Get The App

દિલ્હીની વાત : દિલ્હી-એનસીઆરમાં ઠેર-ઠેર પાણી ભરાતા જનજીવન ઠપ

Updated: Aug 2nd, 2024


Google NewsGoogle News
દિલ્હીની વાત : દિલ્હી-એનસીઆરમાં ઠેર-ઠેર પાણી ભરાતા જનજીવન ઠપ 1 - image


નવી દિલ્હી : ભારે વરસાદને કારણે દિલ્હી-એનસીઆરના મોટા ભાગના રસ્તાઓ પર પાણી ભરાઈ ગયું છે અને લોકો પરેશાન થઈ રહ્યા છે. દરેક અંડરપાસ નીચે પાણી ભરાઈ ગયું છે. કેટલાક રસ્તાઓ તો કલાકોથી બંધ છે. ટ્રાફિક જામને કારણે દિલ્હી પોલીસે એક સૂચના જાહેર કરી છે. દિલ્હીના મંડી હાઉસથી આઇટીઓ તરફ જનારા રસ્તા પર કલાકો સુધી ટ્રાફિક જામ થયો હતો. આઇટીઓના અંડરપાસની નીચે બે ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા છે. આવનારા ૨૪ કલાકમાં પણ દિલ્હીમાં ભારે વરસાદની આગાહી છે. પાણીના ભરાવાના વીડિયો દિલ્હીમાં વાયરલ થઈ રહ્યા છે. સંસદભવન નજીક આવેલા મકરદ્વાર પાસે પણ દોઢથી બે ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા છે. 

બેઝમેન્ટમાં લાયબ્રેરી અને ટયૂશન આપનારા કોચિંગ કલાસો સીલ થશે

દિલ્હીના ઉપરાજ્યપાલ વી. કે. સક્સેનાએ એક ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી હતી. આ બેઠકમાં દિલ્હીના મુખ્ય સચીવની અધ્યક્ષતામાં એક સમીતી બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ૧૫ દિવસ પછી ઉપરાજ્યપાલ ફરીથી સમીતીએ કરેલી કામગીરીની સમીક્ષા કરશે. દિલ્હીમાં બેઝમેન્ટમાં ચલાવવામાં આવતી લાયબ્રેરીઓ તેમ જ ટયુશન કલાસોને સીલ કરવામાં આવશે. 

ઉત્તરાખંડમાં વરસાદ, ભૂસ્ખલન : ચારધામ યાત્રા તકલીફમાં

ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે ખૂબ નુકસાન થયું છે. વાદળ ફાટવાથી ચારધામ યાત્રા અટકાવી દેવામાં આવી છે. ગંગોત્રી હાઇવે પર ડુંગર પરની માટી ધસી જવાને કારણે હજારો કાવડિયાઓ ફસાઈ ગયા છે. કાદવ હટાવવાની કામગીરી માટે ફક્ત એક જેસીબી મશીન છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે સત્તાધિશોની બેકાળજીને લીધે આમ થયું છે. પ્રાણમતી નદી પર બનાવવામાં આવેલો પુલ પાણીના પ્રવાહમાં તણાઈ ગયો છે. 

દેવેન્દ્ર ફડણવીસ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બની તેવી અટકળો

મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ બની શકે છે. દિલ્હીમાં થતી ચર્ચા પ્રમાણે અધ્યક્ષપદની રેસમાં દેવેન્દ્ર ફડણવીસનું નામ સૌથી આગળ છે. ફડણવીસ ઉપરાંત ભૂપેન્દ્ર યાદવ અને ધર્મેન્દ્ર યાદવના નામ પણ અધ્યક્ષપદ માટે ચર્ચાય રહ્યા છે. લોકસભાની ચૂંટણીમાં મહારાષ્ટ્રની બેઠકો પર ભાજપનો દેખાવ નબળો રહ્યા પછી ફડણવીસ સરકાર છોડીને સંગઠનમાં કામ કરવા માંગતા હતા. ભાજપ હાઇકમાન્ડે તે વખતે એમનું રાજીનામું સ્વીકાર્યું નહોતું. રાષ્ટ્રીય પ્રમુખ જે પી નડ્ડા મોદી ૩.૦ સરકારમાં આરોગ્ય મંત્રી છે. જે પી નડ્ડાની જગ્યાએ ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ કોણ બનશે એની ચર્ચા ઘણા સમયથી થઈ રહી છે. ફડણવીસ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત પછી દિલ્હીમાં ચર્ચાય રહ્યું છે કે આરએસએસનો ટેકો પણ દેવેન્દ્ર ફડણવીસને હોવાથી નડ્ડાનું સ્થાન ફડણવીસ લેશે.

