શિવાજીની મુર્તિ સ્ટીલથી બની હોત તો પડી ન હોત : ગડકરી
નવીદિલ્હી : કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરી ઘણાં મુદ્દે કેન્દ્ર સરકારની નીતિ સામે બોલતા રહે છે. કેટલીક વખત પાર્ટી લાઈનથી અલગ પણ તેઓ ઓપિનિયન આપે છે. મહારાષ્ટ્રમાં શિવાજીની મૂર્તિ પડી ગઈ તે બાબતે રાજકારણ ગરમાયું છે. વિધાનસભાની ચૂંટણી પહેલાં આ ઘટના બની એટલે કેન્દ્ર અને રાજ્ય સરકાર બચાવની સ્થિતિમાં છે. એ વચ્ચે નીતિન ગડકરીએ અત્યાર સુધી એક પણ વખત એ ઘટનાનો ઉલ્લેખ કર્યો ન હતો. તેમના અકળ મૌનની ચર્ચા ભાજપમાં પણ હતી. દરમિયાન પહેલી વખત મહારાષ્ટ્રના આ દિગ્ગજ નેતાએ નિવેદન આપ્યું કે જો શિવાજીની મૂર્તિ બનાવવામાં સ્ટેનલેસ સ્ટીલ વપરાયું હોત તો મૂર્તિ પડી ન હોત. દરિયાકાંઠાના રાજ્યોમાં ગમે એવું મજબૂત લોખંડ હોય તો પણ એમાં કાટ લાગ્યા વગર રહેતો નથી. ગડકરીએ સ્ટીલનું નિવેદન આપીને આડકતરો એવો સવાલ પણ ઉઠાવ્યો છે કે બાંધકામમાં સ્ટેનલેસ સ્ટીલ કેમ ન વપરાયું?
જમ્મુ-કાશ્મીરની ચૂંટણીમાં રાહુલ ગાંધીએ પ્રચારની શરૂઆત કરી
જમ્મુ-કાશ્મીર વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો પ્રચાર રાહુલ ગાંધીએ શરૂ કર્યો છે. રાજ્યના બે ભૂતપૂર્વ પ્રમુખો માટે રાહુલ ગાંધીએ રામવન અને અનંતનાગમાં રેલી કરી. કોંગ્રેસે ૪૦ જેટલા સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. જમ્મુ-કાશ્મીરના પ્રભારી તરીકે ગુજરાતના ભરતસિંહ સોલંકી છે. ભરતસિંહ સોલંકીએ હમણા કાશ્મીરમાં ધામા નાંખ્યા છે. કોંગ્રેસે અત્યાર સુધીમાં ૧૫ ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. ૨૦૧૪ની ચૂંટણીમાં કોંગ્રેસે ફક્ત ૧૨ બેઠકો જીતી હતી. આ વખતે કોંગ્રેસનું પલડું ભારે છે. લોકસભાની ચૂંટણી પછી રાહુલ ગાંધીની ઇમેજ અને લોકપ્રિયતા ટોચ પર હોવાથી કોંગ્રેસને એનો લાભ પણ મળશે એમ મનાય રહ્યું છે.
કુશ્તી આંદોલનના ફેસ હવે હરિયાણામાં ચૂંટણી લડશે
તાજેતરમાં ઓલિમ્પિક મેડલથી જરા માટે રહી ગયેલી જાણીતી મહિલા પહેલવાન વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયાની રાહુલ ગાંધી સાથે મીટિંગ થઈ. એ પછી અટકળો ચાલી રહી છે કે આ બંને પહેલવાનોને કોંગ્રેસ હરિયાણામાં ટિકિટ આપશે. રાહુલ ગાંધીએ ખાસ એ બંનેને મળવા બોલાવ્યા હતા. રાહુલનું માનવું છે કે આ બંનેને ટિકિટ આપવાથી હરિયાણામાં મોટી અસર થશે. બજરંગ પુનિયા અને વિનેશ ફોગાટની કુશ્તી ફેડરેશન સામે પહેલવાનોએ જે આંદોલન કર્યું એમાં મહત્ત્વની ભૂમિકા હતી. જો આ બંનેને કોંગ્રેસ ટિકિટ આપે તો જાટ સમાજ કોંગ્રેસ તરફ વળે એવી શક્યતા છે. કોંગ્રેસ ખેડૂત આંદોલન અને પહેલવાનોના આંદોલનને મુદ્દો બનાવીને ચૂંટણી લડશે.
