દિલ્હીની વાત : રાહુલે બળાત્કાર પીડિતાની ઓળખ છતી કરી ?
નવીદિલ્હી : દિલ્હીમાં નાંગલ વિસ્તારમાં નવ વર્ષની દલિત બાળકી પર બળાત્કાર બાદ હત્યાનો મુદ્દો ગાજી રહ્યો છે ત્યારે રાહુલ ગાંધીએ આ છોકરીની ઓળખ છતી કરી દીધી હોવાનો આક્ષેપ થયો છે. રાહુલ પીડિતા છોકરીના પરિવારને મળવા ગયા હતા.
આ મુલાકાત પછી તેમણે પોતાના ટ્વિટર હેન્ડલ પર છોકરીનાં માતા-પિતા સાથેની પોતાની તસવીર મૂકી હતી. તેના કારણે છોકરીની ઓળખ છતી થઈ ગઈ હોવાનો દાવો કરીને એક વકીલે દિલ્હી પોલીસને રાહુલ સામે એફઆઈઆર નોંધવા અરજી આપી છે. રાહુલ સામે પોક્સો એક્ટના ભંગ બદલ કડક કાનૂની કાર્યવાહી કરવા પણ માગ કરાઈ છે.
દિલ્હી પોલીસના કમિશ્નરપદે હાલમાં અમિત શાહના માનીતા રાકેશ અસ્થાના છે એ જોતાં આ અરજી સ્વીકારીને રાહુલ સામે એફઆઈઆર નોંધાઈ જાય અને કાનૂની કાર્યવાહી થાય એવી પૂરી શક્યતા છે. આ મુદ્દે ટ્વિટરને પણ અરજી કરીને રાહુલ સામે કાર્યવાહી કરવા કહેવાયું છે.
વિશ્લેષકોના મતે, નેતાઓએ સંવેદનશીલ મુદ્દે સતર્કતા બતાવવી જરૂરી છે જ. પીડિતાની ઓળખ કોઈ રીતે છતી ના થાય તેની કાળજી તેમણે રાખવી જ જોઈએ.
આસામ-મિઝોરમ વિવાદ માટે કોંગ્રેસ દોષિત !
આસામ અને મિઝોરમ વચ્ચે ચાલી રહેલા સરહદી વિવાદ માટે કોંગ્રેસ પર દોષનો ટોપલો ઢોળવાનો ખેલ ભાજપે શરૂ કરી દીધો છે. ઉત્તર-પૂર્વનાં રાજ્યોના વીસ જેટલા સાંસદોએ કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલના નેતૃત્વમાં નરેન્દ્ર મોદીને મળીને આવેદનપત્ર આપ્યું.
આ આવેદનપત્રમાં આક્ષેપ કરાયો છે કે, આ વિવાદ માટે કોંગ્રેસ જવાબદાર છે કે જે ગંદા ખેલ કરી રહી છે. ૨૦૧૮માં કોંગ્રેસે સીએએ અને એનઆરસીને રાજકીય મુદ્દા બનાવવા પ્રયત્ન કર્યો હતો પણ ઉત્તર-પૂર્વનાં રાજ્યોએ તેમને જડબાતોડ જવાબ આપીને નકારી કાઢયા હતા. હવે કોંગ્રેસ આસામ અને મિઝોરમ વચ્ચે ભડકો કરાવવા પ્રયત્ન કરી રહી છે.
આ પ્રતિનિધીમંડળમાં સોનોવાલ સહિત આસામના ૧૨ સાંસદો હતા. આ સિવાય ત્રિપુરાના બે, મણિપુરના એક, અરૂણાચલ પ્રદેશના બે પ્રધાનો હતા. સોનોવાલ ઉપરાંત કિરેન રિરિજુ, પ્રતિમા ભૌમિક, રાજકુમાર રંજન સિંહ એટલા તો કેન્દ્રીય પ્રધાનો હતા. ભાજપના આ પ્રધાનો ભાજપને અનુકૂળ આવે એવી જ વાતો કરે તેમાં નવાઈ નથી. વિશ્લેષકોના મતે, બધા માટે કોંગ્રેસ પર દોષારોપણ કરવાની હલકી માનસિકતાનો આ પુરાવો છે.
