દિલ્હીની વાત: પ્રિયંકાનો પુત્ર રેહાન રાજકારણમાં આવશે ?
નવીદિલ્હી : મધ્ય પ્રદેશમાં રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં તેમનો ભાણિયો રેહાન પણ જોડાતાં રેહાન રાજકારણમાં આવશે એવી અટકળો શરૂ થઈ છે. પ્રિયંકા ગાંધીના પુત્ર રેહાન વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફર છે અને લાઈમ લાઈટમાં નથી. હવે અચાનક કેટલાય દિવસથી તે યાત્રામાં રાહુલની સાથે જ ચાલી રહ્યો છે.
પ્રિયંકા પહેલી વાર આ યાત્રામાં જોડાયાં ત્યારે તેમના પતિ રોબર્ટ વાડરા અને પુત્ર રેહાન પણ જોડાયા હતા. પ્રિયંકા અને વાડરા એ પછી જતા રહ્યા પણ રેહાન હજુ યાત્રામાં જ છે. રેહાન રાહુલની જેમ લોકોનું અભિવાદન ઝીલીને લોકો સાથે ફોટા પડાવે છે તેથી તે પણ રાજકારણમાં આવશે એવું મનાય છે. કોંગ્રેસના નેતા આ અટકળોને નકારતા નથી. રાહુલ ગાંધીએ લગ્ન કર્યાં નથી તેથી નહેરૂ-ગાંધી ખાનદાનનો રાજકીય વારસો સાચવવા રેહાન આગળ આવશે એવું તેમનું માનવું છે.
જો કે કોંગ્રેસના પ્રવક્તા જયરામ રમેશે કહ્યું કે, આ વાતને રાજકારણના ચશ્માથી જોવાની જરૂર નથી. રાહુલ ગાંધી થોડા સમયથી પરિવારથી દૂર છે તેથી પરિવાર તેને મળવા આવ્યો હતો.
આર્થિક વિકાસ દર ઘટતાં સરકાર ચિંતામાં
ચાલુ નાણાંકીય વર્ષ ૨૦૨૨-૨૩ના જુલાઇથી સપ્ટેમ્બરના ત્રિમાસિક ગાળામાં જીડીપ વિકાસ દર ૬.૩ ટકા નોંધાતાં સરકાર ચિંતામાં છે. ચીને આ ક્વાર્ટરમાં માત્ર ૩.૯ ટકાનો જીડીપી વિકાસ દર નોંધાવ્યો છે તેથી ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર છે પણ મોદી સરકારે ધારણા રાખી હતી એવો વિકાસ દર નોંધાયો નથી.
ગયા વર્ષે આ જ ત્રિમાસિક ગાળામાં આર્થિક વિકાસ દર ૮.૪ ટકા હતો. ચાલુ નાણાંકીય વર્ષના એપ્રિલથી જૂનના પ્રથમ ત્રિમાસિક ગાળાના ૧૩.૫ ટકા વિકાસ દર હતો. બીજા ક્વાર્ટરમાં તેના કરતાં અડધો વિકાસ દર થઈ ગયો છે. જીડીપીમાં ઘટાડાનું મુખ્ય કારણ માઇનિંગ અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રનો નકારાત્મક વૃધ્ધિ દર છે. તેના કારણે પણ સરકારની ચિંતા વધી છે કેમ કે મોદી સરકાર મેન્યુફેક્ચરિંગ સેક્ટર પર મોટી આશા રાખીને બેઠી હતી.
આર્થિક નિષ્ણાતોના મતે, ભારતમાં મેન્યુફેક્ચરિંગ સેક્ટર પહેલેથી માથાનો દુઃખાવો છે. અત્યારે તો વૈશ્વિક સ્તરે માંગ ઘટી છે તેના કારણે હવે પછીના ક્વાર્ટરમા પણ તેની અસર વર્તાશે એવું લાગે છે.
સિસોદિયાએ કૌભાંડ કરવા 11 ફોન બદલેલા ?