હરિયાણામાં ખેલાડીઓને ચૂંટણી લડાવવાનો ટ્રેન્ડ જૂનો
હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં દરેક ચૂંટણીની જેમ આ વખતે પણ કેટલાક ખેલાડીઓ ચૂંટણી લડે એવી શક્યતા છે. પહેલવાન યોગેશ્વર દત્તએ ચૂંટણી લડવાની ઇચ્છા જાહેર કરી છે. વિનેશ ફોગાટ પણ કોંગ્રેસ તરફથી ચૂંટણી લડી શકે એવી શક્યતા છે. ૨૦૧૯ની ચૂંટણીમાં ત્રણ ખેલાડીઓએ નસીબ અજમાવ્યું હતું. પદ્મશ્રી યોગેશ્વર દત્ત સોનીપત બેઠક પરથી ચૂંટણી લડયા હતા. યોગેશ્વર દત્તને કોંગ્રેસના શ્રીકૃષ્ણ હુડાએ હરાવ્યા હતા. બબિતા ફોગાટ પણ ભાજપ તરફથી ચૂંટણી લડયા હતા. ચરખી દાદરી બેઠક પરથી બબિતાને અપક્ષ ઉમેદવાર સોમવિર સાંગવાને હરાવ્યા હતા. સંદિપસિંહ કુરુક્ષેત્ર બેઠક પરથી ચૂંટણી લડયા હતા અને એમણે કોંગ્રેસના મંદિપસિંહ ચિઢ્ઢાને હરાવ્યા હતા. આ ત્રણ ખેલાડી ઉપરાંત બીસીસીઆઇના ભૂતપૂર્વ અધ્યક્ષ રણબિરસિંહ મહેન્દ્ર, કોંગ્રેસ તરફથી દાદરી બેઠક પરથી ચૂંટણી લડયા હતા. જોકે જનનાયક જનતા પાર્ટીના ઉમેદવારે એમને હરાવ્યા હતા. હરિયાણામાં ક્રિકેટ સિવાયના ખેલાડીઓ પણ લોકપ્રિય હોવાથી તેઓ રાજકારણમાં નસીબ અજમાવે છે.
વક્ફ બોર્ડ બિલ મુદ્દે મુસ્લિમોને મનાવવા ભાજપ માટે અશક્ય
ભાજપે કહ્યું છે કે વકફ બોર્ડ સુધારણા બિલ બાબતે મુસ્લિમ નેતાઓ સાથે વાતચીત કરવા પક્ષ તૈયાર છે. આ માટે ભાજપએ ૭ સભ્યોની ટીમ પણ બનાવી છે. ચારે તરફથી ઘેરાયેલા ભાજપ માટે મુસ્લિમ સમુદાયને નારાજ કરવાનું પરવડે એમ નથી. ભાજપના નેતાઓ માની રહ્યા છે કે, મુસ્લિમ નેતાઓને મળીને એમની ગેરસમજણ દૂર કરશે. જોકે રાજકીય નિરિક્ષકોનું માનવું છે કે આ બાબતે ભાજપ સફળ થાય એમ નથી. મુસ્લિમોને મનાવવા માટે ભાજપ લઘુમતિ મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ જમાલ સિદ્દિકી સહિત બીજા ૬ સિનિયર નેતાઓને સમજાતુ નથી કે મુસ્લિમ નેતાઓને કઈ રીતે મનાવવા. ભાજપની ટીમ વક્ફ બોર્ડના ચેરમેન તેમ જ ભૂતપૂર્વ ચેરમેનોને મળવા માટે પ્રયત્ન કરે છે. જોકે ભાજપની કુટનિતિથી માહિતગાર આ મુસ્લિમ નેતાઓ ભાજપને દાણા નાંખતા નથી.
મહારાષ્ટ્રમાં ભાજપને ફટકો : ઘાટગે, એનસીપીમાં જોડાયા
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપના લોકપ્રિય નેતા રાજે સમરજીત ઘાટગે એનસીપી (શરદ પવાર)માં જોડાયા છે. કોલ્હાપુરમાં યોજાયેલા એક કાર્યક્રમમાં વિશાળ જનમેદની સમક્ષ શરદ પવારે ઘાટગેને પક્ષમાં સામેલ કર્યા હતા. આ પ્રસંગે શરદ પવારે ભાજપની આકરી ટીકા કરી હતી. પવારનું કહેવું છે કે શિવાજી મહારાજની પ્રતિમા તૂટી પડવા માટે ભાજપનો ભષ્ટાચાર જવાબદાર છે. મુખ્યમંત્રી એકનાથ શિંદેએ પ્રતિમા તૂટી પડવાની ઘટનાનું કારણ તોફાની પવન હોવાનું ગણાવ્યું છે. મુંબઈના ગેટવે ઓફ ઇન્ડિયા ખાતે પણ શિવાજી મહારાજની એક પ્રતિમા છે. આ પ્રતિમા રાજ્યના પહેલા મુખ્યમંત્રી યશવંતરાવ ચૌહાણે ૬૦ વર્ષ પહેલા સ્થાપિત કરી હતી અને હજી અડીખમ ઉભી છે.
