દિલ્હીની વાત : પીએમઓમાંથી વધુ એક અધિકારીનું રાજીનામું
નવી દિલ્હી : નરેન્દ્ર મોદીના વધુ એક સલાહકાર અમરજીત સિંહાએ રાજીનામું ધરી દીધું છે. મોદી ફરી વડાપ્રધાન બન્યા પછી પીએમઓ છોડનારા સિંહા ત્રીજા ટોચના અધિકારી છે. આ પહેલાં પ્રિન્સિપાલ સેક્રેટરી નૃપેન્દ્ર મિશ્રા અને પછી પ્રિન્સિપાલ એડવાઈઝર પી.કે. સિંહા રાજીનામાં આપી ચૂક્યા છે.
સિંહા ૧૯૮૩ની બિહાર બેચના આઈએએસ અધિકારી હતા. ૨૦૧૯માં કેન્દ્ર સરકારમાં ગ્રામીણ વિકાસ મંત્રાલયના સેક્રેટરીપદેથી નિવૃત્ત થયા પછી ૨૦૨૦ના ફેબ્રુઆરીમાં પ્રાઈમ મિનિસ્ટર્સ ઓફિસ (પીએમઓ)માં બે વર્ષ માટે મોદીના સલાહકાર નિમાયા હતા. સિંહાને સામાજિક બાબતોના લગતી બાબતોનો હવાલો અપાયો હતો પણ સિંહાએ મુદતના છ મહિના પહેલા જ રાજીનામું ધરી દીધું છે. સિંહા ગ્રામીણ વિકાસ મંત્રાલયમાં હતા ત્યારે મોદીની નજીકના અધિકારીઓમા તેમની ગણના થતી હતી તેથી પીએમઓમાં નિમણૂક મળી હતી.
સિંહાએ પોતાના રાજીનામા માટે અંગત કારણોને જવાબદાર ગણાવ્યા છે પણ સૂત્રોના મતે સિંહાના રાજીનામાનું કારણે એ છે કે, તેમને સ્વતંત્ર રીતે કામ કરવા નહોતું મળતું. સિંહાએ સૂચવેલી સામાજિક ન્યાયની યોજનાઓ મુદ્દે કોઈ નિર્ણય જ ના લેવાતાં તેમણે હોદ્દો છોડવાનું પસંદ કર્યું.
શેખાવતના કાર્યક્રમનો બંગાળમાં ફિયાસ્કો
પશ્ચિમ બંગાળમાં કેન્દ્રીય નેતા ગજેન્દ્રસિંહ શેખાવતે સંગઠનને મજબૂત કરવા માટે બોલાવેલી બેઠકનો સાવ ફિયાસ્કો થતાં ભાજપમાં ચિંતાનો માહોલ છે. શેખાવતે બોનગાવમાં બોલાવેલી બેઠકમાં ગણ્યાગાંઠયા કાર્યકરો હાજર હતા. એક પણ ધારાસભ્ય હાજર નહોતા અને કેન્દ્રીય મંત્રી તથા સાંસદ શાંતનુ ઠાકુર પણ ગેરહાજર હતા.
શેખાવતની ગણના અમિત શાહના ખાસ માણસ તરીકે થાય છે. શેખાવતને શાહે જ બંગાળ મોકલ્યા હતા પણ ભાજપના ધારાસભ્યો તેમને પણ ઘોળીને પી ગયા. વિશ્વજીત દાસ, સુબ્રતો ઠાકુર અને અશોક કીર્તનયા એ ત્રણેય ધારાસભ્યો તો ફોન પણ બંધ કરીને બેસી ગયા હતા. શેખાવતનો ફોન ઉઠાવવાની તસદી પણ તેમણે ના લીધી. તેના કારણે ત્રણેય ધારાસભ્યો તૃણમૂલ કોંગ્રેસમાં જઈ રહ્યા હોવાની અટકળો પણ શરૂ થઈ છે.
