દિલ્હીની વાત : મોદી જેડીયુ સાંસદોને ના મળતાં નીતિશ ખફા
નરેન્દ્ર મોદીએ જેડીયુના સાંસદોને મળવાનો ઈન્કાર કરી દેતાં નીતિશ કુમાર બગડયા છે. બિહારમાં જ્ઞાાતિ આધારિત વસતી ગણતરીની રજૂઆત માટે સાસંદોએ મોદીનો સમય માગ્યો હતો. મોદીએ સાંસદોને સમય ના આપ્યો અને અમિત શાહને મળવાનું કહીને રવાના કરી દીધા. સાંસદોએ શાહને મળીને રજૂઆત કરી પણ શાહે કોઈ ખાતરી આપી નહીં. શાહે કેબિનેટમાં ચર્ચા પછી નિર્ણય લેવાશે એવું કહીને સાંસદોને વિલા મોંઢે રવાના કરી દીધા.
બગડેલા નીતિશે જાહેરમાં બળાપો કાઢીને કહ્યું કે, અમારે મોદીને મળવું છે પણ મોદી સાહેબ પાસે સમય તો હોવો જોઈએ ને ? નીતિશે મોદીને પત્ર પણ લખ્યો છે. નીતિશે લખ્યું છે કે, બિહારનું સર્વપક્ષીય પ્રતિનિધીમંડળ જ્ઞાાતિ આધારિત વસતી અંગે રજૂઆત કરવા માગે છે અને આ મુદ્દો બિહારની પ્રજાના હિતને લગતો છે તેથી સત્વરે સમય આપવા વિનંતી છે.
સૂત્રોનું કહેવું છે કે, જ્ઞાાતિ આધારિત વસતી ગણતરીના મુદ્દે ભાજપ અને જેડીયુ વચ્ચે મતભેદો વધતા જાય છે એ જોતાં ગમે ત્યારે વિસ્ફોટ થઈ શકે છે.
યુપીમાં યોગી વિરોધીઓએ હથિયાર હેઠાં મૂક્યાં
ઉત્તર પ્રદેશમાં ભાજપ યોગી આદિત્યનાથને મુખ્યમંત્રીપદના દાવેદાર તરીકે પ્રોજેક્ટ કરે એવી શક્યતા છે. યુપીના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યે પોતે આ સંકેત આપ્યો છે.
મૌર્યનું કહેવું છે કે, યુપીમાં ભાજપમાં યોગી આદિત્યનાથ સૌથી મોટું નામ છે તેથી મને લાગે છે કે ભાજપ બહુ જલદી તેમના નેતૃત્વમાં જ લડવાનો નિર્ણય લેશે. મૌર્યે યોગીના નેતૃત્વમાં સરકાર જોરદાર કામગીરી કરી રહી હોવાનો પણ દાવો કરીને કહ્યું કે, અમારા મુખ્યમંત્રીનું નેતૃત્વ અદભૂત રહ્યું છે ને મારા મતે આગામી ચૂંટણીમાં પણ યોગી જ અમારા નેતા હશે.
મૌર્યની ગણના અમિત શાહની નજીકના માણસ અને યોગીના કટ્ટર હરીફ તરીકે થાય છે. ૨૦૧૭માં મુખ્યમંત્રીપદના પ્રબળ દાવેદાર મૌર્યે યોગીના કારણે મુખ્યમંત્રી બનવાની મહેચ્છા પર બ્રેક મારવી પડી હતી. થોડા સમય પહેલા તેમણે ફરી માથું ઉંચક્યું હતું પણ હવે તેમના તેવર ઢીલા પડી ગયા છે. રાજકીય વિશ્લેષકોના મતે, મૌર્યનું નિવેદન એ વાતનો સંકેત છે કે, યોગી વિરોધીઓએ હથિયાર હેઠાં મૂકવા માંડયાં છે.
