Get The App

દિલ્હીના ચૂંટણી જંગમાં 'કાળા કોટવાળા' ઉતર્યા, ત્રણ બેઠકો પર ટક્કર

Updated: Feb 2nd, 2025


Google NewsGoogle News
દિલ્હીના ચૂંટણી જંગમાં 'કાળા કોટવાળા' ઉતર્યા, ત્રણ બેઠકો પર ટક્કર 1 - image


નવીદિલ્હી: આ વખતની દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં વકીલો પણ ભારે રસ લઈ રહ્યા છે. ચૂંટણીમાં ૨૬ વકીલોએ ઉમેદવારી પત્રક ભર્યા છે. ઉમેદવારી કરનાર વકીલોમાંથી કેટલાક નવા છે તો કેટલાક પહેલેથી રાજકારણમાં સક્રીય છે. આ વકીલો મત માગવા માટે ન્યાયતંત્ર મજબૂત કરવાનું વચન આપી રહ્યા છે. ભાજપ તરફથી ૧૨, કોંગ્રેસ તરફથી ૮ અને આપ તરફથી ૬ વકીલો ઉમેદવાર તરીકે છે. પહેલી વાર આટલી મોટી સંખ્યામાં રાજકીય પક્ષોએ વકીલોને ટીકીટ આપી છે. દિલ્હીની તીમારપુર, દિલ્હી કેન્ટ અને બ્ર્રીજવાસન વિધાનસભા બેઠક પર વકીલો સામ-સામે ટકરાઈ રહ્યા છે. તીમારપુર બેઠક પર કોંગ્રેસ તરફથી લોકેન્દ્ર કલ્યાણ સિંહ ભાજપના સુર્યપ્રકાશ ખત્રીને ટક્કર આપશે. દિલ્હી કેન્ટમાં ભાજપ તરફથી ભૂવન ટંવર અને કોંગ્રેસના વિરેન્દ્રસિંહ વચ્ચે સ્પર્ધા છે. 

દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટે એક લાખ સરકારી કર્મચારીઓ તૈયાર

દિલ્હી વિધાનસભાની ચૂંટણીની કામગીરી માટે આ વખતે એક લાખ જેટલા સરકારી કર્મચારીઓને તૈયાર રાખવામાં આવ્યા છે. દિલ્હી પોલીસના ૩૫ હજાર જવાન, ૧૯ હજાર હોમગાર્ડ અને કેન્દ્રીય સુરક્ષા એજન્સીની ૨૨૦ કંપનીઓ ખડે પગે રહેશે. આ સિવાય દિલ્હી સરકારના કર્મચારીઓ પણ ચૂંટણી પ્રક્રિયામાં મદદરૂપ થશે. આ બધા કર્મચારીઓને ટ્રેઇનીંગ આપાવમાં આવી છે. ચૂંટણી માટે ૨,૬૯૬ મતદાન સ્થાનો પર ૧૩,૭૬૬ બુથ બનાવવામાં આવ્યા છે. ૭૦ વિધાનસભા મતવિસ્તારમાં ૧-૧  કેન્દ્રની જવાબદારી મહિલા કર્મચારીને અપાશે. અત્યાર સુધીમાં આચારસંહિતા ભંગની પાંચ હજાર જેટલી ફરિયાદો ચૂંટણી પંચને મળી છે. 

હિમાચલ સ્કોલરશીપ કૌભાંડમાં સીબીઆઇની તપાસ સામે ઇડીને શંકા

કેન્દ્ર સરકારની બે એજન્સીઓ સીબીઆઇ અને ઇડી વચ્ચે હિમાચલ પ્રદેશમાં ટકરાવ થાય એમ છે. વર્ષ ૨૦૧૩થી વર્ષ ૨૦૧૭ સુધી હિમાચલ પ્રદેશમાં એસસી, એસટી અને ઓબીસીના વિદ્યાર્થીઓને આપવામાં આવેલી સ્કોલરશીપમાં મોટું કૌભાંડ થયું હતું. કૌભાંડનો આંકડો ૧૮૧ કરોડ રૂપિયા જેટલો છે. આ બાબતે સીબીઆઇએ તપાસ કરીને આરોપીઓને ક્લીન ચીટ આપી દીધી હતી. આ કૌભાંડની તપાસ ઇડીને આપવામાં આવી ત્યારે ઇડીએ સીબીઆઇના જોઇન્ટ ડીરેક્ટરની ધરપકડ કરી હતી. હવે સીબીઆઇના બીજા અધિકારીઓની ધરપકડ પણ થશે એમ ઇડીના સૂત્રો જણાવી રહ્યા છે. દિલ્હીના ઉચ્ચ અધિકારીઓ ચર્ચા કરી રહ્યા છે કે, હવે તો સીબીઆઇ પણ ઇડીથી ડરે છે. 

