દિલ્હીની વાત : અનુરાગ પછી કંગનાએ રાહુલને ટાર્ગેટ કરતા વિવાદ
નવીદિલ્હી : કંગના રનૌતે રાહુલ ગાંધી વિશે ટીપ્પણી કરી તેનાથી વિવાદ સર્જાયો છે. કંગનાએ કહ્યું હતું કે રાહુલ ગાંધીનો ડ્રગ્સનો ટેસ્ટ થવો જોઈએ. એ જે રીતે વાત કરે છે તેનાથી લાગે છે કે તેઓ ડ્રગ્સનું સેવન કરી રહ્યા છે. આ મુદ્દે સોશિયલ મીડિયામાં ગરમાગરમ ચર્ચા ચાલતી રહી. લોકોએ કહ્યું હતું કે કંગનાએ ટીકા કરવામાં પ્રમાણભાન રાખવાની જરૂર હતી. રાહુલ ગાંધી હવે વિપક્ષના નેતા છે. ઘણાંએ એવો મત પણ વ્યક્ત કર્યો હતો કે ભાજપના બધા જ નેતાઓ એક માત્ર રાહુલની પાછળ પડી ગયા હોય એવું દૃશ્ય સર્જાયું છે તેનાથી રાહુલનું કદ વધી રહ્યું છે એ ભાજપ જ ભૂલી જાય છે.
અનુરાગ ઠાકુરના નિવેદનથી ભાજપની ઈમેજને નુકસાન
અનુરાગ ઠાકુરે ભલે રાહુલ ગાંધી પર કટાક્ષ કરવા જાતિ અંગે નિવેદન આપ્યું, પણ એ મુદ્દાને વિપક્ષે જે રીતે ઉઠાવ્યો તેનાથી હવે ભાજપ જ બચાવની સ્થિતિમાં આવી ગયો છે. દિલ્હીમાં ભાજપના મુખ્યાલય બહાર બીજેપી નેતાઓ ચર્ચા કરતા હતા કે વધારે પડતી આક્રમકતા દેખાડવાના ચક્કરમાં મોટા નેતાઓ ભાંગરો વાટી નાખે છે. રાહુલ ગાંધીને ઘેરવા માટે બીજી રણનીતિની જરૂર હતી. તેમને જાતિ અંગે ટોણો માર્યો તેનાથી ભાજપની ઈમેજને ધક્કો પહોંચ્યો છે. આદિવાસી, દલિતો અને ઓબીસી વર્ગમાં એવો મેસેજ ગયો કે ભાજપની માનસિકતા તેમની વિરૂદ્ધની છે.
અધૂરામાં પૂરું પીએમ નરેન્દ્ર મોદીએ અનુરાગ ઠાકુરની સ્પીચના વખાણ કરતા લખ્યું : મારા સહયોગી, યુવા અને ઉર્જાવાન સાંસદ અનુરાગ ઠાકુરની સ્પીચ સાંભળવી જોઈએ. આ ભાષણમાં રમૂજ અને તથ્યોનું સંયોજન થયું છે. ઇન્ડિયા ગઠબંધનના ડર્ટી પોલિટિક્સને ઉજાગર કર્યું છે. મોદીના આ વખાણની કોંગ્રેસે ટીકા કરી હતી.
વિકાસ દિવ્ય કીર્તિ મુદ્દે આપ-ભાજપના સામા-સામા આરોપો
દૃષ્ટિ આઈએએસ કોચિંગના સંચાલક વિકાસ દિવ્ય કીર્તિ દેશભરના યુવાનોમાં બેહદ પોપ્યુલર છે. વિવિધ મુદ્દે તેમના વિચારો સોશિયલ મીડિયામાં વાયરલ થતા રહે છે. એમાં વિકાસ દિવ્ય કિર્તી આદર્શવાદી વાતો કરે છે, પરંતુ કોચિંગ ક્લાસની પરવાનગીમાં ગરબડ રહી એ પછી સોશિયલ મીડિયામાં ભારે ટ્રોલ થયા. વિકાસ દિવ્ય કીર્તિ ખુદ આઈએએસ રહી ચૂક્યા છે. તેમને જ્યારે જ્યારે મોદી અને કેજરીવાલ વિશે સવાલો પૂછાયા છે ત્યારે ત્યારે તેમણે બહુ જ કુશળતાથી જવાબો આપીને વાતને ટાળી દીધી છે. કહેવાય છે કે તેમને ભાજપ અને આપ બંનેના નેતાઓ સાથે બહુ જ સારા સંબંધો છે. હવે જ્યારે દૃષ્ટિ આઈએએસ ક્લાસનો મુદ્દો સામે આવ્યો છે ત્યારે આપ અને ભાજપના નેતાઓ એ બાબતે એક બીજા પર આરોપો લગાવે છે. લોકોએ એવો મત વ્યક્ત કર્યો હતો કે વિકાસજી જ્યારેે આદર્શવાદની વાતો કરતા હતા ત્યારે તેમણે થોડુક ધ્યાન કોચિંગ સેન્ટરની પરવાનગી બાબતે પણ આપવાની જરૂર હતી.
