દિલ્હીની વાત : સ્વાતી માલિવાલ યમુનાનું પાણી લઈને કેજરીવાલના ઘરે જશે
નવી દિલ્હી : એક જમાનામાં અરવિંદ કેજરીવાલના જમણા હાથ ગણાતા સ્વાતી માલિવાલ હવે કટ્ટર કેજરીવાલ વિરોધી થઈ ગયા છે. રાજ્ય સભાના સાંસદ સ્વાતી માલિવાલે કેજરીવાલના પીએ સામે માર મારવાનો કેસ કર્યા પછી બંને વચ્ચેના સંબંધો વધુ બગડયા છે. દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં દરેક પક્ષ યમુના નદીને મુદ્દો બનાવી રહ્યા છે ત્યારે સ્વાતી માલિવાલ પૂર્વાચલની મહિલાઓ સાથે યમુનાનું પાણી લઈને કેજરીવાલના ઘરે જશે. સ્વાતીનું કહેવું છે કે કેજરીવાલને કારણે યમુના નદી ગટર બની ગઈ છે. યમુના કિનારેથી સ્વાતી માલિવાલે કહ્યું કે, 'હું પૂર્વાચલની હજારો મહિલાઓ સાથે અહીં આવી છું અને અહીંની પરિસ્થિતિ એટલી ખરાબ છે કે દુર્ગધને કારણે અહીં ઉભા રહેવું પણ મુશ્કેલ બની ગયું છે. અમે મહિલાઓ કેજરીવાલના ઘરે જઈને પૂછવાના છીએ કે યમુનાની સફાઇ માટે ફાળવવામાં આવેલા ૭૫૦૦ કરોડ રૂપિયા ક્યાં ગયા. સ્વાતી માલિવાલ ભાજપાન ઈશારે આ બધું કરતાં હોવાનો આપના નેતાઓ આરોપ લગાવે છે.
કેરળની સ્કૂલના વિદ્યાર્થીની આત્મહત્યા પીડાદાયક : રાહુલ
કેરળની એક સ્કૂલના વિદ્યાર્થીને સંચાલકોએ હેરાન કરતા વિદ્યાર્થીએ આત્મહત્યા કરી લીધી હતી. આ બાબતે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ સંવેદના વ્યક્ત કરી છે. રાહુલ ગાંધીએ માંગણી કરી છે કે, મિહીર અહમદની આત્મહત્યા માટે જવાબદાર લોકોની ધરપકડ કરવામાં આવે. મિહીર અહમદના મૃત્યુ બાબતે એમના કુટુંબીજનો માટે એમને સંવેદના છે. દરેક સ્કૂલ, બાળકો માટે સુરક્ષીત સ્થળ હોવું જોઈએ. મિહીર પર વારંવાર અત્યાચાર કરવામાં આવ્યો હતો. આ અત્યાચાર કરનારાઓને શોધી નાંખી એમની સામે કાયદેસર પગલાં લેવાવા જોઈએ.
બજેટમાં મુખ્યમંત્રી નાયડુ આંધ્રને એનો ભાગ અપાવી શક્યા નહીં
યુવજન શ્રમીક રાયઠુ કોંગ્રેસ પાર્ટી (વાયએસઆરસીપી)ના વરિષ્ઠ નેતા રાજેન્દ્ર રેડ્ડીએ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચન્દ્રાબાબુ નાયડુ સામે પ્રહાર કર્યા છે. એમના કહેવા પ્રમાણે ૨૦૨૫ - ૨૦૨૬ના કેન્દ્રીય બજેટમાં આંધ્રપ્રદેશનો હિસ્સો અપાવવામાં ચન્દ્રાબાબુ નિષ્ફળ રહ્યા છે. રાજ્યને લાભ અપાવવા માટે નાયડુ કેન્દ્ર પર યોગ્ય દબાણ લાવી શક્યા નહીં જેને કારણે બિહારને વધુ લાભ મળ્યો. બિહારના સાંસદોની સંખ્યા ઓછી હોવા છતાં આંધ્રની તુલનામાં બિહારને મોટો લાભ મળ્યો છે. ૧૨ સાંસદ હોવા છતાં બિહારને મોટી છૂટ મળી જ્યારે તેલુગુ દેશમ પાર્ટીના ૧૬ સાંસદ હોવા છતા નાયડુ પાછળ રહી ગયા.
