દિલ્હીની વાત : ભાજપના ઇશારે તિહારના સત્તાધિશો કેજરીવાલને મળવા દેતા નથી : આપ
નવીદિલ્હી : આપના સાંસદ સંજયસિંહે તિહાર જેલના સત્તાધિશો પર ગંભીર આક્ષેપ કર્યો છે. તિહાર જેલમાં રહેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને જ્યારે પણ સંજયસિંહ મળવા માટે જાય છે ત્યારે સત્તાધિશો ઇન્કાર કરી દે છે. સંજયસિંહે હવે આ બાબતને દિલ્હી હાઇકોર્ટમાં પડકારી છે. સંજયસિંહે વારંવાર જેલના સત્તાધિશોને વિનંતી કરી હતી કે, અરવિંદ કેજરીવાલ સાથે એમની મુલાકાત ગોઠવે, પરંતુ સત્તાધિશો ભાજપની ચઢામણીથી એમને મળવા દેતા નથી. હાઇકોર્ટે હવે તિહાર જેલના સત્તાધિશોને નોટિસ મોકલી છે અને જવાબ માંગ્યો છે.
હરિયાણામાં આપ, કોંગ્રેસના ગઠબંધનનો વિરોધ
હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ અને આપ વચ્ચે ગઠબંધન માટે પ્રયાસો ચાલી રહ્યા છે. કોંગ્રેસ માને છે કે, મતોનું વિભાજન ન થાય એ માટે આપ સાથે ગઠબંધન જરૂરી છે. કોંગ્રેસના કે સી વેણુગોપાલ અને દિપક બાબરીયા ગઠબંધન મામલે અવઢવમાં છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આપે કોંગ્રેસ પાસે દસ બેઠકો માંગી છે જ્યારે કોંગ્રેસના નેતાઓ કેજરીવાલને પાંચ બેઠકથી વધારે આપવા તૈયાર નથી. લોકસભામાં બંને પાર્ટી વચ્ચે ગઠબંધન હતું. ૨૦૨૪માં લોકસભાની ચૂંટણીમાં હરિયાણામાં કોંગ્રેસે ૪૩.૬૭ ટકા મત મળ્યા હતા. જ્યારે આપને માત્ર ૩.૯ ટકા મત મળ્યા હતા. ૨૦૧૯ની વિધાનસભાની ચૂંટણીમાં આપએ ૪૬ બેઠકો પર ઉમેદવાર ઉતાર્યા હતા, આમ છતા કુલ ફક્ત ૦.૫ ટકા મત મળ્યા હતા. આ કારણે જ કોંગ્રેસના કેટલાક નેતાઓ આપ સાથે જોડાણ કરવાને બદલે એકલે હાથે ચૂંટણી લડવા ભલામણ કરી રહ્યા છે.
દાદરીમાં ભાજપના ઉમેદવાર 'જેલર'ને કોંગ્રેસે બરાબર ભીડયા
જો કોંગ્રેસ હરિયાણા વિધાનસભાની ચૂંટણી લડાવવા માટે પહેલવાન વિનેશ ફોગાટને ટિકિટ આપશે તો એમને દાદરી બેઠક પરથી ઉભા રાખશે. દાદરી બેઠક પર ભાજપએ ઉમેદવાર જાહેર કરી દીધા છે. ઉમેદવાર સુનિલ સાંગવાન પહેલા જેલર હતા. સુનિલ સાંગવાનને ટિકિટ મળવાથી કોંગ્રેસના નેતા સુપ્રિયા શ્રીનેત ગુસ્સે થયા છે. શ્રીનેતે એક્સ પર એક પોસ્ટ મૂકી છે. આ પોસ્ટમાં સુનિલ સાંગવાન ઉપરાંત એક બાબાનો ઉલ્લેખ પણ છે. આ પોસ્ટ પછી દિલ્હીના કેટલાક રાજકીય નીરિક્ષકો માને છે કે, શ્રીનેતેનો ઇશારો બળાત્કારી બાબા રામ રહિમ તરફ છે. બાબા રામ રહિમ જ્યારે જેલમાં હતા ત્યારે જેલર તરીકે સુનિલ સાંગવાન હતા. સુનિલ સાંગવાન જેલર તરીકે રાજીનામું આપ્યા પછી ભાજપમાં જોડાયા હતા. સુનિલ સાંગવાને બાબા રામ રહિમને પેરોલ મેળવવામાં ઘણી મદદ કરી હોવાનું કહેવાય છે. એટલે જ કદાચ સુપ્રિયા શ્રીનેતે લખ્યું છે કે શું બાબા સુનિલ સાંગવાનને બચાવી શકશે?