ઘોર બેદરકારી, મંત્રીને ફરી શપથ લેવડાવ્યા
કર્ણાટકમાં બનેલી એક વિચિત્ર ઘટનામાં રાજભવને મંત્રી શંકર બી. પાટિલ મુનેનાકોપ્પાને રાજભવનમાં બોલાવીને બીજી વાર શપથ લેવડાવ્યા. મુનેનાકોપ્પા ગુપ્તતાના શપથ લેવાનું ભૂલી જતાં તેમને એક જ દિવસમાં બીજી વાર શપથ લેવડાવવા પડયા.
બુધવારે બલવરાજ બોમ્માઈ સરકારના ૨૯ પ્રધાનોએ શપથ લીધા ત્યારે મુનેનાકોપ્પાએ પણ શપથ લીધા હતા પણ તેમણે શપથ લેવામાં લોચો મારી દીધો હતો. શપથવિધીની પરંપરા પ્રમાણે દરેક મંત્રી પોતાના હોદ્દા અને ગુપ્તતાના શપથ લેતા હોય છે. બંને શપથ માટે અલગ અલગ કાગળ અપાય છે ને એ વાંચી જ જવાનો હોય છે. મુનેનાકોપ્પાને પણ બે કાગળ અપાયેલા પણ વારાફરતી બંને વાંચવાના બદલે મુનેનાકોપ્પાએ બંને વાર હોદ્દાના શપથ લઈ લીધા હતા ને ગુપ્તતાના શપથ લીધા જ નહોતા.
આશ્ચર્યની વાત એ છે કે, રાજ્યપાલથી માંડીને મુખ્યમંત્રી, અન્ય મંત્રી કે હાજર અધિકારીઓમાંથી કોઈના ધ્યાન પર આ વાત નહોતી આવી. મીડિયામાં આ સમાચાર આવતાં રાજભવનના અધિકારી દોડતા થઈ ગયા. મુનેનાકોપ્પાને માંડ માંડી શોધીને રાજભવન બોલાવીને ફરીથી ગુપ્તતાના શપથ લેવડાવ્યા.
ભાજપે બબલુને લેતાં રીટા બહુગુણા બગડયાં
ઉત્તર પ્રદેશમાં ભાજપે બસપાના નેતા જિતેન્દ્રસિંહ બબલુને પક્ષમાં લેતાં સાંસદ રીટા બહુગુણા જોશી ભડકી ગયાં છે. રીટાએ આક્ષેપ મૂક્યો છે કે, બબલુએ ૨૦૦૯ના જુલાઈમાં લખનૌમાં મારા ઘરને આગ લગાવીને સળગાવી દીધું હતું. બબલુએ આગ લગાવનારા ટોળાની આગેવાની લઈને આગ લગાવી દીધું હતું એ વાત તપાસમાં પણ સાબિત થઈ છે અને તેની ધરપકડ પણ કરાઈ હતી.
જોશીએ સોશિયલ મીડિયા પર વીડિયો મૂકીને સવાલ કર્યો છે કે, આવો ગુનાઈત ઈતિહાસ ધરાવનારી વ્યક્તિને કઈ રીતે ભાજપમાં લઈ શકાય ? રીટાએ બબલુનું પ્રાથમિક સભ્યપદ રદ કરવા માગણી કરી છે. બબલુ બુધવારે પ્રદેશ પ્રમુખ સ્વતંત્ર દેવ સિંહની હાજરીમાં ભાજપમાં જોડાયો હતો. જોશીની માગને ભાજપના ઘણા નેતાઓએ પણ ટેકો આપ્યો છે.
