દિલ્હીની વાત : યમુના નદીના રાજકારણમાં પડવું નથી, હું સાચી વાત કરીશ : રાહુલ
નવીદિલ્હી : દિલ્હી વિધાનસભાની ચૂંટણી પહેલા યમુના નદીની શુદ્ધતા બાબતે દરેક પક્ષ પ્રચાર કરી રહ્યો છે. આ બાબતે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે હું જે કઈ કહું છું એ કરીને બતાવું છું. મેં કદી કહ્યું નથી કે, હું યમુના નદીને શુદ્ધ કરી નાખીશ. મેં ભૂતકાળમાં આ પ્રકારનો દાવો કર્યો હોય તો મને બતાવો. દિલ્હીમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ફલાઇઓવર બની શકે છે, એ અમે કરીને બતાવશું. હું ખોટા દાવા કરવામાં માનતો નથી. કેજરીવાલ જ્યારે સત્તા પર આવ્યા હતા ત્યારે અલગ વાત કરતા હતા. થાંભલા પર ચઢીને કેજરીવાલે ડંફાસ મારી હતી કે હું નવા પ્રકારનું રાજકારણ કરીશ. ટોપી અને મફલર પહેરીને વેગેનારમાં આવ્યા હતા. આવીને સીધા શિશમહેલના પાર્કિંગમાં ચાલ્યા ગયા હતા. આવા નાટક કરતા મને આવડતું નથી.
ભાજપની સરકાર બની તો દિલ્હીમાં દર મહિને ૨૫ હજારનું નુકસાન : કેજરીવાલ
દિલ્હી વિધાનસભાની ચૂંટણીના પ્રચારના છેલ્લા કલાકો ચાલી રહ્યા છે ત્યારે કોંગ્રેસ, ભાજપ અને આપ એક બીજા પર આક્રમક પ્રહારો કરી રહ્યા છે. લઘુમતિ અને દલિતોના મત કોંગ્રેસ અને આપ વચ્ચે વહેચાશે એનો ફાયદો ભાજપ લઈ શકે એમ છે. આપ માટે અરવિંદ કેજરીવાલ એકલે હાથે મજબુતીથી પ્રચાર કરી રહ્યા છે. કેજરીવાલે એક સભામાં કહ્યું કે, 'કેટલાક દિવસો પહેલા મારી મુલાકાત ભાજપના એક કટ્ટર સમર્થક સાથે થઈ હતી. એમણે મને પૂછ્યું હતું કે, અરવિંદજી તમે જો હારી જશો તો શું થશે? મેં એમને હસતા હસતા પૂછયું કે હું હારી જઈશ તો તમારું શું થશે? તમારા બાળકો સરકારી શાળામાં ભણવા જાય છે એમનું શું થશે? હું જો ચૂંટણી હારી ગયો તો દિલ્હીવાસીઓને મળતા મફત પાણી, વીજળી, આરોગ્ય સેવા વગેરે બંધ થઈ જશે અને આ બધી સેવાઓ માટે તમને દર મહિને ૨૫ હજાર રૂપિયાનો ખર્ચ કરવો પડશે.'
રાષ્ટ્રપતિના સંબોધનમાં જનતાની તકલીફનો ઉલ્લેખ નહોતો : કોંગ્રેસ
બજેટ સત્રની શરૂઆત પહેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સંસદને સંબોધન કર્યું હતું. આ સંબોધન બાબતનો વિવાદ હજી અટકી રહ્યો નથી. કોંગ્રેસે આ ભાષણને રાજનીતિક ભાષણ ગણાવ્યું છે.