'શંકરાચાર્ય પ્રમાણિક હોવા જોઈએ, ભાજપવાળા કે સપાવાળા નહીં' ઃ સ્વામી નિશ્ચલાનંદ

છેલ્લા થોડા સમયથી જોવામાં આવ્યું છે કે, શંકરાચાર્યો પણ રાજકારણના રંગે રંગાયેલા છે. કેટલાક શંકરાચાર્યો ભાજપ તરફી હોય છે જ્યારે કેટલાક બીજા પક્ષોની તરફેણ કરે છે. ગોવર્ધનમઠ પુરીના શંકરાચાર્ય સ્વામી નિશ્ચલાનંદએ કહ્યું છે કે, અંગ્રેજો અને મુસ્લમાનોએ લાંબા સમય સુધી ભારત પર શાસન કર્યું છે, પરંતુ કદી આતંકવાદીને શંકરાચાર્ય બનાવ્યા નથી. હવે તો નકલી શંકરાચાર્ય જોવા મળે છે. મોરશિયસમાં એક આતંકવાદીને પુરીનો નકલી શંકરાચાર્ય બનીને ફેરવવામાં આવ્યો હતો. એ નકલી શંકરાચાર્ય આરએસએસની ઓફિસમાં રહ્યો હતો. હું કોઈનાથી ડરતો નથી. શંકરાચાર્યોએ કોઈપણ પક્ષની કંઠી બાંધવી જોઈએ નહીં. 

ડ્રગ્સની હેરફેર અટકાવવા ૭ રાજ્યોની સંયુક્ત ટીમ બનાવવામાં આવી

છેલ્લા થોડા વર્ષોથી દેશ આખામાં નાર્કોટીક ડ્રગની દાણચોરી વધી ગઈ છે. દરરોજ કરોડો રૂપિયાનું ડ્રગ પકડાઈ રહ્યું છે. હવે એકાએક ઉંઘમાંથી જાગેલી સરકારે દેશને નશામુક્ત બનાવવા માટે સ્પેશિયલ ટાસ્કફોર્સ બનાવવાનું નક્કી કર્યું છે. હરિયાણા સહિત ઉત્તર ભારતના ૭ રાજ્યોના પોલીસ મહાનિર્દેશકો, એનઆઇએ અને નાર્કોટીક્સ કંટ્રોલ બ્યુરોની મિટિંગ મળી હતી. આ મિટિંગમાં ્રડ્રગ્સની દાણચોરી કઈ રીતે રોકવી એ માટેની ચર્ચા થઈ હતી. હરિયાણાના પંચકુલા ખાતે આંતરરાષ્ટ્રીય ડ્રગ સચિવાલય બનાવવામાં આવ્યું છે. આ સચિવાલય યોગ્ય રીતે કામ કરી શકે એ માટે દરેક રાજ્યો એક એસપી રેંક અધિકારીની નોડલ અધિકારી તરીકે નિમણૂક કરશે કે જેથી ડ્રગ્સની હેરફેર વિશેની જાણકારી સમયસર એકબીજાને આપી શકાય. ડ્રગ માફિયાઓના ડેટા પણ દરેક રાજ્યના પોલીસ વડાને મળતા રહે એવી વ્યવસ્થા કરવામાં આવશે. કેટલાક રાજકીય નીરિક્ષકો કહી રહ્યા છે કે આ બધું ઘોડા નાસી ગયા પછી તબેલાને તાળુ મારવા જેવું છે. 