ઉદ્ધવ ઠાકરેની દેવેન્દ્ર ફડણવીસને ચેલેન્જ

મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખે કહ્યું હતું કે, ભાજપ સરકાર તેમ જ દેવેન્દ્ર ફડણવીસ ઉદ્ધવ ઠાકરે અને એમના પૂત્ર આદિત્ય ઠાકરેને જેલમાં મોકલવા માટે કાવતરા કરી રહ્યા છે. હવે મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ચેલેન્જ કરતા કહ્યું છે કે, આવનાર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના પ્રચાર માટે મહારાષ્ટ્ર આવીને બતાવે. ઉદ્ધવે દેવેન્દ્ર ફડણવીસ પર પણ આક્ષેપ કર્યો છે કે તેઓ એમની વિરૂદ્ધ કાવતરા ઘડી રહ્યા છે. ઉદ્ધવના કહેવા પ્રમાણે રાજકારણમાં ક્યાં તેઓ રહેશે ક્યાં દેવેન્દ્ર ફડણવીસ.

ધર્મેન્દ્ર યાદવે અનુરાગ ઠાકુરને કહ્યું : રાહુલ ગાંધીની માફી માંગે

લોકસભામાં ભાજપના સાંસદ અનુરાગ ઠાકુરે રાહુલ ગાંધીની જાતિ વિશે ટિપ્પણી કરી ત્યાર પછી મોટો વિવાદ થયો છે. ભાજપના કેટલાક નેતાઓ પણ અનુરાગ ઠાકુરથી નારાજ છે. તેઓ માની રહ્યા છે કે, અનુરાગ ઠાકુરના નિવેદનને કારણે વળતો હુમલો કરવા માટે રાહુલ ગાંધીને કારણ મળી ગયું છે. હવે સમાજવાદી પક્ષના આઝમગઢથી ચૂંટાયેલા સાંસદ ધર્મેન્દ્ર યાદવે પણ કહ્યું છે કે, અનુરાગ ઠાકુરે રાહુલ ગાંધી તેમ જ પછાત જાતિઓ માટે સંવેદનશીલતા રાખનાર નેતાઓનું અપમાન કર્યું છે. અનુરાગ ઠાકુર જો માફી નહી માંગે તો એમની સામે આંદોલન શરૂ કરવામાં આવશે.

વાયનાડની દૂર્ઘટના બાબતે વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી હતી

ગયા વર્ષે ઇસરોએ ભૂસ્ખલન થવાની શક્યતાવાળા દેશના ૧૪૭ જેટલા જિલ્લાઓ નક્કી કરવામાં આવ્યા છે. હિમાલયની આસપાસ આવેલા રાજ્યો ઉપરાંત ઉત્તરાખંડ પછી કેરળ બીજા નંબરે સૌથી સંવેદનશીલ ગણવામાં આવ્યું છે. ઇસરોના રીપોર્ટમાં ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગ અને ટીહરી સહિત ૧૩ જિલ્લાઓ ભૂસ્ખલનના જોખમ બાબતે સંવેદનશીલ છે. કેરળના ૧૪ જિલ્લાઓને પણ આ યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે. કેરળનો થ્રીસુર જિલ્લો ત્રીજા નંબરે, પાલાક્કાર્ડ જિલ્લો પાંચમાં નંબરે, માલપાપુરમ જિલ્લો સાતમાં નંબરે, કોઝીકોળા જિલ્લો ૧૦માં નંબરે અને વાયનાડ જિલ્લો ૧૩માં નંબરે જોખમી ગણવામાં આવ્યા છે. ઇસરોના વૈજ્ઞાનિકોએ તેમ જ પર્યાવરણવાદીઓએ કેરળની દુર્ઘટના બાબતે ચેતવણી આપી હતી, પરંતુ સરકારે એ ચેતવણી ધ્યાને લીધી નહોતી. 

ઓડિશામાં રાજ્યસભાના સમીકરણો બદલાશે

ઓડિશામાંથી બીજેડીના રાજ્યસભા સાંસદ મમતા મોહંતાએ અચાનક રાજીનામું આપી દીધું છે. રાજીનામું ઉપસભાપતિએ તુરંત સ્વીકારી પણ લીધું છે. મમતા મોહંતોને ૨૦૨૦માં બીજેડીએ સાંસદ બનાવ્યા હતા. તેમનો કાર્યકાળ ૨૦૨૬માં પૂરો થતો હતો, છતાં બે વર્ષ અગાઉ તેમણે રાજીનામું આપ્યું એટલે તેઓ ભાજપમાં જોડાશે એવી અટકળો ચાલી રહી છે. ઓડિશામાં રાજ્યસભાની ચૂંટણી થશે તો હવે ભાજપને વિજય મળશે. અત્યારે ઓડિશામાં રાજ્યસભાની ૧૦ બેઠકો છે. એમાંથી ભાજપના અશ્વિની વૈષ્ણવ સાંસદ છે. બાકીના ૯ બીજેડીના સાંસદો છે.