કોંગ્રેસના કહેવા પ્રમાણે દેશનો સામાન્ય નાગરીક કેવી કપરી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે એનો કોઈ ઉલ્લેખ રાષ્ટ્રપતિએ કર્યો નથી. રાષ્ટ્રપતિએ ફક્ત સરકારના વખાણ જ કર્યે રાખ્યા હતા. કોંગ્રેસના સાંસદ શશી થરુરે કહ્યું છે કે 'રાષ્ટ્રપતિનું ભાષણ ખૂબ જ ચીલાચાલુ ભાષણ હતું. પોતાની સરકારના વખાણ કરવા એ એમનું કામ છે. એમણે એ જ કામ કર્યું છે. બેરોજગારીને કારણે આજે સામાન્ય માણસ અને મધ્યમ વર્ગના યુવાનો દુખી થઈ રહ્યા છે. શિક્ષીત યુવાનો પાસે પણ નોકરી નથી. આ બધી બાબતોનો ઉલ્લેખ રાષ્ટ્રપતિએ કર્યો નથી.'
મહાકુંભમાં દિલ્હીની વસ્તી કરતા નવ ગણા લોકોએ સ્નાન કર્યું
એમ લાગે છે કે મહાકુંભમાં આવનારા શ્રદ્ધાળુઓ સ્વચ્છતાના સંકલ્પનું પાલન કરી રહ્યા છે. અત્યાર સુધીમાં દિલ્હીની વસ્તી કરતા નવ ગણા એટલે કે ૩૧.૪૬ કરોડ શ્રદ્ધાળુઓ દેશ-દુનિયામાંથી મહાકુંભમાં ડુબકી મારવા આવી ગયા છે. આની સામે આટલા દિવસોમાં કુંભમેળાના વિસ્તારમાંથી ૬ હજાર મેટ્રીક ટન કચરો નિકળ્યો છે. પ્રયાગરાજ નગર નિગમના કહેવા પ્રમાણે અહીંયા દરરોજ ૩૦૦ અને ખાસ તહેવારો પર ૪૦૦ મેટ્રીક ટન કચરો જમા થાય છે. આ કચરાને ગુરપુર પ્લાન્ટ ખાતે મોકલવામાં આવે છે. દિલ્હીની વસ્તી લગભગ ૩.૪૬ કરોડ છે. એમસીડીના આંકડા પ્રમાણે દિલ્હીમાં દરરોજ ૧૧ હજાર મેટ્રીક ટન કચરો નિકળે છે. આ આંકડાઓનું વિશ્લેષણ કરતા જાણી શકાય કે મહાકુંભમાં આવનાર શ્રદ્ધાળુઓએ સ્વચ્છતા બાબતે જાગૃતિ રાખી છે.
'બંગાળમાં સરસ્વતી પૂજા રોકવાની કોશિશ ચલાવી લેવામાં નહીં આવે'
કોલકત્તાની એક કોલેજમાં સરસ્વતી પૂજાના આયોજન બાબતે વિદ્યાર્થીઓના બે જૂથ વચ્ચે મોટો વિવાદ થયો છે. આ વિવાદને કારણે રાજ્યભરમાં રાજકારણીઓએ આરોપ - પ્રત્યારોપ કરવાનું શરૂ કરી દીધું છે. આ વિવાદની વચ્ચે પશ્ચિમ બંગાળ વિધાનસભાના અધ્યક્ષ બીમાન બેનર્જીએ કડક ચેતવણી આપી છે. બીમાન બેનર્જીએ કહ્યું છે કે કોઈપણ સંજોગોમાં સરસ્વતી પૂજા રોકવાની કોશિષ ચલાવી લેવામાં નહીં આવે. કોલેજ કેમ્પસમાં આગલા વર્ષોની જેમ સરસ્વતી પૂજા થશે જ. એક કોલેજના વિદ્યાર્થીઓએ ફરિયાદ કરી હતી કે બહારથી આવેલા કેટલાક તત્વોએ એમને પૂજા કરતા રોકવાની કોશિષ કરી હતી. ત્યાર પછી આ વિદ્યાર્થીઓએ કોલેજ કેમ્પસમાં અલગ પંડાલ બનાવીને પૂજા કરવાની કોશિષ કરી હતી.
