દિલ્હીની વાત : 'નીતિશકુમાર માટે દરવાજા ખુલ્લા છે' : લાલુની ઓફરથી ઉત્તેજના
નવીદિલ્હી : બિહારના મુખ્યમંત્રી નિતિશકુમાર એનડીએ સાથે રહેશે કે ઇન્ડિયા ગઠબંધનમાં સામેલ થશે એ વિશે ઘણા દિવસથી ચર્ચા ચાલી રહી છે. આ વિવાદની વચ્ચે થોડા દિવસો પહેલા તેજસ્વી યાદવે એમ કહ્યું હતું કે, મુખ્યમંત્રી નિતિશકુમાર હવે થાકી ચૂક્યા છે. એમને માટે ઇન્ડિયા ગઠબંધનના દરવાજા બંધ થઈ ગયા છે. જોકે તેજસ્વી યાદવના પિતા અને આરજેડીના નેતા લાલુ પ્રસાદ યાદવે હવે અલગ જ વાત કરી છે. લાલુ પ્રસાદ યાદવે કહ્યું છે કે નિતિશકુમાર માટે એમના દરવાજા ખુલ્લા છે. નિતિશકુમાર અમારી સાથે આવે અને કામ કરે. લાલુ યાદવના આ નિવેદન પછી એનડીએના નેતાઓ ટેન્શનમાં આવી ગયા છે. પત્ની રાબડી દેવીના જન્મદિવસે યોજાયેલા સમારંભમાં લાલુ પ્રસાદ યાદવે પત્રકારોને આ વાત કહી હતી.
પીએમ મોદી અજમેર દરગાહ પર ચાદર ચઢાવશે
હિન્દુવાદી સંગઠનો અજમેરની ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તી દરગાહ, મંદિર તોડીને બનાવઈ હોવાનો દાવો કરી રહ્યા છે. બીજી તરફ નરેન્દ્ર મોદી પોતાની ઇમેજ બિનસાંપ્રદાયીક બનાવવા માટે આતુર છે. એક વર્ષ પહેલા પણ નરેન્દ્ર મોદીએ અજમેર સરીફની દરગાહ પર ચાદર ચઢાવવા મોકલી હતી. દરગાહ બાબતે વિવાદ ચાલી રહ્યો છે ત્યારે નરેન્દ્ર મોદી તરફથી શનિવારે દરગાહ પર ચાદર ચઢાવવામાં આવશે. લઘુમતિ બાબતોના મંત્રી કિરણ રીજજીયુ અને ભાજપ લઘુમતિ મોરચાના પ્રમુખ જમાલ સિદ્દીકી ચાદર લઈને અજમેર જશે. રાજકીય નીરિક્ષકો માની રહ્યા છે કે, દરગાહ પર ચાદર ચઢાવીને નરેન્દ્ર મોદી કટ્ટર હિન્દુવાદીઓને સંદેશો પહોંચાડવા માંગે છે કે, તેઓ એમની વિચારધારા સાથે સહમત થતા નથી. હિન્દુવાદી સંગઠનો સાથે મોદી અંતર વધારી રહ્યા છે. દિલ્હીના રાજકીય વર્તુળોમાં બીજી ચર્ચા એવીય છે કે દેશમાં મસ્જિદો પર હિન્દુ સંગઠનોના દાવા વધ્યા હોવાથી મોદીને ઈસ્લામિક દેશોનું આડકતરું દબાણ વધ્યું હતું. એના કારણે સંબંધો જાળવી રાખવા માટે મોદીએ આ પ્રયાસ કર્યો છે.
સનાતન ધર્મ મુદ્દે સીએમ વિજયનના નિવેદનની કોંગ્રેસે ટીકા કરી
કેરળમાં શિવગીરી તિર્થયાત્રાના એક કાર્યક્રમમાં પ્રવચન આપતા કેરળના મુખ્યમંત્રી પીનરઈ વિજયને એવું કહ્યું હતું કે, સનાતન ધર્મને વર્ણાશ્રમ ધર્મ તરીકે બતાવવાનો સંગઠીત પ્રયાસ થઈ રહ્યો છે. સમાજ સુધારક નારાયણ ગુરુએ આ વ્યવસ્થાનો વિરોધ કર્યો હતો. વિજયનના આ નિવેદન બાબતે કોંગ્રેસના નેતા વિડી સતિશને વાંધો લીધો છે. સતિશનનું કહેવું છે કે, મુખ્યમંત્રી સનાતન ધર્મ સંઘ પરિવાર પૂરતો જ મર્યાદીત હોય એવી વાતો કરી રહ્યા છે. હકીકતમાં સનાતન ધર્મ એક સાંસ્કૃતિક વારસો છે. સનાતન ધર્મને ફક્ત સંઘ પરિવાર સાથે જોડવો ઉચીત નથી. મુખ્યમંત્રીએ એવી વાત કરી છે કે જાણે મંદિર જનાર, ચંદન લગાડનાર કે ભગવા વસ્ત્રો પહેરનાર દરેક વ્યક્તિ આરએસએસનો સભ્ય હોય. બધા હિન્દુઓ આરએસએસ સાથે જોડાયેલા નથી.
દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં હવે માયાવતી પણ ઝંપલાવશે
દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસ, ભાજપ અને આપ જોરશોરથી તૈયારી કરી રહ્યા છે. હવે બહુજન સમાજવાદી પાર્ટીએ પણ તમામ ૭૦ બેઠકો પર ઉમેદવારો ઉભા રાખવાનું નક્કી કર્યું છે. બસપાએ ઉમેદવારોની યાદી નક્કી કરવા કો-ઓર્ડિનેટનરોની નિમણૂક કરી છે. બસપાના કો-ઓર્ડિનેટરો ઉમેદવારની યાદી માયાવતીને મોકલશે અને ત્યાર બાદ છેલ્લો નિર્ણય માયાવતી લેશે. ૧૫મી જાન્યુઆરી સુધીમાં બસપા પોતાના ઉમેદવારો જાહેર કરી દેશે. એમ મનાય રહ્યું છે કે બસપા પૂરી ગંભીરતાથી વિધાનસભાની ચૂંટણી લડશે. ૨૦૨૦ની વિધાનસભા ચૂંટણીમાં પણ બસપાએ તમામ ૭૦ બેઠકો પર ઉમેદવાર ઉભા રાખ્યા હતા, પરંતુ તમામ બેઠકો પર બસપાની હાર થઈ હતી. રાજકીય નીરિક્ષકો એમ માની રહ્યા છે કે દિલ્હીના દલિત મતદારોને વિભાજીત કરવા માટે અને ભાજપને ફાયદો કરાવવા માટે જ માયાવતીએ તમામ બેઠકો પર ઉમેદવારો ઉભા રાખવાનું નક્કી કર્યું છે.
કાકા-ભત્રીજા વચ્ચે સમાધાન થાય એ માટે આશા તાઈની પ્રાર્થના
કાકા શરદ પવારથી નારાજ થઈને ભત્રીજા અજીત પવારે એનસીપીનું વિભાજન કર્યું હતું ત્યારથી વારંવાર એવી ચર્ચા થઈ રહી છે કે શરદ અને અજીત પવાર ગમે ત્યારે ફરીથી એક થઈ શકે એમ છે. મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી અજીત પવારના માતા આશા તાઈ પવારે ભગવાન વિઠ્ઠલને પ્રાર્થના કરી છે કે, એમના પુત્ર અને કાકા શરદ પવાર ફરીથી એક સાથે થઈ જાય. નવા વર્ષના પહેલા દિવસે આશા તાઇ પંઢરપુરના વિઠ્ઠલ - રૂક્ષ્મણી મંદિરે દર્શન કરવા ગયા હતા. પવાર પરીવારમાં ચાલી રહેલો વિવાદ પુરો થાય એ માટે એમણે ભગવાન પાસે માનતા પણ માની છે. આશા તાઈના આ નિવેદન પછી મહારાષ્ટ્ર રાજકારણમાં એમ મનાય રહ્યું છે કે નજીકના ભવિષ્યમાં શરદ અને અજીત પવાર ફરીથી એક થવાની શક્યતા પ્રબળ બની છે. આ બાબતે જ્યારે એનસીપીના સિનિયર નેતા પ્રફુલ્લ પટેલને પૂછવામાં આવ્યું ત્યારે એમણે પણ કહ્યું હતું કે, શરદ પવાર એમના બધા માટે પિતુતુલ્ય રહ્યા છે.
