દિલ્હીની વાત : ડોલર સામે રૂપિયાની તૂટતી કિંમત મામલે કોંગ્રેસે કેન્દ્રની ટીકા કરી
નવીદિલ્હી : અમેરિકી ડોલરની સામે રૂપિયાની તૂટતી કિંમત બાબતે કોંગ્રેસે કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા છે. કોંગ્રેસના કહેવા પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે આ બાબતે કહેવા માટે કઈ નથી. ૨૦૧૩માં જ્યારે યુપીએ સરકાર સત્તામાં હતી ત્યારે ડોલર સામે રૂપિયાની કિંમત તૂટી હતી તો મોદીએ તત્કાલીન વડાપ્રધાન મનમોહન સિંહની અંગત ટીકા કરી હતી. કોંગ્રેસના મહામંત્રી જયરામ રમેશે આ બાબતે કહ્યું છે કે, એ વખતે મોદી યુપીએની નેતાગીરીને દિશાવિહીન કહેતા હતા. મોદીએ એમ પણ કહ્યું હતું કે યુપીએ સરકારને દેશની ચિંતા નથી, પરંતુ પોતાની ખુરશી બચાવવામાં જ રસ છે. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી મોદીએ રૂપિયાની તૂટતી કિંમત બાબતે દેશભરમાં અભિયાન ચલાવ્યું હતું. યુપીએ શાસન દરમિયાન ડોલર સામે રૂપિયાની કિંમત ૫૮.૫૮ હતી જે હવે ૮૫.૨૭ સુધી પહોંચી ગઈ છે.
2024માં સુપ્રીમ કોર્ટે કેટલાક ઐતિહાસિક ચુકાદા આપ્યા
૨૦૨૪ના વર્ષ દરમિયાન સુપ્રિમ કોર્ટે કેટલાક ઐતિહાસીક ચૂકાદા આપ્યા હતા. બિલ્કીસ બાનો કેસમાં બળાત્કારના આરોપીઓને માફી આપવાનો સરકારનો નિર્ણય સુપ્રિમ કોર્ટે રદ કર્યો હતો. સુપ્રિમ કોર્ટે કહ્યું હતું કે, બિલ્કીસ બાનો કેસ મહારાષ્ટ્રમાં ચાલ્યો હોવાથી ગુજરાત સરકારે એમને માફ કરવાનો નિર્ણય લઈ શકે નહીં. ફેબ્રુઆરી મહિનામાં સુપ્રિમ કોર્ટે ચૂંટણી બોન્ડ યોજના પર પણ પ્રતિબંધ મૂકી દીધો હતો. કોર્ટે ચૂંટણી બોન્ડની પ્રક્રિયાને ગેરબંધારણીય ગણાવી હતી. બાબા રામદેવ અને પતંજલીની ગેરમાર્ગે દોરતી જાહેરખબર મામલે સુપ્રિમ કોર્ટે કડક વલણ લઈને બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણ પાસે માફી મંગાવી હતી. ચાઇલ્ડ પ્રોર્નોગ્રાફી બાબતે પણ સુપ્રિમ કોર્ટે અગત્યનો નિર્ણય લીધો હતો. જે કોઈ ચાઇલ્ડ પ્રોર્નોગ્રાફી ડાઉનલોડ કરશે કે ફોનમાં રાખશે કે જોશે એમની સામે પોક્સો કાયદા હેઠળ કાર્યવાહી થઈ શકશે.
