની ચર્ચા છે.
રેખાના લવ જિહાદ તથા ખ્રિસ્તી ધર્મગુરૂઓ સામેના આક્રમક વલણના કારણે સંઘ તેમનાથી ખુશ છે. રેખા શર્માએ ચર્ચમા કરાતાં કન્ફેશનની પ્રથા નાબૂદ કરવા ખુલ્લેઆમ તરફેણ કરી રહ્યાં છે.
મહિલા પંચના માધ્યમથી તેમણે લવ જિહાદના ઘણા કેસોનો ભાંડો ફોડયો હોવાનો દાવો છે. મહારાષ્ટ્રમાં લવ જિહાદના કેસો વધી રહ્યા છે એવા દાવા દ્વારા તેમણે ભાજપને રાજકીય મુદ્દો આપ્યો હતો.
મૌર્ય ફેક ડીગ્રી કેસમાં દોષિત ઠરશે ?
ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં ભાજપને મોટો ફટકો પડે એવી ઘટનામાં નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય ખોટી ડીગ્રીના કેસમાં દોષિત ઠરીને ગેરલાયક ઠરે એવા અણસાર છે.
મૌર્ય સામે નકલી ડીગ્રીના આધારે પેટ્રોલ પંપ લેવાનો અને પાંચ ચૂંટણી જીતવાનો કેસ ભાજપના જ ટોચના નેતા દિવાકર ત્રિપાઠીએ કર્યો છે.
પ્રયાગરાજની કોર્ટ ૧૧ ઓગસ્ટે આ કેસમાં ચુકાદો આપવાની છે પણ પુરાવા જોતાં ચુકાદો મૌર્યની વિરૂધ્ધ આવવાની પ્રબળ શક્યતા ભાજપના નેતાઓ જ વ્યક્ત કરી રહ્યા છે.
ત્રિપાઠી રાજનાથસિંહના ખાસ ગણાય છે તેથી મૌર્ય સામે કેસ કરવા છતાં હજુ ભાજપમાં જ છે. આ કારણેપણ કોર્ટનો ચુકાદો મૌર્યની વિરૂધ્ધ આવી શકે છે.
ત્રિપાઠીનો આક્ષેપ છે કે, મૌર્યે પોતાની શૈક્ષણિક લાયકાત તરીકે હિંદી સાહિત્ય સંમેલન દ્વારા અપાયેલી ડીગ્રી દર્શાવી છે. તેનાં સર્ટિફિકેટ્સ ચૂંટણીની એફિડેવિટમાં જોડયાં છે પણ યુપી સરકાર કે કોઈ પણ બોર્ડે આ ડીગ્રીને માન્યતા નથી આપી. આ ડીગ્રીના આધારે મૌર્યને પેટ્રોલ પંપ પણ ફાળવાયો છે તેથી મૌર્ય સામે છેતરપિંડીનો કેસ થવો જોઈએ.
આસામમાં ભાજપને પછાડવા મમતા-ગોગોઈ સાથે
મમતા બેનરજીએ ત્રિપુરામાં ભાજપ સામે આરપારનો જંગ છેડયા પછી હવે આસામમાં ભાજપને પડકારવાનું નક્કી કર્યું છે. તૃણમૂલ કોંગ્રેસનો આસામમાં પ્રભાવ વધારવા મમતાએ અપક્ષ ધારાસભ્ય અખિલ ગોગોઈ સાથે જોડાણ માટે પ્રયત્નો શરૂ કર્યા છે.
આસામમાં ચાના બગીચા તથા અન્ય ઠેકાણે કામ કરતા કામદારોના નેતા અને આરટીઆઈ એક્ટિવિસ્ટ ગોગોઈને મમતાએ કોલકાત્તા બોલાવીને આસામમાં તૃણમૂલનું નેતૃત્વ કરવા કહ્યું છે. ભાજપ સામે આક્રમકતાથી લડી રહેલા ગોગોઈને મજબૂત પીઠબળની જરૂર છે તેથી હકારાત્મક પ્રતિસાદ આપ્યો છે.
આસામમાં ભ્રષ્ટાટાર વિરોધી અનેક ચળવળોનું નેતૃત્વ કરનારા ગોગોઈને સીએએ સામેના વિરોધ બદલ ભાજપ સરકારે જેલમાં પૂરી દીધો હતો. ૧૯ મહિના સુધી જેલમાં રહેલા ગોગોઈએ વિધાનસભાની ચૂંટણી જેલમાં રહીને જ લડી હતી.
