Get The App

દિલ્હીની વાત : 2025માં બે રાજ્યોની વિધાનસભા પર દેશની નજર રહેશે

Updated: Jan 2nd, 2025


Google NewsGoogle News
દિલ્હીની વાત : 2025માં બે રાજ્યોની વિધાનસભા પર દેશની નજર રહેશે 1 - image


નવીદિલ્હી : ૨૦૨૫ની શરૂઆતમાં જ દિલ્હી વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે. વર્ષના અંતમાં બિહાર વિધાનસભાની ચૂંટણી પણ યોજાશે. રાજકિય રીતે ૨૦૨૪નું વર્ષ સતત સમાચારમાં રહ્યું હતું. ફેબ્રુઆરી મહિનામાં યોજાઈ રહેલી દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં નક્કી થશે કે સત્તાધારી આમ આદમી પાર્ટીના નેતાઓ સામે થયેલા ભ્રષ્ટાચારના આરોપોની કેટલી અસર થઈ છે. લિકર સ્કેમને કારણે તત્કાલીન મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જેલમાં જવું પડયું હતું. આ ચૂંટણીમાં ઘણા સમય પછી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ઝનૂનથી એકબીજા સામે ટકરાવાના છે. વર્ષના અંતમાં બિહાર વિધાનસભાની ચૂંટણી યોજાશે ત્યારે નિતિશકુમાર એનડીએ સાથે રહેશે કે નહીં એ બાબતે ઘણાને શંકા છે. જો નિતિશકુમાર એનડીએ સાથે નહીં રહે તો બિહાર ચૂંટણીના સમીકરણો બદલાઈ શકે છે. પશ્ચિમ બંગાળ સહિત બીજા કેટલાક રાજ્યોમાં લોકસભાની ખાલી થયેલી બેઠકો માટે પેટા ચૂંટણી પણ યોજાવાની છે.

મનમોહન સિંહના સ્મારક માટે કોંગ્રેસ ભાજપ વચ્ચે દલીલબાજી યથાવત્

ડો. મનમોહન સિંહના મૃત્યુ પછી કોંગ્રેસ સતત માગણી કરી રહી છે કે મનમોહન સિંહનું સ્મારક બનાવવા માટે ઝડપથી જગ્યા નક્કી થાય. કેન્દ્ર સરકારે હજી સુધી મનમોહન સિંહનું સ્મારક બનાવવા માટે જગ્યાની ફાળવણી કરી નથી. મનમોહન સિંહના અંતિમ સંસ્કાર નીગમ બોધ ખાતે કરવામાં શા માટે આવ્યા એવો પ્રશ્ન પણ કોંગ્રેસ મોદી સરકારને પૂછી રહી છે. આ બાબતે ભાજપના મંત્રી હરદીપસિંહ પૂરીએ વળતો જવાબ આપ્યો છે કે, કોંગ્રેસીઓ ફક્ત ફોટો પડાવવા માટે આવી જાય છે, પરંતુ મનમોહન સિંહના અસ્તિવિસર્જન વખતે એક પણ કોંગ્રેસી હાજર નહોતો. સ્મારક બાબતે કેબિનેટમાં નિર્ણય પણ લેવાય ગયો છે. અંતિમ સંસ્કાર બાબતે ભાજપએ ખુલાસો કર્યો છે કે દિલ્હીમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદ પડી રહ્યો છે એટલે ખુલ્લામાં અંતિમ સંસ્કાર કરવો શક્ય નહોતો.

