Get The App

યોગીના સૌથી વફાદાર અધિકારી ફરીથી ચાર્જમાં

Updated: Jan 5th, 2025


Google NewsGoogle News
યોગીના સૌથી વફાદાર અધિકારી ફરીથી ચાર્જમાં 1 - image


નવીદિલ્હી: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના પ્રિન્સીપાલ સેક્રેટરી સંજય પ્રસાદ છેલ્લા કેટલાક સમયથી પૃષ્ઠભૂમિમાં ધકેલાઈ ગયા હતા. લોકસભાની ચૂંટણી પહેલા ઇલેક્શન કમિશનરે સંજય પ્રસાદ પાસેથી મોટા ભાગના ખાતા આંચકી લીધા હતા. ઇલેકશન કમિશનરે એમની જગ્યાએ બીજા અધિકારીને પ્રિન્સીપાલ સેક્રેટરી બનાવ્યા હતા. 

સંજય પ્રસાદની ગણના ઉત્તર પ્રદેશના સૌથી શક્તિશાળી અધિકારી તરીકેની છે. યોગી અને પ્રસાદ વચ્ચે ૩૦ વર્ષથી સંબંધ છે. ગયા અઠવાડિયે ઉત્તર પ્રદેશના અધિકારીઓની ફરીથી સત્તા વહેચણી થઈ છે. 

યોગી આદિત્યનાથે સંજય પ્રસાદને સૌથી શક્તિશાળી ખાતાઓના સેક્રેટરી બનાવ્યા છે. ઉત્તર પ્રદેશમાં એમ ચર્ચાય છે કે યોગી આદિત્યનાથ પાસેથી કોઈ કામ કઢાવવું હોય તો સંજય પ્રસાદને ખુશ કરો એટલે બધું થઈ જાય. 

સરકાર શા માટે આંદોલનકારી ખેડૂતોથી અંતર રાખી રહી છે

૨૦૨૦ - ૨૦૨૧ના ખેડૂત આંદોલન વખતે કેન્દ્ર સરકાર વિવિધ ખેડૂત નેતાઓ સાથે ચર્ચા વિચારણા કરતી હતી. આ મંત્રણાઓમાં સરકાર પોતાનો દ્રષ્ટિકોણ રજૂ કરતી હતી. આ વખતે કેન્દ્ર સરકાર ખેડૂત આંદોલનના નેતાઓથી અંતર રાખી રહી છે. ભાજપના પ્રવક્તાઓ ફક્ત એટલું કહી રહ્યા છે કે 'અભી તો સુપ્રિમ કોર્ટ દેખ રહી હૈ, સુપ્રિમ કોર્ટ કે જો નિર્દેશ હોંગે ઉનકા પાલન કીયા જાયેગા.' ખેડૂત આંદોલન પર કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ નજર રાખી રહ્યા છે. આમ છતાં તેઓ પણ વિવાદથી દૂર રહેવાનું પસંદ કરે છે. અગાઉની સરકાર વખતે તો ચાર જેટલા કેન્દ્રીય મંત્રીઓ વિવિધ ખેડૂત નેતાઓને મળતા હતા. દિલ્હીના રાજકીય વર્તુળોમાં એમ મનાય છે કે, ખેડૂત આંદોલન બાબતે અગાઉની સરકારે પીછેહટ કરવી પડી હતી એટલે આ વખતે બધી જવાબદારી સુપ્રિમ કોર્ટ પર નાંખવામાં આવી છે.

આપના આતિશીનો મુકાબલો કોંગ્રેસના અલકા કરશે

દિલ્હીના મહિલા મતદારોને ખુશ કરવા માટે આપ પાસે આતિશી મારલેનાનો મજબૂત ચહેરો છે. હવે કોંગ્રેસે  આતિશી સામે અલકા લાંબાને ઉતાર્યા છે. બે દાયકા પહેલા આતિશીએ ભૂતપૂર્વ મુખ્યમંત્રી મદનલાલ ખુરાનાને હરાવ્યા હતા. ઘણા વર્ષો પછી હવે આતિશી ફરીથી સક્રિય થયા છે. આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી આતિશી મારલેના સામે કાલકાજી મતવિસ્તારમાંથી ઉમેદવારી નોંધાવશે. અલકા લાંબાનું નામ પહેલી યાદીમાં જાહેર થવાનું હતું, પરંતુ શરૂઆતના તબક્કે અલકા લાંબા ચૂંટણી લડવા માટે તૈયાર નહોતા. એમ કહેવાય છે કે રાહુલ ગાંધીના પ્રયત્નો પછી હવે અલકા લાંબા આતિશી મારલેના સામે ચૂંટણી લડવા તૈયાર થયા છે. પોતાના વિદ્યાર્થીકાળથી અલકા લાંબા કોંગ્રેસ સાથે જોડાયા હતા અને એમણે ભૂતપૂર્વ વડાપ્રધાન નરસિંહા રાવ સાથે પણ કામ કર્યું છે.

