Get The App

દિલ્હીની વાત : અસ્થાઈ કર્મચારીને વેતનનો સ્થાયી કર્મચારીઓ જેટલો જ હકઃ સુપ્રીમ

Updated: Feb 6th, 2025


Google NewsGoogle News
દિલ્હીની વાત : અસ્થાઈ કર્મચારીને વેતનનો સ્થાયી કર્મચારીઓ જેટલો જ હકઃ સુપ્રીમ 1 - image


નવીદિલ્હી : સુપ્રીમ કોર્ટે એક ચુકાદામાં કહ્યું છે કે જો કોઈ કર્મચારી લાંબા સમય સુધી સ્થાયી કર્મચારી જેવું કામ કરતો હોય તો એને પણ સ્થાયી કર્મચારી જેટલો જ વળતર મેળવવાનો હક્ક છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, નોકરશાહીની મર્યાદાને કારણે શ્રમીકોને એમના અધિકારથી વંચીત રાખી શકાય નહીં. જસ્ટીસ વિક્રમનાથ અને જસ્ટીસ પ્રશંન્ના ડી વરાળેની બેન્ચે ગાઝિયાબાદ નગર નિગમ તરફથી ૨૦૦૫માં માળીઓની સેવા સમાપ્ત કરવાના હુકમને રદ કરી દીધો છે.

 ગાઝિયાબાદ નગર નિગમમાં બગીચાઓના વિભાગમાં ૧૯૯૮થી કામ કરતા કર્મચારીઓને કોઈપણ નોટીસ વગર છૂટા કરવામાં આવ્યા હતા. આ તમામને ૬ મહિનાની અંદર ફરીથી નોકરીએ લઈ લેવા માટે પણ સુપ્રીમ કોર્ટે હુકમમાં જણાવ્યું છે.

સંસદમાં વડાપ્રધાન મોદીના ભાષણની કોંગ્રેસે તીખી ટીકા કરી

લોકસભામાં કોંગ્રેેસના વ્હીપ મણીકમ ટાગોરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદમાં આપેલા ભાષણની આકરી ટીકા કરી છે. એમના કહેવા પ્રમાણે વડાપ્રધાને આખા સંબોધનમાં માત્ર ભૂતકાળની વાતો જ કરી હતી અને ભૂતકાળની તકલીફો પર જ ફોક્સ કર્યું હતું. ટાગોરના કહેવા પ્રમાણે વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીનું ભાષણ દુરંદેશીવાળું હતું. મણીકમ ટાગોરે કહ્યું છે કે 'અમે માનતા હતા કે ભારતના ભવિષ્ય અને વિકાસ માટે વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ જે વિચારો વ્યક્ત કર્યા હતા એને લગતી વાતો વડાપ્રધાન કરશે. જોકે મોદી તો ભૂતકાળમાં જ જીવી રહ્યા હોય એમ લાગે છે. વર્તમાન વિશે મોદી કદી વાત કરતા નથી. ભવિષ્યના ગુલાબી સપનાઓ  બતાવે છે અને વર્તમાનની સમસ્યા બાબતે ચૂપ રહે છે.' 

ભોપાલમાં સનસનાટી, ચિરાગ પાસવાનના બનેવી પાંડે કોણ છે

ભોપાલના ગાયત્રી ફૂડસ પ્રાઇવેટ લિમિટેડના માલિક કિશન મોદીના પત્ની પાયલ મોદીએ ઝેર ખાઇને આત્મહત્યાનો પ્રયત્ન કર્યો છે. પાયલ મોદીએ એક વિડિયો બનાવીને જાહેરાત કરી છે કે, ચંદ્રપ્રકાશ પાંડે અને વૈદપ્રકાશ પાંડે એમની કંપનીમાં ભાગીદાર હતા, પરંતુ કેટલાક કારણોસર એમને દુર કરવામાં આવ્યા હતા. નારાજ થયેલા બન્નેએ કંપની પર ઇડીના દરોડા પડાવ્યા હતા. આ કૌભાંડ માટે પાયલે કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાન પર પણ આક્ષેપો કર્યા છે. પાયલનું કહેવું છે કે ચિરાગ પાસવાન પોતાની સત્તાનો દુરઉપયોગ કરીને એમને હેરાન કરી રહ્યા છે. પાયલ મોદીએ ચંદ્રપ્રકાશ પાંડેને ચિરાગ પાસવાનના બનેવી હોવાનું કહ્યું છે. ભૂતપૂર્વ સ્વ. રામવિલાસ પાસવાનના દરેક કુટુંબીનો એક પગ રાજકારણમાં છે. રાજકીય વર્તુળોમાં પહેલી વખત ખબર પડી કે ચિરાગ પાસવાનને ત્રણ ઉપરાંત ચોથા બનેવી પણ છે. 