હરિયાણામાં દલિત વિદ્યાર્થિનીનો આપઘાત : ભાજપ-કોંગ્રેસ સામ-સામે
હરિયાણામાં એક ૨૨ વર્ષની દલિત વિદ્યાર્થિનીએ આપઘાત કરી લીધો હતો. કોલેજની બાકી નીકળતી ફી આપી શકી ન હોવાથી આ પગલું ભર્યું હતું. ફી ભરવામાં સમય આપવાની રજૂઆત કરી હતી, પરંતુ એની રજૂઆત કોલેજ સંચાલકે સાંભળી ન હતી. કોલેજ સંચાલકના દીકરાએ વિદ્યાર્થિનીને પરેશાન કરી હોવાનો આરોપ પણ લાગ્યો છે. આરોપીની ધરપકડ થઈ છે. એ કોંગ્રેસના ધારાસભ્ય રાજબીર ભાટિયાના સાળા હનુમંતનો દીકરો છે. એ મુદ્દે હવે ભાજપે કોંગ્રેસ પર આરોપ મૂક્યા છે. કોંગ્રેસ બચાવમાં કહે છે કે વિદ્યાર્થિનીની આપઘાતના મુદ્દાને ઊંધા ટ્રેક પર ચડાવવા માટે આ કનેક્શન શોધી કાઢવામાં આવ્યું છે. ધારાસભ્યના સાળા હનુમંત આ કોલેજની કમિટીમાં સભ્ય છે એવો દાવો થયો છે.
રાજ્યસભાના મુખ્ય સચિવને ત્રીજી વખત એક્સટેન્શનથી આશ્વર્ર્ય
રાજ્યસભાના મુખ્ય સચિવ પી. સી. મોદીને ત્રીજી વખત એક્સટેન્શન અપાયું છે. એ સાથે જ તેઓ ત્રણ વખત એક્સટેન્શન મેળવનારા પ્રથમ આઈઆરએસ અધિકારી બન્યા છે. પી.સી. મોદીનો કાર્યકાળ ૨૦૨૨માં બે વર્ષ માટે લંબાવાયો હતો. તે હિસાબે ડિસેમ્બર-૨૦૨૪માં કાર્યકાળ પૂરો થયો હતો. હવે ફરીથી તેમને ડિસેમ્બર-૨૦૨૫ સુધી કાર્યકાળ વધારી આપવામાં આવ્યો છે. નિષ્ણાતોના મતે આ પ્રકારનું એક્સટેન્શન બહુ જ રેર ગણાય. આ એક સમાન્ય બાબત કહી શકાય. ઉલ્લેખનીય છે કે અગાઉ પી.સી. મોદીને સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાઈરેક્ટ ટેક્સ (સીબીડીટી)ના ચેરમેન પદે પણ ૨૦૨૧માં એક્સટેન્શન મળ્યું હતું અને તેઓ સૌથી વધુ સમય ચેરમેન રહ્યા હતા.
તમિલનાડુમાં ભાજપ- એઆઈએડીએમકે વચ્ચે ફરી ગઠબંધનના સંકેત
તમિલનાડુમાં જયલલિતાના નિધન બાદ સતત એઆઈએડીએમકે નબળી પડી ગઈ અને હવે અસ્તિત્વનો સવાલ આવી પડયો છે. તેની સામે ડીએમકે મજબૂત પાર્ટી બનીને ઉભરી છે અને સ્ટાલિને ૨૦૧૯ લોકસભા, ૨૦૨૧ વિધાનસભા અને ૨૦૨૪ની લોકસભામાં પાર્ટીને વિજય અપાવ્યો છે. ભાજપે ૨૦૨૪ની ચૂંટણી પહેલાં એઆઈએડીએમકે સાથે ગઠબંધન તોડી નાખ્યું હતું અને તમિલનાડુ ભાજપના પ્રમુખ અન્નામલાઈ સખત વિરોધ કરતા હતા. અન્નામલાઈ ઓક્સફર્ડ યુનિવર્સિટીની એક ફેલોશિપમાં હતા એટલે રાજ્યના યુનિટની જવાબદારી કમિટી સંભાળતી હતી. પાછા ફર્યા બાદ પહેલી વખત અન્નામલાઈએ એઆઈએડીએમકે સાથે ગઠબંધનનો સંકેત આપ્યો છે. અન્નામલાઈએ કહ્યું હતું કે ભાજપ-એઆઈએડીએમકેની પ્રાથમિકતા સ્ટાલિનને હરાવવાની છે એટલે બંને હાથ મિલાવે એવી શક્યતા નકારી શકાય નહીં.
- ઈન્દર સાહની