આ ઘટના બની ત્યારે માયાવતી મુખ્યમંત્રી હતાં ને બબલુ ફૈઝાબાદમાંથી બસપાનો ધારાસભ્ય હતો જ્યારે જોશી કોંગ્રેસમાં હતાં. જોશીએ માયાવતી સામે વાંઘાજનક ટીપ્પણી કરી હોવાના આક્ષેપ સાથે બસપાના કાર્યકરોએ જોશીના ઘર પર હુમલો કરીને તેમનું ઘર સળગાવી દીધું હતું.
ચીફ સેક્રેટરીની નિમણૂકમાં કોંગ્રેસનું ગંદુ રાજકારણ
હિમાચલ પ્રદેશમાં ચીફ સેક્રેટરીની નિમણૂકમાં પણ પ્રદેશવાદનું ગંદુ રાજકારણ ઘૂસાડવા બદલ કોંગ્રેસની ટીકા થઈ રહી છે. હિમાચલના ચીફ સેક્રેટરી તરીકે અનિલ કુમાર ખાચી હતા પણ જયરામ ઠાકુરે તેમને રાજ્યના મુખ્ય ચૂંટણી કમિશ્નર નિમીને રામ સુભાગ સિંહને ચીફ સેક્રેટરી બનાવ્યા છે.
કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે, 'બહારના' અધિકારીને પ્રોત્સાહન આપવા માટે હિમાચલ પ્રદેશના પોતાના અધિકારીને તગેડી મૂકાયા છે. કોંગ્રેસે વિધાનસભામાં આ મુદ્દે ભારે હોબાળો કરીને ચર્ચાની માગણી કરી. સ્પીકરે આ માગણી ના સ્વીકારતાં કોંગ્રેસના ધારાસભ્યોએ ધમાલ કરી નાંખી. મુખ્યમંત્રીએ મચક ના આપતાં છેવટે કોંગ્રેસે વોકઆઉટ કરી દીધો.
બંધારણીય નિષ્ણાતોના મતે, કોંગ્રેસ વહીવટી તંત્રમાં પણ પ્રદેશવાદ ઘૂસાડીને હલકી કક્ષાનું રાજકારણ રમી રહી છે. રાજ્યના ચીફ સેક્રેટરી સહિતના અધિકારીઓની નિમણૂક રાજ્ય સરકારનો વિશેષાધિકાર છે. કોંગ્રેસ તેની સામે સવાલ કરીને જનાદેશનો અનાદર પણ કરી રહી છે. કોંગ્રેસે સ્થાનિક અને બહારના અધિકારીનો મુદ્દો ઉઠાવ્યો છે એ તો દેશના બંધારણનું પણ અપમાન છે કેમ કે અધિકારી કોઈ રાજ્યના નહીં પણ આખા દેશના હોય છે.
પૂરમાં ફસાયેલા મંત્રી મિશ્રા મજાકનું પાત્ર બન્યા
મધ્ય પ્રદેશમાં પૂરમાં ફસાયેલા લોકોને બચાવવા ગયેલા ગૃહ મંત્રી નરોત્તમ મિશ્રા પોતે જ પૂરમાં ફસાઈ જતાં મજાકનું પાત્ર બની ગયા છે. મિશ્રા દતિયા જિલ્લાનાં પૂરગ્રસ્ત ગામોમાં લોકોને મદદ કરવા માટે ગયા હતા પણ પોતે ફસાઈ જતાં એરફોર્સનું હેલિકોપ્ટર બોલાવવું પડયું. મકાનના ધાબા પર ફસાયેલા મિશ્રાને એરફોર્સના જવાનોએ એરલિફ્ટ કરીને બહાર કાઢયા.
