દિલ્હીની વાત : હરિયાણા ભાજપમાં બળવાના એંધાણ

Updated: Sep 3rd, 2024


Google NewsGoogle News
દિલ્હીની વાત : હરિયાણા ભાજપમાં બળવાના એંધાણ 1 - image


નવી દિલ્હી : હરિયાણામાં ભાજપ ૧૦ વર્ષથી સત્તાં છે છતાં આ ચૂંટણીમાં આંતરિક સંઘર્ષ સહિતના મુદ્દાના કારણે પાર્ટી ભીંસમાં છે. મોડી રાતે ભાજપ હાઈકમાન્ડે હરિયાણાના મુદ્દે ઈમરજન્સી બેઠક બોલાવી હતી. મનોહરલાલ  ખટ્ટરના સમર્થકોના કારણે હરિયાણા ભાજપમાં ભારેલા અગ્નિની સ્થિતિ છે. ભલે મનોહરલાલ ખટ્ટર સીધું કશું કહેતા નથી, પરંતુ તેમણે ભાજપ હાઈકમાન્ડ માટે મુશ્કેલી તો સર્જી દીધી છે. હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં મતદાનની તારીખ લંબાઈ ગયા પછી ભાજપે સંભવિત ઉમેદવારની યાદી બહાર પાડવા માટે વધુ સમય લીધો છે. ભાજપ હાઇકમાન્ડ હરિયાણા ભાજપના નેતાઓ સાથે ટિકિટની વહેંચણી બાબતે ચર્ચા વિચારણા કરી રહ્યું છે. કેન્દ્રીય મંત્રી મનોહરલાલના નિવાસસ્થાને ટિકિટની વહેંચણી બાબતે મગજમારી થઈ રહી છે. આ મીટિંગમાં હરિયાણાના મુખ્યમંત્રી નાયબસિંહ સૈની તેમ જ પ્રદેશ અધ્યક્ષ મોહનલાલ બડૌલી પણ હાજર રહ્યા હતા. કેન્દ્રીય સમિતિની બેઠકમાં ૫૫ બેઠકો માટે સહમતી સધાઈ છે અને કહે છે કે યાદી જાહેર કરવાની છેલ્લી ઘડીએ અટકાવી દેવી પડી છે.  બાકીની બેઠકો માટે પણ ખેંચતાણ ચાલુ છે. એમ મનાય છે કે, જેમને ટિકિટ નહીં મળે તેઓ ક્યાં તો કોંગ્રેસમાં જોડાશે અથવા તો અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડીને ભાજપનો ખેલ બગાડશે.

અમાનતુલ્લાહ ખાનની ધરપકડ ભાજપની ગંદી ચાલબાજી : આપ

ઇડીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અમાનતુલ્લાહ ખાનની ધરપકડ કરી હોવાનો આક્ષેપ આપે કર્યો છે. અમાનતુલ્લાહ ખાન દિલ્હીના ઓખલાથી ચૂંટાયેલા ધારાસભ્ય છે. ઇડીની ટીમે ખાનના ઘરે જઈને તપાસ કર્યા બાદ ખાનની ધરપકડ કરી છે. ધરપકડ પહેલા અમાનતુલ્લાહ ખાને સોશિયલ મીડિયા એક્સ પર પોતાની ધરપકડ વિશે લખ્યું હતું. ઇડીના સુત્રોનું કહેવું છે કે, મની લોન્ડરીંગ બદલ ધરપકડ કરવામાં આવી છે. જોકે આમ આદમી પાર્ટીનું કહેવું છે કે, એક સરમુખત્યારના ઇશારે કામ કરતી ઇડીએ એમના ધારાસભ્યની ધરપકડ કરી છે. જે કેસ હેઠળ ખાનની ધરપકડ કરવામાં આવી છે એ ૨૦૧૬માં નોંધાયો હતો અને સીબીઆઇનું તારણ પણ એવું હતું કે ખાને કોઈ ભ્રષ્ટાચાર કર્યો નથી. આપના સાંસદ સંજયસિંહે કહ્યું છે કે, ઇડી તપાસ કરી રહી છે કે કોમેડી ? એક તરફ સીબીઆઇ એમ કહે છે કે અમાનતુલ્લાહ ખાને કોઈ ગુનો કર્યો નથી અને બીજી તરફ ઇડી તેમની ધરપકડ કરે છે. ભાજપ હવે ડરી ગયું છે અને ઇડીના તમામ અધિકારીઓને આમ આદમી પાર્ટીના નેતાઓ પાછળ લગાડી દીધા છે.

