Get The App

દિલ્હીની વાત : ઓબીસી અનામત મુદ્દે મોદી સરકારની પીછેહઠ

Updated: Aug 5th, 2021


Google NewsGoogle News
દિલ્હીની વાત : ઓબીસી અનામત મુદ્દે મોદી સરકારની પીછેહઠ 1 - image


નવીદિલ્હી: ઓબીસી અનામત મુદ્દે રાજ્યોને અધિકારના મુદ્દે મોદી સરકારે પારોઠનાં પગલાં ભર્યાં છે. ઓબીસી અનામત લાભ કઈ જ્ઞાાતિઓને આપવો તેનો નિર્ણય લેવાની સત્તા હાલમાં કેન્દ્ર સરકાર પાસે છે. ભાજપનાં સૂત્રોનો દાવો હતો કે, આ અધિકાર રાજ્યોને આપવા માટે સંસદમાં કાયદો લાવવાની દરખાસ્તને બુધવારે મળનારી કેબિનેટની બેઠકમાં મંજૂરી આપી દેવાશે. જો કે આ વાત ખોટી સાબિત થઈ અને મોદી સરકારે હાલ પૂરતો આ નિર્ણય મોકૂફ રાખ્યો છે.

ભાજપનાં સૂત્રોનો દાવો છે કે, ભાજપ એવી ગણતરી રાખીને બેઠો છે કે નવી જ્ઞાાતિઓને અનામતથી નવી મતબેંક ઉભી થશે ને ભાજપને ફાયદો મળશે. રાજનાથ સહિતના વરિષ્ઠ પ્રધાનોની દલીલ હતી કે, ભાજપ કરતાં વધારે ફાયદો વિપક્ષને થશે. યુપી અને બિહાર સહિતનાં મોટાં રાજ્યોમાં ઓબીસી અનામતનો મુદ્દો સંવેદનશીલ છે. આ રાજ્યોમાં નવી જ્ઞાાતિઓને ઓબીસીનો ફાયદો આપશે તો તેના કારણે હાલમાં જેમને લાભ મળે છે તેમને પોતાનો અધિકાર છિનવાતો લાગશે. તેમની નારાજગી ભાજપને ભારે પડશે. મોદીને ગળે આ દલીલ ઉતરી હોવાનું કહેવાય છે.

શાહે તૃણમૂલના ડેરેકનો પડકાર ના ઉઠાવ્યો

તૃણમૂલ કોંગ્રેસના સાંસદ ડેરેક ઓબ્રાયને અમિત શાહને સીધો પડકાર ફેંક્યો હતો પણ શાહે આ પડકાર ના ઉઠાવ્યો. દિલ્હીમાં નવ વર્ષની છોકરી પર બળાત્કાર બાદ તેની હત્યા કરવાનો મામલો ગાજી રહ્યો છે. હત્યારાઓને ઝડપીને તેમને ફાંસી આપવાની માગ સાથે આંદોલન પણ શરૂ થયું છે ત્યારે ડેરેકે શાહને આ મુદ્દે સંસદમાં નિવેદન આપવા પડકાર ફેંક્યો હતો.

ડેરેકે એલાન કર્યું હતું કે, શાહ બુધવારે સંસદમાં આવીને આ મુદ્દે નિવેદન આપશે તો પોતે પોતાનું માથું મુંડાવીને ટકો કરાવી નાંખશે. દિલ્હીમાં કાયદો અને વ્યવસ્થાની જવાબદારી કેન્દ્ર સરકારની છે. દિલ્હી પોલીસ કેન્દ્રીય ગૃહ મંત્રાલયના કાર્યક્ષેત્રમાં આવે છે તેથી શાહે નિવેદન આપવું જોઈએ એવો વ્યાજબી મુદ્દો ડેરેકે ઉભો કર્યો હતો. ડેરેકે બુધવારે સાંજે ફરી પોતાની વાતને દોહરાવીને ગુરૂવારે સંસદમા નિવેદન કરવા શાહને કહ્યું છે.

દિલ્હીમાં નવ વર્ષની છોકરીની હત્યાની ઘટનાને કારણે લોકોમાં ભારે આક્રોશ છે. અરવિંદ કેજરીવાલે પણ આ આક્રોશનો બુધવારે ભોગ બનવું પડયું હતું. લોકોએ ધક્કે ચડાવતાં કેજરીવાલ ગબડી પડયા હતા.

