અધિકારીઓ પર એફઆઇઆર માટે સીબીઆઇએ પરવાનગીની જરૂરી નથી
નવીદિલ્હી : સુપ્રીમ કોર્ટે એક ચુકાદામાં કહ્યું છે કે, અલગ અલગ રાજ્યોમાં કામ કરી રહેલા કેન્દ્રીય અધિકારીઓ સામે એફઆઇઆર દાખલ કરવા માટે સીબીઆઇએ રાજ્ય સરકારોની પરવાનગી લેવી જરૂરી નથી. જસ્ટીસ સીટી રવિકુમાર અને જસ્ટીસ રાજેશ બિંદલની બેન્ચે આ કોમેન્ટ કરીને આંધ્રપ્રદેશની હાઇકોર્ટના ચૂકાદાને રદ કર્યો હતો. ભ્રષ્ટાચાર બાબતે બે કેન્દ્રીય સરકારી અધિકારીઓ સામે તપાસ કરી રહેલી સીબીઆઇની એફઆઇઆરને હાઇકોર્ટે અયોગ્ય ઠેરવી હતી. સુપ્રિમ કોર્ટની બેન્ચે કહ્યું છે કે, કેન્દ્રના કોઈપણ અધિકારી કઈ જગ્યાએ ફરજ બજાવે છે એ અગત્યનું નથી, પરંતુ જો એમણે ગંભીર ગુનો કર્યો હોય તો સીબીઆઇ એમની સામે તપાસ કરી શકે છે. દોષિત કેન્દ્રીય કર્મચારીઓએ સીબીઆઇની તપાસને અયોગ્ય ઠેરવવા માટે હાઇકોર્ટમાં દાદ માગી હતી.
મહાકુંભમાં રેલવે સ્ટેશન પર બીમારોની દિવસ-રાત સારવાર થશે
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં યોજાનાર મહાકુંભની તૈયારી જોરશોરથી ચાલી રહી છે. મહાકુંભની મુલાકાતે ફક્ત વિદેશ જ નહીં, પરંતુ દેશના શ્રદ્ધાળુઓ પણ પ્રયાગરાજ પહોંચશે. આ સંજોગોમાં રેલવેએ કેટલાક અગત્યના નિર્ણયો લીધા છે. પ્રયાગરાજ રેલવે સ્ટેશન પર શ્રદ્ધાળુઓના આરોગ્ય માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. હૃદયરોગ અને ડાયાબિટિસના દર્દીઓ માટે પણ રેલવે સ્ટેશન પર રાત-દિવસ ઇલાજની વ્યવસ્થા કરવામાં આવી છે. છેલ્લા કુંભમેળા દરમિયાન રેલવેએ એક લાખ જેટલા શ્રદ્ધાળુઓની સારવાર કરી હતી. આ વખતે મહાકુંભ મેળામાં યાત્રીઓ માટે ઉચ્ચ કક્ષાની સારવારનું આયોજન રેલવેએ કર્યું છે. સ્ટેશન પર ખાસ બનાવવામાં આવેલા રૂમમાં ઇસીજી મશીનથી માંડીને ઓક્સિજન સુધીની સગવડ રાખવામાં આવી છે.