શિવસેના ફરીથી એક થાય મહારાષ્ટ્રમાં એવી ચર્ચા
મહારાષ્ટ્ર વિધાનસભામાં મહાયુતિની મોટી જીત પછી પણ રાજ્યમાં રાજકારણ સ્થિર થયું નથી. શિવસેના (ઉદ્ધવ ઠાકરે)ની હાર પછી શિવસેના (એકનાથ શિંદે)એ ઓપરેશન ટાઇગર શરૂ કર્યું છે. આ ઓપરેશનનો ઉદ્દેશ શિવસેના (ઉદ્ધવ ઠાકરે)ના નેતાઓને શિવસેના (એકનાથ શિંદે)મા સમાવવાનો છે. જોકે એકનાથ શિંદેના નજીકના મંત્રી સંજય શીરસાટએ એવી ટીપ્પણી કરી છે કે, જેનાથી હવા ફેલાઇ કે શિવસેના (ઉદ્ધવ ઠાકરે) અને શિવસેના (એકનાથ શિંદે) ફરીથી એક થઈ રહી છે. મંત્રીએ એવું નિવેદન આપ્યું છે કે, હવે સમય આવી ગયો છે કે ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદે ફરીથી એક થાય. જોકે શિવસેના (ઉદ્ધવ ઠાકરે)ના કેટલાક નેતાઓ ઓફ ધ રેકર્ડ કહે છે કે, એમના ધ્યાનમાં કોઈ એવી વાત આવી નથી કે બંને શિવસેના ફરીથી એક થશે.
સિદ્ધારમૈયાના રાજકીય સલાહકાર બી આર પાટીલે રાજીનામું આપ્યું
કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાના રાજકીય સલાહકાર બી આર પાટીલે રાજીનામું આપી દીધું છે. બી આર પાટીલ મુખ્યમંત્રીના રાજકીય સલાહકાર હતા. પાટીલે શા માટે રાજીનામું આપ્યું એ બાબત તેઓ જાહેર કરવા માંગતા નથી. પાટીલે એટલું જ કહ્યું છે કે આ બાબતે એમણે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. બીજી તરફ સિદ્ધારમૈયાએ કહ્યું છે કે તેઓ પાટીલને મનાવવાની કોશિષ કરશે. પાટીલે કહ્યું છે કે જો એમને કોઈ કોલ કરશે તો તેઓ વાત કરશે. રાજીનામાના ઘણા કારણો છે, પરંતુ એમણે એ જાહેર કરવા નથી. એમ મનાય છે કે બી આર પાટીલ રાજ્યમાં જે રીતે સરકાર ચાલી રહી છે એનાથી નારાજ છે. શાસક પક્ષમાં પણ આંતરીક કલેહ ચાલી રહ્યો છે. આંતરીક ઝઘડાથી પણ પાટીલ કંટાળ્યા હતા.
કોલેજમાં સરસ્વતી પૂજા નહીં કરાતા વિદ્યાર્થીઓએ મંત્રીનો ઘેરાવ કર્યો
પશ્ચિમ બંગાળના શિક્ષણ મંત્રી બ્રત્ય બશુને એક કોલેજના વિદ્યાર્થીઓએ ઘેરી લીધા હતા. વિદ્યાર્થીઓનો આરોપ છે કે, તૃણમુલ કોંગ્રેસ છાત્ર પરિષદ (ટીએમસીપી)ના એક નેતાના નેતૃત્વમાં બહારના અસામાજીક તત્વો કોલેજ કેમ્પસમાં આવીને સરસ્વતી પૂજા અટકાવવા માટે ધમકી આપી રહ્યા છે. બશુ જ્યારે કોલેજના કેમ્પસમાં પહોંચ્યા ત્યારે વિદ્યાર્થીઓએ એમની વિરુદ્ધ સૂત્રો પોકાર્યા હતા. કેટલીક વિદ્યાર્થિનીઓ તો મંત્રી સમક્ષ રડી પડી હતી. વિદ્યાર્થિનીઓના કહેવા પ્રમાણે કેટલાક બહારના અસામાજીક તત્વોએ વિદ્યાથનીઓ પર બળાત્કાર કરવાની ધમકી પણ આપી હતી. છેલ્લા કેટલાય દિવસોથી સરસ્વતી પૂજા બાબતે કોલકત્તાની કેટલીક કોલેજોમાં વિવાદ ચાલી રહ્યો છે.
અયોધ્યામાં રેપ-મર્ડરની ઘટનાથી મિલ્કીપુરમાં ભાજપ બેકફૂટ પર
મિલ્કીપુરમાં પેટા ચૂંટણી થવાની છે. મતદાન પહેલાં ત્રીસેક કલાક બાકી છે ત્યારે ભાજપ માટે મુશ્કેલી સર્જાઈ ગઈ છે. અયોધ્યાના સહનવા ગામની દલિત યુવતી પર રેપ થયા બાદ મર્ડર કરી દેવાયા મુદ્દે કોંગ્રેસ અને સપાએ ભેગા મળીને ઉત્તર પ્રદેશની સરકારની ટીકા કરી હતી. સમાજવાદી પાર્ટીએ આ મુદ્દો મિલ્કીપુરમાં ઉઠાવ્યો છે. અયોધ્યાના સાંસદ અને મિલ્કીપુરના પૂર્વ ધારાસભ્ય અવધેશ પ્રસાદે ભાષણ કરતી વખતે રડીને આ બાબતે દુખ વ્યક્ત કર્યું હતું. આ મુદ્દાના કારણે ભાજપ અત્યારે બેકફૂટ પર છે. મિલ્કીપુરમાં દલિત મતદારો નિર્ણાયક ભૂમિકામાં છે. અયોધ્યાની ઘટનાની સીધી અસર ચૂંટણી પર પડે એવી શક્યતા છે. ભાજપે ડેમેજ કંટ્રોલ કરવા માટે છેલ્લી કલાકોમાં કવાયત હાથ ધરી હતી.
