Get The App

દિલ્હીની વાત : ભાજપ યુવાનોના એકલવ્ય જેમ અંગુઠા કાપી રહી છે : રાહુલ ગાંધી

Updated: Jan 4th, 2025


Google NewsGoogle News
દિલ્હીની વાત : ભાજપ યુવાનોના એકલવ્ય જેમ અંગુઠા કાપી રહી છે : રાહુલ ગાંધી 1 - image


નવીદિલ્હી : કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ બેરોજગારી મુદ્દે ભાજપ સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે ભાજપ સરકાર દેશના યુવાનોના એકલવ્ય જેવા અંગુઠા કાપી રહી છે. ભાજપ સરકાર યુવાનોનું ભવિષ્ય ખતમ કરી રહી છે. રાહુલે સોશિયલ મીડિયા એક્સ પર લખ્યું છે કે, સરકારી નોકરીની પસંદગીમાં મોટાપાયે ભ્રષ્ટાચાર થાય છે. પેપર લિક થઈ જાય છે. આ બાબતે યુવાનો જ્યારે જવાબ માંગે છે ત્યારે એમના અવાજને કચડી નાંખવામાં આવે છે. ઉત્તર પ્રદેશ,  બિહાર અને મધ્ય પ્રદેશમાં એમપીપીએસસીમાં થયેલા ગોટાળાનો વિરોધ કરનાર વિદ્યાર્થીઓ પર અત્યાચાર થયા છે. કોંગ્રેસ હંમેશા વિદ્યાર્થીઓની સાથે રહી છે અને રહેશે. 

અજમેર શરીફ પર ચાદર ચઢાવવા બાબતે આપે મોદીને ટોણો માર્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૧મી વખત અજમેર શરીફ દરગાહ પર ચાદર ચઢાવશે. દેશમાં એક તરફ હિન્દુવાદી સંગઠનો મસ્જિદની જગ્યાએ મંદિર શોધી રહ્યા છે ત્યારે ઘણાને મોદીનું ચાદર ચઢાવવું નવાઈ ભર્યું લાગે છે. આ બાબતે દિલ્હીના આમ આદમી પાર્ટીના આરોગ્ય મંત્રી સૌરભ ભારદ્વાજે આ બાબતે મોદીને ટોણો માર્યો છે. ભારદ્વાજે કહ્યું છે કે, ભાજપ મોલવીઓના પગારની ચિંતા કરે છે અને હવે વડાપ્રધાન દરગાહ પર ચાદર ચઢાવી રહ્યા છે. શું ભાજપ બદલાઈ રહ્યો છે? આ બાબતે અજમેર શરીફ દરગાહના મોલવી નશરૂદ્દીન ચિસ્તીએ કહ્યું છે કે, દેશ આઝાદ થયો ત્યાર પછી વડાપ્રધાનપદે બેઠેલી દરેક વ્યક્તિઓએ દરગાહ પર ચાદર ચઢાવી છે. નરેન્દ્ર મોદી ફક્ત પરંપરાનું પાલન કરી રહ્યા છે. દિલ્હીના રાજકીય વર્તુળમાં થતી ચર્ચા પ્રમાણે મુસ્લિમ મતદારોને આકર્ષવા માટે મોદી પ્રયત્ન કરી રહ્યા છે.

કેન્દ્રીય મંત્રી અનુપ્રિયા પટેલે યોગી સામે આડકતરા પ્રહાર કર્યા

ભાજપના સાથીપક્ષ અપના દલના કેન્દ્રીય મંત્રી અનુપ્રિયા પટેલ અને એમના પતિ આશિષ પટેલે ઉત્તર પ્રદેશ સરકાર સામે કેટલાક ગંભીર આક્ષેપો કર્યા છે. આશિષ પટેલ પોતે યોગી આદિત્યનાથ સરકારમાં મંત્રી છે. બંને પતિ-પત્ની જાહેરમાં એવું કહે છે કે એમના નેતા યોગી નહીં, પરંતુ નરેન્દ્ર મોદી છે. આશિષ પટેલે એવો આક્ષેપ કર્યો હતો કે ઉત્તર પ્રદેશની સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (એસટીએફ)એ એમની સામે કાવતરૂ કર્યું છે અને એમના જાનને જોખમ છે. આ બાબતે અનુપ્રિયા પટેલે પણ પતિને સાથ આપ્યો છે. અનુપ્રિયા પટેલે કહ્યું છે કે, તેઓ કોઈપણ ભોગે અપના દલના કાર્યકરનું અપમાન સાંખી લેશે નહીં. અનુપ્રિયા પટેલને અગાઉ પણ યોગી આદિત્યનાથ સાથે મતભેદ થયા હતા, પરંતુ કેન્દ્રીય નેતાની  મધ્યસ્થીને કારણે મામલો શાંત પડયો હતો. 

