Get The App

દિલ્હીની વાત : ભાજપના સિનિયર નેતાઓએ 2022માં શિવસેનામાં તડ પડાવી હતી

Updated: Nov 1st, 2024


Google NewsGoogle News
દિલ્હીની વાત : ભાજપના સિનિયર નેતાઓએ 2022માં શિવસેનામાં તડ પડાવી હતી 1 - image


નવી દિલ્હી : મહારાષ્ટ્ર કોંગ્રેસના સિનિયર નેતા અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચૌહાણે કહ્યું છે કે, ૨૦૨૨માં શિવસેનામાં ભંગાણ પડાવવા માટે ભાજપ હાઇકમાન્ડ જવાબદાર છે. ભાજપના કેટલાક ટોચના નેતાઓએ શિવસેનાને તોડવાનું આયોજન કર્યું હતું. શિવસેનામાં ભંગાણ પડવાથી મહારાષ્ટ્રમાં મહાવિકાસ અઘાડીની સરકાર સત્તાભ્રષ્ટ થઈ ગઈ હતી. પૃથ્વીરાજ ચૌહાણનું કહેવું છે કે ભાજપ અને શિવસેના (એકનાથ શિંદે)ની ચાલબાજીને મહારાષ્ટ્રના મતદારો માફ કરવાના નથી. પૃથ્વીરાજ ચૌહાણનું માનવું છે કે, મહારાષ્ટ્રના મતદારોએ લોકસભાની ચૂંટણીમાં પોતાનો મીજાજ બતાવી દીધો છે. 

પિતાનું અપમાન કરનાર અજીત સામે રોહિત પાટીલનું મૌન

મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહમંત્રી સ્વ. આર આર પાટીલના પુત્ર રોહિત પાટીલે એનસીપીના નેતા અજીત પવાર સામે કોઈપણ નિવેદન કરવાની ના કહી દીધી છે. થોડા દિવસો પહેલા અજીત પવારે સ્વ. ગૃહમંત્રી પાટીલ સામે પીઠમાં ખંજર ભોકવાનો આરોપ મૂક્યો હતો. સ્વ. આર આર પાટીલ જ્યારે ગૃહમંત્રી હતા ત્યારે એમણે અજીત પવાર સામેના એક કેસમાં તપાસનો હૂકમ કર્યો હતો. સિંચાઈ વિભાગમાં કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર બાબતે અજીત પવાર સામે તપાસ શરૂ થઈ હતી. રોહિત પાટીલે જોકે કહ્યું છે કે તપાસ એટલા માટે જરૂરી હતી કે દુધનું દુધ અને પાણીનું પાણી થઈ જાય. 

મહારાષ્ટ્રમાં ભાજપનો વ્યૂહ : મોદી - શાહ 28 રેલી કરશે

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમી વધી રહી છે. મહાયુતિ તેમ જ મહાવિકાસ અઘાડીના તમામ પક્ષો સ્ટાર પ્રચારકોને મહારાષ્ટ્ર બોલાવી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે મહારાષ્ટ્રમાં નરેન્દ્ર મોદી ૮, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ૨૦ અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ૧૫ જેટલી સભાઓ સંબોધશે. વડાપ્રધાન મોદી પશ્ચિમ મહારાષ્ટ્ર, વિદર્ભ, મુંબઈ - કોકણ, ઉત્તર મહારાષ્ટ્ર અને મરાઠાવાડામાં રેલીઓ સંબોધશે. મહારાષ્ટ્રમાં સૌથી વધારે ચૂંટણી સભાઓ યોજવાની જવાબદારી દેવેન્દ્ર ફડણવીસ, નિતિન ગડકરી અને ચંદ્રશેખર બાવનકુલેને સોપવામાં આવી છે. જોકે ભાજપના કેટલાક નેતાઓ માની રહ્યા છે કે, મોદી અને શાહ કરતા પણ યોગી આદિત્યનાથની રેલી બાબતે મતદારો વધુ ઉત્સાહીત છે. 

