દિલ્હીની વાત : આંધ્રમાં નાયડુ સામે ઉપમુખ્યમંત્રી પવન કલ્યાણનો મોરચો
નવીદિલ્હી : આંધ્રપ્રદેશમાં ચંદ્રાબાબુ નાયડુની સરકાર સામે મુશ્કેલી ઉભી થઈ શકે એમ છે. ગઠબંધન સરકારના ઉપમુખ્યમંત્રી પવન કલ્યાણ, મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુથી ભારે નારાજ થયા છે. અભિનેતામાંથી નેતા બનેલા કલ્યાણે રાજ્યના ગૃહમંત્રી અનિતા સામે અકાર્યક્ષમ હોવાનો આરોપ મૂક્યો છે. પવન કલ્યાણે ચંદ્રાબાબુ નાયડુને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી આદિત્યનાથ જેવા બનવાની સલાહ આપી છે. રાજ્યમાં વધી રહેલી ગુનાખોરી કાબુમાં લેવા માટે કડક પગલા લેવાની માંગણી એમણે કરી છે. પવન કલ્યાણએ દમ માર્યો છે કે, જો પરિસ્થિતિ નહી સુધરે તો રાજ્યની જવાબદારી એમણે ઉઠાવી લેવી પડશે. પવન કલ્યાણના આ નિવેદન પછી આંધ્રપ્રદેશના રાજકારણમાં ગરમી આવી ગઈ છે.
શિવસેના (શિંદે)ના નેતા કરંજેની સંજય રાઉતના ભાઈ સામે એફઆઇઆર
મુંબઈ પોલીસે (ઉદ્ધવ ઠાકરે)ના ધારાસભ્ય સુનિલ રાઉત સામે એફઆઇઆર દાખલ કરી છે. સુનિલ રાઉત રાજ્યસભાના સાંસદ સંજય રાઉતના ભાઈ છે. શિવસેના (એકનાથ શિંદે)ના નેતા સુવર્ણા કરંજ સામે બદનક્ષીકારક નિવેદન કરવા બદલ પોલીસ ફરીયાદ થઈ છે. સુનિલ રાઉત અને કરંજે મુંબઈની વિક્રોલી વિધાનસભા બેઠક પરથી એકબીજા સામે લડી રહ્યા છે. સુનિલ રાઉતે કરેલા નિવેદનનો વિડિયો ખૂબ વાયરલ થયો છે. આ બાબતે સુનિલ રાઉતે કહ્યું છે કે, ૩૦મી નવેમ્બરે અમે કચકચાવીને જવાબ આપીશું. સંજય રાઉતે કહ્યું છે કે, ચૂંટણી દરમિયાન અમારી સામે ઘણા બધા ખોટા પોલીસ કેસ કરવામાં આવ્યા છે, પરંતુ અમે એની ચિંતા કરતા નથી.
15 વર્ષથી મોટા 12 ટકા લોકો જ કોમ્પ્યૂટરથી માહિતગાર
દુનિયા આખીમાં આજે કોમ્પ્યૂટરના જ્ઞાાન વગર ટકી શકાતું નથી, ત્યારે આપણા દેશમાં થયેલા એક સર્વેક્ષણમાં ચોંકાવનારા આંકડા બહાર આવ્યા છે. સેન્ટર ફોર ઇકોનોમિક એન્ડ સોશિયલ સ્ટડીઝ (સીઈએસ)એ ભારતમાં કોમ્પ્યૂટરના જ્ઞાાન વિશે એક સર્વે કરાવ્યો હતો. સર્વેમાં મળેલી માહિતી પ્રમાણે દેશના ૧૫ વર્ષથી ઉપરના ફક્ત ૧૨ ટકા લોકો જ કોમ્પ્યૂટરનું જ્ઞાાન ધરાવે છે. દેશમાં ૧૫.૬ ટકા લોકો એટેચમેન્ટ સાથે ઇ-મેલ મોકલી શકે છે જ્યારે ફક્ત ૧.૪ ટકા લોકો કોમ્પ્યૂટર પ્રોગ્રામીંગની ખાસ ભાષાનો ઉપયોગ કરવાનું જાણે છે. આ સર્વેમાં દેશના ૨.૭૬ લાખ ઘરોના ૧૧.૭૫ લાખ લોકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. શહેર વિસ્તારના ૩૯.૫ ટકા લોકોને ફાઇલો કે ફોલ્ડરની કોપી કરીને ફોરવર્ડ કરતા આવડે છે. આ બાબતે ગ્રામ્ય વિસ્તારના ફક્ત ૧૮.૧ ટકા લોકોને જ આની જાણકારી છે.
જરાંગેનો વિધાનસભા ચૂંટણી લડવાનો ઇનકાર : મહાયુતિની મુશ્કેલી વધી
મરાઠા અનામત આંદોલનના લોકપ્રિય નેતા મનોજ જરાંગે પાટીલે યુટર્ન લીધો છે. જરાંગેએ કહ્યું છે કે, વિધાનસભાની ચૂંટણીમાં તેઓ કોઈપણ પક્ષ અથવા તો ઉમેદવારને ટેકો નહીં આપે. ઉમેદવારીપત્રક ભરનાર પોતાના ટેકેદારોને ઉમેદવારી પાછી ખેંચી લેવા એમણે સૂચના આપી છે. જરાંગેને મોડેથી જ્ઞાાન થયું છે કે, ફક્ત એક સમાજના ટેકાથી ચૂંટણી જીતી શકાતી નથી. જરાંગેના આ યુટર્ન પછી મહાયુતિની મુશ્કેલી વધી ગઈ છે. ત્રીજુ ગઠબંધન ચૂંટણીમાં નહીં ઉતરે એ સમાચાર જાણીને મહાવિકાસ અઘાડીના નેતાઓને શાંતિ થઈ છે. જો જરાંગેના ઉમેદવારો વિધાનસભાની ચૂંટણીમાં ઉભા રહેતે તો મહાવિકાસ અઘાડીના મત તૂટે તેવી શક્યતા હતી.