મિશ્રાને જવાનોએ એરલિફ્ટ કર્યા તેનો વીડિયો વાયરલ થતાં લોકો તૂટી પડયા. લોકોએ સવાલ કર્યા કે, તમે તો સહીસલામત બહાર નિકળી આવ્યા પણ બીજા હજારો લોકો પૂરમાં ફસાયેલા છે તેમનું શું ? તેમને કોણ બહાર કાઢશે ? કેટલાકે સવાલ પણ કર્યો કે, મંત્રીને બચાવવા માટે એરફોર્સનું હેલિકોપ્ટર બોલાવવું પડે છે એ મંત્રી લોકોને શું બચાવી શકવાના ? આવી સરકાર લોકોનું શું ભલું કરવાની ?
મધ્ય પ્રદેશમાં પહેલાં પંદર વર્ષ સુધી ભાજપની સરકાર હતી. તેના સંદર્ભે કેટલાકે કટાક્ષ કર્યો કે, આ જુઓ 'મામા'નો વિકાસ, મિશ્રાને બચાવવા પણ હેલિકોપ્ટર મોકલવામાં આવે છે.
***
વિપક્ષે પેગાસસ પર ધ્યાન કેન્દ્રિત કરતાં બીજા પ્રશ્નો પડતર
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ યોજેલી બ્રેકફાસ્ટ મીટિંગમાં વિપક્ષમાં સંસદ કરતાં વધારે સંયુક્ત પ્રભાવકતા જોવા મળતી હતી. પરંતુ વિપક્ષનું માનવું છે કે તેણે પેગાસસ મુદ્દે સરકારને બરોબરની ઘેરી લીધી છે, પરંતુ ભાવવધારા, દેશમાં કોવિડ-૧૯ની સ્થિતિ અને આર્થિક મોરચે વણસેલી સ્થિતિ જેવા પ્રશ્નોની તુલનાએ પેગાસસને વધારે મહત્ત્વ આપવામાં આવ્યું તેને લઈને પણ સવાલો ઉઠી રહ્યા છે.
રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે વિપક્ષે કેટલીય રીતે ચૂંટણીમાં અત્યંત મહત્ત્વના બની શકે તેવા મુદ્દાઓ પર સરકારને ફ્રી પાસ આપી દીધો છે. ફક્ત એટલું જનહી તેઓનું કહેવું છે કે સરકારે આ બધા હોબાળા વચ્ચે બિલ તો પસાર કરી દીધા છે. વિશ્લેષકોનું રહેવું છે કે રાહુલ ગાંધી ફરીથી તેવા મુદ્દાઓ પર ધ્યાન આપી રહ્યા છે જે સામાન્ય માનવીને સ્પર્શતા નથી.
૨૦૧૯ની સામાન્ય ચૂંટણીમાં રાહુલ ગાંધીએ રફાલના મુદ્દાને ઘણો ચગાવ્યો હતો અને ચોકીદાર ચોર હે સૂત્ર ચલાવ્યુ હતું. હવે પેગાસસ મુદ્દાની પણ આ જ સ્થિતિ થવાની છે. આ મુદ્દો કંઈ લોકોના દૈનિક જીવનને સ્પર્શતો નથી. આ ઉપરાંત અહેવાલો છે કે વિપક્ષના સાંસદો સંસદ ચલાવવા ઇચ્છે છે, પરંતુ તેઓને નેતાઓ તેમ કરવા દેતા નથી.
જમ્મુ-કાશ્મીર અંગે સર્વપક્ષીય બેઠકની કોઈ ફલશ્રુતિ નહીં
જમ્મુ-કાશ્મીર રાજ્યનો દરજ્જો છીનવીને તેને કેન્દ્રશાસિત પ્રદેશમાં રુપાંતરિત કરવામાં આવતા અને આર્ટિકલ ૩૭૦ નાબૂદ કરવામાં આવ્યો તેની બીજી તિથિ નિમિત્તે પીપલ્સ એલાયન્સ ફોર ગુપકર ડેક્લેરેશન (પીએજીડી)એ રાજ્યનો વિશિષ્ટ દરજ્જો ફરીથી સ્થાપવાની માંગ કરી હતી.