દિલ્હી એક્સાઈઝ પોલિસી કૌભાંડના પુરાવાનો નાશ કરવા બિઝનેસમેન અમિત અરોડા અને મનિષ સિસોદિયાએ ૧૧ મોબાઇલ ફોનનો ઉપયોગ કર્યો હોવાનો ઈડીએ દાવો કર્યો છે. આ બધા ફોન કૌભાંડના ગાળામાં ઉપયોગમાં લીધા પછી ફેંકી દેવાયા હતા. આ ફોનની કિંમત લગભગ ૧.૩૫ કરોડ રૂપિયા હતી. શરાબના ઘણા વેપારી અને ઘણા વરિષ્ઠ અધિકારીઓએ પણ પોતાના ફોન બદલ્યા હતા.
કાનૂની નિષ્ણાતોના મતે, ઈડીનો દાવો ચોંકાવનારો છે પણ આ અંગેના કોઈ પુરાવા રજૂ કરાયા નથી. સિસોદિયા સામે ઈડી આક્ષેપ પર આક્ષેપ કર્યા કરે છે પણ તેમને આરોપી સુધ્ધાં બનાવાયા નથી એ જોતાં ઈડીની વાત પર કેટલો વિશ્વાસ મૂકી શકાય એ પણ સવાલ છે.
ગુરુગ્રામમાં આવેલી બડી રિટેલ કંપનીના અમિત અરોડાની મંગળવારે ઇડીએ ધરપકડ કરી હતી. અરોડા સિસોદિયાની નજીક મનાય છે. સીબીઆઈના ચાર્જશીટમાં દાવો કરાયો છે કે અમિત અરોડા અને અન્ય બે આરોપી દિનેશ અરોડા અને અર્જૂન પાંડે મનિષ સિસોદિયા માટે નાણાં ઉઘરાવતા હતા. અરોડાએ લાંચ દ્વારા લગભગ ૨.૫ કરોડ રૂપિયા ભેગા કર્યા હતા.
એમસીડીની ચૂંટણીમાં અંગત આક્ષેપોની બોલબાલા
દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (એમસીડી)ની ચૂંટણીના મતદાન આડે બે દિવસ જ બાકી છે ત્યારે ભાજપ અને આમ આદમી પાર્ટી પૂરી તાકાતથી મચી પડયાં છે. બંને પક્ષના નેતા એકબીજાને ગાળો દેવામાં કોઈ કસર છોડી રહ્યાં નથી.
દિલ્હીમાં ઘણી બધી સમસ્યાઓ છે અને આ પૈકીની મોટા ભાગની સમસ્યાએઓ કોર્પોરેશન સાથે સંકળાયેલી છે પણ એ મુદ્દા કોઈ ઉઠાવતું જ નથી. તેના બદલે આખો પ્રચાર અંગત આક્ષેપબાજી પર જ કેન્દ્રિત થઈ ગયો છે. પ્રજાના પ્રશ્નોની વાત જ થતી નથી.
ભાજપના નેતા આપના નેતાઓ માટે ધોખારત્ન અને કટ્ટર બેઈમાન જેવા શબ્દો વાપરી રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટીએ ભાજપને વીડિયો-મેકિંગ કંપની જાહેર કરી દીધી છે. ભાજપ તિહાર જેલમાં બંધ કેજરીવાલ સરકારના મંત્રી સત્યેન્દ્ર જેનના એક પછી એક વીડિયો બહાર પાડી રહ્યો છે એ મુદ્દે કેજરીવાલે કટાક્ષ કર્યો છે. આપનું કહેવું છે કે, દિલ્હીમાં લોકોએ ભાજપની રાજકીય દુકાન સાવ બંધ કરી દીધી છે તેથી હવે ભાજપે વીડિયો બનાવવાનો ધંધો કરવા સિવાય આરો નથી.