પી.કે. કોંગ્રેસ પ્રમુખના સલાહકાર બનશે  

ચૂંટણી વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોરનો કોંગ્રેસમાં પ્રવેશનો તખ્તો તૈયાર છે. પી.કે.ને કોંગ્રેસ પ્રમુખની વિશેષ સલાહકાર સમિતિના પ્રમુખ બનાવીને મોટી જવાબદારી અપાશે. આ સમિતી કોંગ્રેસના બીજા પક્ષોના જોડાણથી માંડીને ચૂંટણી વ્યૂહરચના સુધીની બાબતો અંગે નિર્ણય લેશે. સમિતીના નિર્ણયને અમલમાં મૂકવાની જવાબદારી કોંગ્રેસ વર્કિંગ કમિટી (સીડબલ્યુસી)ની રહેશે. સીડબલ્યુસી આ નિર્ણયોમાં યોગ્ય લાગે તે ફેરફાર કરી શકશે.

કોંગ્રેસનાં સૂત્રોનો દાવો છે કે, પી.કે. રાહુલ-પ્રિયંકાને મળ્યા ત્યારે જ પી.કે.ની ભૂમિકા અંગે નિર્ણય લેવાઈ ગયો હતો. પ્રિયંકા-રાહુલે હા પાડતાં પી.કે.ની સોનિયા સાથે પણ વાત કરાવી દેવાઈ હતી.  સોનિયાએ પણ પી.કે.ની ભૂમિકા પર મંજૂરીની મહોર મારી હતી પણ આ સમિતીની બીજા સભ્યો અંગે નિર્ણય ના લઈ શકાતાં હજુ સત્તાવાર રીતે જાહેરાત કરાઈ નથી.

પી.કે.નો આગ્રહ છે કે, આ સમિતીમાં પાંચથી વધારે સભ્યો ના હોવા જોઈએ જ્યારે સોનિયા ગાંધી ૧૨ સભ્યો ઈચ્છે છે. પી.કે. જૂના નેતાઓને બદલે યુવા નેતાઓને વધારે મહત્વ આપવાનો મત ધરાવે છે એ મુદ્દે પણ અંતિમ નિર્ણય બાકી છે.

મોદીનો પક્ષપાતઃ અસ્થાનાને મજા, વર્માને સજા

સીબીઆઈના ભૂતપૂર્વ ડિરેક્ટર આલોક વર્મા સામે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે શિસ્તભંગ બદલ કાર્યવાહી કરવાની ભલામણ કરી છે. સૂત્રોનું કહેવું છે કે, ડીપાર્ટમેન્ટ ઓફ પર્સોનલ એન્ડ ટ્રેઈનિંગને કરાયેલી આ ભલામણ એક ઔપચારિકતા જ છે. બાકી વર્મા સામે પગલાં લેવાનું નક્કી જ છે.  ઔપચારિક રીતે કાર્યવાહીની મંજૂરી મળતાં જ વર્માના પેન્શન તથા નિવૃત્તિને લગતા અન્ય લાભો રોકી દેવાશે. વર્મા સામે પોતાના હોદ્દાના દુરૂપયોગ તથા સેવાના નિયમોનું ઉલ્લંઘન કરવાનો આરોપ છે.

સીબીઆઈનાં સૂત્રોનું કહેવું છે કે, વર્મા સામે પગલાંની ભલામણ મોદી સરકારના પક્ષપાત અને પૂર્વગ્રહયુક્ત વલણ પુરાવો છે. વર્માને સીબીઆઈમાં હતા ત્યારે મોદી અને અમિત શાહના મોદીના માનીતા રાકેશ અસ્થાના સાથે તેમને સંઘર્ષ થયો હતો. અસ્થાના અને વર્મા બંને સામે ભ્રષ્ટાચારના આક્ષેપો થયા હતા.

આ કેસમાં અસ્થાનાની સુપ્રીમ કોર્ટે આકરી ટીકા પણ કરી હતી. મોદી સરકારે એ છતાં અસ્થાના સામે કોઈ પગલાં તો ના જ લીધાં પણ દિલ્હીના પોલીસ કમિશ્નર બનાવીને સિરપાવ આપ્યો જ્યારે વર્માને સજા મળી છે.

કર્ણાટકમાં ભાજપે જૂથબંધી કરનારાંનાં પત્તાં કાપ્યાં

કર્ણાટકમાં બસવરાજ બોમ્માઈના પ્રધાનમંડળની રચના દ્વારા ભાજપ હાઈકમાન્ડે સ્પષ્ટ સંકેત આપી દીધો છે કે, કર્ણાટકમાં હવે જૂથબંધીને પોષનારા નેતાઓને દરવાજો બતાવી દેવાશે. બોમ્માઈએ પ્રધાનમંડળમાં લીધેલા ૮ નવા ચહેરા ભાજપના વરસો જૂના વફાદાર છે અને કોઈ પણ જૂથ સાથે સંકળાયેલા નથી.