રાહુલ ગાંધી નારાજ હતા એટલે અધીરને સાઈડલાઈન કરાયા

અધીર રંજન ચૌધરીને કોંગ્રેસે બંગાળમાં સાઈડલાઈન કરી દીધા. અધીર રંજન લોકસભામાં કોંગ્રેસના નેતા હતા ને તે સિવાય બંગાળ કોંગ્રેસના પ્રમુખ પણ હતા. લોકસભામાં હાર્યા બાદ અધીરે કોંગ્રેસ હાઈકમાન્ડ પર સવાલો ઉઠાવ્યા હતા. તેમના માટે ટોચના નેતાઓએ પ્રચાર ન કર્યો તેનો મુદ્દો બનાવ્યો હતો. રાહુલ ગાંધી તે પહેલાં જ અધીર રંજનથી નારાજ હતા. અધીર રંજન આડેધડ નિવેદનો આપીને કોંગ્રેસને નુકસાન કરતા હતા. વળી, બંગાળમાં મમતા બેનર્જીને નિશાન બનાવતા હતા એટલે લોકસભામાં ટીએમસી-કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થયું ન હતું. આખરે અધીરને જાણ કર્યા વગર જ બંગાળ કોંગ્રસનું પદ તેમની પાસેથી લઈ લેવાયું હતું.

યુપીમાં યોગી અને મૌર્ય વચ્ચે પાવરગેમથી અધિકારીઓ પરેશાન

ઉત્તર પ્રદેશ ભાજપની સ્થિતિ અકળ બની ગઈ છે. એક દિવસ એવા અહેવાલો આવે કે સીએમ યોગી અને ડેપ્યૂટી સીએમ મૌર્ય વચ્ચે સૂલેહ થઈ ચૂકી છે. તો વળી બીજા દિવસે બધું બરાબર ન હોવાના દાવા થાય. યોગી વારંવાર કહે છે કે ઉત્તર પ્રદેશમાં ક્રાઈમ રેટ ઘટયો છે. બીજી તરફ કેશવ પ્રસાદ મૌર્યએ એક નિવેદનમાં કહ્યું હતું કે રાજ્યમાં ક્રાઈમ અને કરપ્શન વધતા પોલીસ અધિકારીઓ સાથે બેઠક કરી. મૌર્યએ ઉચ્ચ પોલીસ અધિકારીઓને બોલાવીને સૂચનાઓ આપી એ પછી યોગી-મૌર્ય વચ્ચે પાવરગેમની ચર્ચા જામી છે. બંને વચ્ચે પીસાઈ રહેલા અધિકારીઓ અંદરો અંદર ચર્ચા કરી રહ્યા છે કે વહેલી તકે સમાધાન થઈ જાય તો સારું છે.

એલર્ટ મુદ્દે કેરળ અને કેન્દ્રના સામા-સામા આરોપો

વાયનાડમાં ભૂસ્ખલનની ઘટના બાદ એક તરફ રાહત-બચાવ કામગીરી શરૂ છે. બીજી તરફ રાજ્ય અને કેન્દ્ર સરકાર વચ્ચે જામી પડી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દાવો કર્યો હતો કે કેરળમાં ભૂસ્ખલનની ઘટનાના કલાકો પહેલાં એલર્ટ અપાયો હતો. મોટાભાગના રાજ્યો આવી દુર્ઘટના અંગેની ચેતવણીને ગંભીરતાથી લે છે, પરંતુ કેરળ સરકારે ધ્યાન આપ્યું નહીં. તેની સામે કેરળના સીએમ પી. વિજયને કહ્યું હતું કે આ દાવો પાયાવિહોણો છે. કેન્દ્રએ માત્ર ઓરેન્જ એલર્ટ જારી કર્યો હતો. ઓરેન્જ એલર્ટ ગંભીર ખતરાની નિશાની નથી.

ટ્રમ્પે કમલા હેરિસનો ભારતીય મૂળનો મુદ્દો ઉઠાવ્યો

ચૂંટણી જીતવા માટે નેતાઓ અવનવા દાવ-પેચ કરતા રહે છે. આપી શકે એટલા બેફામ નિવેદનો આપતા રહે છે. ભારતમાં ચૂંટણી વખતે દરરોજ આડેધડ નિવેદનો આવે એની નવાઈ નથી. દુનિયાભરમાં પણ ઓછા વત્તા અંશે એવું થતું હોય છે. અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ આક્રમક પ્રચાર કરવા માટે જાણીતા છે. તેમની સામે ડેમોક્રેટિક પાર્ટીમાંથી સંભવત: કમલા હેરિસ ઉમેદવાર બને એવી શક્યતા છે ત્યારે ટ્રમ્પે કમલા હેરિસના વંશનો મુદ્દો ઉઠાવ્યો હતો. ટ્રમ્પે કહ્યું હતું કે કમલા હેરિસ તો ભારતીય મૂળનાં છે, હવે પોતાને અશ્વેત કેમ ગણાવે છે. ચૂંટણી જીતવા અશ્વેત બન્યા છે. ટ્રમ્પના આ નિવેદનથી ભારે હોબાળો થયો છે. ડેમોક્રેટિક પાર્ટીના નેતાઓએ ટ્રમ્પની ઝાટકણી કાઢી છે.

-ઈન્દર સાહની


Google NewsGoogle News