દિલ્હીની વાત : દિલ્હીમાં ભાજપ મોદી, કેજરીવાલ રેવડી અને કોંગ્રેસ એન્ટિઇન્કમબન્સીને ભરોસે
નવીદિલ્હી : દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં આજે મતદાન થવાનું છે. ત્રણ પક્ષો જીતનો દાવો કરી રહ્યા છે. ભાજપ સંગઠન તેમ જ નરેન્દ્ર મોદીના કરીશ્મા પર ભરોસો રાખી રહ્યો છે. અરવિંદ કેજરીવાલ માને છે કે જો મહિલાઓ એમને સાથ આપશે તો આપ ૬૦ જેટલી બેઠકો પર વિજય મેળવી શકશે. કોંગ્રેસને પણ વિશ્વાસ છે કે તે કમબેક કરશે. ભાજપ મજબૂત સંગઠન પર આધાર રાખે છે. ચૂંટણી પ્રચારમાં ભાજપના સંગઠનનું કામ દેખાયું હતું. ભાજપના દરેક સ્ટાર પ્રચારકોએ પ્રચાર કર્યો છે, બીજી તરફ આમ આદમી પાર્ટીએ મફતની યોજનાઓથી મતદારોને ખુશ કરવાનો પ્રયત્ન કર્યો છે. રાજકીય નીરિક્ષકો માને છે કે બજેટની અસર દિલ્હી વિધાનસભાની ચૂંટણી પર પણ થશે. એમ પણ મનાય રહ્યું છે કે, કોંગ્રેસ પણ આંચકો આપી શકે એમ છે.
કર્ણાટક ભાજપના બળવાખોર નેતા દિલ્હી પહોંચ્યા
છેલ્લાં કેટલાક સમયથી કર્ણાટક ભાજપમાં બબાલ ચાલી રહી છે. ભાજપ સત્તાની બહાર હોવાથી સ્થાનિક નેતાઓ બેકાબુ થયા છે. કેટલાક બળવાખોર નેતાઓ રજુઆત કરવા માટે દિલ્હી પહોંચ્યા છે. એમની માંગણી છે કે, ભાજપના પ્રદેશ પ્રમુખ બીવાય વિજયેન્દ્રને દુર કરવામાં આવે. આ બળવાખોર નેતાઓ જેપી નડ્ડાને મળ્યા અને પોતાનો બળાપો કાઢયો. આ બળવાખોરોની નેતાગીરી ધારાસભ્ય રમેશ જારકીહોલીએ લીધી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે કર્ણાટક ભાજપના મોટા ભાગના ધારાસભ્યો પક્ષ પ્રમુખથી ખુશ નથી. જો પક્ષ પ્રમુખને બદલવામાં નહીં આવે તો કર્ણાટક ભાજપમાંથી ઘણાના રાજીનામા પડી શકે એમ છે.
ટીએમસી માટે રણનીતિ બનાવનાર એજન્સી પર મદન મિત્રાના પ્રહાર
તૃણમુલ કોંગ્રેસના સિનિયર નેતા મદન મિત્રાએ પક્ષ માટે રાજકીય રણનીતિ ઘડનાર એજન્સી આઇ-પીએસી (ઇન્ડિયન પોલીટીકલ એક્સશન કમીટી) પર ગંભીર આરોપ લગાડયા છે. મિત્રાનું કહેવું છે કે, આઇ-પીએસી સ્વાર્થી લોકોને મદદ કરીને મુખ્યમંત્રી મમતા બેનર્જીની ઇમેજ ખરાબ કરવાની કોશિષ કરે છે. એક બંગાળી ન્યૂઝ ચેનલને મુલાકાત આપતાં મદન મિત્રાએ કહ્યું હતું કે, 'મમતા બેનર્જીના નામે કોઈ કૌભાંડ થયું નથી. મમતા બેનર્જીની ઇમેજ આ કંપની ખરાબ કરી રહી છે.' મિત્રાના કહેવા પ્રમાણે એજન્સી સાથે જોડાયેલી કેટલીક વ્યક્તિઓનો પ્રભાવ વધતો જાય છે. રાજ્યના મંત્રીઓ પર આ કંપનીના માણસો દબાણ લાવીને જાત જાતની માગણી કરે છે. ટીએમસીએ ૨૦૦૯ની ચૂંટણી કોઈપણ બહારની એજન્સીની મદદ વગર જીતી હતી.