ગોવામાં ઘટતા પર્યટકો મામલે હવે રાજકારણ

છેલ્લા કેટલાક મહિનાઓથી સોશિયલ મીડિયા પર એવા લેખો વાયરલ થઈ રહ્યા છે કે, ગોવામાં વિદેશી અને દેશી પર્યટકો ઘટી રહ્યા છે. કેટલાક યુટયુબર્સ એવો પણ દાવો કરે છે કે ગોવામાં ૪૦ ટકા પર્યટકો ઘટી ગયા છે અને એ પાછળના વિવિધ ચારેક કારણો પણ આપે છે. ગોવાના ટેક્સીવાળાઓની દાદાગીરી, હોટલોનું વધુ પડતું ભાડું અને કેટલાક સ્થાનિક લોકોની ઉદ્ધતાઈને કારણે ગોવામાં ટૂરિસ્ટોની સંખ્યા ઘટી ગઈ છે. પહેલા ગોવાના બીચ પર આલ્કોહોલનું સેવન પ્રતિબંધિત નહોતું. હવે બિચ પર જો કોઈ આલ્કોહોલ પીતું પકડાય તો એની સામે પોલીસ ફરિયાદ થાય છે. જોકે આ બાબતે ગોવાના ટુરિઝમ મંત્રી રોહન ખાઉન્તેએ એવો આક્ષેપ કર્યો છે કે ગોવાને બદનામ કરવા માટે કેટલાક સોશિયલ મીડિયા ઇન્ફલુઅન્સર્સને પૈસા આપવામાં આવ્યા છે. ખાઉન્તેના કહેવા પ્રમાણે ગોવાના ટુરિસ્ટોની સંખ્યા ઓછી નથી થઈ. ગોવાને બદનામ કરનારા સામે બદનક્ષીનો દાવો કરાશે. 

ડીએમકેના સાંસદ કથિર આનંદના પાંચ સ્થળે ઇડીના દરોડા

તામિલનાડુની ડીએમકે સરકાર હંમેશા આક્ષેપ કરે છે કે, કેન્દ્ર સરકાર એમના મંત્રીઓ સામે ઇડીનો દુરઉપયોગ કરે છે. ૨૦૧૯માં ડીએમકેના સાંસદ કથિર આનંદ પાસેથી બિનહિસાબી ૧૧ કરોડ રૂપિયા મળ્યા હતા. આ કારણે વેલ્લોર લોકસભાની ચૂંટણી રદ કરવામાં આવી હતી. હવે ઇડીએ કથિર આનંદના પાંચ સ્થળોએ દરોડા પાડયા છે. કથિર આનંદ ડીએમકેના ખૂબ સિનિયર નેતા છે અને તામિલનાડુના મંત્રી મંડળના બીજા નંબરના નેતા દુરઇમુમુર્ઘનના પુત્ર થાય છે. ઇડીના દરોડા પછી ડીએમકેએ પ્રતિક્રિયા આપી છે કે કેન્દ્રની ભાજપ સરકાર બદલો લેવા માટે એમના સાંસદને હેરાન કરી રહી છે. ૧૧ કરોડની રોકડ ૨૦૧૯માં પકડાઈ હતી અને હવે પાંચ વર્ષ પછી ઇડીએ પાડેલા દરોડા રાજકીય બદલાથી વિશેષ કંઈ નથી. 

મહારાષ્ટ્રના રાજકારણમાં ફેરફારના એંધાણ

એમ લાગે છે કે મહારાષ્ટ્રના રાજકારણમાં ફરીથી મોટા ફેરફાર થઈ રહ્યા છે. વિધાનસભાની ચૂંટણીમાં મહાયુતિના વિજય પછી વિરોધી મહાવિકાસ અઘાડીના પક્ષોનો સુર બદલાયો છે. શિવસેના (ઉદ્ધવ ઠાકરે)ના મુખપત્ર સામનાના તંત્રી લેખમાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની ખુલીને પ્રશંસા કરવામાં આવી છે. નવા વર્ષે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસએ ગઢચિરોલીની મુલાકાત લીધી હતી. આ બાબતે તંત્રીલેખમાં વખાણ કરવામાં આવ્યા છે. ત્યાર પછી શિવસેના (ઉદ્ધવ)ના બોલકા સાંસદ સંજય રાઉતે પણ મુખ્યમંત્રીના ભરપેટ વખાણ કર્યા છે. રાજકીય નીરિક્ષકો માની રહ્યા છે કે શિવસેના (ઉદ્ધવ) દેવેન્દ્ર ફડણવીસના વખાણના બહાને ભાજપની નજીક જવાના પ્રયત્ન કરે છે. એવું સંભળાય છે કે શિવસેના (ઉદ્ધવ)ના કેટલાક ધારાસભ્યો ભાજપના નેતાઓ સાથે સંપર્કમાં હોવાથી પણ ઉદ્ધવ ઠાકરે ચિંતિત છે. જોકે શિવસેના (ઉદ્ધવ ઠાકરે)નું કહેવું છે કે, શિવસેના (ઉદ્ધવ ઠાકરે)એ હંમેશા સરકારના સારા કામોની પ્રશંસા કરી છે. 