ભાજપને હરાવવા અખિલેશ 'રાવણ' સાથે હાથ મિલાવશે
ઉત્તર પ્રદેશમાં ભાજપને હરાવવા માટે અખિલેશ યાદવ ભીમ આર્મીના ચંદ્રશેખર આઝાદ સાથે હાથ મિલાવે એવી શક્યતા છે. સમર્થકોમાં 'રાવણ' તરીકે જાણીતા ચંદ્રશેખરની આઝાદ સમાજ પાર્ટી દલિતોમાં ધીરે ધીરે પોતાનો પ્રભાવ વધારી રહી છે તેથી અખિલેશને આઝાદમાં રસ પડયો છે.
યુપીમાં બહુમતી દલિતો માયાવતીની બસપા સાથે છે જ્યારે બાકીના દલિતો ભાજપ-કોંગ્રેસ વચ્ચે વહેંચાયેલા છે. સમાજવાદી પાર્ટી પાસે દલિતોની મતબેંક નથી તેથી આઝાદના માધ્યમથી દલિત મતબેંકમાં પગપેસારો કરવાની અખિલેશની ગણતરી છે. આઝાદમાં કોંગ્રેસને પણ રસ છે અને પ્રિયંકા ગાંધી સાથે બેઠક પણ થઈ હતી પણ આઝાદને વધારે રસ અખિલેશમાં છે. સપાની ઓબીસી અને પોતાની દલિત મતબેંક એક થાય તો મોટો રાજકીય ફાયદો થાય એવી આઝાદની ગણતરી છે.
સપા અને આઝાદ વચ્ચે બેઠકોના મુદ્દે વાંધો પડયો હોવાનો સૂત્રોનો દાવો છે. આઝાદને ઓછામાં ઓછી ત્રીસ બેઠકો જોઈએ છે જ્યારે અખિલેશ દસ કરતાં વધારે બેઠકો આપવા તૈયાર નથી. આઝાદે અખિલેશને જાહેરમાં મોટું મન રાખવા પણ કહ્યું છે.
મોદી ના હોત તો ચાનુ મેડલ ના જીતી હોત !
ટોક્યો ઓલિમ્પિક્સમાં વેઈટલિફ્ટિંગમાં સિલ્વર મેડલ જીતનારી મીરાબાંઈ ચાનૂની જીતનું શ્રેય નરેન્દ્ર મોદીને આપીને મણિપુરના મુખ્યમંત્રી એન. બિરેનસિંહ વિવાદ સર્જ્યો છે. સિંહે કોમેન્ટ કરી કે, મોદીએ મદદ ના કરી હોત તો ચાનુ મેડલ ના જીતી શકી હોત.
સિંહનો દાવો છે કે, મોદીએ ચાનુને અમેરિકા ઈલાજ માટે મોકલી હતી. ચાનુને પીઠનો દુઃખાવો હતો એ વાતની મોદીને ખબર પડતાં જ મોદીએ સ્નાયુના ઓપરેશન તથા પ્રેક્ટિસ માટે ચાનુને અમેરિકા મોકલી હતી. સિંહના દાવા પ્રમાણે ચાનુએ પોતે તેમને આ વાત કહી હતી અને મોદીએ મણિપુરની એક અન્ય એથ્લેટને પણ અમેરિકા મોકલી હતી.
સોશિયલ મીડિયા પર લોકો સિંહની કોમેન્ટને હલકી કક્ષાની ગણાવી રહ્યા છે. લોકો કોમેન્ટ કરી રહ્યા છે કે, નવિન પટનાઈક ત્રણ વર્ષથી હોકી ટીમને મદદ કરી રહ્યા છે ને કદી જશ ખાટવાનો પ્રયત્ન સુધ્ધાં કર્યો નથી જ્યારે ભાજપવાળા ચાનુની સિધ્ધિનો જશ ખાટવા કૂદી પડયા છે. ઘણા કોમેન્ટ કરી રહ્યા છે કે, સરકારે ફરજ બજાવી તેનો ઢંઢેરો પિટવાનો ?