આરજી કર પીડિતાના માતા-પિતા રાજ્યપાલને મળ્યા, ન્યાય માટે રાષ્ટ્રપતિને પત્ર લખશે

કોલકત્તાની ડોક્ટર પીડિતાના માતા-પિતા ન્યાય મેળવવા માટે પશ્ચિમ બંગાળના રાજ્યપાલને મળ્યા હતા. હવે તેઓ રાષ્ટ્રપતિને પણ પત્ર લખવાના છે. રાજ્યપાલ સીવી આનંદ બોઝ સાથેની મુલાકાત પછી પીડિતના માતા-પિતાએ નક્કી કર્યું હતું કે, હવે ન્યાય માટે રાષ્ટ્રપતિ પાસે જવુ પડશે. પશ્ચિમ બંગાળમાં બધા જાણે છે એમ મુખ્યમંત્રી મમતા બેનર્જી અને રાજ્યપાલ સીવી આનંદ બોઝ વચ્ચે બારમો ચન્દ્રમાં છે. મમતા બેનર્જીને કોર્નર કરવાની એક પણ તક રાજ્યપાલ જવા દેતા નથી. પીડિતાના ન્યાય બાબતે પણ રાજ્યપાલ  રાજકારણ રમી રહ્યા છે. પીડિતાના માતા - પિતા રાષ્ટ્રપતિને મળવા માંગે છે અને રાજ્યપાલને તો દોડવું હતું અને ઢાળ મળી ગયો. તરત જ એમણે મીડિયા સમક્ષ પીડિતાની માતા-પિતા સાથેની મુલાકાતની તમામ વાતો કરીને પ્રસિદ્ધિ મેળવવાનો પ્રયત્ન કર્યો. 

અંતરીક્ષ સ્ટેશન પર જનારા પ્રથમ ભારતીય શુભાંશુ શુક્લ કોણ છે

ભારતના શુભાંશુ શુક્લ અંતરીક્ષમાં જનારા પહેલા ભારતીય બનશે. શુભાંશુ શુક્લ આંતરરાષ્ટ્રીય અંતરીક્ષ સ્ટેશન (આઇએસએસ)માં જનાર પહેલા ભારતીય હશે. શુભાંશુને એક્ઝીઓમ મિશન -૪ માટે પસંદ કરવામાં આવ્યા છે. આ મિશનને અમેરિકાના અંતરીક્ષ અભિયાનો સાથે જોડાયેલી કંપની એક્ઝીઓમ સ્પેસ અને નાસાની મદદથી પાર પાડવામાં આવશે. શુભાંશુ શુક્લનો જન્મ લખનૌમાં થયો હતો. ત્રણ ભાઈબહેનોમાં શુભાંશુ સૌથી નાના છે. ૨૦૦૬માં શુભાંશુએ ભારતીય વાયુસેનાનું ફાઇટર જેટ વિમાન ઉડાડયું હતું. ૨૦૧૯માં શુભાંશુ વિંગ કમાન્ડર બન્યા હતા. શુભાંશુ ફાઇટર કોમ્બેટ લિડર અને ટેસ્ટ પાયલટ છે.

પરવેશ વર્માએ આપની મોહલ્લા ક્લિનિકને હલ્લા ક્લિનિક ગણાવી

નવી દિલ્હી વિધાનસભા સીટ પર આપના ચીફ અરવિંદ કેજરીવાલ સામે ચૂંટણીના મેદાનમાં ઉતરેલા ભાજપના ઉમેદવાર પરવેશ વર્માએ આપ સરકારની મોહલ્લા ક્લિનિક યોજનાની ટીકા કરીને તેને જનતાની ગેરદોરવણી કરતી હલ્લા ક્લિનિક તરીકે ગણાવી હતી. કેજરીવાલને લખેલા એક પત્રમાં વર્માએ યોજનાની પારદર્શિતા બાબતે ચિંતા વ્યક્ત કરીને તેમાં થયેલ કુલ ખર્ચ વિશે સવાલ ઉઠાવ્યા હતા અને કૌભાંડ વિશે સ્પષ્ટતા કરવાની માગણી કરી હતી. વર્માએ આરોપ કર્યો કે અનેક ક્લિનિકો માત્ર કાગળ પર છે. તેમણે કાર્યરત ક્લિનિક અને તેમાં સામેલ અધિકારીઓની સંપૂર્ણ યાદીની માગણી કરી છે. વર્માએ સારવાર કરાયેલા દર્દીઓ અને કુલ ખર્ચની વિગતો પણ માગી હતી. ઉપરાંત તેમણે યોજનાથી કેજરીવાલ, તેમના પરિવારજનો અને વિધાનસભ્યોને કેટલો લાભ થયો તેના વિશે પણ વિગતો માગી હતી. વર્માના આરોપોનો હેતુ મોહલ્લા ક્લિનિકને ગરીબો માટે આરોગ્ય સંભાળ માટે મહત્વની પહેલ ઓળખાવતા આપ સામે પડકાર ઊભો કરવાનો છે.