બુધવારે થયેલી સપથવિધીમાં સૌથી મોટો આંચકો યેદુરપ્પાને લાગ્યો છે. શપથ લેનારા ૨૯ પ્રધાનોમાં યેદુરપ્પાના પુત્ર વિજયેન્દ્રની બાદબારી કરી દેવાઈ છે એ સૌથી મોટો ઘા છે. સાથે સાથે યેદુરપ્પાના અત્યંત વફાદાર એવા રેણુકાચાર્ય, વિશ્વનાથ અને હલપ્પાને પણ પડતા મૂકાયા છે. યેદુરપ્પા માટે એટલું આશ્વાસન છે કે, તેમના કટ્ટર વિરોધી એવા અરવિંદ બેલ્લાડ, સી.પી. યોગીશ્વર અને બી.આર. પાટિલ યતનાલને પણ કોરાણે મૂકી દેવાયા છે.

ભાજપનાં સૂત્રોના મતે, હાઈકમાન્ડે યેદુરપ્પાને કટ ટુ સાઈઝ કરીને મોટો જુગાર ખેલ્યો છે. યેદુરપ્પાનો સ્વભાવ હાઈકમાન્ડને શરણે થઈને તેમના નિર્ણયને માથે ચડાવવાનો નથી. વિજયેન્દ્રને મહત્વ નહી મળે તો યેદુરપ્પા બગાવત કરી શકે છે. લિંગાયત સમુદાય પર તેમનો પ્રભાવ જોતાં ભાજપને તે ભારે પડી શકે.

પાયલોટનું હાઈકમાન્ડને એક મહિનાનું અલ્ટિમેટમ

સચિન પાયલોટે કોંગ્રેસ હાઈકમાન્ડને પોતાના સમર્થકોને મંત્રીમંડળમાં લેવા મુદ્દે ઝડપથી નિર્ણય લેવા અલ્ટિમેટમ આપ્યું છે. પાયલોટે પોતાની ભૂમિકા અંગે સ્પષ્ટતા કરવા પણ હાઈકમાન્ડને કહ્યું છે. પાયલોટ જૂથનાં સૂત્રોની વાત માનીએ તો પાયલોટે એક મહિનાનો સમય આપ્યો છે. એક મહિનામાં કોઈ નિર્ણય નહીં લેવાય તો પાયલોટ પોતાની રીતે નિર્ણય લેશે.

હાઈકમાન્ડે પાયલોટને શાંત પાડવા માટે મંત્રીમંડળના વિસ્તરણ તથા સંગઠનની પુનર્રચના માટેની ફોર્મ્યુલા આપી હતી. અશોક ગેહલોતે તેને માનવાનો ઈન્કાર કરતાં આ ફોર્મ્યુલાનો અમલ ના થઈ શકતાં પાયલોટ બગડયા છે.

પાયલોટ છેલ્લાં પાંચ દિવસથી દિલ્હીમાં હતા. દિલ્હીમાં પ્રિયંકા અને રાહુલ ગાંધી ઉપરાંત કે.સી. વેણુગોપાલ અને અજય માકન સાથેની બેઠકો દરમિયાન પાયલોટે પોતાના સમર્થકોને ન્યાય આપવાની માગને દોહરાવી હતી. હાઈકમાન્ડે તેમની વાત સાથે સહમતિ દર્શાવી પણ સમયમર્યાદાની કોઈ ખાતરી ના આપતાં પાયલોટે આકરું વલણ લેવું પડયું છે. બુધવારે જયપુર પાછા ફરીને પાયલોટે પોતાના સમર્થકો સાથે ઉપરાછાપરી બેઠકો શરૂ કરતાં રાજસ્થાન કોંગ્રેસમાં ફરી એક વાર જંગનાં એંધાણ છે.