ગુગલ મેપ જેવું સ્વદેશી મોડલ વિકસાવવા સંસદમાં ચર્ચા
થોડા દિવસો પહેલાં ગુગલ મેપના ભરોસે બિહારમાં એક પૂલ પર ગાડી ચઢાવવાને કારણે ગાડી સીધી નદીમાં ખાબકી હતી, કારણ કે પૂલ બન્યો નહોતો. ગુગલ મેપ પર ભરોસો રાખવાથી આવી દુર્ઘટનાઓ બની રહી છે. બજેટસત્રમાં એક સાંસદે રાજ્યસભામાં આ મુદ્દો ઉઠાવ્યો હતો. સાંસદ અજીત માધવરાવ ગોપછડેએ સરકાર પાસે માગણી કરી છે કે, ઇસરો અથવા બીજી ભારતીય સંસ્થાઓની મદદથી ભારતીય સ્ટાર્ટઅપ કે બીજી કોઈ કંપની ગુગલ મેપ જેવું સ્વદેશી મોડલ તૈયાર કરે. ગુગલ મેપ ભરોસા પાત્ર નથી. ગુગલ મેપને કારણે કેટલીય વ્યક્તિઓએ જાન ગુમાવ્યા છે. ગુગલ મેપ કેટલીક વખત ગેરમાર્ગે દોરે છે. સંસદની બહાર પછી તો ઘણાં સાંસદો એવીય ટીખળ કરતા હતા કે આ તો ગૂગલનો મેપ છે એટલે નદી સુધીનો રસ્તો બતાવે છે. આપણો મેપ હશે તો રસ્તો જ નહીં બતાવે, રસ્તો બતાવશે તો કોઈ બીજા જ સ્થળે પહોંચાડશે. અથવા તો વાહન સીધું સમુદ્રમાં ખાબકશે.
કુરિયનને હાંકી કાઢવા માટે કેરળના સાંસદોની વડાપ્રધાનને અપીલ
કેન્દ્રીય મંત્રી જ્યોર્જ કુરિયન અને સુરેશ ગોપીએ સંસદમાં એવા નિવેદનો કર્યા હતા કે, કેરળને જો વધુ સહાય જોઈતી હોય તો પોતાને પછાત રાજ્ય જાહેર કરે. આ નિવેદનથી છંછેડાયેલા કેરળના તમામ સાંસદોએ એક થઈને કુરિયન અને ગોપીની હકાલપટ્ટાની માંગણી કરી છે. રાજ્યના તમામ રાજકીય પક્ષો (સીપીઆઇ, સીપીઆઇએમ, કોંગ્રેસ)ના સાંસદો વડાપ્રધાન મોદીને મળ્યા હતા અને કુરિયન તેમ જ ગોપીને હાંકી કાઢવાની માંગણી કરી હતી. ગોપીએ એ મતલબનું કહ્યું હતું કે, જનજાતીય બાબતોના મંત્રાલયના પ્રભારી તરીકે સવર્ણજાતીની વ્યક્તિ હોવી જોઈએ. જોકે પાછળથી એમણે માફી માંગી હતી. કેરળના સાંસદોના કહેવા પ્રમાણે બંને મંત્રીઓના નિવેદનો બંધારણની વિરુદ્ધ છે અને ભાજપની માનસીકતા બતાવે છે.
પશ્ચિમ બંગાળમાં સરસ્વતી પૂજા બાબતે ધમાલ
પશ્ચિમ બંગાળમાં સરસ્વતી પૂજાનું ખૂબ મહત્ત્વ છે. હમણા ગુપ્ત નવરાત્રી ચાલી રહી હોવાથી પશ્ચિમ બંગાળમાં ઠેરઠેર સરસ્વતી પૂજા કરવા માટેના પંડાલો લાગ્યા છે. કેટલાક સ્થળોએ સરસ્વતી પૂજા અટકાવીને સરસ્વતી માતાની મૂર્તિ તોડવાનો પ્રયત્ન થયો હતો. નદીયા જિલ્લાના ચાપડા ખાતેના કલીગ વિસ્તારમાં દેવી સરસ્વતીની પ્રતિમા તોડવામાં આવી હતી. એજ રીતે બુરભૂમ જિલ્લાના બોલપુરમાં એક સ્કૂલના કંમ્પાઉન્ડમાં સરસ્વતી પૂજાનું આયોજન થયું હતું, પરંતુ કેટલાકે એને અટકાવ્યું હતું. આ બંને બનાવને કારણે વિદ્યાર્થીઓ રસ્તા પર આવી ગયા હતા અને પરિસ્થિતિ સંભાળવા માટે રેપીડ એક્શન ફોર્સ બોલાવવી પડી હતી. આ મુદ્દે બંગાળમાં રાજકારણ ગરમાયું છે.