ખેલરત્ન મુદ્દે બફાટ પછી કોંગ્રેસની ગુલાંટ
કેન્દ્ર સરકારે સ્પોર્ટ્સમાં સર્વોચ્ચ મનાતા રાજીવ ગાંધી ખેલરત્ન એવોર્ડનું નામ બદલીને મેજર ધ્યાનચંદ ખેલરત્ન એવોર્ડ કર્યું એ મુદ્દે બફાટ કર્યાનો અહેસાસ થતાં કોંગ્રેસે ગુલાંટ લગાવી દીધી. મોદીએ ટ્વિટ કરીને જાહેરાત કરી એ પછી કોંગ્રેસના પ્રવક્તા સુબોધકાન્ત સહાયે વાંધો લીધો હતો. રાજીવ ગાંધીએ સ્પોર્ટ્સ ક્ષેત્રે મોટું યોગદાન આપ્યું હોવાનો દાવો કરીને તેમણે રાજકીય કારણોસર નામ બદલાયું હોવાનો આક્ષેપ પણ કર્યો હતો.
જો કે સોશિયલ મીડિયા પર કેન્દ્રના નિર્ણયને આવકાર મળતાં કોંગ્રેસે બપોર પછી ગુલાંટ લગાવી દીધી. રણદીપ સૂરજેવાલાએ આ નિર્ણયને આવકારીને ટોણો માર્યો કે, રાજીવ ગાંધી પોતાના નામના કારણે નહીં પણ કામના કારણે ઓળખાય છે તેથી તેમનું નામ હટાવી દેવાય તેના કારણે કોઈ ફરક પડતો નથી. સૂરજેવાલાએ આ જ નિયમ લાગુ કરીને દિલ્હીના અરૂણ જેટલી અને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમનાં નામ બદલીને ક્રિકેટરોનાં નામ આપવા પણ કેન્દ્રને પડકાર ફેંક્યો છે. આશ્ચર્યજનક રીતે સોશિયલ મીડિયા પર કોંગ્રેસના આ સૂચનને લોકોનું વ્યાપક સમર્થન મળી રહ્યું છે.
કોશિયારી પણ બંગાળના રાજ્યપાલના રસ્તે
મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશિયારી મરાઠાવાડની ત્રણ દિવસની યાત્રા નિકળ્યા છે અને અધિકારીઓને મળી રહ્યા છે તેના કારણે ઉધ્ધવ સરકાર ભડકી છે. કોશિયારી પોતાના હોદ્દાનો દુરૂપયોગ કરી રહ્યા છે અને જનાદેશનો અનાદર કરીને લોકશાહીનું અપમાન કરી રહ્યા છે તેવા આક્ષેપો થઈ રહ્યા છે.
કોશિયારી નાંદેડમાં રાજ્ય સરકારના અધિકારીઓને મળ્યા હતા. કલેક્ટર સહિતના અધિકારીઓ પાસેથી તેમણે રાજ્ય સરકારની કામગીરી અંગેનો રીપોર્ટ પણ લીધો. ઉધ્ધવ સરકારનું કહેવું છે કે, પ્રજાના મતથી ચૂંટાયેલી સરકારને જ વહીવટી તંત્ર પાસેથી જવાબ લેવાનો અધિકાર છે. રાજ્યપાલ એ અધિકારને ઉલ્લંઘીને પોતાની મર્યાદા ઓળંગી રહ્યા છે. આ પહેલાં પશ્ચિમ બંગાળમાં રાજ્યપાલ જગદીપ ધનખડ પણ આ રીતે રાજ્યના પ્રવાસે નિકળીને અધિકારીઓને મળતાં વિવાદ થયો હતો. મમતા બેનરજી સરકારે પણ ભારે હોહા કરી હતી.
બંધારણીય નિષ્ણાતોના મતે, કોશિયારી ગેરબંધારણીય રીતે વર્તી રહ્યા છે. રાજ્યપાલ રાજ્યના બંધારણીય વડા છે પણ વહીવટીતંત્ર પાસેથી સીધો જવાબ માગવાનો તેમને અધિકાર નથી. ધનખડના રસ્તે ચાલીને કોશિયારી રાજ્યપાલના હોદ્દાનું ગૌરવ ઘટાડી રહ્યા છે.
