મહાવિકાસ અઘાડીએ 90 ટકા બેઠકો પર બળવાખોરોને મનાવ્યા
નવીદિલ્હી : મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં દરેક મુખ્ય પક્ષને બળવાખોર ઉમેદવારો પરેશાન કરી રહ્યા છે. જોકે શિવસેના (ઉદ્ધવ ઠાકરે)ના સાંસદ સંજય રાઉતના કહેવા પ્રમાણે ૯૦ ટકા બેઠકો પર મહાવિકાસ અઘાડીએ બળવાખોર ઉમેદવારોને સમજાવી લીધા છે. જે બળવાખોરોએ ગઠબંધનના પક્ષોની વિરુદ્ધ ઉમેદવારી પત્રો ભર્યા હતા એમણે ઉમેદવારી પત્રો પાછા ખેંચી લીધા છે. રાઉતના કહેવા પ્રમાણે જ્યારે વિવિધ પક્ષોનું ગઠબંધન હોય છે ત્યારે આવી નારાજગી સામાન્ય છે. જોકે એમવીએના ત્રણે પક્ષના નેતાઓએ એક સાથે બેસીને સમસ્યાનો ઉકેલ લાવ્યો છે.
અજીત પવારવની ટિપ્પણીથી સુપ્રિયા સુલે નારાજ
બારામતિના સાંસદ અને એનસીપી (શરદ પવાર)ના નેતા સુપ્રિયા સુલેએ અજીત પવારને આડે હાથે લીધા છે. અજીત પવારે સ્વ. આર. આર. પાટીલને ગદ્દાર ગણાવ્યા હતા. સુપ્રિયા સુલેએ અજીત પવારના વાણી વિલાસને અસંવેદનશીલ ગણાવ્યું છે. સુપ્રિયા સુલેએ કહ્યું હતું કે, અજીત પવારના અભદ્ર નિવેદન બાબતે તેઓ સ્વ. નેતાના પત્ની અને એમની માતાની માફી માગે છે. સુલેએ કહ્યું કે, પોતાના કાકાના દિકરાએ જે વાણી વિલાસ કર્યો છે તેનાથી તેઓ દુખી છે. સુપ્રિયા સુલેએ અજીત પવાર વતી દેવેન્દ્ર ફડણવીસ પાસે પણ માફીની માંગણી કરી છે.
મહારાષ્ટ્રની ચૂંટણી પહેલા રાહુલ, ઉદ્ધવ અને શરદ પવાર એક મંચ પર
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી છઠ્ઠી નવેમ્બરે મહાવિકાસ અઘાડીના એક કાર્યક્રમમાં સામેલ થશે. આ કાર્યક્રમમાં એનસીપી (શરદ પવાર)ના નેતા શરદ પવાર, શિવસેના (ઉદ્ધવ ઠાકરે)ના નેતા ઉદ્ધવ ઠાકરે સહિત મહાવિકાસ અઘાડીના બીજા નેતાઓ પણ હાજર રહેશે. આ કાર્યક્રમમાં રાહુલ ગાંધી કોંગ્રેસની ચૂંટણી ગેરંટીની જાહેરાત પણ કરશે. કોંગ્રેસના પ્રભારી રમેશ ચેન્નીથલાના કહેવા પ્રમાણે સમાજવાદી પક્ષ સાથે કોંગ્રેસની વાતચીત ચાલી રહી છે. મહારાષ્ટ્રમાં મહાવિકાસ અઘાડીની સરકાર બને એને પ્રાથમીકતા આપવામાં આવશે. સમાજવાદી પક્ષને કઈ રીતે અને કેટલી બેઠકો આપવી એ પણ થોડા કલાકોમાં નક્કી થઈ જશે.