મનમોહન સિંહના અસ્થિ વિસર્જન મુદ્દે ભાજપની ટીકાનો કોંગ્રેસે જવાબ આપ્યો

મનમોહન સિંહના મૃત્યુ પછી દરેક બાબતે રાજકીય પક્ષો વિવાદ કરી રહ્યા છે. પહેલા એમના સ્મારક બાબતે દલીલબાજી થઈ અને હવે એમના અસ્થિવિસર્જન બાબતે પણ ભાજપ કારણ વગરનો વિવાદ ઉભો કરી રહ્યો છે. મનમોહન સિંહના અસ્થિનું વિસર્જન તેમના કુટુંબના સભ્યોએ શિખ પરંપરા પ્રમાણે મજનૂકા ટીલા ગુરુદ્વાર નજીક યમુના નદીમાં કર્યું હતું. ભાજપએ એવી ટીકા કરી હતી કે અસ્થિવિસર્જન સમયે ગાંધી કુટુંબમાંથી કોઈ હાજર રહ્યું નહોતું. કોંગ્રેસના નેતા પવન ખેડાએ હવે ભાજપ પર પલટવાર કરતા કહ્યું છે કે, મનમોહન સિંહના કુટુંબના સભ્યોની અંગત ક્ષણોનું સન્માન કરવા માટે કોંગ્રેસના નેતાઓ ગયા નહોતા. ખેડાએ કહ્યું છે કે અમારા પ્રિય નેતાના અંતિમ સંસ્કાર પછી સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી સિંહના નિવાસસ્થાને પણ ગયા હતા. મનમોહન સિંહના કુટુંબીઓ સાથે ચર્ચા કર્યા પછી અસ્થિવિસર્જન માટે નહીં જવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. 

2023માં આંતર રાજ્ય પ્રવાસીઓની સંખ્યા ઘટી

એક સમયે નવી આર્થિક તકની શોધ માટે દેશના ગ્રામ્ય વિસ્તારોમાંથી શહેર તરફ લોકો જતા હતા. ખાસ કરીને શ્રમિકો રોજગારીની શોધમાં શહેરમાં વસવાટ કરતા હતા. જોકે હવે આવેલા એક રીપોર્ટ પ્રમાણે વર્ષો જુની પ્રથા બદલાઈ રહી છે. 'સિસ્ટમેટીક્સ ઇન્સ્ટિટયુસનલ ઇક્વિટિઝ'ના રીપોર્ટ પ્રમાણે ૨૦૨૩ના વર્ષમાં ૫.૩૭૦ કરોડ આંતરરાજ્ય પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો થયો છે. ૨૦૧૧ કરતા આ ઘટાડો ૧૧.૮ ટકા છે. વડાપ્રધાન આર્થિક સલાહકાર સમિતિ પાસેથી મેળવેલા આંકડાના આધારે આ રીપોર્ટ તૈયાર થયો છે. રીપોર્ટમાં જણાવ્યા પ્રમાણે રોજગાર કે બીજા કામ માટે ૨૦૧૧માં ૪.૫ કરોડ લોકોએ પ્રવાસ કર્યો હતો જ્યારે આ સંખ્યા હવે ઘટીને ૪ કરોડ થઈ ગઈ છે. 

તામિલનાડુમાં અન્ના યુનિ ખાતે થયેલા બળાત્કાર મામલે રાજકારણ

તામિલનાડુના અન્ના વિશ્વ વિદ્યાલયની વિદ્યાર્થિની પર થયેલા બળાત્કાર પછી તામિલનાડુના તમામ રાજકીય પક્ષો રાજનીતિ કરી રહ્યા છે. હવે આ વિવાદમાં તમીલગા વેત્રી કષગમ (ટીવીકે)ના પ્રમુખ અને ફિલ્મ અભિનેતા વિજય દલપતીએ પણ ઝુકાવ્યું છે. આ મામલે વિજય દલપતી રાજ્યપાલ આર એન રવિને મળ્યા હતા. વિદ્યાર્થિની પર થયેલા બળાત્કારના વિરોધમાં આખા રાજ્યમાં દેખાવો થઈ રહ્યા છે. વિજયએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પણ કેટલીક પોસ્ટ મુકી છે. એક પોસ્ટમાં વિજયએ લખ્યું છે કે 'પોલીસ કહે છે કે બળાત્કારનો ઓરોપી પકડાઈ ગયો છે. જોકે મને આ બાબતે શંકા છે. તામિલનાડુ સરકારને મારી વિનંતી છે કે આ બાબતે કડકમાં કડક કાર્યવાહી કરે. ઘટના માટે જવાબદાર તમામ ગુનેગારો સામે કાર્યવાહી કરવામાં આવે.