સંભલમાં પોલીસ ચોકી બનાવવાના મામલે નિવેદનથી ઔવેસી ફસાયા

છેલ્લા ઘણા સમયથી ઉત્તર પ્રદેશનું સંભલ ચર્ચામાં રહ્યું છે. સંભલની જામા મસ્જિદ નીચે મંદિર હોવાનો દાવો થયા પછી થયેલી હિંસાનો વિવાદ લોકસભામાં પણ ચર્ચાયો હતો. ઉત્તર પ્રદેશ સરકારે જામા મસ્જિદની બાજુમાં જ પોલીસ ચોકી બનાવવાનું નક્કી કર્યું છે. આ જમીન વકફ બોર્ડની હોવાનો દાવો કરતા કેટલાક દસ્તાવેજોને આધારે અસદ્દદીન ઔવેસીએ સરકારની ટીકા કરી હતી. સંભલ પોલીસે શોધી કાઢયું છે કે આ તમામ દસ્તાવેજો બોગસ હતા. હવે આ બોગસ દસ્તાવેજો રજૂ કરવા બાબતે અસદ્દદીન ઔવેસી સામે સંભલ પોલીસે વિવિધ કલમો લગાવીને ગુનો દાખલ કર્યો છે. ઔવેસીએ એવો આક્ષેપ પણ કર્યો હતો કે સંભલમાં કોમવાદી ઉશ્કેરાટ ફેલાવવા માટે યોગી આદિત્યનાથ ઉપરાંત નરેન્દ્ર મોદી પણ જવાબદાર છે.

ભાજપ પાસે મુખ્યમંત્રીનો કોઈ ચહેરો નથી અને દ્રષ્ટી પણ નથી ઃ  કેજરીવાલ

દિલ્હી વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે અરવિંદ કેજરીવાલે ભાજપ અને કોંગ્રેસ પર પ્રહારો કર્યા છે. કેજરીવાલનું કહેવું છે કે, હવે બંને પક્ષોએ જાહેરાત કરવી જોઈએ કે તેઓ ભેગા થઈને ચૂંટણી લડી રહ્યા છે. ચોરી છૂપીથી જોડાણ કરવું યોગ્ય નથી. દિલ્હીમાં હજી સુધી ભાજપ મુખ્યમંત્રીનો ચહેરો કોણ હશે એનો ખુલાસો કરી શક્યો નથી. ભાજપ પાસે કોઈ દ્રષ્ટી પણ નથી. આ લોકો દિલ્હીમાં શું કામ કરશે? છેલ્લા ૧૦ વર્ષોમાં ભાજપએ કોઈ કામ કર્યું નથી. અમે છેલ્લા ૧૦ વર્ષમાં શું કર્યું અને હવેના પાંચ વર્ષમાં શું કરવાના છે એનો હિસાબ અમારી પાસે છે. લોકોએ હવે નક્કી કરવું જોઈએ કે કામ કરનાર પક્ષને મત આપવો છે કે બીજા પક્ષને ગાળો આપનાર પક્ષને મત આપવો છે.

મહાકુંભમાં પ્રયાગરાજ એરપોર્ટથી ચાર કંપનીઓના વિમાનોનું સંચાલન થશે

મહાકુંભ દરમિયાન પ્રયાગરાજ એરપોર્ટ પર વિમાનોનો પણ મેળો ભરાશે. અલગ અલગ વિમાન કંપનીઓએ અત્યાર સુધી ૫૫ જેટલા વિમાન શિડયુલ નક્કી કર્યા છે. આવનાર દિવસોમાં આ સંખ્યા વધી શકે છે. અકાસા, ઇન્ડિગો, સ્પાઇસ જેટ અને એલાયન્સ જેવી એરલાઇન્સો વિશેષ ફલાઈટ પ્રયાગરાજથી ઉપાડશે. એર ઇન્ડિયા એક્સપ્રેસ પણ કેટલાક શહેરો માટે વિશેષ ફલાઇટ શિડયુલ કરશે. પ્રયાગરાજથી દેશભરના મુખ્ય શહેરોને કનેક્ટ કરતી ફલાઇટ ઉપાડવામાં આવશે. દેશનું એક પણ શહેર એવું નથી કે જ્યાંથી પ્રયાગરાજની ફલાઇટ મહાકુંભ મેળા દરમિયાન નહીં મળે.