હવે ચંદિગઢમાં ખેડૂત આંદોલન શરૂ, ભાજપની મુશ્કેલી વધી

ચંદિગઢમાં હરિયાણાના ખેડૂતોએ આંદોલન શરૂ કર્યું છે. સેક્ટર ૩૪ના મેલાગ્રાઉન્ડ ખાતેથી ખેડૂતોએ મોરચો કાઢયો હતો. પોલીસ તંત્રએ ખેડૂતોને વિરોધ કરવા માટે ફક્ત ૪ દિવસની પરવાનગી આપી છે, પરંતુ ખેડૂતો ચાર મહિના ચાલે એટલું રેશન લઈને આવી ગયા છે. ખેડૂતો એટલી મોટી સંખ્યામાં ભેગા થયા છે કે, પોલીસે ટ્રાફિક જાળવવા માટે ખૂબ પ્રયત્ન કરવા પડે છે. ખેડૂતોને ભેગા થતા રોકવા માટે પોલીસે ચારે તરફ બેરીકેડ લગાવી દીધા છે, તેમ જ રેપિડએક્સન ફોર્સ પણ બોલાવી લીધી છે. સરકારે આઇબીના અધિકારીઓને પણ અંદરની માહિતી મેળવવા માટે સ્થળ પર મોકલ્યા છે. બે વર્ષ પહેલા દેશભરમાં થયેલા ખેડૂત આંદોલનને કારણે મોદી સરકારને નાકમાં ફીણ આવી ગયા હતા. ચંદિગઢથી શરૂ થયેલું ખેડૂત આંદોલન જો બીજા રાજ્યોમાં પણ પ્રસરશે તો ભાજપ માટે કપરા દિવસો શરૂ થશે.

ભાજપે પઢાવેલા પાઠ રટવાને કારણે કેરળ કોંગ્રેસના મહિલા નેતા સસ્પેન્ડ

આજકાલ મલયાલમ ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ખૂબ બદનામ થઈ રહી છે. મલયાલમ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ મેળવવા માટે સ્ત્રીઓનું યૌન શોષણ થતું હોવાના કિસ્સાઓ બહાર આવ્યા પછી દેશભરમાં એના પ્રત્યાઘાત પડયા છે. હવે કેરળ કોંગ્રેસની નેતા સીમી રોજ બેલઝોનએ કેરળ કોંગ્રેસ પર એવો આક્ષેપ કર્યો છે કે, કેરળ કોંગ્રેસમાં પણ કાસ્ટીંગ કાઉચ જેવી પરિસ્થિતિ છે. સીમીના આ નિવેદન પછી કેરળ કોંગ્રેસના નેતાઓ ભડકી ગયા છે. એમનું માનવું છે કે, ભાજપે કોંગ્રેસને બદનામ કરવા સીમી બેલઝોન પાસે આ નિવેદન કરાવ્યું છે. કેરળ પ્રદેશ કોંગ્રેસ કમિટિના મહાસચિવ એમ લીજ્જુએ મહિલા નેતાને સસ્પેન્ડ કરીને એમના વાણી વિલાસ માટે ભાજપને જવાબદાર ગણાવ્યો છે. 