સીએમ સૈની હેલિકોપ્ટરમાં જ ફરે છે-હરિયાણાના મંત્રીનો કટાક્ષ

હરિયાણાના મંત્રી અનિલ વિજએ મુખ્ય મંત્રી નાયબ સૈની પર સતત હેલિકોપ્ટરમાં ફરીને વાસ્તવિકતાથી દૂર થવાનો કટાક્ષ  કર્યો હતો. ફરિયાદ સમિતિનો બહિષ્કાર કરવાના ઈરાદાની તેમજ સંભવિતપણે ભૂખ હડતાળની જાહેરાત કર્યાના બીજા જ દિવસે વિજે પોતાની ફરિયાદો પર નિષ્ક્રિયતા બાબતે હતાશા વ્યક્ત કરી હતી. તેમણે ચૂંટણીમાં સરકારી અધિકારીઓ અને પક્ષના સભ્યો સહિત પોતાને પરાજિત કરવા ષડયંત્ર રચનાર વ્યક્તિઓ બાબતે લેખિત ફરિયાદ સુપરત કરી હતી. ફરિયાદને એકસો દિવસ વીતી ગયા હોવા છતાં કોઈ કાર્યવાહી ન થવા બાબતે તેમણે હતાશા વ્યક્ત કરી. વિજે દાવો કર્યો કે એક વરિષ્ઠ નેતાનો હાથ આ ષડયંત્ર પાછળ હતો અને પોતાની હત્યાનો પ્રયાસ થયાનો પણ આરોપ કર્યો હતો. પાર્ટીના એક વરિષ્ઠ નેતા તરીકે તેમણે તાત્કાલિક હસ્તક્ષેપની અપેક્ષા રાખી  હતી પણ તેમને કોઈ પ્રતિસાદ ન મળ્યો.

તેલંગણા કોંગ્રેસમાં અસંતોષ, પક્ષપલટુઓમાં ઉકળતો ચરુ

તેલંગણાના ભારત રાષ્ટ્ર સમિતિ (બીઆરએસ)માંથી શાસક કોંગ્રેસમાં જવાની ગતિ ધીમી પડી છે,પણ હવે પક્ષપલટુઓમાં અસંતોષ ફેલાઈ રહ્યો છે. પરિણામે મુખ્ય મંત્રી રેવન્થ રેડ્ડી અને તેલંગણા કોંગ્રેસના નેતાઓની ચિંતામાં વધારો થયો છે. ડિસેમ્બર ૨૦૨૩માં વિધાનસભાની ચૂંટણીમાં પરાજય પછી ગયા વર્ષે માર્ચ અને જુલાઈ વચ્ચે દસ બીઆરએસ વિધાનસભ્યો અને છ વિધાનપરિષદના સભ્યો કોંગ્રેસમાં જોડાયા હતા, જેના પરિણામે ૧૧૯ સભ્યોની વિધાનસભામાં તેમની સંખ્યા ૩૯ રહી ગઈ હતી. પાર્ટીનું પતન લોકસભાની ચૂંટણીમાં પણ ચાલુ રહ્યું જેમાં કેસીઆરની બીઆરએસનો તમામ ૧૭ સીટમાં પરાજય થયો. પક્ષપલટા છતાં આ વિધાનસભ્યોની હજી પણ સત્તાવાર રીતે બીઆરએસ વિધાનસભ્યો તરીકે ગણના થાય છે. આથી કોંગ્રેસમાં વધતો અસંતોષ રાજ્યની રાજકીય સ્થિતિમાં હલચલ લાવી શકે.

કેરળની સ્થાનિક ચૂંટણીમાં એલડીએફને પછાડવા કોંગ્રેસે કમર કસી 

આવર્ષે સ્થાનિક સંસ્થાઓ અને વિધાનસભાની ચૂંટણીઓ હોવાથી કેરળમાં કોંગ્રેસ મૂળભૂત સ્તરે સંગઠનને મજબૂત કરવા કટિબદ્ધ થઈ છે. ૨૦૧૬થી વિપક્ષમાં બેઠેલી કોંગ્રેસએ હવે બૂથ સ્તરના કાર્યકરોને નિયમિતપણે મોરચા અને ઘેર ઘેર અભિયાન દ્વારા પાર્ટીની નીતિઓ બાબતે મતદારો સાથે સંપર્ક કરવાની સૂચના આપી છે. જિલ્લા સ્તરે કાર્યકરો સાથે વાત કરતા પાર્ટીના જનરલ સેક્રેટરી કે.સી.વેણુગોપાલે જણાવ્યું કે એલડીએફ સામે સ્થાનિક ચૂંટણીમાં વિજય મેળવવો પ્રથમ પગથિયું છે. થિરુવનંથપુરમમાં માઉન્ટ કેરમેલ કન્વેન્શન સેન્ટર ખાતે એકત્ર થયેલા પંદરસોથી વધુ કાર્યકરોને સંબોધતા તેમણે પિનારયી સરકારને ઉથલાવવાની જરૂર પર ભાર મુક્યો હતો.

- ઈન્દર સાહની


Google NewsGoogle News