યોગી રાજમાં રોજ ૫૦ હજાર ગાયોની કતલઃભાજપના  ધારાસભ્યનો  આક્ષેપ

યુપીમાં યોગી આદિત્યનાથ સરકારમાં રોજ ૫૦ હજાર ગાયોની કતલ થઈ રહી છે. આવો આક્ષેપ વિપક્ષ નહિ પરંતુ ભાજપના જ ધારાસભ્ય નંદ કિશોર ગુજ્જરે કર્યો છે. નંદ કિશોર લોનીથી ધારાસભ્ય છે. તેમણએ આક્ષેપ કર્યો છે કે નીચલા અધિકારીઓ ગાયના કલ્યાણના નામે અપાતાં ભંડોળમાંથી કટકી કરી રહ્યા છે. બધે લૂંટ મચી છે. ગાઝિયાબાદમાં તેમણે કહ્યું હતું કે આ અધિકારીઓને ચીફ સેક્રેટરીની ઓથ છે પરંતુ સીએમ તે વિશે જાણતા નથી. તેમણે કહ્યું હતું કે અધિકારીઓ ધારાસભ્યોેને સાંભળતા નથી. સીએમ  આ બાબતે અજાણ હોય તેમ લાગે છે. તેમણે તાજેતરમાં લોનીમાં બે પોલીસ જવાનો ખંડણી ઉઘરાવતા પકડાયા હોવાનો વીડિયો બહાર આવ્યો છે તેવો ઉલ્લેખ પણ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે  ગૌ વધ તથા ગૌ માંસની હેરફેર માટે જવાબદારો તથા તેમને છાવરનારાઓ સામે પગલાં લેવાય તો ભાજપ યુપી વિધાનસભાની ૪૦૩માંથી ૩૭૫ બેઠકો આરામથી જીતી શકે તેમ છે. પરંતુ, જો આ ભ્રષ્ટાચાર નહિ રોકાય તો ભાજપના અનેક ઉમેદવારોએ ડિપોઝિટ ગુમાવવાનો વારો આવશે. 

રાહુલ શિખાઉ, પ્રિયંકા તેજસ્વીઃ કરણસિહ

પીઢ રાજકારણી તથા ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી કરણસિંહના દાવા અનુસાર રાહુલ ગાંધી હજુ કામ શીખી રહ્યા છે અને તેમનું પરફોર્મન્સ સુધરી રહ્યું છે. જોકે, તેમણે પ્રિયંકા ગાંધીનાં વખાણ કર્યાં હતાં. તેમણે પ્રિયંકા તેજસ્વી મહિલા હોવાનું જણાવ્યું હતું. કરણસિંહ અગાઉનાં જમ્મુ અને કાશ્મીર રાજ્યના સદર એ રિયાસત તથા ભારતના અમેરિકા ખાતેના બ્રાન્ડ એમ્બેસેડર રહી ચૂક્યા છે. તેમણે  તેમના પરિવાર તથા ગાંધી નહેરુ પરિવાર સાથેના તેમનાં સંસ્મરણો વાગોળ્યાં હતાં.  હરિયાણા તથા મહારાષ્ટ્રમાં કોંગ્રેસની હાર બાદ રાહુલની નેતાગીરી સામે સવાલો ઉઠાવાઈ રહ્યા છે તે વિશે પૂછાતાં કરણ સિંહે કહ્યું હતું કે રાહુલ બહુ ઉમદા વ્યક્તિ છે. હું તેમને પસંદ કરું છું. તેમણે કહ્યું હતું કે એક સમયે રાહુલ તેમના નિકટના સંપર્કમાં હતા. જોકે, ઘણા સમયથી તેઓ તેમને મળ્યા નથી. 

વેનિટી વેન મોકળા થવા માટે ઃ પ્રશાંતકિશોર

પ્રશાંત કિશોર હાલ ઉપવાસ આંદોલન પર બેઠા છે. તે વખતે તેઓ વેનિટી વેનનો ઉપયોગ કરી રહ્યાનો વિવાદ થયો છે. પટણાના ગાંધી મેદાનમાં ચાલતા તેમના ઉપવાસ દરમિયાન વેનિટી વેનની શું જરુર તેવો સવાલ રાજદના નેતાઓએ ઉઠાવ્યો છે. પ્રશાંત કિશોરે ખુલાસો કર્યો છે કે તેઓ કુદરતી હાજત  માટે આ વેનિટી વેનનો ઉપયોગ કરી રહ્યા છે. તેમણે આ વેન માટે રોજના પચ્ચીસ લાખનું ભાડું ચૂકવાતું હોવાના આરોપો પણ ફગાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે હું ઉપવાસ પર બેઠો છું. કુદરતી હાજત માટે ઘરે જાઉં તો મીડિયા જ એવી અટકળો કરશે કે હું જમવા માટે ઘરે ગયો છું. તેમણે મીડિયા સમક્ષ કહ્યું હતું કે કોઈ ઈચ્છે તો આ વેનિટી વાન લી જાય અને રોજના મને પચ્ચીસ લાખ આપી શકે છે. તેમણે જ મારા માટે વૈકલ્પિક વોશ રુમની વ્યવસ્થા કરવાની રહેશે. 

- ઇન્દર સાહની


Google NewsGoogle News