મહામંડલેશ્વર બનવા મમતા કુલકર્ણીએ 10 કરોડ ખર્ચ્યા

મમતા કુલકર્ણીને જ્યારે મહાકુંભમાં કિન્નર અખાડાના મહામંડલેશ્વરની પદવી આપવામાં આવી ત્યારે રામદેવ અને બાગેશ્વર ધામે તેનો વિરોધ કર્ર્યો હતો. ૯૦ના દાયકાની ટોપની અભિનેત્રી મમતા કુલકર્ણી થોડા સમય માટે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ હતી. કેટલાક સાધુઓએ મમતાને આપવામાં આવેલી મહામંડલેશ્વરની પદવી પર પ્રશ્નો ઉભા કર્યા હતા. વિવાદ વધતા ૭ દિવસની અંદરજ મમતા કુલકર્ણીની પદવી પાછી લઈ લેવામાં આવી હતી. કેટલાકે એવો પણ આક્ષેપ કર્યો હતો કે મહામંડલેશ્વરની પદવી મેળવવા માટે મમતાએ ૧૦ કરોડ રૂપિયા ખર્ચ્યા હતા. બાબા રામદેવે એવું નિવેદન આપ્યું હતું કે, કોઈ એક દિવસમાં સંત બની શકે નહીં. આ બાબતે મમતાએ રામદેવને વળતો જવાબ આપ્યો હતો કે, રામદેવને એણે એટલું જ કહેવું છે કે, મહાકાલ અને મહાકાલીથી ડરીને રહેવું જોઈએ. એ જ રીતે મમતાએ બાગેશ્વર ધામ પર પણ પ્રતિજવાબ આપીને કહ્યું હતું કે, એમની જેટલી ઉંમર છે એના કરતા વધારે સમય પોતે તપ કર્યું છે. 

580 કિ.મી દુરથી કુંભમેળામાં છૂટા પડેલાઓને મેળવી રહેલા આઈપીએસ

ઉત્તર પ્રદેશના સંભાલ વિસ્તારના એડીશનલ એસપી અનુકૃતિ શર્મા એક વિશિષ્ટ કામ કરી રહ્યા છે. મૌની અમાવસ્યા પછી મહાકુંભમાં અલગ થઈ ગયેલા લોકોને ફરીથી એક કરવાનો પ્રયત્ન આ લેડી આઇપીએસ અધિકારી કરી રહ્યા છે. અત્યાર સુધી અનુકૃતિએ પ્રયત્નો કરીને એક ડઝનથી વધુ લોકોનો મેળાપ કરાવ્યો છે. એમણે પોતાના એક્સ હેન્ડલ પર જે લોકો ગુમ થયા હતા એમના ફોટોગ્રાફ મેળવીને મૂકવાના શરૂ કર્યા હતા. આમાથી એવા કેટલાક લોકો હતા કે જે કુંભમેળાના ગુમ થયેલા કાઉન્ટર પર પહોંચ્યા હતા, પરંતુ એમને કોઈ જાણકારી મળી નહોતી. મહિલા આઇપીએસએ એક્સ પર પોતાના ફોલોઅર ઉપરાંત દેશભરમાં ફેલાયેલા એમના પોલીસ મિત્રોને ગુમ થયેલા લોકોની યાદી મોકલી હતી, જેને કારણે કેટલા લોકો એકબીજાનો સંપર્ક કરી શક્યા હતા. 