દિલ્હીની દુર્ઘટના પછી લખનૌમાં ઓપરેશન
દિલ્હીના કોચિંગ સેન્ટરમાં બનેલી દુર્ઘટનાની અસર ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં પણ થઈ છે. લખનૌના વિવિધ વિસ્તારોના બેઝમેન્ટમાં ચાલતા કોચિંગ સેન્ટરો પર તવાઈ આવી છે. ૧૦૭ જેટલા સ્થળોએ તપાસ કરીને બેઝમેન્ટમાં ચાલતા ૨૦ જેટલા કોચિંગ સેન્ટરો અને લાયબ્રેરીને સિલ મારવામાં આવ્યા છે. ગેરકાયદેસર કોચિંગ સેન્ટરોને સિલ કરવાની પ્રક્રિયા આવનાર દિવસોમાં પણ ચાલું રહેવાની છે. લખનૌ કોર્પોરેશને આ માટે વિવિધ ટીમ બનાવી છે. દરેક ટીમ ખાસ કરીને બેઝમેન્ટમાં ચાલતા કોચિંગ સેન્ટરોના માલિકો અને સંચાલકો પાસેથી દસ્તાવેજોની તપાસ પણ કરશે.
દિલ્હી શિવમય બન્યું : ચારેબાજુ બમ બમ ભોલેનો નાદ
શ્રાવણ મહિનાની શિવરાત્રી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ દિલ્હી શહેર આખું શિવમય થઈ ગયું હોય એમ લાગી રહ્યું છે. ચારે દિશાઓમાં બમ બમ જય બમ ભોલેના નારા લાગી રહ્યા છે. હરીદ્વાર અને ગંગોત્રીથી પગ રસ્તે આવનાર કાવડિયાઓ લાખોની સંખ્યામાં દિલ્હી આવી રહ્યા છે. કાવડમાં ગંગાજળ ભરીને રાજસ્થાન અને હરિયાણા જનારા કાવડિયાઓનો જમાવડો દિલ્હીમાં થયો છે. આ કાવડિયાઓની સેવા માટે દિલ્હી સરકારે અનેક સ્થળોએ શિબિર ઉભા કર્યા છે. ગંગોત્રી અને હરીદ્વારથી આવનારા કાવડિયાઓ પૂર્વ દિલ્હી તરફથી પ્રવેશ કરી રહ્યા છે. દિલ્હીના તમામ મુખ્ય રસ્તાઓ પર કાવડિયાઓની લાઇન લાગી ગઈ છે. કાવડિયાઓ માટે ભોજન-પાણીની વ્યવસ્થા દિલ્હી સરકાર ઉપરાંત શિવભક્તો પણ કરી રહ્યા છે.