મનમોહન સિંહની સમાથિ અને પ્રણવ મુખર્જીની સમાધિ નજીક બનવાની શક્યતા
કેન્દ્ર સરકારે મનમોહન સિંહના કુટુંબીઓ સમક્ષ પ્રસ્તાવ રજુ કર્યો છે કે, રાજઘાટ કોમ્પલેક્સ ખાતે મનમોહન સિંહની સમાધી બનાવવામાં આવે. સરકારે જે પ્લોટ નક્કી કર્યો છે એની બાજુમાં જ પ્રણવ મુખર્જીની સમાધી છે. હવે દડો મનમોહન સિંહના કુટુંબીઓની કોર્ટમાં છે. સિંહના કુટુંબીઓ મનમોહન સિંહના નામે ટ્રસ્ટ બનાવવા માંગે છે. એકવાર ટ્રસ્ટનું રજીસ્ટ્રેશન થઈ જાય પછી જ સમાધીની જગ્યાની સોંપણી થશે. આ ટ્રસ્ટને સરકાર ૨૫ લાખ રૂપિયા આપશે. ડિસેમ્બરની ૨૬ તારીખે મનમોહન સિંહનું મૃત્યુ થયું હતું અને ત્યાર પછી કોંગ્રેસે સરકારની ટીકા કરી હતી કે, સિંહની સમાધી માટે સરકાર યોગ્ય સ્થળ પસંદ કરતી નથી. રાજઘાટ ખાતે આવેલા રાષ્ટ્રીય સમિતિ કોમ્પેલેક્સમાં સમાધીનું સ્થળ નક્કી કરવામાં આવ્યું છે.
કેનેડાએ અમેરિકન કંપનીઓના સરકારી કોન્ટ્રાક્ટ રદ્ કરી દીધા
કેનેડા-અમેરિકા વચ્ચે ટ્રેડ વોર શરૂ થતાં અમેરિકન કંપનીઓ મુશ્કેલીમાં મૂકાઈ ગઈ છે. કેનેડામાં જે અમેરિકન કંપનીઓ સાથે સરકારી કોન્ટ્રાક્ટ હતા એ બધા એક પછી એક રદ્ થવા માંડયા છે. કેનેડાની સરકારે વિવિધ પ્રાંતોમાં જે અમેરિકન કંપનીઓના કોન્ટ્રાક્ટ છે એનું રિવ્યૂ કરવાનું શરૂ કર્યું છે. એલન મસ્કની સ્ટારલિંકને સૌથી મોટો ફટકો પડયો છે. મસ્ક ટ્રમ્પના ખૂબ વિશ્વાસુ સહયોગી છે અને સરકારમાં સામેલ પણ થયા છે. કેનેડાને ધમકી આપવામાં ટ્રમ્પની જેમ મસ્ક પણ મોખરે હતા. તેને ધ્યાનમાં રાખીને સ્ટારલિંક સાથેનો ૧૦ કરોડ ડોલરનો કરાર રદ્ કરી દેવામાં આવ્યો છે. કેનેડામાં સ્ટારલિંક કંપની સેટેલાઈટ ઈન્ટરનેટ આપવાનું કામ કરતી હતી.