પંજાબ સરકારે ખેડૂત નેતાને હોસ્પિટલમાં દાખલ કરવા સુપ્રીમ પાસે સમય માંગ્યો
પંજાબના ખેડૂત નેતા જગજિતસિંહ દલ્લેવાલ વિવિધ માંગણીઓને લઈને ૩૬ દિવસથી આમરણાંત ભૂખ હડતાલ પર બેઠા છે. બીમાર ખેડૂત નેતાનું સ્વાસ્થ્ય ઠીક રહે એ માટે સુપ્રિમ કોર્ટ વારંવાર પંજાબ સરકારને માર્ગદર્શન આપે છે. પંજાબ સરકારે સુપ્રિમ કોર્ટને કહ્યું છે કે, દલ્લેવાલને હોસ્પિટલમાં દાખલ કરાવવા માટે સરકારને થોડો વધુ સમય આપે. દલ્લેવાલને મનાવવાની કોશિષ થઈ રહી છે, પરંતુ તેઓ માની રહ્યા નથી. પંજાબ સરકારના અધિકારીઓની એક ટીમ ૨૯ ડિસેમ્બરે દલ્લેવાલને મળવા માટે ગઈ હતી. જોકે દલ્લેવાલએ એમને મળવાનો ઇન્કાર કરી દીધો હતો. દલ્લેવાલના આમરણાંત ઉપવાસને કારણે દિવસે દિવસે પંજાબ રાજ્યમાં અશાંતિ વધી રહી છે.
મહાકુંભ માટે પર્યટકો સાથે વાતચીત કરવા સ્વયંસેવકોને ખાસ તાલીમ
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભની તૈયારી જોરશોરથી ચાલી રહી છે. મહાકુંભમાં આવનારા શ્રદ્ધાળુઓનું સ્વાગત કરવા માટે વિવિધ પ્રયાસ કરવામાં આવશે. શ્રદ્ધાળુઓને પ્રયાગરાજની દિવ્યતા અને ભવ્યતા બતાવવા માટે ખાસ સ્વયંસેવકો તૈયાર કરવામાં આવી રહ્યા છે. આ સ્વયંસેવકોને ટ્રેનિંગ પણ આપવામાં આવી રહી છે. શહેરનું ભ્રમણ કરાવવા માટે ગાઈડ, ટેક્સી ડ્રાયવરો, નાવિકો અને દુકાનદારોને પણ ખાસ ટ્રેનિંગ આપવામાં આવી છે. ઉત્તર પ્રદેશનો ટૂરીઝમ ડિપાર્ટમેન્ટ આવનાર શ્રદ્ધાળુઓની તમામ સગવડ સચવાય એ માટે ૬૦-૬૦ના બેચમાં સ્વંયસેવકોને તામિલ આપી રહ્યા છે.
બાળકને સાચવવાનું કારણ આપીને નિકિતાએ જામીન માગ્યા
બેંગ્લુરુના એન્જિનિયર અતુલ સુભાષની આત્મહત્યા મામલે એમના પત્ની નિકિતાની ધરપકડ થઈ છે. આત્મહત્યા કરતા પહેલા અતુલે બનાવેલા વિડિયોમાં કહ્યું હતું કે, ન્યાયની પ્રક્રિયાથી બચવા માટે હથિયાર તરીકે એમના પુત્રનો ઉપયોગ નહીં થવો જોઈએ. અતુલના વકીલ આકાશ જિન્દલે આરોપીઓએ કરેલી જામીન અરજી સંદર્ભે કેટલાક પ્રશ્નો કર્યા છે. વકીલે દલીલ કરી છે કે જામીન મેળવવા માટે નિકિતા બાળકનો ઉપયોગ કરે તે યોગ્ય નથી. આત્મહત્યા કરતા પહેલા અતુલે બનાવેલા વિડિયોમાં પણ આ જ વાત કહેવામાં આવી છે. બાળકની માતા અને આખુ કુટુંબ જેલમાં હોવાને કારણે બાળકની દેખભાળ કરનાર કોઈ નહીં હોવાથી બાળકની કસ્ટડી એના દાદા-દાદીને મળવી જોઈએ.
કેરળને મીની પાકિસ્તાન કહેનાર નિતિશ રાણે પર કોંગ્રેસ ભડકી
પૂણે ખાતે એક રેલીમાં મહારાષ્ટ્ર ભાજપના મંત્રી નિતિશ રાણેએ કોંગ્રેસની ટીકા કરતા કેરળને મીની પાકિસ્તાન ગણાવ્યું હતું. આ મામલે હવે રાજકીય વિવાદ થયો છે. રાણેના આ નિવેદનનો વિરોધ દેશ આખામાં થઈ રહ્યો છે. કોંગ્રેસે પણ આ બાબતે નિતિશ રાણે સામે પગલા લેવાની માંગ કરી છે. કેરળને મીની પાકિસ્તાન બતાવવાની સાથે જ નિતિશ રાણેએ કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને પણ સાંકળ્યા હતા. એમણે એવો પણ બફાટ કર્યો હતો કે તમામ આતંકવાદીઓ ગાંધી પરિવારને મત આપે છે. કોંગ્રેસના મહામંત્રી વેણુ ગોપાલે આ બાબતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો અભિપ્રાય માંગ્યો છે.