બંગાળમાં શિક્ષણમંત્રી અયોગ્યોને નોકરી આપવા ભલામણ કરતા હતા
પશ્ચિમ બંગાળ શિક્ષક ભરતી કૌભાંડમાં પૂર્વશિક્ષા મંત્રી પાર્થ ચેટરજીની ધરપકડ સીબીઆઇએ કરી હતી. સીબીઆઇની ચાર્જશીટ પ્રમાણે જે ઉમેદવારમાં યોગ્યતા નહીં હોય એમની ભલામણ પણ શિક્ષા મંત્રી કરતા હતા. સીબીઆઇએ ચાર્જશીટમાં કહ્યું છે કે એણે જૂન ૨૦૨૩માં શિક્ષા ભવન પર દરોડો પાડયો હતો. ત્યાંના ગોદામમાંથી કેટલાક વાંધાજનક દસ્તાવેજો મળ્યા છે. ભૂતપૂર્વ શિક્ષણ મંત્રીએ લેખિતમાં અયોગ્ય વ્યક્તિઓને નોકરી આપવાની ભલામણ કરી હતી. પાર્થ ચેટરજી એટલા બેદરકાર હતા કે એમણે પોતાની સહી સાથે કેટલાક ઉમેદવારોને નોકરી આપવા હુકમ કર્યો હતો. આ કૌભાંડ બહાર આવતા જેમને નોકરી નહોતી મળી એમણે કલકત્તામાં દેખાવો કર્યા હતા. દેખાવકરોનું કહેવું છે કે ૨૦૧૬ના ભરતી કૌભાંડને કારણે તેઓ લાયક હોવા છતાં હજી સુધી એમને નોકરી મળી નથી.
ટીએમસી મંત્રી બાબુલ સુપ્રીયો અને ભાજપ સાંસદ અભિજીત વચ્ચે ટનાટની
કોલકત્તાના રસ્તા પર રાત્રે તૃણમુલ કોંગ્રેસના મંત્રી બાબુલ સુપ્રિયો અને ભાજપના સાંસદ અભિજીત ગાંગુલી વચ્ચે શાબ્દિક યુદ્ધ થઈ ગયું હતું. આ બનાવ દ્વિતીય હુગલી બ્રિજ પર બન્યો હતો. જાણકાર સૂત્રોના કહેવા પ્રમાણે લગભગ ૨૦ મિનિટ સુધી બંને નેતાઓ વચ્ચે ગરમાગરમી થઈ હતી. બાબુલ પોતાની કારમાં હાવડા સ્થિત ઘરે જઈ રહ્યા હતા એ જ સમયે અભિજીત પણ પોતાની કારમાં કોલકત્તાથી હાવડા જઈ રહ્યા હતા. બાબુલનું કહેવું છે કે તેઓ એમની કાર જાતે ચલાવીને જઈ રહ્યા હતા ત્યારે એમની પાછળ એક ગાડી આવીને જોરજોરથી હોર્ન મારી નજીક આવી ગઈ. એ કાર બાબુલની કારને ઓવરટેઇક કરવાનો પ્રયત્ન કરતી હતી. ગુસ્સે થયેલા બાબુલ જ્યારે કાર ઉભી રાખીને ઉતર્યા તો પાછલી કારના કાચ પર સાંસદ લખ્યું હતું. તેઓ જ્યારે સાંસદ સાથે વાતચીત કરવા ગયા ત્યારે બંને વચ્ચે ગરમાગરમી થઈ ગઈ. સાંસદ પાસે આખી બાબતનું વિડિયો રેકોર્ડીંગ પણ છે.
કેમિકલ કચરાનો નિકાલ પિઠમપુરમાં કરાતા વિવાદ વકર્યો
આજથી ૩૦ વર્ષ પહેલાં ભોપાલમાં યુનિયન કાર્બાઇડ કંપનીના પ્લાન્ટમાંથી થયેલા ગેસ ગળતરને કારણે હજારો લોકોના મૃત્યુ થયા હતા. યુનિયન કાર્બાઇડ ફેક્ટરી તો બંધ થઈ ગઈ હતી, પરંતુ ૩૦ વર્ષ સુધી કેમિકલનો જોખમી કચરો ત્યાં જ પડયો રહ્યો હતો. હવે મધ્યપ્રદેશ સરકારે આ કચરાને ત્યાંથી ઉપાડી મધ્યપ્રદેશના પિઠમપુર ખાતે નિકાલ કરવાનું નક્કી કર્યું હતું. આ સમગ્ર મામલો સુપ્રીમ કોર્ટમાં ગયો હતો. સુપ્રીમ કોર્ટે એવો આદેશ આપ્યો હતો કે ૪થી જાન્યુઆરી પહેલા જોખમી કેમિકલ કચરાને ભોપાલથી ખસેડીને પિઠમપુર ટ્રાન્સફર કરવામાં આવે. પિઠમપુરવાસીઓ જોખમી કેમિકલ કચરો એમના વિસ્તારમાં ઠલવાતા નારાજ થઈ ગયા છે. આ બાબતે મધ્યપ્રદેશના મુખ્યમંત્રીએ એવું આશ્વાસન આપ્યું છે કે સુપ્રીમ કોર્ટની તમામ શરતોનું પાલન કરવામાં આવશે. જોકે પિઠમપુરના રહેવાસીઓ મુખ્યમંત્રીના આ આશ્વાસનથી નચિંત થયા નથી. હવે આ મામલો ઉગ્રસ્વરૂપ ધારણ કરે એવા એંધાણ મળી રહ્યા છે.