મરાઠાવાડા વિસ્તારમાં ભાજપ સૌથી વધારે બેઠકો પરથી ચૂંટણી લડશે

મહાયુતિ ગઠબંધનના ત્રણ પક્ષો અને મહાવિકાસ અઘાડી ગઠબંધનના ત્રણ પક્ષોમાંથી મરાઠાવાડા વિસ્તારમાં ભાજપ સૌથી વધુ બેઠકો પર ચૂંટણી લડશે. મરાઠાવાડા મતવિસ્તારમાં કુલ ૪૬ બેઠકો છે. આ ૪૬માંથી ૨૦ બેઠકો પર ભાજપ ચૂંટણી લડી રહ્યો છે. મધ્ય મહારાષ્ટ્રના  આ વિસ્તારમાં છત્રપતિ સંભાજીનગર, બીડ, હિંગોલી, જાલના, લાતુર, નાનંદેડ, ઉસમાનાબાદ અને પરભણી જિલ્લાનો સમાવેશ થાય છે. મરાઠા આંદોલનના મુખ્ય નેતા મનોજ ઝરાંગે પણ આ વિસ્તાર પર પ્રભુત્વ ધરાવે છે. શિવસેના (એકનાથ શિંદે) અને શિવસેના (ઉદ્ધવ ઠાકરે)એ આ વિસ્તારમાંથી ૧૬ ઉમેદવારો ઉભા રાખ્યા છે.

ઉદ્ધવ ઠાકરેની નારાજગી પછી કોંગ્રેસ બેકફૂટ પર

કોંગ્રેસના કેટલાક ઉમેદવારોએ શિવસેના (ઉદ્ધવ ઠાકરે)ને ફાળવવામાં આવેલી બેઠકો પરથી ઉમેદવારી પત્રક ભરવાથી ઉદ્ધવ ઠાકરે જૂથ નારાજ થઈ ગયું હતું. હવે કોંગ્રેસે જાહેરાત કરી છે કે પક્ષ જેમના નામ જાહેર કરશે તેઓ જ કોંગ્રેસ વતી ઉમેદવારી પત્ર ભરી શકશે. મહારાષ્ટ્રમાં ૧૨ જેટલી બેઠકો પર કોંગ્રેસ અને શિવસેના (ઉદ્ધવ ઠાકરે)ના ઉમેદવારોએ ઉમેદવારી પત્ર ભર્યા હતા. આ બાબતે શિવસેના (ઉદ્ધવ ઠાકરે)ના નેતા સંજય રાઉતે નારાજગી જાહેર કરી હતી. આ વાત રાહુલ ગાંધી સુધી પહોંચી હતી. રાહુલ ગાંધીએ મધ્યસ્થી કર્યા પછી કોંગ્રેસ પ્રમુખ નાના પટોલેએ હવે ઉદ્ધવ ઠાકરેને કહ્યું છે કે, જે ઉમેદવાર પાસે પક્ષનો મેન્ડેટ નહીં હોય એમની ઉમેદવારી આપોઆપ રદ થશે.

ભારત - પાકિસ્તાન બોર્ડર પરનો ફિરોઝપુર જિલ્લો ગેંગસ્ટર્સનું પિયર

પંજાબનો ફિરોઝપુર જિલ્લો પાકિસ્તાન બોર્ડરને અડીને આવેલો છે. ફિરોઝપુર જિલ્લાની એક અલગ ઓળખાણ છે. દેશભરના કેટલાક અઠંગ ગુનેગારો આ જિલ્લાની પેદાશ છે. આજકાલ જેનું નામ ખૂબ ચર્ચાય છે એ લોરેન્સ બિશ્નોય પણ ફિરોઝપુર જિલ્લાનો જ છે. લોરેન્સ બિશ્નોય ઉપરાંત રમણ જજ, જસ્બિંદરસિંહ રોકી, અમન દેયોડા, સેરાખૂબન, ચંદુ, ગુરપ્રિતસિંહ સેખો, અનમોલ બિશ્નોય અને આશિષ ચોપડા જેવા ગુનેગારો પણ ફિરોઝપુર જિલ્લામાં જન્મીને મોટા થયા છે. આ ગેંગસ્ટર્સમાંથી કેટલાકના પિતા પોલીસમાં ઉચ્ચ હોદ્દાઓ પર રહી ચૂક્યા છે. આ બધા ગેંગસ્ટર્સને પોલીસ વર્ષોથી શોધી રહી છે, પરંતુ તેઓ દેશ - વિદેશમાં સંતાઈને પોતાની ગેંગ ઓપરેટ કરે છે. આ બધા ગેંગસ્ટર્સ પર ખંડણીથી માંડીને હત્યા સુધીના ગુનાઓ દાખલ થયા છે. 