***

ભાજપને હવે તેની જ દવાનો સ્વાદ ચાખવો પડી રહ્યો છે

સંસદના શિયાળુ સત્રનો પ્રારંભ ૧૯ જુલાઈથી થયો છે ત્યારથી બંને ગૃહોમાં મોટાભાગનું કાર્ય અટકેલું છે. વિપક્ષ દ્વારા પેગાસસ જાસૂસી, કૃષિ કાયદા અને અન્ય મુદ્દાઓ પરના આરોપો અંગે ચર્ચાની માંગ કરવામાં આવી રહી છે, પરંતુ સરકારે પણ ચર્ચામાં ખાસ રસ પ્રદર્શિત કર્યો નથી. ભાજપના સાંસદોને ગઈકાલે સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાલમાં સંસદમાં વિપક્ષ દ્વારા કરવામાં આવી રહેલા દેખાવોને બંધારણ તથા લોકશાહી અને લોકોનું અપમાન ગણાવ્યા હતા. પરંતુ મોદીની આ જ વાત તેમના જ પક્ષે વિરોધ પક્ષમાં રહીને આચરેલા વલણથી વિપરીત છે. સંસદીય નિરીક્ષકોનું કહેવું છે કે ભાજપને હવે તેની જ દવા પીવડાવવામાં આવી રહી છે. તેઓએ ભાજપ યુપીએના ૨૦૦૪થી ૨૦૧૪ના સમયગાળા દરમિયાન દાયકા સુધી મુખ્ય વિપક્ષ હતો તે બાબત યાદ કરી છે. તેણે સંસદીય કાર્યવાહીને એવી અટકાવી રાખી હતી તેવી ક્યારેય અટકાવી રખાઈ ન હતી. પીઆરએસ લેજિસ્લેટિવ રિસર્ચનું સંશોધન કહે છે કે ૨૦૦૯થી ૨૦૧૪ દરમિયાન ૧૫મી લોકસભાની ઉત્પાદકતા છેલ્લા ૫૦ વર્ષ દરમિયાન સૌથી ખરાબ હતી. યુપીએ-ટુ વખતે એક પછી એક સત્ર સંપૂર્ણ કે અંશતઃ ધોવાતા જ ગયા હતા, ભાજપે સરકાર સામે સંસદમાં ભ્રષ્ટાચાર અંગે સતત વિરોધ પ્રદર્શન કરીને ગૃહ ચાલવા જ દીધું ન હતું. 

સુષ્મા અને જેટલીએ વિરોધ પ્રદર્શનને યોગ્ય ગણાવ્યા હતા

૨૦૧૨માં કોલ બ્લોક્સની ફાળવણીમાં ભ્રષ્ટાચારને લઈને સંસદનું સમગ્ર ચોમાસુ સત્ર ભાજપના વિરોધ પ્રદર્શનના લીધે ધોવાઈ ગયું હતુ. ભાજપના આ પગલાને વડાપ્રધાન મનમોહન સિંઘે લોકશાહી વિરોધી ગણાવ્યું હતું. લોકસભામાં સુષ્મા સ્વરાજે આ વિરોધ પ્રદર્શનનો બચાવ કરતા જણાવ્યું હતું કે આ રીતે લોકસભા ન ચાલવા દેવી તે પણ લોકશાહીનું જ સ્વરૂપ છે. તે સમયે રાજ્યસભામાં વિપક્ષના નેતા ભાજપના અરૂણ જેટલીએ જણાવ્યું હતું કે આ રીતે સંસદીય કાર્યવાહી અટકાવવી તે યોગ્ય પગલું છે, સરકારને આ રીતે પણ જવાબદેહ બનાવી શકાય છે.

કોંગ્રેસ બૈજિંગના પ્રવક્તા તરીકે કામ કરી રહ્યું છેઃ ભાજપ

કોંગ્રેસ પર આક્રમણ કરતા ભાજપની નેતા નુપુર શર્માએ આરોપ મૂક્યો હતો કે વિપક્ષ ચીનના પ્રવક્તા તરીકે કામ કરી રહ્યુ છે અને તેને ચીનના સામ્યવાદીપક્ષ પાસેથી ડોનેશન મળી છે. રાહુલ ગાંધીજી પાસે જાણકારીનો અભાવ છે. કોંગ્રેસના શાસન દરમિયાન ૪૩, ૦૦૦ ચોરસ કિલોમીટરની જમીન ચીને ઘૂસણખોરીથી પચાવી પાડી હતી. હિન્દી-ચીની ભાઈ-ભાઈનું સૂત્ર કોણે આપ્યું? શર્માએ વધુ આરોપ મૂક્યો હતો કે ગાંધીની પાર્ટીને ચીનના સામ્યવાદી પક્ષ પાસેથી ડોનેશન મળે છે. કોંગ્રેસને ચીનના સામ્યવાદી પક્ષ પાસેથી કરોડો રુપિયા મળે છે. રાજીવ ગાંધી ઓર્ગેનાઇઝેશનને ચીનના સામ્યવાદી પક્ષ પાસેથી ડોનેશન મળ્યું છે. મને તે સમજાતું નથી કે તે રાજકારણ કરે છે કે ચીનની તરફેણ કરે છે. 