હરિયાણામાં 67 ઉમેદવારોમાં ઘણા ભાજપ નેતાઓના સગાસંબંધી
ભાજપએ હરિયાણા વિધાનસભાની ચૂંટણી માટે ૬૭ ઉમેદવારો જાહેર કર્યા છે. આ ઉમેદવારોમાંથી ૧૩ ઉમેદવાર જાટ, ૯ ઉમેદવાર ઓબીસી, ૧૩ ઉમેદવાર દલીત, ૫ ઉમેદવાર વૈશ્ય અને ૯ ઉમેદવાર બ્રાહ્મણ છે. વંશવાદનો વિરોધ કરતા ભાજપએ કેટલાક ટોચના નેતાઓના સગાસંબંધીઓને ટિકિટ આપી છે. કુલદિપ બિશ્નોયના પુત્ર ભવ્ય બિશ્નોય, વિનોદ શર્માના પત્ની શક્તિ રાની શર્મા, સતપાલ સાંગવાનના પુત્ર સુનિલ સાંગવાન, કરતાર ભડાનાના પુત્ર મનમોહન ભડાના, રાવ ઇન્દ્રજીતના પુત્રી આરતી રાવ અને કિરણ ચૌધરીના પુત્રી શ્રુતિ ચૌધરીને ટિકિટ આપવામાં આવી છે. રાજકીય નીરિક્ષકો કહી રહ્યા છે કે, ભાજપ હાઇકમાન્ડ જ્યારે ગાંધી કુટુંબના વંશવાદની ટીકા કરે છે ત્યારે બીજી તરફ પોતાના પક્ષના વંશવાદને અવગણીને દંભનું પ્રદર્શન કરે છે.
મહારાષ્ટ્રમાં પરિણામો પછી જ મુખ્યમંત્રી નક્કી કરીશું : પવાર
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી પહેલા મુખ્યમંત્રીપદનો ચહેરો જાહેર કરવાની ઉદ્ધવ ઠાકરેની માંગણી એનસીપી (શરદ પવાર)ના પ્રમુખ શરદ પવારે નકારી દીધી છે. પવારના કહેવા પ્રમાણે ચૂંટણી પહેલા કોઈને પણ મુખ્યમંત્રી તરીકે પ્રોજેક્ટ કરવાની જરૂર નથી. જે પક્ષના ધારાસભ્યો વધુ હશે એ પક્ષ મુખ્યમંત્રી નક્કી કરી શકશે. આ બાબતે કોંગ્રેસ હાઇકમાન્ડનો પણ શરદ પવારને ટેકો છે. પવારનું માનવું છે કે, બેઠકોની વહેંચણી બાબતે એમવીએની ચર્ચામાં પીડબ્લ્યુપી, સીપીઆઇ અને સીપીઆઇએમને પણ સાથે રાખવા જોઈએ. મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં આ પક્ષોનું પ્રભુત્વ છે. આ પક્ષોએ લોકસભાની ચૂંટણીમાં એમવીએને ઘણી મદદ કરી હતી.