સૂત્રોનું કહેવું છે કે, શાંતનુ ઠાકુર મુકુલ રોયની નજીક છે તેથી દિલીપ ઘોષ સાથે તેમને નથી ફાવતું. કેન્દ્ર સરકારે વારંવાર વચન આપવા છતાં સીએએ અંગેના નિયમો ના બનાવતાં ઠાકુર શાહથી પણ ખફા છે. આ નારાજગી તેમણે શેખાવતને અવગણીને વ્યક્ત કરી દીધી.
નવિન પટનાયક પાસેથી પ્રેરણા લેવા જેવી
ટોક્યો ઓલિમ્પિક્સમાં ભારતીય પુરૂષ અને મહિલા હોકી ટીમે કરેલા જોરદાર દેખાવના કારણે 'સાયલન્ટ સપોર્ટર' નવિન પટનાઈક પર પ્રસંશાનાં પુષ્પ વરસી રહ્યાં છે. પટનાઈકની ઓડિશા સરકારે મુશ્કેલીના સમયમાં મહિલા અને પુરૂષ બંને હોકી ટીમને આર્થિક મદદ કરીને છેલ્લાં ત્રણ વર્ષથી સ્પોન્સરશીપ આપી છે.
હોકી ટીમની સ્પોન્સર ખાનગી કંપનીની આર્થિક હાલત ખરાબ થતાં તેણે ૨૦૧૮માં હાથ અધ્ધર કરી દીધા હતા. એ વખતે હોકી ટીમને મદદ કરવા કેન્દ્ર સરકાર સહિત કોઈ તૈયાર નહોતું ત્યારે નવિને સામે ચાલીને સ્પોન્સરશિપ આપી હતી. પટનાઈક સરકાર દર વર્ષે હોકી ટીમને ૨૦ કરોડ રૂપિયા આપે છે.
નવિનની પ્રસંશા કરતાં લોકો કટાક્ષ પણ કરી રહ્યા છે કે, પબ્લિસિટી વિના નક્કર કામ કઈ રીતે કરવું એ પટનાઈક પાસેથી શીખવું જોઈએ. પટનાઈક ત્રણ વર્ષથી દેશની બંને હોકી ટીમને મદદ કરે છે પણ કદી તેમણે એ વાતનો પ્રચાર કર્યો નથી.
નીતિશનું મોદી સરકાર પર બેવડું દબાણ
નીતિશ કુમારે પેગાસસ જાસૂસી કાંડની તપાસની વિપક્ષોની માગણીને ખુલ્લો ટેકો આપીને ભાજપને સ્તબ્ધ કરી દીધો છે. આ માગણી દ્વારા નીતિશે ભાજપ પર બેવડું દબાણ સર્જ્યું છે. એક તરફ જેડીયુ સાંસદોએ અમિત શાહને મળીને જ્ઞાાતિ આધારિત વસતી ગણતરી કરાવવા ઉગ્ર રજૂઆત કરી ને બીજી તરફ નીતિશ ખુલ્લેઆમ વિપક્ષોની પંગતમાં બેસી ગયા છે.
નીતિશે સરકારથી એકદમ વિરોધી વલણ અપનાવીને કહ્યું કે, જાસૂસી કાંડની સંસદમાં ચર્ચા થવી જોઈએ ને તેની તપાસ પણ થવી જોઈએ. નીતિશે એવી કોમેન્ટ પણ કરી કે, સાંસદો આટલા બધા દિવસથી આ મુદ્દો ઉઠાવી રહ્યા છે ત્યારે તપાસ કેમ કરાતી નથી એ સમજાતું નથી. નીતિશે આ પહેલાં જાસૂસી કરાતી હોવાની વાત સાચી હોવાનું કહ્યું હતું.