માનના ઘરની બહાર મજૂરોની જોરદાર ધોલાઈ
પંજાબમાં મુખ્યમંત્રી ભગવંત માનના સંગરૂરના ઘરે હલ્લાબોલ કરનારા કમદારો પર પોલીસે લાઠીચાર્જ કરતાં વિવાદ સર્જાયો છે. ભારતીય ખેત મજદૂર યુનિયનની આગેવાનીમાં પ્રદર્શન કરી રહેલા મજૂરોને પોલીસે દોડાવી દોડાવીને માર્યા હોવાના વીડિયો વાયરલ થયા છે. લાઠીચાર્જમાં કેટલાક મજૂરો ઘાયલ થતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડયા હતા.
લાઠીચાર્જના કારણે વિપક્ષોએ માન સરકારને અત્યાચારી ગણાવી છે. આપનો દાવો છે કે, વિપક્ષોએ પોતાના માણસોને ઘૂસાડીને તોફાન કરાવ્યું છે.
પંજાબભરના વિવિધ ટ્રેડ યુનિયનના કાર્યકરો સંગરુરના બાયપાસ પર એકઠા થયા હતા અને પછી ભગવંત માનના નિવાસસ્થાન તરફ આગળ વધ્યા હતા. સંગઠનોએ પહેલાંથી માનના ઘર તરફ કૂચનું એલાન આપેલું હોવાથી પોલીસે સવારથી જ ભારે બંદોબસ્ત ગોઠવી દીધો હતો.
પંજાબ સરકાર અને માન વિરોધી સૂત્રોચ્ચારો સાથે આગળ વધી રહેલા મજૂરોને પોલીસે નિવાસસ્થાનથી એક કિલોમીટર પહેલાં રોકી દીધા હતા. મજૂરોએ આડશો કૂદીને આગળ વધવાનો પ્રયાસ કરતાં થયેલા ઘર્ષણમાં પોલીસે લાઠીચાર્જ કર્યો હતો.મજદૂર સંગઠનો ઘર બનાવવા માટે પ્લોટ અને કાયમી રોજગાર માગી રહ્યા છે.
બિલકિસ બાનોએ ઉઠાવેલા બંને મુદ્દામાં દમ
બિલકિસ બાનો સામૂહિક બળાત્કાર કેસના દોષિતોની મુક્તિ સામે બિલકિસ બાનોએ સુપ્રીમ કોર્ટમાં બે અરજી કરતાં આ કેસમા નવો વળાંક આવ્યો છે. બાનોએ પહેલી અરજી ૧૧ દોષિતોની મુક્તિ વિરૂધ્ધ અને બીજી અરજી સુપ્રીમ કોર્ટે આપેલા આદેશ અંગે ફેરવિચારણાની છે.
સુપ્રીમ કોર્ટે મે મહિનામાં આદેશ આપ્યો હતો કે, દોષિતોને મુક્ત કરવા અંગેનો નિર્ણય ગુજરાત સરકાર લેશે. બિલ્કીસે એવો મુદ્દો ઉઠાવ્યો છે કે, મહારાષ્ટ્રમાં કેસની સુનાવણી ચાલી હતી ત્યારે ગુજરાત સરકાર કેવી રીતે નિર્ણય લઈ શકે ? આ કેસમાં દોષિતોની મુક્તિ સામે પહેલાં જ અરજી થઈ ચૂકી છે. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડે કહ્યું છે કે આ કેસમાં દાખલ તમામ પિટીશન પર ઝડપથી સુનાવણી કરાશે.
કાનૂની નિષ્ણાતોનું માનવું છે કે, બિલકિસ બાનોઓ ઉઠાવેલા બંને મુદ્દામાં દમ છે તેથી સરકાર ભીંસમાં આવશે. બળાત્કાર અને હત્યાના દોષિતોને મુક્ત કરવાનો નિર્ણય આઘાતજનક છે જ. ગુજરાત સરકારે કાયદા પ્રમાણે નિર્ણય લીધો કે નહીં એ મુદ્દો મહત્વનો નથી પણ ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લેવી જરૂરી છે.