'પશ્ચિમની ઉદાર વિચારસરણી દેશની સંસ્કૃતિ માટે જોખમી' : હોંસબોલે

આરએસએસના મહામંત્રી દત્તાત્રેય હોંસબોલેએ કહ્યું છે કે, પશ્ચિમના દેશોની ઉદારવાદી વિચારધારા આપણા દેશ માટે જોખમી છે. ભારતમાં જુદા જુદા માધ્યમોમાં કામ કરનારાઓ  મારફતે પશ્ચિમની ઉદારવાદી વિચારધારાનો પ્રચાર થાય છે. આ વિચારધારા દેશની સંસ્કૃતિ માટે જોખમી બની રહી છે. હોંસબોલેએ વિવાદાસ્પદ નિવેદન આપતા કહ્યું છે કે આ બાબતે લોકોએ જાગવું જોઈએ અને પ્રતિકાર કરવો જોઈએ. ઉદારીકરણ અને વૈશ્વિકરણના નામ પર આપણા દેશની સંસ્કૃતિ સામે પ્રહારો થઈ રહ્યા છે. આપણા દેશની નવી પેઢીમાં સંસ્કૃતિ વિરોધી વિચારો ભરવામાં આવ્યા છે. રાજકીય નીરિક્ષકોએ હોંસબોલેના નિવેદન અંગે કહ્યું કે, હોંસબોલે જેવા નેતાઓ દેશને પાછળ લઈ જવા માંગે છે. 

વીઆઇપી ડયુટી માટે મુંબઈ પોલીસ પાસે વાહનો નથી

મુંબઈની ખાસ અદાલતે સસ્પેન્ડેડ પોલીસ કર્મચારી દ્વારા ગુનામા વપરાયેલી એસયુવી પોલીસને સોંપવા માટે હુકમ કર્યો છે. આ એસયુવીનો ઉપયોગ ગયા વર્ષે અપહરણ અને લૂંટ માટે કરવામાં આવ્યો હતો. પોલીસે તપાસ કર્યા પછી એસયુવી જપ્ત કરી હતી. મુંબઈ પોલીસ પાસે વાહનની એટલી બધી તંગી છે કે એમણે આ એસયુવીનો ઉપયોગ કરવા માટે કોર્ટને ખાસ અપીલ કરી હતી. પોલીસે કોર્ટમાં કહ્યું હતું કે, શહેરમાં વધી રહેલા વીઆઇપીઓની સુરક્ષા માટે એમની પાસે વાહનો નથી. ત્યાર પછી ખાસ અદાલતના ન્યાયાધીશ બીડી શેલકેએ કામચલાઉ રીતે વાહન પોલીસને આપવા માટે હુકમ કર્યો હતો.

મોદીએ સંગમમાં ડૂબકી માટે દિલ્હી મતદાનનો દિવસ કેમ પસંદ કર્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહાકુંભમાં જઈને પ્રયાગરાજના ઘાટમાં ડૂબકી લગાવી હતી. વડાપ્રધાન પ્રયાગરાજમાં જવાના છે એ ઘણાં દિવસ પહેલાં નક્કી થયું હતું અને ૫મી ફેબુ્રઆરી જ એના માટે નિયત હતી, પરંતુ થોડા દિવસ પહેલાં એવાય અહેવાલો હતા કે તેમની મુલાકાત કદાચ રદ્ થાય અથવા તો ફેરફાર થાય. મોદીએ દિલ્હીના મતદાનના દિવસે જ સંગમમાં ડૂબકી લગાવી તે બાબતે દિલ્હીમાં જાત-ભાતની ચર્ચા થતી હતી. દિલ્હીના મતદારો પર એની સંભવિત અસર થાય એવોય એક વ્યૂહ હોઈ શકે છે. આપના નેતાઓ અંદરખાને માનતા હતા કે પીએમ મોદીની આ ડૂબકી તેમને અસર કરી શકે છે. ઘણાં નિષ્ણાતો એમ કહે છે કે આપે મુદ્દો ખરેખર તો એવો ઉઠાવવો જોઈતો હતો કે પીએમ મોદીને દિલ્હીનો પ્રચાર ચાલતો હોવાથી પ્રયાગરાજ જવાનો સમય ન હતો. પ્રચાર પૂરો થયો પછી તેમણે પ્રયાગરાજ માટે સમય ફાળવ્યો.