***
પેગાસસ કેસ કોર્ટમાં હોવાથી તેના પર ચર્ચા ન થઈ શકેઃ કેન્દ્ર
વિપક્ષ પેગાસસ મુદ્દે ચર્ચા કરવા માટે તેનું વલણ વધુને વધુ આકરું બનાવી રહી છે ત્યારે કેન્દ્ર સરકારનું કહેવું છે કે આ કેસ કોર્ટમાં હોવાથી તેના પર ચર્ચા ન થઈ શકે. આમ હવે સરકારે રાજ્યસભામાં પેગાસસ મુદ્દે સાંસદના સવાલનો જવાબ આપવામાં કોર્ટની પ્રક્રિયાનું બ્હાનું આગળ ધરી દીધું છે. આ હિલચાલ અંગેની જાણકારી ધરાવતા અધિકારીએ જણાવ્યું હતું કે કેન્દ્રનું પેગાસસ મુદદ્દે વલણ એવું છે કે આ મુદ્દો કોર્ટમાં પડતર છે. પેગાસસ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં કેટલીક જાહેર હિતની અરજી ફાઇલ કરવામાં આવ્યા પછી સરકારે આ વલણ અપનાવ્યું છે. કેન્દ્રએ રાજ્યસભાના સચિવાલયને જણાવ્યું હતું કે સીપીઆઇ (એમ)ના સાંસદ બિનોય વિશ્વમે પૂછેલા સવાલનો જવાબ ૧૨મી ઓગસ્ટે ઉપલા ગૃહમાં આપવાનો હતો તે નહીં આપી શકાય. વિશ્વમે જણાવ્યું હતું કે મને ઔૈપચારિક રીતે જણાવાયું છે કે મારા સવાલને અમાન્ય ઠેરવવામાં આવ્યો છે, પરંતુ મને હજી સુધી સત્તાવાર જવાબ મળ્યો નથી. સરકાર રાજ્યસભાના નિયમોનો દૂરુપયોગ કરી રહી છે અને સત્ય અંગે વિપરીત વલણ અપનાવી રહી છે. તેઓએ પેગાસસ મુદ્દા અંગે સવાલોનો સામનો કરવો જ જોઈએ, એમ તેમણે જણાવ્યું હતું.
કેપ્ટન માટે નવી તકલીફ
પંજાબના મુખ્યપ્રધાન કેપ્ટન અમરિન્દરના મુખ્ય સલાહકાર અને ચૂંટણી વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોરે વિદાય લીધી છે. આ પગલું સીએમ અમરિનદર માટે નવજોતસિંગ સિદ્ધુની પક્ષના પ્રદેશ પ્રમુખપદે નિમણૂક પછી વધુ એક પીછેહઠ તરીકે જોવાઈ રહ્યું છે. પ્રશાંત કિશોરે ૨૦૧૭માં પંજાબની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના વિજયની સ્ક્રિપ્ટ લખી આપી હતી અને પંજાબ દા કેપ્ટન નારો આપ્યો હતો જે ઘણો લોકપ્રિય થયો હતો. આ વર્ષે માર્ચમાં અમરિન્દરે કિશોરની તેમના મુખ્ય સલાહકાર તરીકે નિમણૂક કરી હતી. કોંગ્રેસના નેતાએ જણાવ્યું હતું કે કિશોર કોંગ્રેસના નેતાઓના સંપર્કમાં છે ત્યારે સીએમથી અલગ પડવાના લીધે સારો સંકેત મળતો નથી. તે હતા ત્યારે માનવામાં આવતું હતું કે આગામી ચૂંટણીમાં તે કેટલાક નવા સૂત્રો આપી શકે જે પક્ષને ચૂંટણીમાં ઉપયોગી નીવડી શકે.