***
રાહુલના આગમન પહેલા કકળાટને ઠારવાની કોશિશ
રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા લઇને ૪ ડિસેમ્બરે રાજસ્થાનમાં આવશે. એમના આગમન પહેલા પક્ષમાં ચાલતી યાદવાસ્થળીને શાંત કરવા કોંગ્રેસ ભરચક પ્રયાસો કરી રહી છે. મુખ્યમંત્રી અશોક ગેહલોત અને પક્ષના વરિષ્ઠ નેતા સચિન પાયલોટના લીધે ઊભા થયેલા કંકાસને ઠારવા સહુ કોઇને વિવાદિત નિવેદન નહિ કરવા માટે ચેતવણી આપતા જણાવાયું છે કે એમ કરનારને ૨૪ કલાકમાં પક્ષની બહાર ફેંકી દેવાશે. પક્ષના મહામંત્રી કે.સી. વેણુગોપાલે બંને અગ્રણીઓ સાથે અલગ-અલગ બેઠકો યોજી છે.
રાજસ્થાન ભાજપના જૂના જોગીઓની ઘરવાપસી
જયાં આવતા વર્ષે રાજ્ય વિધાનસભા ચૂંટણી યોજાવાની છે એ રાજસ્થાનમાં જૂના નેતાઓની ઘરવાપસી માટે ભાજપમાં લાલ જાજમ બિછાવાઇ રહી છે. જોકે રાજસ્થાન પ્રદેશ એકમના પ્રમુખ સતીશ પૂણિઆ સાથે મતભેદો ધરાવતા પૂર્વ મુખ્યમંત્રી વસુંધરારાજે સિંધિયાના વફાદાર સાથીઓને વાપસીનો લાભ મળી રહ્યો નથી. બિકાનેરના ચુરૂ જિલ્લામાં આવેલા સરદારશહર વિધાનસભા બેઠક પર આગામી ૫ ડિસેમ્બરે પેટા ચૂંટણી યોજાઇ રહી છે. અહીંના કોંગ્રેસી ધારાસભ્ય ભંવરલાલ શર્માનું ઓક્ટોબરમાં નિધન થતાં આ ચૂંટણી યોજાઇ રહી છે. ગયા સપ્તાહે સતીશ પૂણિઆ અને રાજસ્થાનના પ્રદેશ ભાજપના ઇન-ચાર્જ અરૂણ સિંઘની ઉપસ્થિતિમાં બે કોંગ્રેસી નેતાઓ રાજકુમાર રિન્વા અને જયદીપ દુડિએ કેસરિયો ખેસ પહેર્યો.
કોલેજિયમ પધ્ધતિ: સરકાર વિ.ન્યાયતંત્રનો ઝઘડો ચાલુ
કેન્દ્રીય કાયદામંત્રી કિરણ રિજિજુએ દેશમાં ન્યાયમૂર્તિઓની નિમણૂંકમાં અગ્ર ભૂમિકા ભજવતી કોલેજિયમ પધ્ધતિને તાજેતરમાં જબરદસ્તપણે વખોડી છે ત્યારે દેશના મુખ્ય ન્યાયમૂર્તિ ધનંજય ચંદ્રચૂડે એનો મજબૂત બચાવ કર્યો છે. સુપ્રીમ કોર્ટના સહુથી વધુ વરિષ્ઠ એવા પાંચ ન્યાયમૂર્તિઓની બનેલી કોલેજિયમની બેઠક સંભવતઃ આગામી સપ્તાહે યોજાવાની છે. કોલેજિયમે જેની ભલામણ કરી છે એ ન્યાયમૂર્તિઓને આઘા રાખવાની સરકારની પ્રયુક્તિઓની કોર્ટે ટીકા કરી એ પછી ન્યાયમૂર્તિઓની અટકી પડેલી નિમણુંક બાબત તંગદિલીનો ચરૂ ઉકળી રહ્યો હોવાનું જણાય છે.