શિવાજીની પ્રતિમા બાબતે આઠવલે પણ ભાજપના વિરોધીઓ સાથે

કેન્દ્રીય મંત્રી અને એનડીએના સહયોગી રામદાસ આઠવલેએ એવું નિવેદન કર્યું છે કે, મહારાષ્ટ્રમાં જે શિવાજી મહારાજની પ્રતિમા તૂટી પડી છે એનું કારણ બિનઅનુભવી મૂર્તિકારને સોંપવામાં આવેલું કામ છે. આઠવલેએ સામાજીક ન્યાય મંત્રીને સંબોધીને આખા કિસ્સાની તપાસ કરવાની માંગ પણ કરી છે. આઠવલેનું કહેવું છે કે, મહારાષ્ટ્રમાં અનુભવિ મૂર્તિકારોની કોઈ ખોટ નથી ત્યારે એક નવા મૂર્તિકારને કામગીરી સોંપવાની શું જરૂર હતી. એમણે તો ત્યાં સુધી કહ્યું છે કે લોકનિર્માણ વિભાગ અને નેવીના અધિકારીઓની પણ તપાસ થવી જોઈએ. દિલ્હીના રાજકીય નિરીક્ષકોને નવાઈ લાગી રહી છે કે, નરેન્દ્ર મોદીના ચાહક ગણાતા રામદાસ આઠવલે પણ હવે સરકાર વિરોધી નિવેદનો આપતા થઈ ગયા છે.

મહારાષ્ટ્રમાંથી મહાયુતિ સરકારની વિદાય નિશ્વિત : શરદ પવાર

એનસીપીના સ્થાપક શરદ પવાર આદુ ખઈને મહારાષ્ટ્રની મહાયુતિ સરકારને વિદાય કરવા માટે લાગી પડયા છે. પવારનું કહેવું છે કે, આવતા બે મહિનામાં આ ભ્રષ્ટ સરકાર હટાવીને શિવાજીના આદર્શો પર કામ કરતી નવી સરકાર ચૂંટાશે. હમણાના સત્તાધિશોને શિવાજી મહારાજ પર ભરોસો નથી. મહાયુતિ ગઠબંધનમાં ભાજપ, એકનાથ શિંદેની શિવસેના તેમ જ અજીત પવારની એનસીપી સામેલ છે. પવારે પક્ષના કાર્યકરોને કહ્યું હતું કે, 'જો તમે સંગઠીત રહેશો તો આપણે આવતા બે મહિનામાં હમણાની સરકારને હટાવી દઈ આપણી સરકાર બનાવીશું. આપણને એવી સરકારની જરૂર છે કે જે લોકોના હીત માટે કામ કરે.'

મુંબઈ ભાજપના ઘણાં ધારાસભ્યોની સંઘ સાથે બંધબારણે બેઠક

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપના કેટલાક ધારાસભ્યોએ મુંબઈમાં આરએસએસના કેટલાક નેતાઓ સાથે ખાનગી મીટિંગ કરી છે. આ મીટિંગની વાત બહાર આવવાથી ભાજપના ટોચના નેતાઓ ચોંકી ગયા છે. સેન્ટ્રલ મુંબઈના લોઅર પરેલ ખાતે મળેલી આ બેઠકમાં ભાજપના ધારાસભ્યોએ અજીત પવારની એનસીપી સાથેના ગઠબંધન વિશે નારાજગી બતાવી હોવાનું કહેવાય છે. સંઘના એક નેતાએ આ બેઠકને સામાન્ય ગણાવી છે, પરંતુ જાણકાર સૂત્રોનું કહેવું છે કે આ બેઠકમાં મહારાષ્ટ્રની મહાયુતિ સરકારના ભ્રષ્ટાચારો અને બિન આવડત વિશે સંઘના નેતાઓને માહિતગાર કરવામાં આવ્યા હતા.

મમતા બેનર્જીનો માસ્ટર સ્ટ્રોક : નવા બિલમાં ભાજપનો પણ સાથ

પશ્વિમ બંગાળમાં ટ્રેઈની ડોક્ટરના રેપ-મર્ડર પછી ભારે વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. એ વચ્ચે રેપના વધુ થોડા બનાવો સામે આવતા લોકોમાં આક્રોશ છે. ભાજપે બંગાળની સરકારને આ મુદ્દે બરાબર ભીંસમાં લીધી હતી, પરંતુ મમતા બેનર્જીએ અઠંગ રાજકારણીની અદાથી એવો માસ્ટર સ્ટ્રોક ફટકાર્યો કે વિરોધ કરી રહેલા ભાજપે પણ સમર્થન કરવું પડયું. એન્ટી રેપ બિલમાં એવી જોગવાઈ છે કે ૧૦ દિવસમાં કેસ ચલાવીને જો રેપનો આરોપ સાબિત થાય તો ગુનેગારને આકરી સજા ફટકારાશે. તે એટલે સુધી કે ફાંસી પણ અપાશે. જોકે, કાયદાવિદો કહે છે કે ગુનેગાર પાસે અન્ય કાનૂની વિકલ્પો હોવાથી ફાંસીની સજાનો અમલ આટલા દિવસમાં અશક્ય છે.