મીનાક્ષી લેખીની કાશ્મીરી પંડિત પરની ટિપ્પણીથી વાવાઝોડું

કેન્દ્રીય પ્રધાન મીનાક્ષી લેખીએ તાજેતરમાં વિદેશ અને સાંસ્કૃતિક બાબતોનો હવાલો સાંભળ્યો છે. ખીણમાં પરત જવામાં નિષ્ફળ જવા બદલ કાશ્મીરી પંડિતો જવાબદાર છે. તેમણે આ સ્થિતિની તુલના પ્રવાસી મજૂરો સાથે કરે જે કોરોનાની પ્રથમ લહેર પછી પોતાના વતન પરત ફર્યા હતા. કાશ્મીરી પંડિતો સાથેના ઓનલાઇન સંવાદમાં તેમને એક જણે પૂછ્યું હતું કે તેઓ કાશ્મીરી પંડિતોની સંસ્કૃતિ બચાવવા માટે તેમનું પુર્નવસન ક્યારે કરશે. તેના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે મને ખરેખર આ સવાલથી જ આશ્ચર્ય થયું છે, કારણ કે એક વ્યક્તિ કરીકે તમે ઇચ્છો ત્યાં જવા સ્વતંત્ર છો. તમને તમારા ઘરે પાછા ફરતા કોઈ અટકાવતું નથી. હવે તમને શું પૂરું પાડવાની જરુર છે. તેના પછી લેખીએ જણાવ્યું હતું કે કેટલાય પંડિતોને ખીણમાં પરત ફરવામાં રસ નથી. તેમની ટિપ્પણીથી પંડિતો ધુંઆપુંઆ થઈ ગયા હતા. એકે તો સ્પષ્ટપણે પૂછી લીધું હતું કે પ્રવાસી મજૂરોના પ્રશ્નની તુલના તેમના સ્થળાંતર સાથે થઈ શકે છે. 

રાજસ્થાનમાં કેબિનેટમાં ફેરફારઃ

હરિયાણા કોંગ્રેસની પ્રમુખ કુમારી સેલજા અને કર્ણાટક કોંગ્રેસના પ્રમુખ ડી કે શિવકમાર મંગળવારે રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોતને જયપુરમાં મળ્યા હતા. તેના પગલે રાજ્યના કેબિનેટમાં ફેરફારની અટકળોએ તેજ પકડયો છે. તેમની સતત લેવાયેલી મુલાકાતે ગેહલોત મંત્રીમંડળના વિસ્તરણની સંભાવનાને વેગ મળ્યો છે. તેમાં ભૂતપૂર્વ નાયબ મુખ્યપ્રદાન સચીન પાયલોટના વફાદાર વિધાનસભ્યોને મોટાપાયા પર પ્રતિનિધિત્વ આપવાની માંગ છે. શિવકુમારની મુલાકાત પછી પક્ષના નેતાએ જણાવ્યું હતું કે તેઓ બેંગ્લુરુથી આવ્યા હતા અને મુખ્યમંત્રી નિવાસ્થાને ગેહલોત સાથે ેક કલાક બેઠક યોજી હતી. શિવકુમાર પક્ષની કેન્દ્રીય નેતાગીરીને આ બેઠક અંગે દિલ્હીમાં એઆઇસીસીના નેતાઓની બેઠક થશે ત્યારે જાણકારી આપશે તેમ મનાય છે. 

ઓનલાઇન ગેમ પર પ્રતિબંધ મૂકવા માટે વડાપ્રધાનને વિનંતી

એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ (એડીજે) નરેશ કુમાર લાકાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વિનંતી કરે છે કે દેશમાં ઓનલાઇન ગેમના દૂષણ પર પ્રતિબંધ મૂકવામાંઆવે, એમ સૂત્રોએ જણાવ્યું હતું. ન્યાયાધીશે જણાવ્યું હતું કે આ ગેમ બાળકો પર નકારાત્મક અસર ઊભી કરી રહી છે. લાકાએ કમસેકમ બે ઓનલાઇન ગેમ ફ્રી ફાયર અને પબ્જી ઇન્ડિયા પર પર પ્રતિબંધમૂકવા વિનંતી કરી હતી. સરકાર દ્વારા પબ્જી મોબાઇલ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો તેના જેવો જ પ્રતિબંધ મૂકવા વિનંતી કરવામાં આવી હતી. 

- ઇન્દર સાહની


Google NewsGoogle News