કેનેડા વિવાદ બાબતે મોદીની પોસ્ટ પર નિષ્ણાંતોએ શું કહ્યું
કેનેડામાં મંદિર પર થયેલા હુમલાની ટીકા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી છે. સોશિયલ મીડિયા એક્સ પર વડાપ્રધાને એક પોસ્ટ લખીને આ હુમલાને કાયરતાપૂર્ણ ગણાવ્યો છે. આ બાબતે યુક્રેનના ભૂતપૂર્વ રાજદુત વિદ્યા ભૂષણ સોનીએ નૂકતેચીની કરતા કહ્યું છે કે, વડાપ્રધાને આ નિવેદન ઘણા સમય પહેલા કરવાની જરૂર હતી. સહનશીલતાની પણ એક હદ હોય છે. જ્યારે આપણને ખબર છે કે કેનેડામાં હિંસા માટે જવાબદાર ઉપર કોઈ કાર્યવાહી નથી થતી ત્યારે આપણો વિરોધ જોરથી વ્યક્ત કરવો જોઈતો હતો. વિદેશી બાબતોના નિષ્ણાંત રોબિંદર સચદેવે જોકે મોદીની કોમેન્ટને યોગ્ય ગણાવી છે અને ઉમેર્યું છે કે, કેનેડામાં જે થઈ રહ્યું છે એની સાથે ભારતને કોઈ લેવા દેવા નથી, પરંતુ આપણા દેશ માટે એ ચિંતાનો વિષય હોવો જોઈએ.
ઝારખંડમાં સ્ટારપ્રચારકો સાથે ભેદભાવનો આક્ષેપ
ઝારખંડના સત્તાધારી પક્ષ ઝારખંડ મુક્તિ મોરચાએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મૂને ફરિયાદ કરતો પત્ર લખ્યો છે. ઝામુમોનું કહેવું છે કે, વિધાનસભાની ચૂંટણીના પ્રચાર માટે નક્કી થયેલા દરેક સ્ટારપ્રચારક સાથે ભેદભાવ થવો જોઈએ નહીં. પક્ષે આક્ષેપ કર્યો છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ઝારખંડની મુલાકાતે આવ્યા હતા ત્યારે હેમંત સોરેનના હેલિકોપ્ટરને દોઢ કલાક સુધી ઉડવાની મંજૂરી આપવામાં આવી નહોતી. મોદી જ્યારે ગઢવા અને ચાઈબાસા વિસ્તારની મુલાકાતે હતા ત્યારે આખા વિસ્તારને નો ફલાઇંગ ઝોન જાહેર કરી દેવામાં આવ્યો હતો. ઝારખંડના સિંહભૂમ વિસ્તારમાં હેમંત સોરેનની રેલી હતી, પરંતુ એમના હેલિકોપ્ટરને ઉડવા દેવાની પરવાનગી નહી મળતા છેવટે રેલી રદ કરવી પડી હતી.
મહારાષ્ટ્રમાં 25 બેઠકો પર રાજ ઠાકરે ભાજપની બાજી બગાડશે
છેલ્લી લોકસભાની ચૂંટણીમાં મહાયુતિ તેમ જ ભાજપને નુકસાન નહી થાય એ માટે રાજ ઠાકરેના પક્ષ મનસાએ એક પણ બેઠક પર ઉમેદવાર ઉભો રાખ્યો નહોતો. એ વખતે એવી ચર્ચા થઈ હતી કે, કેન્દ્રીય ગૃહરાજ્ય મંત્રી અમિત શાહ અને રાજ ઠાકરે વચ્ચે આ બાબતે સમજૂતી થઈ હતી. હવે વિધાનસભાની ચૂંટણીમાં રાજ ઠાકરેએ ૨૫ બેઠકો ઉપર પોતાના ઉમેદવારો ઉભા રાખવાનું નક્કી કર્યું છે. ભાજપ, શિવસેના (એકનાથ શિંદે) તેમ જ એનસીપી (અજીત પવાર)ના ઉમેદવારો આ તમામ બેઠકો પરથી લડી રહ્યા છે. રાજકીય નીરિક્ષકોનું માનવું છે કે, મનસેના ઉમેદવારો મહાયુતિની બાજી બગાડી શકે એમ છે. એમ મનાય છે કે, મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન એકનાથ શિંદેએ રાજ ઠાકરેના કેટલાક કામો કર્યા નહોતા જેને કારણે રાજ ઠાકરે મહાયુતિથી નારાજ થઈ ગયા છે. ગૃહ રાજ્યમંત્રી અમિત શાહે રાજ ઠાકરેને પોતાના ઉમેદવારો ખેંચી લેવા માટે વિનંતી કરી હોવા છતા રાજ ઠાકરે માનવાના મૂડમાં નથી.