ટ્રમ્પ યુક્રેનને મદદના બદલામાં મોટો ખેલ પાડવાની વેતરણમાં

ટ્રમ્પ રાજકારણી બન્યા તે પહેલાં બિઝનેસમેન હતા. ટ્રમ્પ આજેય રાજકારણી જેવું ઓછું ને વેપારી જેવું વધુ વિચારે છે. ટ્રમ્પના બધા નિર્ણયો ફાયદા-નુકસાનના કાટલે તોળાતા હોય છે. એવો જ એક વધુ નિર્ણય લેવાની તૈયારી છે. ટ્રમ્પે યુક્રેનને મદદ કરવાની તૈયારી તો બતાવી, પરંતુ બાઈડેનની સ્ટાઈલથી નહીં. ટ્રમ્પ સ્ટાઈલથી. ટ્રમ્પે કહ્યું કે રશિયા સામે યુદ્ધ કરતા યુક્રેનને અમેરિકા આર્થિક અને શસ્ત્રોની મદદ તો કરશે, પણ એના બદલામાં યુક્રેને અમેરિકાના દુર્લભ ખનીજો આપવી પડશે. યુક્રેનમાં દુર્લભ ખનીજોનો ભંડાર છે. અમેરિકાને સસ્તામાં દુર્લભ ખનીજો જોઈએ છે. યુક્રેન ભીંસમાં છે એટલે સોદો પાર પડી જાય તો નવાઈ નહીં રહે.

મિલ્કીપુરમાં રેકોર્ડ મતદાન પછી સપા-ભાજપના જીતના દાવા

મિલ્કીપુરમાં ૬૫ ટકાથી વધુ મતદાન થયું. પહેલી વખત મતદાનનો આંકડો ૬૦ને પાર પહોંચ્યો. આ બેઠક પર મેક્સિમમ ૬૦ ટકા મતદાન થઈ ચૂક્યું છે. વધારે મતદાન થાય તો પરિવર્તનનો સંકેત હોય છે. અત્યારે આ બેઠક સપા પાસે હતી. વધારે મતદાન થાય તો ભાજપને ફાયદો થાય છે એવીય એક થિયરી છે. વધુ મતદાન પછી ભાજપના નેતાઓ ગેલમાં છે. ભાજપે જીતનો દાવો કર્યો છે. બીજી તરફ સપાના નેતાઓ કહે છે કે ભાજપ જીતે નહીં એ માટે લોકોએ ઉત્સાહભેર વોટિંગ કર્યું છે. અયોધ્યામાં દલિત યુવતીના રેપ-મર્ડરની ઘટનાથી ભાજપ બેકફૂટ પર ધકેલાયો હતો. નિર્ણાયક દલિત વોટબેંકે આક્રોશમાં વધુ મતદાન કર્યું હોય તો એનો સપાને ફાયદો મળી શકે. બીજી તરફ ભાજપે જ્ઞાાતિના સમીકરણો સેટ કર્યા હતા એટલે એનોય જીતનો દાવો છે.

ફ્લાઈંગ કિસ આપનારા આપના ધારાસભ્ય સામે પોલીસ ફરિયાદ

આપના ધારાસભ્ય દિનેશ મોહનિયા મતદાનના દિવસે જ વિવાદમાં ઘેરાયા હતા. સંગમ વિહાર વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને આ વખતના આપના ઉમેદવાર દિનેશ મોહનિયાએ એક મહિલાને ફ્લાઈંગ કિસ આપી હતી. એ મામલે આખાય વિસ્તારમાં દિવસભર ચર્ચા થતી રહી. પોલીસે આપના ધારાસભ્ય સામે અશ્લિલ હરકત મુદ્દે ફરિયાદ દાખલ કરી છે. ચૂંટણી પ્રચાર દરમિયાન મહિલાને ફ્લાઈંગ કિસ આપી હોવાનો દાવો પોલીસે કર્યો હતો. આપ બચાવમાં કહે છે કે પોલીસ ખોટી રીતે બદનામ કરવા આ બધું કરે છે.

- ઈન્દર સાહની


Google NewsGoogle News