એક પણ દિવસ પ્રચાર માટે બહાર નહી નિકળેલા ગોગોઈને હરાવવા ભાજપે પૂરી તાકાત લગાવી દીધી હતી છતાં ગોગોઈ સિબસાગર બેઠક પરથી અપક્ષ તરીકે જીતી ગયા હતા. આસામમાં મોટા પ્રમાણમાં મુસ્લિમો અને કામદારો હોવાથી મમતા ભાજપ માટે પડકાર ઉભો કરી શકે છે.
***
ટીએમસીને આગેવાન થવું છે, કોંગ્રેસથી અલગ રહેવું છે
વિપક્ષ દ્વારા કેન્દ્ર સામે ચોમાસુ સત્ર દરમિયાન કેટલાય મુદ્દાઓને લઈને સંકલિત રીતે કાર્યવાહી કરવામાં આવી, પણ મમતા બેનરજીની ટીએમસી સાવધાનીપૂર્વક આ ગ્રુપની અંદર પોતાની આગવી નેતાગીરીને કંડારી રહી છે.
ટીએમસી કમસેકમ કોંગ્રેસની આગેવાની હેઠળના રાજકીય પક્ષ તરીકેની તેની ઇમેજ ઊભી થવા દેવા માંગતી નથી અને પોતાની અલગ જ છાપ ઊભી કરવા માંગે છે.
તેથી જ ટીએમસીના સાંસદોએ શુક્રવારે જંતર મંતર પર વિરોધ કરી રહેલા ખેડૂતોની સામેની કિસાન સંસદમાં હાજરી આપી હતી. જ્યારે રાહુલ ગાંધીની આગેવાની હેઠળ સમગ્ર વિપક્ષે દિવસના બીજા ભાગમાં ખેડૂતોની મુલાકાત લીધી હતી.
શુક્રવારે કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગેીની ચેમ્બરમાં વિપક્ષોની બેઠક યોજાઈ હતી. ટીએમસીના સાંસદ સજેદા ખાતુન અને રાજ્યસભાના સાંસદ નદીમુલ હક્કે તેમા હાજરી આપી હતી, જ્યારે ખરેખર તેમા ફ્લોર લીડર ડેરેક ઓ બ્રાયન (રાજ્યસભા) કે સુદીપ બંદોપાધ્યાય (એલએસ)એ હાજરી આપવાની હતી.
રાહુલ સાથે બે દિવસ પહેલાની બ્રેકફાસ્ટ મીટિંગમાં પણ ટીએમસીના સાંસદો સારી સંખ્યામાં હાજર હતા, પરંતુ તેમના ફ્લોર લીડર હાજર ન હતા. ટીએમસીના રાજ્યસભાના સાંસદ સુખદ્દુ શેખર રોયે શુક્રવારે બિઝનેસ એડવાઇઝરી કમિટીની મીટિંગમાંથી બિલને સંસદમાં જે રીતે પસાર કરવામાં આવ્યા તેના વિરોધમાં વોકઆઉટ કર્યુ હતું. વિપક્ષમાંથી આવું પગલું લેનારા તે પ્રથમ હતા.
કોંગ્રેસની અંદર સંગઠનાત્મક ફેરફાર ઇચ્છતા પ્રશાંત કિશોર
ચૂંટણી વ્યૂહબાજ પ્રશાંત કિશોરે ગુરુવારે પંજાબના મુખ્યપ્રધાન કેપ્ટન અમરિન્દર સિંઘના સલાહકાર પદેથી રાજીનામુ આપી દઇને સંકેત પાઠવી દીધા છે કે તેઓ હવે ફક્ત સલાહકારની ભૂમિકા સુધી મર્યાદિત રહેવા માંગતા નથી. તેઓ તેના બદલે રાજકીય પક્ષનો હિસ્સો બનીને ૨૦૨૪માં તેમની ક્ષમતા સાબિત કરવા માંગે છે.
આંતરિક વર્તુળોનું કહેવું છે કે કિશોર કોંગ્રેસના વચગાળાના પ્રમુખ સોનિયા ગાંધીને છેલ્લા એક વર્ષમાં ઘણી વખત મળ્યા છે, પરંતુ તેમની વાતો ચૂંટણીલક્ષી નથી.