સરકાર એક દેશ, એક ચૂંટણી બાબતે પૂર્વ ન્યાયાધીશોનો મત લેશે
દેશમાં વિધાનસભા અને લોકસભાની ચૂંટણીઓ એક સાથે કરવાના બિલ બાબતે વિચારણા કરતી સંસદીય સમિતિએ હવે જવાબદારીમાંથી છટકવા માટે ભૂતપૂર્વ ન્યાયાધીશો અને ચૂંટણી કમિશનરનો અભિપ્રાય લેવાનું નક્કી કર્યું છે. શરૂઆતમાં ભાજપ સરકારે ખૂબ જ ઉત્સાહભેર જાહેરાત કરી દીધી હતી કે, હવે દેશમાં તમામ ચૂંટણીઓ એક સાથે થશે. જોકે ત્યાર બાદ જમીની હકીકત બાબતે જાણ થતા સરકારે પારોઠના પગલા ભર્યા હતા. હવે બંધારણના નિષ્ણાતો, સુરક્ષા એજન્સીઓ, કેટલાક સરકારી વિભાગો, મીડિયા સંગઠન, બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયાથી માંડીને ચેમ્બર ઓફ કોમર્સ સહીતની સંસ્થાઓના અભિપ્રાય લઈને આખુ બિલ અભરાઈ પર ચઢાવી દેવાની કોશિષ થઈ રહી છે.
સંસદના બજેટ સત્રમાં વિપક્ષો સરકારને કયા મુદ્દે ઘેરશે
બજેટ સત્રમાં ભારે ધાંધલ ધમાલ થવાની શક્યતા છે. રાષ્ટ્રપતિ મૂર્મૂને સોનિયા ગાંધીએ 'પુઅર થીંગ' કહેવાથી ભાજપને વિવાદ શરૂ કરવાનો મોકો મળી ગયો. સોનિયા ગાંધીની આ ટિપ્પણીને ભાજપ આદિવાસી મહિલાનું અપમાન ગણાવે છે. જોકે વિરોધ પક્ષો પાસે પણ પૂરતો દારૂગોળો છે. કુંભમાં થયેલી ભાગદોડને કારણે થયેલા મૃત્યુ બાબતે સમાજવાદી પક્ષ સરકારને ઘેરશે. આજ સત્રમાં કેન્દ્ર સરકાર વક્ફ બોર્ડ સુધારા બિલ પણ લાવી રહી છે. આ બાબતે તમામ વિરોધ પક્ષો મુસ્લિમ મતદારોને સાચવવા માટે સંસદમાં હંગામો કરી શકે એમ છે. કોંગ્રેસના નેતા સુપ્રિયા શ્રીનેતે રૂપિયાની ઘટતી કિંમત બાબતે નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો ચાલું કરી દીધા છે. વધતી મોઘવારી બાબતે પણ સંસદમાં શોરબકોર થાય એવી પૂરી શક્યતા છે.
વકફ બિલ રોકવા મહેબૂબાએ નીતિશ-નાયડુને પત્ર લખ્યો
બજેટ સત્રમાં વકફ બિલ પાસ કરવાની સરકારની ગણતરી છે. વકફ અંગે બનેલી જોઈન્ટ પાર્લામેન્ટ કમિટી (જેપીસી)એ સ્પીકરને રિપોર્ટ આપી દીધો છે અને એમાં સુધારા સૂચવ્યા છે. આ બિલને પસાર થતું અટકાવવા માટે મહેબૂબા મુફ્તિએ નીતિશ કુમાર અને ચંદ્રાબાબુ નાયડુને પત્ર લખ્યો છે. નીતિશ-નાયડુ અત્યારે એનડીએ ગઠબંધનનો હિસ્સો છે. પરંતુ તેમની મુસ્લિમ વોટબેંકને ધ્યાનમાં રાખીને મહેબૂબાએ એ વ્યૂહ અજમાવ્યો છે. નીતિશ કુમાર અને ચંદ્રાબાબુ નાયડુએ મહેબૂબાને કોઈ વળતો જવાબ આપ્યો નથી. વકફ બિલના મુદ્દે નીતિશ કુમાર અને ચંદ્રાબાબુ નાયડુએ હજુ સુધી તેમનું સ્પષ્ટ વલણ બતાવ્યું નથી. કદાચ બિલ પસાર કરવાની તજવીજ શરૂ થાય પછી આ બંને પોતાના પાસા ફેંકશે.