દિલ્હીને ટ્રાફિકના પ્રશ્નોથી મુક્ત કરવા ગડકરીની હિમાયત
કેન્દ્રના માર્ગ પરિવહન અને હાઇવે મંત્રી નીતિન ગડકરીએ દિલ્હી મહાનગરપાલિકાની ટૂંકમાં યોજાનારી ચૂંટણીના પ્રચાર માટે દિલ્હીના લાજપતનગરમો બુધવારે યોજાયેલી રેલીમાં ટ્રાફિકની સમસ્યાઓ અને પ્રદૂષણથી મુક્ત એવા દિલ્હીની હિમાયત કરી. ભાજપ ૨૦૦૭ થી જયાં સત્તામાં છે એ દિલ્હી મહાનગરપાલિકામાં સત્તા જાળવી રાખવાની કોશિશરૂપે પક્ષે એના દિગ્ગજ નેતાઓને પ્રચારના મેદાનમાં ઉતાર્યા છે, જેમાં પુષ્કરસિંઘ ધામી (ઉત્તરાખંડ), જયરામ ઠાકુર (હિમાચલ પ્રદેશ) અને મનોહરલાલ ખટ્ટર (હરિયાણા) નો સમાવેશ થાય છે, જેઓ પાટનગરના વિવિધ વોર્ડોમાં રોડ શો અને રેલી યોજી રહ્યા છે.
મહિલાઓના શાબ્દિક યુદ્ધથી રાજ્યોનું રાજકારણ ગરમાયું
તેલંગાણા રાષ્ટ્રીય સમિતિના વિધાનપરિષદના સભ્ય કલવાકુંતલા કવિતાએ બુધવારે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાય.એસ. જગનમોહન રેડ્ડીના બહેન વાય.એસ. શર્મિલાને ભાજપના છૂપા ચહેરા તરીકે ઓળખાવ્યાં એ અગાઉ મંગળવારે શર્મિલા બેઠા હતાં એ કારને હૈદરાબાદ પોલીસે રોડ પરથી ઉઠાવી લીધી તેલંગાણાના રાજ્યપાલ ડૉ. તામિલિસાઇ સૌંદરારાજન અને વરિષ્ઠ ભાજપ- જનોએ આ બનાવમાં શર્મિલાનો પક્ષ લીધો. એ પછી મૂળભૂતપણે આંધ્રપ્રદેશના વાય.એસ. શર્મિલા તેલંગાણામાં સ્થળાંતરિત થયાં. તેલંગાણાના રાજ્યપાલ ડૉ. તામિલિસાઇ સૌંદરારાજને શર્મિલા અને હૈદરાબાદ પોલીસને સાંકળતા ઉપરોક્ત કારવાળા બનાવના વિઝ્યુઅલ જોઇને નિવેદન કર્યું કે સત્તાવાળાઓએ રાજકારણના મતભેદોને અભેરાઇએ ચઢાવી દઇને, મહિલાનેતાઓ સાથે વધુ શાલીનતાપૂર્વક અને સન્માનજનક રીતે વર્તવું જોઇએ. વરિષ્ઠ ભાજપ નેતા જી. કિશન રેડ્ડી એ પણ આ મુદ્દે તેલંગાણાની ટીઆરએસ સરકારને ઝાટકી.
હરિયાણાની દીકરીઓ સ્ત્રી સશક્તિકરણનું શ્રેષ્ઠ દ્રષ્ટાંત
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ બુધવારે જણાવ્યું કે હરિયાણાએ બાળકીઓની શક્ય શ્રેષ્ઠ કાળજી રાખવા ઉપરાંત સમગ્ર દેશ માટે સ્ત્રી સશક્તિકરણનો એક સારો દાખલો બેસાડયો છે. હરિયાણાનો બે દિવસીય પ્રવાસ ખેડી રહેલાં રાષ્ટ્રપતિએ જણાવ્યું કે મહિલામાત્ર શક્તિનું મૂર્ત સ્વરૂપ છે. પ્રત્યેક પરિવારે મહિલાને બધા મોરચે પ્રગતિ કરવામાં મદદ પૂરી પાડવી જોઇએ હરિયાણાની પુત્રીઓએ જે રીતે ખેલકૂદક્ષેત્રે એમના કુટુંબો અને રાજ્યનું નામ વૈશ્વિક સ્તરે રોશન કર્યું છે એ સ્ત્રી સશક્તિકરણના શ્રેષ્ઠ ઉદાહરણોમાંનું એક છે.
- ઇન્દર સાહની