મહારાષ્ટ્રમાં એેનડીએમાં 173 બેઠકો માટે સહમતી

મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી માટે ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે. હજુ ચૂંટણીની તારીખો જાહેર થઈ નથી, પરંતુ ઓક્ટોબરમાં વિધાનસભાની ટર્મ પૂરી થશે એટલે તેની આસપાસ ચૂંટણી થવાની છે. એ પહેલાં એનડીએ ગઠબંધન અને ઈન્ડિયા ગઠબંધન વચ્ચે બેઠકોની વહેંચણીની ચર્ચા ચાલી રહી છે. એનડીએ ગઠબંધનના ત્રણ મુખ્ય સાથીપક્ષો - ભાજપ-શિવસેના (શિંદે જૂથ) અને એનસીપી (અજીત પવાર જૂથ)ના નેતાઓ વચ્ચે ૧૭૩ બેઠકો માટે સહમતી થઈ ચૂકી છે. આ બેઠકોમાં કઈ પાર્ટીનું પ્રભુત્વ વધુ છે તેના આધારે બેઠકો અપાશે. ૨૮૮માંથી ભાજપ કુલ ૧૫૫-૧૬૦ બેઠકોમાં લડવા ધારે છે.

બીફ ખાનારાની હત્યા મુદ્દે હરિયાણામાં રાજકારણ

હરિયાણાના ચરખી દાદરીમાં પોલીસે ગૌમાંસ ખાનારા એક નાગરિકની હત્યા કરવાના આરોપમાં સાતની ધરપકડ કરી છે. એ મુદ્દે હરિયાણાના સીએમ નાયબ સિંહ સૈનીએ જે નિવેદન આપ્યું તેની ચર્ચા ચાલી રહી છે. સૈનીએ કહ્યું કે આવી ઘટનાઓ બને તે ચલાવી શકાય નહીં, પરંતુ સામાન્ય લોકોમાં, ગામડાંના ખેડૂતોમાં ગાયનું સ્થાન પૂજનીય છે. ગાયનું વિશેષ સન્માન થાય છે ત્યારે તેમને આવું કરતાં કોણ રોકી શકે? ગાયના સંરક્ષણ માટે વિધાનસભામાં કાયદો ઘડાયો છે અને તેનું સખ્તાઈથી પાલન કરાશે. એમાં બાંધછોડ નહીં થાય.

હરિયાણા કોંગ્રેસમાં અત્યારથી સીએમપદ માટે સ્પર્ધા

કોંગ્રેસને હરિયાણામાં કમબેકની બહુ જ આશા છે. કોંગ્રેસ છેલ્લાં ૧૦ વર્ષથી હરિયાણામાં સત્તાથી બહાર છે. છેલ્લે ભૂપેન્દ્ર સિંહ હૂડ્ડા સીએમ હતા. આ વખતે જો કોંગ્રેસ જીતશે તો મુખ્યમંત્રી કોણ બનશે એની હરિયાણા કોંગ્રેસના નેતાઓમાં ભારે ચર્ચા છે. સીએમપદનો સૌથી પહેલો દાવો પૂર્વ સીએમ હૂડ્ડાનો છે. રણદીપ સિંહ સુરજેવાલા રાહુલ ગાંધીના વિશ્વાસુ નેતા છે અને તેમનો પણ સીએમપદ માટે દાવો રહેશે. તે સિવાય કુમારી શૈલજા અને ચૌધરી બિરેન્દ્ર સિંહના સમર્થકોને પણ આશા છે કે જો કોંગ્રેસ સત્તામાં આવશે તો તેમના નેતાઓને ચાન્સ લાગશે.

-ઈન્દર સાહની


Google NewsGoogle News