આ બોટ ક્લબ કે આઝાદ મેદાન નથી : સુપ્રીમ કોર્ટના આકરા તેવર

સુપ્રીમ કોર્ટના એક વકીલની વર્તણૂક પર સુપ્રીમ કોર્ટે કડક ટીપ્પણી કરી છે. સુપ્રીમ કોર્ટે વકીલ અદિવક્તા મેથ્યુઝ મેદુમપરાને કહ્યું છે કે સુપ્રિમ કોર્ટ ભાષણ આપવા માટે મુંબઈની બોટ કલબ કે આઝાદ મેદાન નથી. આ ન્યાયાલય છે. વકીલોને ઉચ્ચપદ આપવાની વિરુદ્ધમાં દાખલ થયેલી અરજી બાબતે સુપ્રિમ કોર્ટ સુનાવણી કરી રહી હતી. અરજીમાં વકીલોએ જજ પર અપમાનજનક અને નિરાધાર આક્ષેપો કર્યા હતા. ન્યાયમૂર્તિ ડી આર ગવઈ અને કેવી વિશ્વનાથનની બેંચે અરજી કરતા તેમજ એમના વતી હાજર થયેલા વકીલને પૂછયું હતું કે, 'જેમના બાળકોને સિનિયર વકીલોની પોસ્ટ આપવામાં આવી હોય એવા કેટલાક ન્યાયાધિશોને તમે જાણો છો.' કોર્ટે આ બાબતે આંકડા રજુ કરીને યોગ્ય દલિલ કરવા પણ કહ્યું હતું. જ્યારે ન્યાયાલય સમક્ષ કોઈપણ રજુઆત કરો ત્યારે કાયકાદીય તર્ક સાથેની હોવી જોઈએ.

ઈન્ડિયામાં જોડાયા વગર ભાજપને ઝટકો આપવાનો નીતિશનો પ્લાન-બી

નીતિશ કુમાર દિલ્હીથી આવી ગયા પછી પણ બિહારમાં નવાજૂનીની ચર્ચા ઠંડી પડી નથી. નીતિશ કુમારે દિલ્હીથી આવીને તુરંત જ શનિવારથી બીજા તબક્કાની પ્રગતિ યાત્રા શરૂ કરવાની તૈયારી આરંભી દીધી હતી. ભાજપ કે ગઠબંધન બેમાંથી એકેય બાબતે નીતિશ સ્પષ્ટતા કરતા નથી. નીતિશ માત્ર હસીને વાત ટાળી રહ્યા છે. ઈન્ડિયા ગઠબંધનમાં જોડાશે નહીં એવું વારંવાર કહે છે. હવે નીતિશનું મૌન બીજી શક્યતા તરફ ઈશારો કરે છે. અત્યારે નીતિશ પ્રગતિ યાત્રા કાઢીને જેડીયુ માટે પ્રચાર કરી રહ્યા છે. જેડીયુનો માહોલ બને અને આ યાત્રાથી બિહારના આગામી સીએમ તરીકે પોતાને આગળ કરે તો શક્ય છે કે ટિકિટ વહેંચણી વખતે મતભેદોના બહાને એકલા ચૂંટણી લડવાની જાહેરાત કરે. કેન્દ્રમાં ગઠબંધન યથાવત રાખે એટલે ભાજપ હાઈકમાન્ડ આક્રમક ટીકા કરી શકે નહીં. ચૂંટણી પછી બેઠકોના આધારે ધાર્યું કરાવી શકાય.

નીતિન ગડકરીએ ભાજપના સગાવાદ અને લાગવગ સામે સવાલ ઉઠાવ્યો

નીતિન ગડકરીએ છેલ્લાં ઘણાં સમયથી આગવી ઈમેજ બનાવી છે અને તેના કારણે સત્તાપક્ષ ભાજપના ઘણાં નેતાઓ અને વિપક્ષના નેતાઓ પણ તેમને સ્પષ્ટવક્તા ગણવા માંડયા છે. ગડકરીએ નાગપુરના એક શૈક્ષણિક કાર્યક્રમમાં કહ્યું કે શાળા-કોલેજો, આશ્રમોની પરવાનગી ધારાસભ્યો, તેમની આસપાસ ફરતા લોકો કે તેમના સગાઓને આપવાનું બંધ કરો. તેનાથી શિક્ષણનું સ્તર કથળે છે. ગડકરીએ એનાથી મહત્ત્વનું નિવેદન આપ્યું કે હું જ્યારે મહારાષ્ટ્રમાં મંત્રી હતો ત્યારે મેં પણ આવી રીતે મંજૂરીઓ આપી છે પરંતુ ત્યારે એ લોકો સારું શિક્ષણ આપવાનો ભરોસો આપતા હતા. આવું કહીને ગડકરીએ પોતાની જ સરકાર સામે સવાલ ઉઠાવ્યો છે કે હવે સારું શિક્ષણ નથી મળતું છતાં રાજકીય પાવરથી પરવાનગીઓ આપી દેવાય છે.