તેમણે જમાવ્યું હતું કે જમ્મુ-કાશ્મીર ભારતના દિલ્હીથી અને દિલથી દૂર જ રહેવાનું છે. તેમા પણ સરકારના આ પગલાંના લીધે ખાઈ વધુ પહોળી થઈ છે. તેમણે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની બેઠકે જમ્મુ-કાશ્મીરમાં આશા જગાવી હતી, પરંતુ તેવું કશું થયું નથી.
તેમણે આરોપ મૂક્યો હતો કે જમ્મુ-કાશ્મીરમાં પરાણે ચૂપકિદી સ્થાપવામાં આવી છે. કાશ્મીરના નિષ્ણાતો માને છે કે મૌનને વાંચવું મોટી ભૂલ ગણાશે. તેમા પણ ખાસ કરીને રોગચાળાના વખતે આ બાબતને મંજૂરી માની લેવી તે મોટી ભૂલ કહેવાશે. કેન્દ્રએ જમ્મુ-કાશ્મીરનો રાજ્યનો દરજ્જો ફરીથી સ્થાપિત કરવો જોઈએ અને ચૂંટણી યોજવી જોઈએ.
રાહુલ ગાંધી જમ્મુ-કાશ્મીરની 9મી ઓગસ્ટે મુલાકાત લેશે
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ૯મી ઓગસ્ટે શ્રીનગરની મુલાકાત લેશે અને પક્ષના નેતાઓ અને કાર્યકરોને મળશે, એમ સૂત્રોએ જણાવ્યું હતું. જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ ૩૭૦ નાબૂદ કર્યા પછી રાહુલ ગાંધીની આ પ્રથમ મુલાકાત હશે.
રાહુલ ગાંધી જમ્મુ-કાશ્મીર પક્ષપ્રમુખ ગુલાહમ એહમદ મીરના પુત્રના લગ્નમાં હાજરી આપવાના છે. સૂત્રોનું કહેવું છે કે રાહુલ જમ્મુમાં માતા વૈષ્ણોદેવીના મંદિરની મુલાકાત ૮મી ઓગસ્ટે લઈ શકે છે, પરંતુ તેને હજી સુધી અંતિમ સ્વરુપ અપાયું નથી. તે આ ઉપરાંત શ્રીનગરમાં ખીર ભવાની અને હઝારાબાદની મુલાકાત લઈ શકે છે. જો કે તેને પણ હજી અંતિમ સ્વરુપ અપાયું નથી.
બિહારનું એનડીએ સહયોગી યુપીમાં ચૂંટણી લડવા માંગે છે
એનડીએનો હિસ્સો અને બિહારના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન હિંદુસ્તાની અવામ મોરચા (એચએએમ) ૨૦૨૨માં ઉત્તરપ્રદેશમાં વિધાસભા ચૂંટણી લડવા ઇચ્છુક છે. તેનાથી વિપરીત મુકેશ સાહનીની વિકાસશીલ ઇન્સાન પાર્ટી (વીઆઇપી) મેદાનમાં ઉતરી છે અને તેના લીધે ભાજપનો હાથ મજબૂત થશે.
ભાજપના આંતરિક સૂત્રોના જણાવ્યા મુજબ આયોજન એવું છે કે ઉત્તરપ્રદેશમાં સમાજ તરીકે દલિતોને આ પ્રકારના રાજકીય પક્ષોની મદદથી તેને પોતાની સાથે જોડવા માંગે છે માયાવતીની બહુજન સમાજ પાર્ટી (બીએસપી) તેનો જનાધાર ગુમાવી ચૂકી છે.