તેના બદલે તેઓએ કોંગ્રેસની અંદર ધરમૂળથી ફેરફાર કરવા સૂચન કર્યુ છે. કિશોરે ત્રણેય ગાંધીને જણાવ્યું છે કે તેઓનું ધ્યાન સંગઠનાત્મક સુધારા પર હોવું જોઈએ ચૂંટણીઓ જીતવા પર ન હોવું જોઈએ.
આરટીઆઇ એક્ટિવિસ્ટને ઓક્સિજન મેનેજમેન્ટનો રિપોર્ટ આપવા ઇન્કાર
કેન્દ્રએ રાઇટ ટુ ઇન્ફોર્મેશન (આરટીઆઇ) કાર્યકરને રોગચાળા દરમિયાન ેડિકલ ઓક્સિજનના મેનેજમેન્ટ અંગેના સત્તાવાર રેકોર્ડની વિગતો આપવાનો ઇન્કાર કર્યો છે. તેનું કહેવું હતું કે એપ્રિલ ૨૦૨૦માં આવી કોઈ પેનલ જ સ્થપાઈ ન હતી. આ વર્ષે જૂનમાં સરકારે સૌરવ દાસને બીજા કારણસર આ પ્રકારની માહિતી આપવા ઇન્કાર કર્યો હતો.
તેણે કારણ આપ્યું હતું કે આરટીઆઇ એક્ટ હેઠળ અધિકારીઓને તે માહિતી ન આપવાનો અધિકાર છે જે ભારતના રાષ્ટ્રીય હિતોના અસર કરતી હોય. કેન્દ્રએ ગયા વર્ષે માર્ચમાં ડીપીઆઇટીટીના સેક્રેટરી ગુરુપ્રસાહ મોહપાત્રાના અધ્યક્ષ પદ હેઠળ ઇન્ટરમિનિસ્ટરીઅલ એમ્પાવર્ડ ગ્રુપ સ્થાપ્યું હતું.
તેમા અન્ય મંત્રાલયના ઓફિસરો પણ હતા. રાજ્યોને મેડિકલ ઓક્સિજનનો પુરવઠો નિયમિત રીતે મળી રહે તે માટે તેને સ્થાપવામાં આવ્યું હતું, એમ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું. હવે તે માાર્ચ કે એપ્રિલ ૨૦૨૦માં સ્થપાયું તે બાબત અપ્રસ્તુત છે, મેં તેના સત્તાવાર રેકોર્ડ અંગે જ પૂછ્યું છે, એમ દાસે જણાવ્યું હતું.
સાત વર્ષનો રેકોર્ડ યુપીએએ ભાજપ કરતાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધુ વધાર્યા
પેટ્રોલના ભાવ દિલ્હીમાં પ્રતિ લિટર ૧૦૦ રુપિયાને વટાવી ગયા છે અને આજે ભારતના કેટલાય શહેરોમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર ૧૦૦ રુપિયાને વટાવી ગયો છે. તેના ભાવમાં નોંધપાત્ર વધારો રાજકીય મુદ્દો પણ બની ગયો છે.
જો કે છેલ્લા ૧૦ વર્ષ દરમિયાન હાલના અને અગાઉના શાસનોએ કેટલો વધારો કર્યો તે જોઈએ લઈએ. સરકારે સત્તાના સાત વર્ષ દરમિયાન પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ૪૦ અને ૫૬ ટકાનો વધારો કર્યો હતો.
ભાજપ સરકાર સત્તા પર આવી હતી ત્યારે પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર ૭૧.૪૧ અને ડીઝલનો ૫૭.૨૮ હતો, જે હવે ૧૦૦.૨૧ અને ૮૯.૫૩ થયો છે. તેની સામે યુપીએ સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ૭૭ ટકા અને ૬૬ ટકા વધારો કર્યો હતો. તેનો ભાવ ૨૦૦૪માં પ્રતિ લિટર ૩૬ અને ૨૩ રુપિયા હતો તે વધીને ૬૩ અને ૩૮ રુપિયા થઈ ગયો હતો.
જો કે યુપીએના શાસનકાળ દરમિયાન ૨૦૦૪થી ૨૦૧૪ દરમિયાન ક્રૂડ ઓઇલના ભાવ ૨૨૨ ટકા વધી પ્રતિ બેરલ ૩૪.૧૬ ડોલરથી ૧૧૦ ડોલરે પહોંચી ગયા હતા. તેના લીધે પેટ્રોલિયમ પ્રોડક્ટ્સના ભાવ વધારવા પડયા હતા.
- ઇન્દર સાહની