ઉત્તર પ્રદેશના મંત્રીએ હનુમાનજીની જાતિ બતાવતાં વિવાદ
ઉત્તર પ્રદેશના મંત્રી ઓમ પ્રકાશ રાજભરે એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, ભગવાન હનુમાનજી રાજભર જાતિના હતા. જ્યારે સીતાને રાવણ ઉપાડી ગયા હતા ત્યારે રાજભર જાતિમા જન્મેલા હનુમાનજીએ સીતાને પાછા લાવવા રામની મદદ કરી હતી. રાજભરના આ વાણીવિલાસ પછી ઉત્તર પ્રદેશમાં વિરોધીઓ હવે મંત્રી પર પસ્તાળ પાડી રહ્યા છે. ઉત્તર પ્રદેશના ઘણા મંત્રીઓ વારંવાર આવા બેહુદા નિવેદનો કરતા રહે છે. રાજકીય નીરિક્ષકો માની રહ્યા છે કે, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મંત્રીઓના વાણીવિલાસ પર કાબુ રાખવાની જરૂર છે. આવા મંત્રીઓને કારણે યોગી આદિત્યનાથની ઇમેજ ખરાબ થઈ રહી છે. જે મંત્રીઓને રામાયણ કે મહાભારતનું જ્ઞાાન નથી હોતું તેઓ પણ મનઘડત કિસ્સાઓ વર્ણવતા રહે છે.
પ્રણવ મુખર્જીનાં દીકરી શર્મિષ્ઠા દિલ્હીની ચૂંટણી પહેલાં એક્ટિવ થયાં
પ્રણવ મુખર્જીનાં દીકરા શર્મિષ્ઠા મુખર્જીએ અચાનક કોંગ્રેસ પર આરોપ લગાવતા કહ્યું હતું કે કોંગ્રેસ વર્કિંગ કમિટીમાં પ્રણવ મુખર્જીનો શોક પ્રગટ કરાયો ન હતો. તે પછી હવે ફરીથી તેમણે રાહુલ ગાંધીના સમર્થકોને નિશાન બનાવતા કહ્યું કે રાહુલના ભક્તો અને ચેલાઓ મારા પિતાને સંઘી કહે છે, કારણ કે તેઓ સંઘમાં પ્રવચન આપવા ગયા હતા. તો મોદીને ભેટવા બદલ રાહુલની ટીકા કેમ નથી કરતા? શર્મિષ્ઠા અચાનક કેમ એક્ટિવ થયા છે તે અકળ છે. દિલ્હીના રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે શર્મિષ્ઠા ભાજપની ટિકિટ પર દિલ્હી વિધાનસભાની ચૂંટણી લડવા માગે છે. ૨૦૧૫માં શર્મિષ્ઠા કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડયા હતાં, પરંતુ હારી ગયા હતાં. તેમણે ૨૦૨૧માં કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું. કહે છે કે ભાજપે તેમને પાર્ટીમાં જોડાવાનો પ્રસ્તાવ આપ્યો છે.