છેલ્લા કેટલાક દિવસો દરમિયાન જીતન રામ માંજીના પુત્ર અને બિહાર સરકારના પ્રધાન સંતોષ માંઝીની સાથે મુંબઈ સ્થિત આરપીઆઇના રામદાસ આઠવલે પણ ભાજપની નેતાગીરીને અને ઉત્તરપ્રદેશના સીએમ યોગી આદિત્યનાથને મળી ચૂક્યા છે અને ચૂંટણી લડવા અંગે તેમની ઇચ્છા વ્યક્ત કરી છે. ભાજપે આ બંને પક્ષો માટે શરત રાખી છે કે તેણે દલિતોને ભાજપની તરફેણમાં એકત્રિત કરી આપવા પડશે. હવે જે પક્ષ આમાં સફળતા મેળવશે તેની સાથે સીટશેરિંગ ફોર્મ્યુલાની વાત થશે.
બદલાની કાર્યવાહીઃ ગૃહમંત્રાલયની આલોક વર્મા સામે પગલાંની ભલામણ
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સીબીઆઇના ભૂતપૂર્વ ડિરેક્ટર આલોક વર્માની સામે શિસ્તભંગના પગલા લેવાની ભલામણ કરી છે. આલોક વર્મા નરેન્દ્ર મોદી સરકારને કોર્ટમાં લઈ ગયા હતા અને તેમણે રફાલ ડીલની તપાસ કરી હોવાનું કહેવાય છે. ગૃહ મંત્રાલયે સીબીઆઇના વડા તરીકે તેમણે ચાર્જ સંભાળવાનો ઇન્કાર કર્યો તેના પગલે તેમને સીબીઆઇના વડા તરીકે દૂર કરવામાં આવ્યા હતા. આ ઇન્કાર બદલ તેમની સામે નોકરીના નિયમોનો ભંગ કરવાની કાર્યવાહી કરવામાં આવી શકે છે.
જો યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા આ પ્રકારનું શિસ્તભંગનું પગલું લેવાયું તો તેમા કામચલાઉ કે કાયમી ધોરણે પેન્શન અને નિવૃત્તિના બીજા ફાયદા અટકાવી શકાય છે. વર્માની તાત્કાલિક અસરથી હકાલપટ્ટી એટલા માટે કરવામાં આવી હતી કેમકે તેઓ રફાલ ડીલ અંગે પછપરછ શરુ કરવાના હતા અને તેમણે આની કિંમત ચૂકવી છે.
તમે અમને સસ્પેન્ડ કરી શકો, પણ બોલતા બંધ ન કરી શકોઃ અભિષેક
ટીએમસીના રાષ્ટ્રીય મહાસચિવ અભિષક બેનરજીએ રાજ્યસભામાં પેગાસસ જાસૂસી કાંડના વિવાદમાં પક્ષના છ સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા તે અંગે જણાવ્યું હતું કે અમે સત્ય માટે લડતા રહીશું. રાજ્યસભાના ચેરમેન એમ વેન્કૈયા નાયડુએ લીધેલા પગલા અંગે બેનરજીએ ટવીટ કર્યુ હતું કે તમે અમને સસ્પેન્ડ કરી શકો પરંતુ અમને બોલતા બંધ ન કરી શકો.
નાયડુએ ટીએમસીના છ સાંસદોને પેગાસસ જાસૂસી મુદ્દે પ્લેકાર્ડ બતાવવા બદલ સસ્પેન્ડ કર્યા હતા. તેઓ હાથમાં પ્લેકાર્ડ લઈને ગૃહને વેલમાં ધસી ગયા હતા અને ઇઝરાયેલી બનાવટના મિલિટરી ગ્રેડ પેગાસસ સ્પાયવેર મુદ્દે ચર્ચાની માંગ કરી હતી. તેનો ઉપયોગ વિપક્ષના નેતાઓ, સરકારના ટીકાકારો અને પત્રકારો પર જાસૂસી માટે કરવામાં આવ્યો હતો.
- ઇન્દર સાહની