ટ્રમ્પને ખુશ કરવા કેન્દ્રની સ્પષ્ટતા : અમે ડિડોલરાઈઝેશનના પક્ષમાં નથી
ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાની સત્તા સંભાળી ત્યારથી ટેરિફની ભીતિ વ્યક્ત થઈ રહી છે. તેમણે કેનેડા અને મેક્સિકો પર ૨૫ ટકા ટેરિફ લગાડયા બાદ હવે ચીન અને ભારત સહિતના બ્રિક્સ દેશના સભ્યો પર ૧૦૦ ટેરિફની ધમકી આપી છે. બ્રિક્સ દેશો ડોલરમાં થતા વેપારનો વિકલ્પ શોધીને નવી બ્રિક્સ કરન્સી અંગે વિચારે છે એટલે અમેરિકાના પેટમાં તેલ રેડાવું સ્વાભાવિક છે. કારણ કે તેનાથી અમેરિકાને બેઠો નફો મળે છે તે બંધ થઈ જાય. હવે ટ્રમ્પના તરખાટથી બચવા કેન્દ્ર સરકારના વિદેશ મંત્રાલયે એવું કહેવાનું શરૂ કરી દીધું છે કે ભારત બ્રિક્સમાં ડિડોલરરાઈઝેશનના પક્ષમાં નથી. અગાઉ વિદેશ મંત્રી એસ. જયશંંકર પણ એવું નિવેદન આપી ચૂક્યા છે કે ડોલરના બદલે બ્રિક્સના દેશો વચ્ચે વેપાર કરવા જે વૈકલ્પિક કરન્સીની વિચારણા ચાલે છે એમાં ભારત સહમત નથી.
ચૂંટણી કમિશ્નરને ઘેરવા પાછળ કેજરીવાલનો શું વ્યૂહ
આપના વડા અરવિંદ કેજરીવાલે સમગ્ર ચૂંટણી દરમિયાન મુખ્ય ચૂંટણી કમિશ્નર રાજીવ કુમાર પર વારંવાર ભેદભાવનો આરોપ લગાવ્યો. કેજરીવાલે મતદાન પહેલાં ફરીથી આરોપ લગાવ્યો કે મુખ્ય ચૂંટણી કમિશ્નર તેમના આગામી પદ માટે અત્યારથી જ કેન્દ્રની ભાજપ સરકારની તરફેણમાં કામ કરે છે. અગાઉ કેજરીવાલે એવું કહેલું કે મુખ્ય ચૂંટણી કમિશ્નર સ્વયં કોઈ એક બેઠક પરથી ભાજપના મેન્ટેડ પર ચૂંટણી લડી લે તો વધુ સારું રહેશે. કેજરીવાલના વારંવાર આરોપોનો ચૂંટણી કમિશ્નર જવાબ પણ આપી રહ્યા છે. તેમણે કહ્યું કે નિષ્પક્ષ ચૂંટણી યોજાઈ રહી છે અને દોઢ લાખ કર્મચારીઓ કામ કરી રહ્યા છે. કેજરીવાલે મતદાન પહેલાં કમિશ્નર પર આરોપો લગાવીને વ્યવસ્થામાં જે સંભવિત ખાંચા રહી જાય તેમ હતા તેની પાણી પહેલા પાળ બાંધી છે.
દિલ્હીમાં રોહિંગ્યાની ઘૂસણખોરી અંગે જેએનયુના રિપોર્ટથી હોબાળો
જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી અને ટાટા ઈન્સ્ટિટયૂટ ઓફ સોશિયલ સાયન્સના એક અહેવાલમાં દાવો થયો છે કે બાંગ્લાદેશી ઘૂસણખોરોના કારણે દિલ્હીમાં ડેમોગ્રાફિક ફેરફારો થયા છે. ૧૧૪ પેજના રિપોર્ટમાં કહેવાયું કે ઘૂસણખોરો ઓછા વળતરમાં નોકરી કરવા તૈયાર હોવાથી સ્થાનિક લોકોના આર્થિક અવસર ઘટયા છે. વળી, ગુનાખોરીમાં પણ વધારો થયો છે. ૨૦૧૭થી દિલ્હીમાં રોહિંગ્યાની સંખ્યામાં સતત વધારો થયો છે. આ બાબતે હવે રાજકીય આરોપો શરૂ થયા છે. ભાજપ આ માટે આપને જવાબદાર ઠેરવે છે. આપની દલીલ છે કે દિલ્હીમાં કાયદો-વ્યવસ્થા અને પોલીસતંત્ર સહિત સુરક્ષાદળો કેન્દ્રના ગૃહમંત્રાલયમાં આવે છે તો એ માટે દિલ્હીની સરકાર કેવી રીતે જવાબદાર ઠરે છે? મતદાન પહેલાં આ રિપોર્ટની દિલ્હીમાં ભારે ચર્ચા છે.
- ઈન્દર સાહની