દિલ્હીમાં ફટાકડા ફોડનારાઓ પર 300 ટીમ નજર રાખશે

દિલ્હીની સરકારે હિન્દુઓના તહેવાર દિવાળીના દિવસો દરમિયાન ફટાકડા ફોડનારાઓ સામે કડક કાર્યવાહી કરવાનું નક્કી કર્યું છે. દિલ્હીમાં ફટાકડા ફોડવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે. પોલીસના કહેવા પ્રમાણે સરકારી હુકમ નહી માનનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. પોલીસની ૩૦૦ જેટલી ટીમ ફટાકડા ફોડનારાઓ પર નજર રાખશે અને જો કોઈ ફટાકડા ફોડતા પકડાય તો એમને છ મહિનાની સજા પણ થઈ શકે એમ છે. પોલીસના આ દબાણને કારણે તહેવાર મનાવી રહેલા દિલ્હીવાસીઓ ખૂબ નારાજ છે અને સોશિયલ મીડિયા પર સરકારની ટીકાઓ પણ થઈ રહી છે.

દિલ્હીમાંથી ફ્રાન્સના રાજદૂતનો ફોન ચોરાતા પોલીસ દોડતી થઈ

દિલ્હીના ચાંદની ચોકમાંથી ફ્રાન્સના રાજદૂત થિયરી માથૌનો મોબાઈલ ચોરાઈ ગયો હતો. ફ્રાન્સના રાજદૂત ચાંદની ચોકમાં ફરવા ગયા ત્યારે ગઠિયાઓ કળા કરી ગયા હતા. એ પછી દિલ્હી પોલીસ દોડતી થઈ હતી. પોલીસે ઈ-ફરિયાદ નોંધીને તુરંત શોધખોળ આદરી હતી અને ચારની ધરપકડ પણ તુરંત કરી લીધી હતી અને ફોન પણ મેળવી લીધો હતો. દિલ્હી પોલીસની આ ફાસ્ટ કાર્યવાહી પાટનગરમાં ચર્ચાનો વિષય બની હતી. લોકોએ સોશિયલ મીડિયામાં લખ્યું હતું કે રાજદૂતનો ફોન ચોરાયો તો કલાકમાં આરોપીઓ ફોન સાથે ઝડપાઈ ગયો. ભારતમાં દરરોજ કેટલા ફોન ચોરાય છે એની તો પોલીસ ફરિયાદ પણ નોંધતી નથી, કાર્યવાહીની વાત તો દૂર રહી.

મોદીના ટીકાકાર શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે યોગીનું સમર્થન કર્યું

શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી પીએમ મોદીની ટીકા કરવા માટે જાણીતા છે. તેઓ અત્યારે ગાયને સન્માન આપવા માટે ઝુબંશ ચલાવી રહ્યા છે. તેમણે ગાયને રાષ્ટ્ર માતાનો દરજ્જો અપાવવા માટે યાત્રા પણ કરી હતી. દેશની એકતાના સંદર્ભમાં વાત કરતાં તેમણે કહ્યું હતું કે યોગીનો નારો બટેંગે તો કટેંગે એક રીતે યોગ્ય છે. કારણ કે એમાં ભવિષ્યકાળની વાત છે. અત્યારે ભાગ પડયા નથી, ભવિષ્યમાં ભાગ પડશે એ સંદર્ભ છે. તેમણે કહ્યું હતું કે યોગીની આ વાતમાં દમ છે, પરંતુ હજુય ભાજપ-સંઘે રાષ્ટ્રીય એકતા માટે શું કરવું જોઈએ એ વિગતે કહેવાની જરૂર છે. હજુય રાષ્ટ્રીય એકતાની રૂપરેખા સ્પષ્ટ થતી નથી. ગાયને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવાથી કદાચ રાષ્ટ્રીય એકતા આવી જશે એવું તેમણે કહ્યું હતું.

- ઈન્દર સાહની


Google NewsGoogle News