શિવાજીની મૂર્તિ વિવાદ, ભાજપના નેતાઓને બચાવવા મૂર્તિકારની ધરપકડ
મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા થોડા વરસાદમાં જ તૂટી પડવાથી મહારાષ્ટ્રની સરકાર પર માછલા ધોવાયા હતા. હવે બચાવની સ્થિતિમાં આવી ગયેલા ભાજપએ મૂર્તિ બનાવનાર જયદીપ આપ્ટેની ધરપકડ કરી છે. જોકે રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા થઈ રહી છે કે, પ્રતિમા બનાવનારની ધરપકડ ભલે થાય, પરંતુ જવાબદાર ભાજપના નેતાઓને બચાવવામાં આવી રહ્યા છે. એકાદ ધરપકડ કરીને લોકોના ગુસ્સાને શાંત કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. જયદીપ આપ્ટેની ધરપકડ કરીને ભાજપના કેટલાક નેતાઓ એવા નિવેદનો આપી રહ્યા છે કે, જાણે એમણે મોટો વાઘ માર્યો હોય. એવું ચર્ચાય રહ્યું છે કે, આ મામલે બલિના બીજા બકરા શોધવાનો પ્રયત્ન પણ ભાજપના નેતાઓ કરી રહ્યા છે.
વિશ્વના અસુરી તત્વોનો નાશ ભારતમાં થાય છે : સંઘનો ભાજપ તરફ ઇશારો
છેલ્લા કેટલાક સમયથી આરએસએસના પ્રમુખ મોહન ભાગવતના કેટલાક વિધાનો વિવાદ સર્જી રહ્યા છે. એક કાર્યક્રમમાં મોહન ભાગવતે બાંગ્લાદેશનું ઉદાહરણ આપતા કહ્યું છે કે, દુનિયામાં પ્રસરી રહેલી અસુરી તાકાતોનો નાશ ભારતમાં થાય છે. ભાગવતે એમ પણ કહ્યું કે આપણે ભયમુક્ત થઈને આ પ્રકારની વિચારધારા રાખનારાઓને શોધી નાંખવા જોઈએ. ઇતિહાસ સાક્ષી છે કે આવી અસુરી તાકાતો પહેલા સફળતા મેળવે છે અને ત્યાર બાદ એમનો અંતિમ સંસ્કાર થાય છે. સંઘ પ્રમુખે એમ પણ કહ્યું કે, એમણે એક અમેરિકન લેખકનું પુસ્તક વાચ્યું છે જેમાં છેલ્લા ૧૦૦ વર્ષની અમેરિકાની સંસ્કૃતિના થયેલા પતન વિશે કહેવામાં આવ્યું છે. કેટલાક રાજકીય નિરીક્ષકો માની રહ્યા છે કે, સંઘ પ્રમુખનો આડકતરો ઇશારો ભાજપના કેટલાક નેતાઓ તરફ છે. ભાજપના ટોચના નેતાઓ અને મોહન ભાગવત વચ્ચે ઘણા સમયથી ઠંડુ યુદ્ધ ચાલી રહ્યું છે. વિદેશ નીતિ બાબતે ભાજપ સરકાર અને મોહન ભાગવત વચ્ચે મોટા મતભેદ છે.
લાલુ બોલાવે છે : આરજેડીની ઓફિસમાંથી ધારાસભ્યોને ફોન ગયો
લાલુ પ્રસાદ યાદવ નાદુરસ્ત તબિયતના કારણે ડેઈલી પોલિટિક્સમાં સક્રિય નથી. પાર્ટીનું બધું જ કામ તેજસ્વી યાદવ સંભાળે છે. લાલુ હેલ્થ ચેકઅપ માટે સિંગાપોર ગયા હતા, પરંતુ બિહારના રાજકીય સમીકરણો અચાનક બદલાઈ રહ્યાનું જણાતા સિંગાપોરથી તાબડતોબ પટણા પહોંચ્યા હતા. એક તરફ તેજસ્વી યાદવ નીતિશ કુમારને મળ્યા એની અસર દિલ્હીમાં ભાજપ ઓફિસમાં થઈ છે. નીતિશ કુમારે કેમ મુલાકાત કરી એ જાણવા માટે ભાજપે સ્થાનિક નેતાઓને દોડતા કર્યા છે. બીજી તરફ સિંગાપોરથી પટણા પહોંચેલા લાલુ યાદવે થાક ખાવાને બદલે સક્રિયતા બતાવી હતી. આરજેડીના બધા જ ધારાસભ્યોને આરજેડીની પાર્ટી ઓફિસમાં ધડાધડ ફોન ગયા કે મોટા સાહેબ સાથે મીટિંગ છે. ખાસ હાજર રહેજો. મીટિંગમાં શું ચર્ચા થઈ તે બાબતે એકેય ધારાસભ્ય એક શબ્દ બોલવા તૈયાર નથી.