કોચિંગ ક્લાસ દુર્ઘટનાના 19 દિવસ પહેલાના એક જૂઠાણાની ચર્ચા
દિલ્હીના રાજેન્દ્રનગર કોચિંગ સેન્ટર ખાતે બનેલી દુર્ઘટના બાબતે દરરોજ નવા નવા ખુલાસા થઈ રહ્યા છે. આ બાબતે હવે દિલ્હીના ફાયર ડિપાર્ટમેન્ટની બેદરકારી પણ સામે આવી છે. આ દુર્ઘટના બની એના ૧૯ દિવસ પહેલા એટલે કે ૯મી જુલાઈએ રાઉ આઇએએસ સ્ટડી સર્કલને ફાયર વિભાગે એનઓસી આપી દીધી હતી. એનઓસી આપતા પહેલા ફાયર ડિપાર્ટમેન્ટની ટીમે બિલ્ડીંગને તપાસી પણ હતી. કાયદેસર રીતે બધુ યોગ્ય હોય તો જ એનઓસી આપવામાં આવે, પરંતુ રાઉ આઇએએસ સ્ટડી સર્કલ જે બિલ્ડીંગમાં હતું એના બેઝમેન્ટમાં લાયબ્રેરી પણ હતી. ફાયર ડિપાર્ટમેન્ટે કઈ રીતે લાયબ્રેરીની જગ્યાએ સ્ટોર હોવા છતાં એનઓસી આપ્યું એવા સવાલો પણ હવે પૂછાઈ રહ્યા છે. દુર્ઘટના બન્યા પછી હવે ફાયર એનઓસી રદ કરવામાં આવી છે. ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા મારવા જેવો ઘાટ થયો છે.
યોગી આદિત્યનાથના નહેલા પર શિવપાલ યાદવનો દહેલો
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વિધાનસભામાં વિરોધ પક્ષના નવા બનેલા નેતા માતા પ્રસાદ પાંડયેને અભિનંદન આપ્યા હતા. જોકે એમણે અખિલેશ યાદવ અને શિવપાલ યાદવ પર કટાક્ષ કરતા કહ્યું હતું કે, કાકા હંમેશા ગાડી ચૂકી જાય છે. મતલબ કે શિવપાલ યાદવ હંમેશા અગત્યના હોદ્દાથી વિમુખ રહે છે. યોગીએ એમ પણ કહ્યું કે કાકા શિવપાલ યાદવથી ભત્રીજા અખિલેશ યાદવ હંમેશા ડરેલા રહે છે. આના જવાબમાં અખિલેશ યાદવે હસતા હસતા વળતો જવાબ આપ્યો હતો કે, હું કોઈ ગાડી ચૂકી નથી ગયો. માતા પ્રસાદ મારા કરતા ઘણા સિનિયર છે. હું પહેલા પાછળ બેસતો હતો. પછી મને વિરોધ પક્ષની ખુરશી મળી તો નજીક આવી ગયો. હું ત્રણ વર્ષથી તમારા સંપર્કમાં છું. દગો તો તમે મને આપ્યો છે.
કર્ણાટક કોંગ્રેસમાં ચાલી રહેલી ખેંચતાણથી રાહુલ પરેશાન
છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસ શાસિત રાજ્ય કર્ણાટકમાં જૂથબાજી ચાલી રહી છે. એક તરફ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા છે તો બીજી તરફ કોંગ્રેસના મજબુત નેતા તેમ જ ઉપમુખ્યમંત્રી ડી કે શિવકુમાર છે. છેલ્લા કેટલાક મહિનાઓથી આ બંનેના સંબંધો તણાવભર્યા હોવાનું મનાય છે. આ બાબતની ફરિયાદ જ્યારે રાહુલ ગાંધી સુધી પહોંચી ત્યારે રાહુલ ગાંધીએ સિદ્ધારમૈયા તેમ જ ડી કે શિવકુમારને સાથે મળીને કામ કરવા માટે સલાહ આપી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાહુલ ગાંધીએ બંને જૂથના હોદ્દેદારોને સાથે મળીને કામ કરવા કહ્યું છે. કર્ણાટકમાં લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો દેખાવ ખાસ વખાણવા લાયક રહ્યો નથી. આ માટેના કારણો શોધવા માટે પણ રાહુલ ગાંધીએ બંને નેતાઓને જણાવ્યું છે.