પોલીસ કસ્ટડીમાં થયેલા મોત બાબતે રાહુલ ગાંધીના પ્રહાર

મધ્ય પ્રદેશના એક દલિત યુવાનનું પોલીસ કસ્ટડીમાં મૃત્યુ થયું હતું. આ બાબતે રાહુલ ગાંધીએ કહ્યું છે કે આ ખૂબ શરમજનક બનાવ છે. આ પ્રકારના બનાવોને ભાજપ સરકાર પ્રોત્સાહન આપી રહી છે. કોંગ્રેસ પક્ષ હાંસિયામાં ધકેલાયેલા લોકોના અધિકારોની રક્ષા કરવા માટે પ્રતિબદ્ધ છે. યુવાનના મૃત્યુ પછી મધ્યપ્રદેશમાં મોટા પાયે દેખાવો થઈ રહ્યા છે. રાહુલ ગાંધીએ આ બાબતે કમિશન નિમિને તપાસ કરવાની માંગણી પણ કરી છે. આ બાબતે પ્રિયંકા ગાંધીએ મધ્ય પ્રદેશની સરકાર સામે આરોપ મૂક્યા છે. પ્રિયંકાના કહેવા પ્રમાણે નબળી વ્યક્તિઓ સામે મધ્ય પ્રદેશમાં અત્યાચાર થઈ રહ્યા છે. ભાજપ સરકારની વિચારધારા મનુવાદી છે.

નિવૃત્તિ પહેલાં બાઈડેનની યુક્રેનને મદદની જાહેરાતથી વિવાદ

અમેરિકન પ્રમુખ જો બાઈડેન હવે ગણીને ૧૯ દિવસ પ્રમુખ રહેશે. ૨૦મી જાન્યુઆરીએ ડોનાલ્ડ ટ્રમ્પ સત્તા સંભાળી લેશે. તે પહેલાં બાઈડેને યુક્રેનને મદદ કરવા માટે બાઈડેને ૨.૫ અબજ ડોલરની માતબર રકમ આપવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. અગાઉ યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કી અમેરિકા આવ્યા હતા ત્યારે તેમને આ મદદનો વાયદો બાઈડેને કર્યો હતો. હવે બાઈડેને જતાં પહેલાં આ રકમ આપવા માટેની પ્રક્રિયા હાથ ધરી છે. તેની સામે વિરોધ ઉઠયો છે. રિપબ્લિકન પાર્ટીના સેનેટર્સ આ ફંડ સામે વિરોધ કરી રહ્યા છે. બાઈડેન સહી કરી દેશે તો પણ જો ટ્રમ્પ ધારશે તો આ નિર્ણયને ફેરવી શકશે. એ હિસાબે યુક્રેનને આ સહાય મળે એવી શક્યતા ઘણી ઓછી છે.

નીતિશ દિલ્હી આવ્યા, પરંતુ ભાજપ પ્રમુખને મળ્યા નહીં

નીતિશ કુમાર દિલ્હી જઈને પાછા ફર્યા. એમાં શું થયું તે બાબતે હજુ સુધી કોઈ સ્પષ્ટતા થઈ નથી. નીતિશ કુમાર દિલ્હીમાં રૂટિન ચેકઅપ કરાવવા આવ્યા હતા અને એ પછી મનમોહન સિંહના પરિવારને મળ્યા હતા. એ સિવાય કોને મળ્યા તે બાબતે તરેહતરેહની અટકળો ચાલી રહી છે. સૂત્રોના કહેવા પ્રમાણે નીતિશ કુમાર ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાને મળવાના હતા, પરંતુ તેમની મીટિંગ કોઈ કારણથી રદ્ થઈ. હવે મીટિંગ નીતિશે રદ્ કરી કે ભાજપ અધ્યક્ષે તેની પણ સ્પષ્ટતા થતી નથી. નીતિશની ટીમમાંથી સૂત્રો કહે છે કે નીતિશ કુમારે છેલ્લી ઘડીએ મુલાકાત રદ્ કરી હતી, કારણ કે વિદ્યાર્થીઓના પ્રદર્શનો વધ્યા એટલે તેમણે રાજ્યમાં હાજર રહેવું જરૂરી હતી. આ આખા ઘટનાક્રમથી ચર્ચા એ જાગી છે કે શું નીતિશ અને ભાજપ વચ્ચે અંદરોઅંદર કંઈ રંધાઈ રહ્યું છે કે પછી બધું બરાબર છે?