કેજરીવાલની ટ્રેપમાં ફસાઈને ભાજપના નેતાઓએ ઈમામોના પગારનો મુદ્દો ઉઠાવ્યો
અરવિંદ કેજરીવાલે પુજારી-ગ્રંથી સન્માન યોજના શરૂ કરી છે. દિલ્હીમાં પુજારીઓને મળીને ફોર્મ ભરવાનું પણ કેજરીવાલે શરૂ કરી દીધું છે. રજિસ્ટ્રેશન કરતી વખતે કેજરીવાલે ભાજપ પર કટાક્ષ કર્યો હતો કે ભાજપે આ યોજનાને અટકાવવાનો ઘણો પ્રયાસ કર્યો, પરંતુ ભગવાનને મળતા ભક્તને કોઈ અટકાવી શકે નહીં. કેજરીવાલે આ મુદ્દો ઉપાડીને ચૂંટણી પ્રચારની દિશા બદલી નાખી છે. ભાજપના નેતા વિજય ગોયલે કહ્યું કે અગાઉ તમે ઈમામો માટે યોજના જાહેર કરી હતી, એના પૈસા આવતા બંધ થઈ ગયા છે. અમિત માલવીયનું નિવેદન આવ્યું કે છેલ્લાં ૧૭ મહિનાથી ઈમામોને પગાર મળ્યો નથી. તેમના પ્રદર્શનોને ધ્યાનમાં લેવાયા નહીં. ભાજપના નેતાઓ ઈમામ અંગે નિવેદનો કરીને કેજરીવાલે ગોઠવેલી ટ્રેપમાં ફસાયા છે.
કેન્દ્ર સરકારે ગુડ ગવર્નન્સ ઈન્ડેક્ષ જાહેર કેમ ન કર્યો તે સવાલ
૨૦૧૯માં કેન્દ્ર સરકારે રાજ્યો પ્રમાણે ગુડ ગવર્નન્સ ઈન્ડેક્ષ જાહેર કર્યો હતો અને તે વખતે દર બે વર્ષે આ ઈન્ડેક્ષ જાહેર કરવાની જાહેરાત પણ કરી હતી. એ પ્રમાણે ૨૦૨૧માં ઈન્ડેક્ષ જાહેર થયો હતો. બે વખત અટલ બિહારી વાજપેયીના જન્મદિવસે ૨૫મી ડિસેમ્બરે આ ઈન્ડેક્ષ જાહેર થતો હતો. આ વર્ષે ૨૦૨૩ના વર્ષનો ઈન્ડેક્ષ જાહેર થવાનો હતો, પરંતુ હવે એ અહેવાલ રદ્ કરી દેવાયો છે. અગાઉ આ સપ્તાહે જાહેર કરવાની વાતો ચાલતી હતી. સૂત્રોના કહેવા પ્રમાણે ભાજપ અને એનડીએ ગઠબંધન શાસિત રાજ્યોનો ઈન્ડેક્ષ નબળો જણાયો હોવાથી સરકારે આ વર્ષે કેન્સલ કરીને હવે ૨૦૨૫માં ઈન્ડેક્ષ જાહેર કરવાનું કહ્યું છે અને હવે એવું કારણ આપ્યું છે કે ૨૦૨૩ના વર્ષનો ડેટા આ વર્ષે જૂનો થઈ ગયો છે એટલે હવે બે વર્ષના લેટેસ્ટ ડેટા સાથે આવતા વર્ષે વાત.
રાહુલ ગાંધી વિએતનામના પ્રવાસે જતાં ભાજપે વિવાદ ઉભો કર્યો
વિપક્ષના નેતા રાહુલ ગાંધી વિએતનામના પ્રવાસે ગયા છે. કોંગ્રેસે એ બાબતે સત્તાવાર કારણ આપ્યું નથી. બીજી તરફ ભાજપે એનો વિવાદ ઉભો કર્યો છે. ભાજપ કહે છે કે હજુ મનમોહન સિંહના અવસાનનો રાષ્ટ્રીય શોક ચાલી રહ્યો છે ત્યારે રાહુલ ગાંધી ન્યૂયરની પાર્ટી કરવા માટે વિએતનામ ગયા છે. રાહુલ ગાંધીએ વિદેશ પ્રવાસ કરવા માટે થોડા દિવસ રાહ જોવાની જરૂર હતી. રસપ્રદ બાબત એ પણ છે કે અટલ બિહારી વાજપેયીના અવસાનના અઠવાડિયામાં જ મોદી પણ નેપાળની યાત્રાએ ગયા હતા.
- ઈન્દર સાહની