મહાયુતિમાં મહાભારત : અનેક નેતાઓ નારાજ
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી પહેલા મહાવિકાસ અઘાડીએ પક્ષો વચ્ચેની કડવાશ દૂર કરી છે. બીજી તરફ હવે મહાયુતિમાં પણ મહાભારત શરૂ થઈ ગયું છે. ભાજપની ઇચ્છા વગર એનસીપી (અજીત પવાર)એ નવાબ મલિકને ટિકિટ આપવાથી નારાજ થયેલા ભાજપના નેતા કિરિટ સૌમેયાએ નવાબ મલિકને આતંકી ગણાવવાથી એનસીપી (અજીત પવાર)ના નેતાઓ ભડકી ગયા છે. કિરિટ સૌમેયાએ નવાબ મલિકને આતંકવાદી કહેવા ઉપરાંત એમ પણ કહ્યું છે કે નવાબ મલિકે દેશને તોડવાની કોશિષ કરી છે અને તેઓ દાઉદના એજન્ટ છે. આવી વ્યક્તિને ટિકિટ આપીને અજીત પવારે દેશ સાથે દગો કર્યો છે. એનસીપી (અજીત પવાર) નવાબ મલિકને ચૂંટણી લડાવવા પર અડગ છે. હવે જોવાનું રહે છે કે, એનસીપી (અજીત પવાર) ભાજપના હુમલાનો જવાબ કંઈ રીતે આપે છે.
શિંદેના વર્તમાન ધારાસભ્યને ટિકિટ નહીં મળતા તેઓ ગુમ થયા
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં પાલઘરની બેઠક પરથી શિવસેનાના વર્તમાન ધારાસભ્ય શ્રીનિવાસ વનગાની ટિકિટ કાપવામાં આવી છે. ચૂંટણીની ટિકિટ નહીં મળતા વનગા ખૂબ હતાશ થઈ ગયા હતા. છેલ્લા કેટલાક દિવસોથી તેઓ ગુમ થઈ ગયા છે. વનગાના કુટુંબીઓ પણ ચિંતિત છે અને એમની શોધ ચલાવી રહ્યા છે. વનગાના કુટુંબીઓએ હજી સુધી પોલીસમાં ફરિયાદ નોંધાવી નથી. કુટુંબીઓના કહેવા પ્રમાણે વનગાની માનસીક હાલત બરાબર નથી એને કારણે એમની ચિંતા વધી ગઈ છે. ગુમ થતા પહેલા વનગાએ પત્રકારોને કહ્યું હતું કે, એકનાથ શિંદેને જ્યારે જરૂર હતી ત્યારે તેઓ એમની પડખે રહ્યા હતા અને હવે એકનાથ શિંદેએ એમની અવગણના કરી હોવાથી એમને ભારે આઘાત લાગ્યો છે.
ગેંગસ્ટર્સનો ડર : ધનવાનોના સોશિયલ મીડિયા પેજ ડિલિટ
છેલ્લા કેટલાક મહિનાઓથી પંજાબમાં વિવિધ ગેંગ સક્રિય થઈ રહી છે. ગેંગસ્ટરો સતત જાણીતા ઉદ્યોગપતિઓ અને બિઝનેસમેનને ટાર્ગેટ કરી રહ્યા છે. પંજાબનું પેરીસ કહેવાતા કપુરથલાના કેટલાક કારોબારીઓ ગેંગસ્ટર્સથી એટલા ડરી ગયા છે કે, સોશિયલ મીડિયા પર એમણે મુકેલી જાહેરાતો પણ પાછી ખેંચી લીધી છે. પંજાબમાં વેપારીઓ અને ઉદ્યોગપતિઓ પોતાના ધંધાના પ્રમોશન માટે સોશિયલ મીડિયા પર જાહેર ખબર મૂકતા હતા. હવે આ જાહેરાતો જોઈને ગેંગસ્ટર્સ વેપારીઓ અને ઉદ્યોગપતિઓ પાસેથી ખંડણી માગતા હોવાથી વેપારીઓ અને ઉદ્યોગપતિઓએ સોશિયલ મીડિયાથી દૂર રહેવાનું નક્કી કર્યું છે.
રાજસ્થાનનું આ નાનકડું ગામ દેશ આખામાં વિવિધ ફુલો મોકલે છે
ઉદયપુર હાઇવે પર આવેલું એક નાનકડું ગામ ફુલોની ખેતી કરવા માટે પ્રસિદ્ધ છે. ગુરલા ગામના ખેડૂતો જાતભાતના ફુલોની ખેતી કરે છે. આ ગામમાં ઉગેલા ફુલોની ડિમાન્ડ દેશ આખામાં છે. સામાન્ય રીતે એમ માનવામાં આવે છે કે રાજસ્થાન સુકો પ્રદેશ હોવાથી અહીં ફૂલોની ખેતી થઈ શકે નહીં. દિવાળી જેવા તહેવારોએ જ્યારે વિવિધ ફૂલોની ડિમાન્ડ દેશભરમાં વધી જાય છે ત્યારે ગુરલા ગામના ખેડૂતો ફૂલોની ખેતી કરીને આ ડિમાન્ડ પૂરી કરે છે. ગુરલા ગામમાં મોટા પાયે ગુલાબની ખેતી પણ થાય છે જેની જાણકારી ભાગ્યે જ બહાર કોઈને છે.