સૂત્રોના મતે, ભાજપના પ્રભાવને ખાળવા નીતિશ મરણિયા બન્યા છે. આ માટે તેમણે જ્ઞાાતિ આધારિત વસતી ગણતરીના મુદ્દાને ચગાવ્યો છે ને હવે જાસૂસી કાંડનો મુદ્દો ઉઠાવીને ભીંસ વધારી છે. રાજ્યસભામાં ભાજપ પાસે બહુમતી નથી તેથી નીતિશનું વલણ ભાજપ માટે મુશ્કેલી સર્જશે.
બ્રાહ્મણો ભડકતાં ભાજપ સાંસદ સામે એફઆઈઆર
ઉત્તરાખંડમાં બ્રાહ્મણો નારાજ ના થઈ જાય એ ડરે ભાજપ સરકારે પોતાના જ સાંસદ ધર્મેન્દ્ર કશ્યપ સામે એફઆઈઆર નોંધવી પડી છે. ધર્મેન્દ્ર કશ્યપે જગેશ્વર ધામ મંદિરમાં પૂજારીઓ સાથે ગાળાગાળી કરીને દુર્વ્યવહાર કરતાં બ્રાહ્મણોમાં આક્રોશ છે. ભાજપના નેતા બ્રાહ્મણોને શાંત પાડવા દોડાદોડી કરી રહ્યા છે.
ઓનલાના સાંસદ કશ્યપ પોતાના સમર્થકો સાથે શનિવારે જગેશ્વર ધામ મંદિરમાં પૂજા કરવા ગયા હતા. કોરોનાના કારણે મંદિર છ વાગ્યા સુધી જ ખુલ્લું રખાય છે પણ કશ્યપ સાડા છ વાગ્યા પછી પણ મંદિરમાં જ હતા. મંદિરના પૂજારીઓએ તેમને મંદિરમાંથી બહાર જવા કહેતાં ગુસ્સે થઈને કશ્યપે પૂજારીઓ સાથે ખરાબ વર્તન કર્યું હતું. કશ્યપના સમર્થકોએ પૂજારીઓને ધક્કા મારીને બહાર કાઢી મૂક્યા હતા.
આ ઘટનાનો વીડિયો વાયરલ થતાં ભડકેલા બ્રાહ્મણોએ ભાજપને અલ્ટિમેટમ આપ્યું હતું. ભાજપ પ્રદેશ પ્રમુખ મદન કૌશિકે બ્રાહ્મણ આગેવાનોને મળીને તેમને સમજાવ્યા છે. કૌશિકે આ ઘટનાનો રીપોર્ટ હાઈકમાન્ડને મોકલવા પણ ખાતરી આપી છે. ઉત્તરાખંડમાં ચૂંટણીને જોતાં કશ્યપનો વારો પડી જશે એવું લાગે છે.
* * *
કોવિડ-19નો કોઈ ડર નહીઃ કાશી વિશ્વનાથમાં શ્રદ્ધાળુઓ ભાન ભૂલ્યા
સત્તાવાળાઓની કોવિડ-૧૯ અંગેના નિયમો અંગેની ચેતવણીઓ છતાં પણ શ્રાવણના પવિત્ર મહિનાના બીજા સોમવારે વારાણસીમાં શ્રદ્ધાળુઓએ ગંગામાં ડૂબકી મારી હતી અને કાશી વિશ્વનાથના દર્શન કર્યા હતા. ભગવાન શિવના સ્થળે હું કશાથી ડરતો નથી. ભગવાન શિવ આપણા બધાની સંભાળ લેશે, એમ માસ્ક ન પહેરનારા એક શ્રદ્ધાળુ રવિન્દર કુમારે જણાવ્યું હતું.