તેલંગણામાં કોંગ્રેસે વાયદા પ્રમાણે જાતી આધારિત સર્વે કરાવ્યો
તેલંગણામાં રેવન્થ રેડ્ડીની સરકારે જાતિ આધારિત સર્વે કરાવ્યો હતો. એનો રિપોર્ટ આવ્યો છે. એ પ્રમાણે રાજ્યની વસતિમાં પછાત વર્ગોનો મોટો હિસ્સો છે. ૪૬.૨૫ ટકા સાથે પછાત વર્ગ સૌથી વધુ છે. તેમાં મુસ્લિમોમાં પછાત વર્ગો છે એનો સમાવેશ કરવામાં આવે તો રાજ્યમાં ૫૬ ટકા વસતિ પછાત વર્ગમાં આવે છે અને તેમને અનામત આપવી પડે. રાજ્યની ૩.૭૦ કરોડની વસતિમાંથી સર્વેમાં ૩.૫૦ કરોડ લોકોએ ભાગ લીધો એમ કહેવાયું હતું. વસતિના ૩.૧ ટકા લોકોએ સર્વેમાં ભાગ લીધો ન હતો. આ સર્વેને મંત્રીમંડળ સામે રજૂ કરાશે. આ માટેની ચર્ચા થાય તે હેતુથી વિશેષ સત્ર પણ બોલાવવાનું રેવન્થ રેડ્ડીની સરકારનું આયોજન છે.
ડોનાલ્ડ ટ્રમ્પ અને નેતન્યાહૂની મુલાકાત પર વિશ્વની નજર
ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત કરવા માટે ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ અમેરિકાની યાત્રાએ આવી પહોંચ્યા છે. બંને વચ્ચે હમાસ-ઈઝરાયલ વચ્ચે થયેલી શાંતિ મંત્રણાની ચર્ચા થશે અને ગાઝાની જે સમજૂતિ થઈ છે તેના આગામી તબક્કા વિશે પણ બંને નેતાઓ વચ્ચે ચર્ચા થશે. આ મુલાકાત પર દુનિયાની નજર છે. પ્રમુખ બન્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ પહેલી વખત કોઈ વિદેશી મહેમાનને વ્હાઈટ હાઉસમાં આવકારશે. સાઉદી અરબ અને ઈઝરાયલ વચ્ચે જે તંગદિલી ચાલી રહી છે એમાં ટ્રમ્પ મધ્યસ્થી કરાવે એવી પણ ચર્ચા છે.
બજેટમાં ખાસ યોજનાઓ બદલ નીતિશે 292 શબ્દોમાં આભાર માન્યો
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે કેન્દ્ર સરકારના આભારમાં ૨૯૨ શબ્દો લખ્યા હતા. કેન્દ્રીય બજેટમાં બિહારને ખાસ મહત્ત્વ મળ્યું હતું અને સૌથી વધુ યોજનાઓ બિહારના નામે રહી હતી. નાણામંત્રીના બજેટ ભાષણમાં બિહારનો સૌથી વધુ ઉલ્લેખ થયો હતો. બિહારમાં ચૂંટણી થવાની છે તેને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર બિહાર પર મહેરબાન જોવા મળી હતી. હવે એ માટે નીતિશ કુમારે એક સોશિયલ મીડિયા પોસ્ટ લખીને કેન્દ્રનો આભાર માન્યો હતો. ૨૯૨ શબ્દોની આ આભારવિધિ ચર્ચાનો વિષય છે. નીતિશ કુમારે ખાસ આભાર એટલેય માન્યો છે કે બિહારમાં નીતિશ કુમાર એવું સાબિત કરવા મથે છે કે તેમણે બિહાર માટે ખાસ વ્યવસ્થા કરાવી છે. તેમની ધારણા છે કે એનાથી જેડીયુને રાજકીય ફાયદો થશે. જ્યારે બિહારને વધુ મહત્ત્વ આપવાથી ભાજપને ફાયદો થશે એમ ભાજપનું માનવું છે.