કેજરીવાલની જાહેરાતથી મમતા બેનર્જીની સરકાર પણ ભીંસમાં

અરવિંદ કેજરીવાલે દિલ્હીમાં પુજારી અને ગ્રંથીઓને ૧૮ હજાર રૂપિયા માસિક પગાર આપવાની જાહેરાત કરી તેનાથી ભાજપ પર પ્રેશર વધ્યું છે. ભાજપે કેજરીવાલને ચૂનાવી હિન્દુ કહ્યા એટલે સામે કેજરીવાલે વળતો પડકાર ફેંક્યો કે જે રાજ્યોમાં ભાજપનું શાસન છે ત્યાં પુજારીઓને પગાર આપી બતાવે. ભાજપ તો ભીંસમાં છે જ, પરંતુ હવે મમતા બેનર્જીની સરકાર પણ ભીંસમાં મૂકાય એવી શક્યતા છે. બંગાળના પુજારીઓ અને ઈમામોએ મમતા સરકાર સામે માસિક ૨૦ હજાર રૂપિયા પગાર આપવાની રજૂઆત કરી છે. અત્યારે બંગાળમાં પુજારીઓને માસિક ૧૫૦૦ રૂપિયા આપવામાં આવે છે.

ઈલેક્ટ્રિક રિક્ષા ચલાવતા સગીરો સામે યોગી સરકાર કાર્યવાહી કરશે

યુપીના સીએમ યોગીએ વાહન વ્યવહારના નિયમોનું કડક પાલન કરાવવાનો આદેશ આપ્યો છે. રાજ્ય સડક સુરક્ષા પરિષદની બેઠક યોગીને અધિકારીઓને ૫મી સુધીમાં જિલ્લા સ્તરે કામગીરી શરૂ કરવાનો નિર્દેશ કર્યો છે. ખાસ તો યુપીમાં ઠેર-ઠેર ઈલેક્ટ્રિક રિક્ષાનું ચલણ વધ્યું છે, પરંતુ એવી રિક્ષાઓ કિશોરો ચલાવતા હોવાની ફરિયાદ ઉઠી છે. યોગીએ અધિકારીઓને કડક સૂચના આપી હતી કે ઈલેક્ટ્રિક રિક્ષા સગીરવયના ચલાવતા હોય તો તેમની સામે અને તેમના પેરેન્ટ્સ સામે તુરંત કાર્યવાહી કરો. કેટલીય ઈ-રિક્ષા રજિસ્ટ્રેશન વગર જ ચાલે છે. એ તમામનું રજિસ્ટ્રેશન કરાવવા માટે પણ ડેડલાઈન આપી દેવાઈ છે.

નવા વર્ષે અયોધ્યા-મથુરા જેવા વિખ્યાત મંદિરોમાં દર્શનનો નવો ટ્રેન્ડ

સામાન્ય રીતે ગુજરાત જેવા રાજ્યોમાં કારતક મહિનાની એકમથી નવા વર્ષની શરૂઆત થાય છે. તો ઘણાં ઉત્તર ભારતના રાજ્યોમાં ચૈત્ર મહિનાની એકમથી નવું વર્ષ ઉજવાય છે. ઘણાં રાજ્યોમાં અષાઢ માસથી નવા વર્ષની શરૂઆત થાય છે. આ નવા વર્ષે લોકો દેવદર્શન કરતા હોય છે, પરંતુ આ વર્ષે અંગ્રેજી નવા વર્ષે દેવદર્શનનો ટ્રેન્ડ જોવા મળ્યો હતો. નવા વર્ષના દિવસે અયોધ્યામાં બે લાખ લોકોએ રામલલ્લાના દર્શન કર્યા હતા. મથુરા-કાશીમાં પણ ભક્તોની ભીડ એવી જામી હતી કે દર્શનાર્થીઓએ કલાકો સુધી દર્શનની લાઈનમાં ઉભા રહેવું પડયું હતું. નવા વર્ષની રજાઓને ધ્યાનમાં રાખીને કેટલાય રાજ્યોના ટૂર ઓપરેટર્સે આ યાત્રાધામોનો પ્રવાસ ગોઠવ્યો હોવાથી લાખો શ્રદ્ધાળુઓ આ યાત્રાધામોમાં ઉમટી પડયા હતા.


Google NewsGoogle News