આવા જ બીજા શ્રદ્ધાળુરામ પટેલે જણાવ્યું હતું કેતે મંદિરમાં આવી ખુશ છે અને તેને કોવિડ-૧૯નો ડર નથી. ઉત્રપ્રદેશમાં કોરોના વાઇરસના કેસની સંખ્યા ૧૭,૦૮,૪૭૬ થઈ છે અને ૨૨,૭૬૩ના મોત થયા છે, ૧૬,૮૫,૦૪૯ની રિકવરી થઈ છે અને સક્રિય કેસો ૬૬૪ છે.
રાજ્યસભામાં ભાગ્યે જ અમલી બનાવાતા નિયમ 267ને લાવવામાં આવ્યો
રાજ્યસભામાં લગભગ છેલ્લા પાંચ વર્ષથી નિયમ ૨૬૭ હેઠળ કોઈ ચર્ચા યોજાઈ નથી. તેમા એક કે વધુ સભ્યો દ્વારા ઉઠાવવામાં આવેલા વિષય પર ચર્ચા કરવાની માંગ કરવામાં આવી હોય છે, જેને લઈને ગૃહની કાર્યવાહી સસ્પેન્ડ કરવામાં આવી હોય છે. પેગાસસ વિવાદ, ખેડૂતોના આંદોલન અને પેટ્રોલના ભાવવધારાને લઈને ચર્ચા કરવા સંસદની કાર્યવાહી સ્થગિત થઈ ગઈ છે ત્યારે આ લાંબા ગેપે બધાનું ધ્યાન ખેંચ્યુ છે.
રાજ્યસભામાં ગૃહના વડા એમ વેન્કૈયા નાયડુએ જણાવ્યું હતું કે મને વિવિધ મુદ્દાઓ પર દરરોજે ૧૦થી ૧૫ નોટિસો નિયમ ૨૬૭ હેઠળ મળે છે. મેં સભ્યો પાસેથી મળેલી બધી લેખિત નોટિસો નકારી કાઢી છે. સંસદના રેકોર્ડ મુજબ રાજ્યસભાએ છેલ્લે ૧૬ નવેમ્બર ૨૦૧૬ના રોજ નિયમ ૨૬૭ હેઠળ નોટબંધી હેઠળ ચર્ચા કરી હતી. નાયડુ ૧૧ ઓગસ્ટ ૨૦૧૭થી રાજ્યસભાના ચેરમેન છે. તેમણે રફાલ ડીલથી લઈને જીએસટીના અમલીકરણ સુધીનાવિષયો પર સોથી વધુ નોટિસોને નકારી કાઢી છે.
જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ ડીએસપી અંગે સરકાર સ્વચ્છ થઈ બહાર આવેેઃ કોંગ્રેસ
કોંગ્રેસે જણાવ્યું છે કે આતંકવાદીઓ સાથેના જોડાણ બદલ જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ પોલીસ ઓફિસર દેવિન્દર સિંઘની હકાલપટ્ટી કરવામાં આવી તે અંગે સરકાર પોતે સ્વચ્છ થઈ બહાર આવ. સવાલ એ છે કેે સરકારે તેમા તપાસ શા માટે ન કરી? રાષ્ટ્રીય સુરક્ષાને લગતી બાબત અંગે તપાસ કેમ ન થઈ? કોંગ્રેસના કમ્યુનિકેશન ચીફ રણદીપ સુરજેવાલાએ ટવીટ કર્યુ હતુ.
પુલવામા હુમલામાં તેમની ભૂમિકા જો હોય તો શું હતી? તેમણે કોની ધરપકડ કરી હતી? તેમના સાથીઓના નામ શું છે? સરકાર શું છૂપાઈ રહી છે? રાષ્ટ્રને તે જાણવાનો અધિકાર છે. તેમની ધરપકડના આદેશ પર મનોજ સિંહાએ ૨૦મી મેના રોજ સહી કરી હતી. આમ શું લેફ્ટનન્ટ ગવર્નર પુલવામાના ડીએસપી દેવિન્દરસિં સામે કાર્યવાહી પર સંતુષ્ટ હતા.
- ઇન્દર સાહની