રાજસ્થાનમાં મંત્રી કિરોડીલાલનો મુદ્દો ભાજપ માટે ગળાની ફાંસ બન્યો
રાજસ્થાનમાં મંત્રી કિરોડીલાલ મીણા કેટલાય સમયથી નારાજ છે. તેઓ વિધાનસભામાં રજા પર છે, પરંતુ વિધાનસભાની બહાર એક નિવેદન આપતા તેમણે પોતાની જ સરકારને ભેળસેળના મુદ્દે ઘેરી હતી. તેમણે કહ્યું કે બધી બાબતોમાં ભેળસેળ થઈ રહી છે તે ગંભીર બાબત છે.
પોતાનું અપમાન થઈ રહ્યું છે એવુંય તેમણે કહ્યું. મુખ્યમંત્રી ભજનલાલ શર્મા પર કટાક્ષ કરતા તેમણે કહ્યું કે હા જી હાના દરબારમાં જે ના પાડે છે એનો મરો થાય છે. મારી હા કહેવાની આદત નથી. હું સત્ય કહું છું.
દિલ્હીની ચૂંટણીમાં કનૈયા કુમારને પ્રચારની ખાસ જવાબદારી નથી મળી
લોકસભાની ચૂંટણી વખતે ઉત્તર-પૂર્વની બેઠક પરથી કોંગ્રેસે કનૈયાકુમારને ટિકિટ આપી હતી. ભાજપના સાંસદ મનોજ તિવારી સામે કનૈયાને હારનો સામનો કરવો પડયો હતો. કનૈયાને ટિકિટ મળી તેનાથી કોંગ્રેસના ઘણાં સિનિયર નેતાઓ નારાજ હતા. તેમણે ચૂંટણી પછી નારાજગી વ્યક્ત કરી હતી. કનૈયાકુમાર ખુદ કોંગ્રેસના સ્થાનિક કાર્યકરોની નિરસતાથી ખફા હતા. હવે વિધાનસભાની ચૂંટણીમાં સિનિયર કોંગ્રેસના નેતાઓ કનૈયાને દૂર રાખવા ઈચ્છતા હતા એટલે કનૈયા કુમારને જોઈએ એવી પ્રચારની જવાબદારી સોંપવામાં આવી નથી. લોકસભાની ચૂંટણી વખતે કનૈયા કુમારને ચાર વિધાનસભાની બેઠક પરથી લીડ મળી હતી, તેમ છતાં કનૈયાને દૂર રાખવાનું ગણિત કોંગ્રેસના જ ઘણાં યુવા નેતાઓને સમજાતું નથી.
મિલ્કીપુરની પેટાચૂંટણીમાં ભાજપના 40 ધારાસભ્યો પ્રચારમાં ઉતર્યા
પેટાચૂંટણીઓમાં ધુંવાધાર પ્રચાર થતો નથી હોતો. સામાન્ય રીતે પેટાચૂંટણીમાં સ્થાનિક ઉમેદવારો જ આંતરિક પ્રચાર કરતા હોય છે. પ્રદેશ કક્ષાના નેતાઓ પેટાચૂંટણીના પ્રચારમાં ઉતરતા નથી, સિવાય કે વધુ બેઠકો હોય તો પ્રદેશ સ્તરાન નેતાઓ પ્રચાર કરે છે. જો એકલ-દોકલ બેઠક હોય તો ચૂંટણી પ્રચારમાં હોહા થતી નથી, પરંતુ યુપીની મિલ્કીપુરની બેઠક ભાજપ અને સપા બંને માટે પ્રતિષ્ઠાનો જંગ બની છે એટલે આક્રમક પ્રચાર ચાલી રહ્યો છે. ભાજપે મંત્રીઓ સહિત ૪૦ ધારાસભ્યોને પ્રચારના મેદાનમાં ઉતારી દીધા છે. સપાએ પણ એવો જ આક્રમક પ્રચાર કર્યો છે. ડિમ્પલ યાદવની રેલીમાં મોટી સંખ્યામાં લોકો ઉમટયા હતા અને સાત કિલોમીટર સુધી ટ્રાફિક જામ થઈ ગયો હતો.