આમ આદમી પાર્ટીને 'આપદા' કહેનાર મોદી પર કોંગ્રેસનો ટોણો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીની સરકારને 'આપદા' સરકાર કહેતા દિલ્હી કોંગ્રેસના નેતા સંદીપ દિક્ષીતે ભાજપ ઉપરાંત આપ પર પણ પ્રહાર કર્યા છે. દિક્ષીતનું કહેવું છે કે પહેલી વાર એવું લાગ્યું છે કે ભાજપ પણ દિલ્હી વિધાનસભાની ચૂંટણી લડી રહી છે. અત્યાર સુધી ભાજપને કોઈ મુદ્દો મળ્યો નહોતો. એમને તો એમ લાગતું હતું કે ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે સમજુતી થઈ ગઈ હશે. થોડા વર્ષો પહેલા આપની વેબસાઇટ પર લખવામાં આવ્યું હતું કે ઉપર મોદી નીચે કેજરીવાલ. આનો મતલબ અમે એમ કાઢતા હતા કે આપ અને ભાજપ એક જ છે. દિક્ષીતે કહ્યું કે આમ છતાં મોદીની વાત નિરાશાજનક છે કારણ કે મોદી કહે છે કે દિલ્હીની ઝુપડપટ્ટીના લોકોને મકાન આપવાની યોજના ભાજપએ બનાવી હતી. હકીકત એ છે કે કોંગ્રેસના શાસનમાં જ દિલ્હીની ઝુપડપટ્ટી રીડેવલપમેન્ટ કરવાનું આયોજન થઈ ગયું હતું.
વડાપ્રધાનના પ્રચાર સામે અરવિંદ કેજરીવાલનો જવાબ
દિલ્હીમાં એક સંબોધન દરમિયાન દિલ્હી સરકારને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 'આપદા' ગણાવી હતી. મોદીના આ નિવેદનથી અરવિંદ કેજરીવાલ ખુશ થયા નથી. કેજરીવાલે મોદી પર પલટવાર કરતા કહ્યું હતું કે આપદા દિલ્હીમાં નથી પરંતુ ભાજપમાં છે. વડાપ્રધાન મોદીએ ૪૬ મિનિટનું ભાષણ કર્યું એમાંથી ૩૯ મિનિટ તો દિલ્હીના લોકોની ટીકા કરવામાં કાઢી નાંખી. ૨૦૧૫ના વર્ષમાં બે સરકાર ચૂંટાઈ હતી. દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર અને કેન્દ્રમાં ભાજપની સરકાર. ૧૦ વર્ષમાં આપે જેટલું કામ કર્યું છે એ જો હું કહેવા જાઉ તો કલાકો નીકળી જાય. બીજી તરફ છેલ્લા ૧૦ વર્ષમાં કેન્દ્રએ એક પણ કામ કર્યું હોય તો બતાવે. જે કામ કરે છે એ ગાળો નથી આપતા.