ગૃહની અંદરના વિરોધને ન દર્શાવવા સરકાર ટીવી ટ્રિક અપનાવી રહી છેઃ વિપક્ષ
વિપક્ષનો આરોપ છે કે શાસક પક્ષ ગૃહની અંદરના વિઝ્યુઅલ્સને બ્લેકઆઉટ કરી હ્યો છે અને આ માટે લોકસભા ટીવીની સાથે ટ્રિક અજમાવી રહ્યો છે. પહેલી વખત ગુરુવારે સંસદના ચોમાસુ સત્રમાં બે મોટા સ્ક્રીન લોકસભાની અંદર રાખવામાં આવ્યા હતા તેમા વિપક્ષના સભ્યો પ્લે કાર્ડ ફરકાવતા ગૃહના વેલમાં ધસી ગયા હોવાનું દર્શાવાયું હતું. વિપક્ષના સભ્યોનો આ આનંદ ક્ષણજીવી નીવડયો હતો જ્યારે તેમણે જોયું કે તેમના વિરોધના વિઝ્યુઅલ્સ ઇન્ટરનેટ સ્ક્રીન પર બતાવાયા હતા પરંતુ લોકસભા ટીવી પર લોકોને દર્શાવાયા ન હતા. અમારા પ્લેકાર્ડ અને સૂત્રોને સ્ક્રીન પર ગૃહની અંદર બતાવાયા હતા. અમને પછી જાણવા મળ્યું હતુ કે તેના વિઝ્યુઅલ્સ બહાર બતાવાયા નથી, જેથી લોકો લોકસભા ટીવી પર તે જોઈ શકે, એમ કોંગ્રેસના સાંસદ સુરેશ કોડિકુન્નિલે જણાવ્યું હતું. ગૃહ વિખેરી નાખવામાંઆવ્યા પછી વિપક્ષે સ્પીકરને આ અંગે ફરિયાદ કરી હતી અને તેમણે ખાતરી આપી હતી કે તેમના વિરોધનો હિસ્સો દર્શાવાશે, એમ સુરેશે જણાવ્યું હતું.
જમ્મુ-કાશ્મીર સીમાંકન પંચને 290 સૂચનો મળ્યા
કેન્દ્ર સરકારે માર્ચ ૨૦૨૦માં સ્થાપેલી જમ્મુ-કાશ્મીર સીમાંકન પંચને વિવિધ રાજકીય પક્ષો અને હિસ્સેદારો પાસેથી ૨૯૦ સૂચનો મળ્યા છે. રાજ્યમાં ચૂંટણી મતવિસ્તારોની સીમારેખા નવેસરથી આંકવા માટે આ પંચ રચવામાં આવ્યું છે. તેમા પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આવતી ૨૪ બેઠકો અનફ્રીઝ કરવાની, રાજ્યનો દરજ્જો ફરીથી મળે ત્યાં સુધી તેવું સીમાંકન મોકૂફ રાખવાની અને દરેક વિસ્તારને તેનો અધિકાર મળે તે જોવાની છે. પંચ ગયા મહિને જમ્મુ-કાશ્મીરમાં શ્રીનગર ખાતે બધા મહત્ત્વના રાજકીય પક્ષોને મળ્યું હતું. ફક્ત પીડીપીએ જ આ પ્રક્રિયાનો બહિષ્કાર કર્યો હતો. આ પેનલના વડા તરીકે સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ રંજના પ્રકાશ દેસાઈ છે, આ સિવાયના સભ્યોમાં મુખ્ય ચૂંટણી કમિશ્નર સુશીલ ચંદ્ર અને જે એન્ડ કે ચૂંટણી કમિશ્નર કે કે શર્મા છે. આ પંચ પહેલા તો તેમની સમક્ષની રજૂઆતોનો તલસ્પર્શી અભ્યાસ કરશે અને પછી એસોસિયેટ સભ્યો સાથે બેઠક યોજશે.
- ઇન્દર સાહની