બંગાળ કોંગ્રેસમાં ફેરફારના એંધાણ : અધીર રંજનના વળતા પાણી
અત્યાર સુધી બંગાળ કોંગ્રેસમાં અધિર રંજન ચૌધરીની બોલબાલા હતી. લોકસભા ચૂંટણી પછી હવે કોંગ્રેસ અધિર રંજનને કદ પ્રમાણે વેતરવા માંગે છે. અધિર રંજનને કારણે કોંગ્રેસ અને ટીએમસી વચ્ચેના સંબંધો બગડયા હતા. અધિર રંજન ચૌધરી પણ કોંગ્રેસના પ્રમુખ તરીકે રાજીનામું આપવા માંગે છે. કોંગ્રેસ હાઇકમાન્ડે પણ નક્કી કર્યું છે કે હવે બંગાળમાં કોંગ્રેસ પક્ષને મજબૂત કરવા નવા નેતાની પસંદગી કરવી. ૨૦૨૬માં બંગાળ વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે કોંગ્રેસના સંગઠનને વધુ મજબૂત બનાવવું જરૂરી છે. આ દિશામાં એઆઇસીસી પ્રયત્ન કરી રહી છે. બંગાળ કોંગ્રેસના નેતાઓ કોંગ્રેેસના મહામંત્રી કે સી વેણુગોપાલને દિલ્હી આવીને મળ્યા હતા. બીજા નેતાઓની સાથે બંગાળથી જીતેલા કોંગ્રેસના એક માત્ર સાંસદ ઇશા ખાન પણ આ મીટિંગમાં હાજર હતા.
અકાલીદળે 8 બળવાખોર નેતાઓને હાંકી કાઢયા
લોકસભાની ચૂંટણી પછી પંજાબના અકાલીદળમાં બળવાખોરો ખુલ્લેઆમ બહાર આવી રહ્યા છે. છેલ્લા એક મહિનાથી તેઓ પક્ષ પ્રમુખ સુખબિરસિંહ બાદલનું રાજીનામું માગી રહ્યા છે. બળવાખોરો સામે પગલા લેવા માટે અકાલીદળે શિસ્તસમિતિની મીટિંગ બોલાવી હતી. આ મીટિંગમાં બળવાખોરોને પક્ષમાંથી હાંકી કાઢવાનું નક્કી કરવામાં આવ્યું હતું. છેવટે ૮ બળવાખોરો પર શિસ્તભંગની તલવાર વિંઝાઇ હતી. ભૂતપૂર્વ સાંસદ પ્રેમસિંહ ચંદુમાજરા તેમ જ શિરોમણી ગુરુદ્વાર પ્રબંધક કમિટિના ભૂતપૂર્વ પ્રમુખ બીબી જાગીરકૌર સામે પણ પગલા લેવાયા છે. ભૂતપૂર્વ ધારાસભ્ય ગુરુપ્રતાપસિંહ બાદલ અને પરબિંદરસિંહ ઢીંઢશાને પણ પક્ષખારીજ કરાયા છે. આ પહેલા બળવાખોરોએ શિરોમણી અકાલીદળ સુધાર લહેરની સ્થાપના કરીને ૧૩ સભ્યોની કમીટી બનાવી હતી.
ભારતીય મૂળની મહિલા મુદ્દે પાકિસ્તાનમાં રાજકારણ
મુંબઈની ફરઝાના બેગમે પાકિસ્તાનના નાગરિક સાથે લગ્ન કર્યા હતા. બંને મૂળ તો અબુ ધાબીમાં ૨૦૧૫માં મળ્યા હતા. થોડા વર્ષો બંને ત્યાં રહ્યા યુસુફ મિર્ઝા નામનો પાકિસ્તાની નાગરિક પોતાના દેશમાં આવી ગયો હતો. હવે તેણે પત્ની ફરઝાનાને ઘરમાંથી કાઢી મૂકી છે. એ દરદર ભટકે એવી સ્થિતિ સર્જાઈ છે. ફરઝાનાએ ભારતના દૂતાવાસને મદદની અપીલ કરી છે. આ મહિલાના મુદ્દે પાકિસ્તાનના સોશિયલ મીડિયામાં પણ રાજકીય પક્ષોના કાર્યકરો વચ્ચે જામી પડી છે. કેટલાક કટ્ટર યુઝર્સ કહી રહ્યા છે કે ફરઝાનાને તુરંત ભારત ભેગી કરવી જોઈએ. તો કેટલાક લિબરલ લોકો કહે છે કે તેની સાથે આવું વર્તન બિલકુલ અયોગ્ય છે.
-ઈન્દર સાહની