કેજરીવાલ સામે ભાજપે પ્રવેશ વર્માને ઉતારતા રસાકસી જામશે
નવી દિલ્હીની બેઠક પરથી કેજરીવાલ ચૂંટણી લડશે. ભાજપે આ બેઠક પરથી પૂર્વ સાંસદ પ્રવેશ વર્માને ટિકિટ આપીને જંગ રસપ્રદ બનાવી દીધો છે. કેજરીવાલ ૨૦૧૫થી આ બેઠક પરથી ચૂંટાઈ રહ્યા છે. પ્રવેશ વર્મા સાંસદ રહી ચૂક્યા છે અને જનાધાર ધરાવે છે. પ્રવેશ વર્માએ નામની જાહેરાત થયા બાદ હનુમાન મંદિરે જઈને પ્રચાર શરૂ કર્યો હતો. દિલ્હીની મુખ્યમંત્રી આતિશી સામે ભાજપે પૂર્વ સાંસદ રમેશ બિધૂડીને ઉતારીને પણ પડકાર સર્જ્યો છે. રમેશ બિધૂડી બસપાના સાંસદ ડાનિશ અલી માટે લોકસભામાં અપશબ્દો બોલ્યા ત્યારે વિવાદમાં આવ્યા હતા.
નીતિશને ઓફર આપ્યા બાદ લાલુ યાદવે ધારાસભ્યોની બેઠક બોલાવી
લાલુ પ્રસાદ યાદવે નીતિશ કુમારને ગઠબંધનનો પ્રસ્તાવ આપ્યો તેનાથી બિહારના રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે. નીતિશ કુમાર જાહેરમાં તો ભાજપ સાથે ગઠબંધન તોડવાની વાતનો ઈનકાર કરે છે, પરંતુ જે રીતે ભાજપના નેતાઓને અવગણી રહ્યા છે તેનાથી ચર્ચાનું બજાર ગરમ છે. લાલુ પ્રસાદ યાદવે ગઠબંધનનો પ્રસ્તાવ આપ્યો એ પછી હવે પટણામાં તાકીદની એક બેઠક બોલાવી હતી. આરજેડીના ધારાસભ્યો એમાં હાજર હતા. બેઠકમાં શું ચર્ચા થઈ એ બાબતે પાર્ટીએ સ્પષ્ટતા કરી નથી, પરંતુ ૧૮મી જાન્યુઆરી પાર્ટીનું મહાસંમેલન યોજાશે એવી જાહેરાત કરી છે. ૧૮મીએ આરજેડી જિલ્લા-તાલુકાના હોદ્દેદારો સાથે બેઠક કરશે.
આશિષ પટેલને આડેધડ નિવેદનબાજી ન કરવા યોગીની સલાહ
આશિષ પટેલ યોગીની સરકારમાં મંત્રી છે. કેન્દ્રીય મંત્રી અનુપ્રિયા પટેલના પતિ છે. અનુપ્રિયા પટેલ અપનાદળના અધ્યક્ષ છે અને એનડીએના ગઠબંધનમાં છે છતાં અનુપ્રિયા પટેલ અને આશિષ પટેલ યોગીની ટીકા કરતા રહે છે. રાજ્ય સરકારના નિર્ણયો પર નિવેદનો આપી રહ્યા છે. તાજેતરમાં આશિષ પટેલે યોગીની સુરક્ષા એજન્સી પર સવાલ ઉઠાવ્યો હતો. હવે યોગીએ તેમને મળવા બોલાવ્યા હતા અને આડેધડ નિવેદનો ન આપવાની સલાહ આપી છે. એટલું જ નહીં. યોગી સાથે મુલાકાત બાદ આશિષ પટેલ દિલ્હી જવા રવાના થયા હતા. દિલ્હીમાં ભાજપ હાઈકમાન્ડના નેતાઓ પણ આ મુદ્દે ટકોર કરશે.