છેલ્લા શ્વાસ સુધી ભાજપ- સંઘની વિભાજનકારી નિતિ સામે લડીશું
વિરોધપક્ષના નેતા રાહુલ ગાંધી તેમ જ કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ એઆઇસીસીના મંત્રીઓ અને સંયુક્ત સચિવો સાથે એક બેઠક કરી હતી. બેઠકમાં સામેલ ઉત્સાહી નેતાઓને એમણે કહ્યું હતું કે, ભાજપ - આરએસએસની વિભાજનકારી નિતિ સામે બધાએ ભેગા થઈને લડત આપવાની જરૂર છે. કોંગ્રેસે થોડા દિવસો પહેલા જ સંગઠનમાં મોટા પાયે ફેરફાર કર્યા છે. ખડગેએ કહ્યું કે, કોંગ્રેસ દરેક ભારતીય નાગરીક સુધી પહોંચવા માંગે છે. સામાન્ય માણસના અવાજને પણ કોંગ્રેસ વાચા આપશે. કોંગ્રેસ સાથે વધુને વધુ યુવાનો જોડાઈ રહ્યા છે, જેને કારણે પક્ષમાં નવો પ્રાણ ફૂંકાયો છે.
અખિલેશ યાદવએ વિધાનસભા ચૂંટણીની તૈયારી શરૂ કરી દીધી
લોકસભાની ચૂંટણીમાં ઉત્તર પ્રદેશથી ૩૭ બેઠકો પર વિજય મેળવ્યા પછી સમાજવાદી પાર્ટી હવે ફ્રન્ટ ફૂટ પર આવીને રમી રહી છે. ભવિષ્યમાં પક્ષને કઈ રીતે વધુ મજબૂત કરવો એ માટેની રણનીતિ અખિલેશ યાદવ બનાવી રહ્યા છે. યુવા મતદારોને આક્રર્ષવા માટે 'મિશન યુથ ગ્રાઉન્ડ' શરૂ કરવામાં આવ્યું છે. સપાની યુથ વિંગથી માંડીને સ્ટુડન્ટ વિંગ અને લોહિયાવાહીનીથી માંડીને બાબા સાહેબ વાહીની આ મિશન માટે કામ કરશે. ૨૦૨૭માં થનાર વિધાનસભાની ચૂંટણી માટે પહેલા તબક્કાનું આયોજન સપાએ તૈયાર કરી નાંખ્યું છે. અલગ અલગ વિંગના સભ્યોને જુદા જુદા ટાસ્ક સોંપવામાં આવ્યા છે. ઉત્તર પ્રદેશમાં સપા સરકારે શરૂ કરેલી યોજનાઓ આગળ વધારવા માટે શું કરવું જોઈએ એ માટે પણ વિચારણા થઈ રહી છે.
રાહુલ ગાંધીએ રેલવે ટ્રેકમેનોને મળીને એમની તકલીફ સમજી
લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી વિવિધ ક્ષેત્રના લોકોને મળીને એમની તકલીફ સમજી રહ્યા છે. થોડા દિવસો પહેલા તેઓ રેલવે ટ્રેક પર કામ કરતા ટ્રેકમેનોને મળ્યા હતા. આ બાબતે સોશિયલ મીડિયા એક્સ પર ગાંધીએ લખ્યું હતું કે, કરોડો લોકોની રેલ યાત્રા ફક્ત ટ્રેકમેનોની ભારે મહેનતને કારણે સલામત બને છે. આમ છતાં દેશના રેલ કર્મચારીઓમાં સૌથી વધુ ઉપેક્ષા ટ્રેકમેનોની થાય છે. ટ્રેકમેન દરરોજ ૩૫ કિલોના સાધનો ઉપાડીને ૮ થી ૧૦ કિલોમીટર સુધી ચાલે છે. એમની નોકરી રેલવે ટ્રેકથી શરૂ થાય છે અને રેલવે ટ્રેક પર જ પૂરી થાય છે. રેલવેની વિવિધ પરીક્ષાઓ પસાર કરીને બીજા કર્મચારીઓ વધારે સારા હોદ્દા પર પહોંચે છે, પરંતુ ટ્રેકમેનને આ પરીક્ષામાં બેસવા દેવામાં આવતા નથી. રાહુલ ગાંધીની આ મુલાકાત પછી દેશભરના લાખો ટ્રેકમેનોને રાહુલ ગાંધીની આ સંવેદનશીલતા સ્પર્શી ગઈ છે.
કાશ્મીરમાં ગુલામ નબી આઝાદ ભાજપની બી ટીમ
જમ્મુ-કાશ્મીરના પૂર્વ સીએમ ગુલામ નબી આઝાદે કોંગ્રેસ પાર્ટી છોડી દીધા પછી ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ આઝાદ પાર્ટી બનાવી હતી. ભાજપે આમ તો ગુલામ નબીને પાર્ટીમાં લાવવાની કોશિશ કરી હતી, પરંતુ બંને પક્ષે યોગ્ય સમજૂતી થઈ ન હતી. આઝાદની ડિમાન્ડ હતી કે ભાજપ તેમને આગળ કરીને ચૂંટણી લડે અને તેમને મુખ્યમંત્રી બનાવે. એ ડીલ ન થઈ એટલે આઝાદે એકલા હાથે ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. ૧૦ બેઠકો પર ઉમેદવારો પણ ઉતાર્યા છે. આઝાદના જૂના કોંગ્રેસી સહયોગીઓ કહી રહ્યા છે કે આઝાદની પાર્ટી કોંગ્રેસના મતો કાપવા માટે મેદાનમાં ઉતરી છે અને ભાજપની બી ટીમ તરીકે કામ કરે છે.