દિલ્હીમાં પરાળીના કારણે માત્ર ચાર ટકા પ્રદૂષણ ફેલાય છે : સર્વે
દિલ્હીના પ્રદૂષણ મુદ્દે રાજકીય દાવા-પ્રતિદાવા થઈ રહ્યા છે. બધા પક્ષો એકબીજા પર દોષનો ટોપલો ઢોળે છે. આપ એના માટે કેન્દ્ર સરકારની નીતિને જવાબદાર ગણે છે. કેન્દ્ર આમ આદમી પાર્ટીની રાજ્ય સરકારને દોષી ગણાવે છે. હરિયાણામાં ભાજપની સરકાર છે અને હરિયાણામાં ખેડૂતો પરાળી બાળે છે તેના કારણે દિલ્હીમાં પ્રદૂષણ ફેલાય છે એવું આપ કહે છે. આપનો આક્ષેપ રહેતો હોય છે કે ભાજપની સરકાર કોઈ પગલાં ભરતી નથી. એ બધા વચ્ચે સાયન્સ અને પર્યાવરણ સેન્ટરે રિપોર્ટ આપ્યો છે એ પ્રમાણે પરાળી બાળવાના કારણે તો માત્ર ૪ ટકા જ પ્રદૂષણ ફેલાય છે. પ્રદૂષણ પાછળ મેઈન વિલન તો વાહનો છે. વાહનોથી ફેલાતા કાર્બનના કારણે હવાની ગુણવત્તા નબળી પડે છે.
દિલ્હીમાં દિવાળીની રાતે આગ લાગવાનો 10 વર્ષનો રેકોર્ડ તૂટયો
દિલ્હી ફાયર સેફ્ટી વિભાગના કહેવા પ્રમાણે ૧૦ વર્ષમાં સૌથી વધુ ઈમરજન્સી ફોન આવ્યા હતા. આગ લાગવાની ઘટનામાં ૧૦ વર્ષમાં આ વર્ષે વધારો થયો હતો. ૧લી નવેમ્બરે મધરાતે ૩૨૦ ઈમરજન્સી કોલ આવ્યા હતા. આગ લાગવાની ઘટનામાં પાટનગરમાં એક જ રાતમાં ત્રણનાં મોત થયા હતા અને ૧૨ દાઝ્યા હતા. ફટાકટાના કારણે વાયુ પ્રદૂષણ ભયજનક સપાટીએ પહોંચ્યું છે. વાયુ પ્રદૂષણનો પણ વર્ષોનો રેકોર્ડ તૂટયો હતો. ત્રણ વર્ષમાં પહેલી વખત હવાની ગુણવત્તા આટલી ખરાબ થઈ હતી.
ઝારખંડમાં અસંતોષ ઠારવા ભાજપની કવાયત : પ્રભારી સરમા સક્રિય
ઝારખંડ ભાજપમાં ભડકો થયો છે. ઘણાં નેતાઓ ટિકિટ ન મળતાં નારાજ થયા છે અને તેમણે રીતસર બળવો કરી નાખ્યો છે. ઘણાંએ ઝારખંડ મુક્તિ મોરચાની રાહ પકડી છે. તો ઘણાં અપક્ષ ઉમેદવારી નોંધાવીને પોતાની પાર્ટીના ઉમેદવારને હરાવવા મેદાને પડવાની વેંતરણમાં છે. આવી સ્થિતિમાં હાઈકમાન્ડે ઝારખંડ ભાજપ યુનિટના હોદ્દેદારોને અસંતોષ ઠારવા માટે આદેશ આપ્યો છે. હાઈકમાન્ડના સૂચન પછી ઝારખંડ ભાજપ યુનિટના હોદ્દેદારો અને સિનિયર નેતાઓએ નારાજ નેતાઓના ઘરની મુલાકાત કરી હતી અને તેમને પાર્ટીમાં હોદ્દા આપવાની તૈયારી બતાવી હતી.
- ઈન્દર સાહની