હેમંત સોરેનના યુવા મહિલા મતદારોને આકર્ષવા પ્રયાસો
ઝારખંડમાં ૨૧થી ૫૦ વર્ષની મહિલાઓ માટે એક યોજના ચાલે છે - મંઈયા સન્માન યોજના. આ યોજના હેઠળ હેમંત સોરેનની સરકાર વર્ષે મહિલાઓને ૧૨ હજાર રૂપિયા આપે છે. દર મહિને એક-એક હજાર રૂપિયા જમા થાય છે. ચૂંટણી પહેલાં એ યોજનાનો વિસ્તાર કરાયો છે અને એમાં વયમર્યાદા ૧૮થી ૫૦ કરવામાં આવી છે. ૧૮ વર્ષે મતદાનનો અધિકાર પણ મળે છે. જે યુવતીઓ ૧૮ વર્ષથી થઈ છે તેમને આ યોજનાનો લાભ મળશે. એ રીતે હેમંત સોરેને ફર્સ્ટ વોટર્સ મહિલાઓને સાધવાનો પ્રયાસ કર્યો છે.
શિવરાજની મામા ઓળખ સામે મોહન યાદવની ભૈયા ઈમેજ
મધ્યપ્રદેશમાં શિવરાજ સિંહ ચૌહાણનો યુગ આથમી ગયો ને ભાજપે તેમના સ્થાને મોહન યાદવને મુખ્યમંત્રી બનાવ્યા. શિવરાજ સિંહ ચૌહાણને કેન્દ્રમાં લઈ જવાયા ને એ બહાને રાજ્યના પોલિટિક્સમાંથી બહાર કરાયા. શિવરાજ સિંહ એમપીમાં મામાના નામથી જાણીતા છે. હવે એ ઈમેજને ધૂંધળી કરવાની કોશિશ થઈ રહી હોવાનું કહેવાય છે. કારણ કે તેમની મામાની ઈમેજ સામે મોહન યાદવ બહુ જ વ્યૂહાત્મક રીતે ભૈયાની ઈમેજ બનાવી રહ્યા છે. મોહન યાદવ પોતાને રાજ્યની મહિલાઓના ભાઈ ગણાવી રહ્યા છે અને આંતરિક વર્તુળોમાં પણ મોહન ભૈયાના નામથી ઓળખાવાનું પસંદ કરી રહ્યા છે.
વકફ બિલના કારણે સભ્યો બનતા નથી : ભાજપ લઘુમતી મોરચો
વકફ બિલમાં સંશોધનને લઈને લઘુમતી સમાજ નારાજ છે. તેમણે બિલમાં સંશોધનનો વિરોધ કર્યો છે. ભાજપના મુસ્લિમ નેતાઓએ પણ એની સામે નારાજગી બતાવી છે. આ બધા વચ્ચે ભાજપનું મેમ્બરશીપ અભિયાન ચાલી રહ્યું છે. ભાજપના લઘુમતી મોરચાએ આ સંદર્ભમાં હાઈકમાન્ડને એવી ફરિયાદ કરી છે કે વકફ બોર્ડ બિલના કારણે મુસ્લિમ સમુદાયમાંથી નવા સભ્યો બનતા નથી. મુસ્લિમ યુવાનો આ બાબતે નારાજ છે એટલે પાર્ટીમાં જોડાવા ઈચ્છતા નથી. ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ જમાલ સિદ્દિકીએ નડ્ડા સાથે બેઠક કરીને મુશ્કેલી જણાવી હતી.
- ઈન્દર સાહની