તાલિબાન-પાકિસ્તાનના જંગમાં ભારતે અમેરિકાની જેમ વિચારવું જોઈએ

પાકિસ્તાન છેલ્લાં ત્રણ દશકાથી ભારત સામે આતંકવાદી સંગઠનોના ખભે બંદૂક રાખીને પ્રોક્સી વોર લડે છે. ભારતમાં થયેલા અસંખ્ય હુમલામાં પાકિસ્તાની આતંકવાદીઓની સંડોવણી સાબિત થઈ છે. હવે પાકિસ્તાન પોતાના જ ચક્રવ્યૂહમાં ફસાયું છે. એક સમયે અમેરિકન સૈન્ય અફઘાનિસ્તાનમાં હતું ત્યારે પાકિસ્તાન તાલિબાનને મદદ કરતું હતું. પાકિસ્તાની જમીનમાંથી હુમલા કરવાની સુવિધા આપતું હતું. હવે તાલિબાન-પાકિસ્તાન વચ્ચે જ જામી પડી છે ત્યારે જો આવી સ્થિતિમાં અમેરિકા હોત તો અમરિકાના નેતાઓ બહુ શાણા સાબિત થયા હોત. અમેરિકાએ તાલિબાનને આડકતરી રીતે ઉશ્કેરીને કે મદદ કરીને પાકિસ્તાનને એ મોરચે વ્યસ્ત રાખ્યું હોત.

દિલ્હીના પ્રચારમાં વેબસીરિઝના પોસ્ટર્સ અને ડાયલોગ્સની ધૂમ

દિલ્હી વિધાનસભાની ચૂંટણી હવે નજીકમાં આવી ગઈ છે એટલે ભાજપ અને આપ વચ્ચે પૂરજોશમાં પ્રચાર થઈ રહ્યો છે. એ પ્રચારમાં બંને પાર્ટીના સોશિયલ મીડિયા વિંગની મહત્ત્વની ભૂમિકા જોવા મળી રહી છે. પોપ્યુલર વેબસીરિઝના પોસ્ટર્સ અને ડાયલોગ્સનો પ્રચારમાં પૂરજોશ ઉપયોગ થઈ રહ્યો છે. ખાસ તો પંચાયત જેવી પોલિટિકલ ડ્રામાના ડાયલોગ્સ ધૂમ મચાવી રહ્યા છે. એનાથી પ્રચાર તો થઈ જ રહ્યો છે, પરંતુ લોકોનું મનોરંજન પણ બરાબર થઈ રહ્યું છે. દેખ રહા હૈ બિનોદની લાઈન સાથે કેટલાય પોસ્ટર્સ બની રહ્યા છે.

ભાગવતને કેજરીવાલના પત્રથી સંઘના નેતાઓ અંદરખાને ખુશ

અરવિંદ કેજરીવાલે વિધાનસભા ચૂંટણી પ્રચારના ભાગરૂપે બરાબર નવા વર્ષે જ સંઘના વડા મોહન ભાગવતને પત્ર લખ્યો હતો. એમાં ભાજપને લગતા સવાલો પૂછાયા હતા અને આડકતરી રીતે ભાજપને ઘેર્યો હતો. કેજરીવાલે સંઘની ટીકા કરી ન હતી. આ પત્રની રસપ્રદ સરખામણી થઈ રહી છે. એક શિક્ષક વિદ્યાર્થીની ફરિયાદ પેરેન્ટ્સને કરે એ લહેકામાં લખાયેલા આ પત્રની સંઘના ટોચના નેતાઓમાં ચર્ચા જાગી છે. કેજરીવાલના આ પત્રથી સંઘ ભાજપની ઉપર છે એવું સાબિત થયું એટલે સંઘ ખુશ છે. ભાજપના ઘણાં નેતાઓ સંઘને સાઈડલાઈન કરીને ભાજપની લીટી મોટી કરતા હતા એનાથી સંઘમાં નારાજગી હતી. કેજરીવાલે જે મુદ્દા ઉઠાવ્યા એ મુદ્દા સંઘના નેતાઓને પણ યોગ્ય લાગી રહ્યા છે.

- ઈન્દર સાહની


Google NewsGoogle News