ઉધ્ધવ સાથે જોડાણ તોડવા કોંગ્રેસમાં દબાણ

Updated: Apr 1st, 2024


Google NewsGoogle News
ઉધ્ધવ સાથે જોડાણ તોડવા કોંગ્રેસમાં દબાણ 1 - image


નવીદિલ્હી: મહારાષ્ટ્રમાં મહાવિકાસ અઘાડીના સભ્ય પક્ષો વચ્ચે બેઠકોની વહેંચણી કરાય એ પહેલાં જ ઉધ્ધવ ઠાકરેની શિવસેનાએ ૧૭ ઉમેદવારો જાહેર કરી દેતાં ભડકો થઈ ગયો છે. ઉધ્ધવની પાર્ટીએ કોંગ્રેેસ માગી રહી છે એવી છ બેઠકો પર પણ ઉમેદવાર જાહેર કરી દીધા છે. કોંગ્રેસના સ્થાનિક નેતા આ છ બેઠકો પર ઉમેદવારો જાહેર કરવા માટે હાઈકમાન્ડ પર દબાણ કરી રહ્યા છે તેના કારણે મહાવિકાસ અઘાડીમાં ભંગાણનાં એંધાણ છે. શિવસેનાઓ મુંબઈની મોટા ભાગની બેઠકો પર પોતાના ઉમેદવારો જાહેર કરી દીધા તેના કારણે પણ કોંગ્રેસમાં આક્રોશ છે.

શિવસેનાનાં સૂત્રોનું કહેવું છે કે, ઉધ્ધવ ઠાકરેએ પહેલાં જ કોંગ્રેસને કહી દીધું હતું કે શિવસેના ૨૫ બેઠકો પર લડશે. ઉધ્ધવે કોંગ્રેસને બેઠકોની વહેંચણી અંગે ઝડપથી નિર્ણય લેવા વારંવાર કહ્યું છતાં કોઈ નિર્ણય ના લેવાતાં શિવસેના પાસે ઉમેદવારો જાહેર કરવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નહોતો.

અજીતની સુપ્રિયાને પોતાની તરફથી લડવા ઓફર

મહારાષ્ટ્રની બારામતી લોકસભા બેઠક પર શરદ પવારની પુત્રી સુપ્રિયા સુલે સામે તેમના પિતરાઈ ભાઈ અને નાયબ મુખ્યમંત્રી અજિત પવારનાં પત્ની સુનેત્રા પવાર ચૂંટણી લડશે એવી જાહેરાત કરાતાં જ રાજકીય ઉત્તેજનાનો માહોલ છે.  એનસીપીના શરદ પવાર જૂથે રાજ્યની ૫ બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી તેના કલાકો પછી એનસીપીના અજીત જૂથના નેતા સુનીલ તટકરેએ બારામતીમાંથી સુનેત્રાની ઉમેદવારીની જાહેરાત કરી હતી.

સૂત્રોનું કહેવું છે કે, સુપ્રિયા સૂલેએ અજીતને બારામતીમાંથી ભાભી સુનેત્રાને નહીં લડાવવા વિનંતી કરી હતી. સામે અજીત પવારે સુપ્રિયાને પોતાની પાર્ટી તરફથી લડવાની ઓફર આપી હતી પણ સુપ્રિયા પિતાનો સાથ છોડવા તૈયાર નથી તેથી અજીતે આર યા પારની લડાઈ લડવાનું નક્કી કરી નાંખ્યું છે. 

ભાજપની નવી યાદીમાં પક્ષપલટુઓનું પ્રભુત્વ

ભાજપે લોકસભા ઉમેદવારોની આઠમી યાદી જાહેર કરીને ઓડિશા, પંજાબ અને પશ્ચિમ બંગાળ એ ત્રણ રાજ્યોના કુલ ૧૧ ઉમેદવારોનાં નામની જાહેરાત કરી તેમાં પક્ષપલટુઓની બોલબાલા છે.  ભાજપે પંજાબની છ, પશ્ચિમ બંગાળની બે અને ઓડિશાની ત્રણ બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી છે તેમાં ત્રીજા ભાગથી વધારે આયાતી ઉમેદવાર છે.  

પંજાબમાં પટિયાલામાં ઉમેદવાર પ્રનીત કૌર, લુધિયાણાના ઉમેદવાર રવનીત સિંહ બિટ્ટુ અને જલંધરના ઉમેદવાર સુશીલ કુમાર રિંકુ તાજેતરમાં જ કોંગ્રેસ અને આપમાંથી ભાજપમાં આવ્યા છે.  ઓડિશાની ત્રણ બેઠકો માટેના ઉમેદવારોમાં  કટકન ઉમેદવાર ભર્તૃહરિ મહતાબ બીજેડીમાંથી આવ્યા છે.

ભાજપનાં સૂત્રોનું કહેવું છે કે, પંજાબમાં ભાજપનો કોઈ પ્રભાવ નથી એ જોતાં આયાતી ઉમેદવારો વિના ભાજપનો ઉધ્ધાર નથી. ઓડિશામાં પણ ભાજપે મૂળ ભાજપના નેતાઓ પર બહુ ભરોસો કર્યો પણ ૨૫ વર્ષથી નવિન પટનાઈકને હરાવી શકતા નથી તેથી ભાજપ પાસે બીજેડીમાંથી જીતી શકે એવા નેતાઓને લાવવા પડયા છે.

કલ્પના સોરેનને ચૂંટણી લડાવવાનો તખ્તો તૈયાર

ઝારખંડમાં જેલભેગા કરાયેલા ભૂતપૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનનાં પત્ની કલ્પના સોરેનના રાજકીય તખ્તે પ્રવેશનો તખ્તો તૈયાર છે. ઝારખંડમાં લોકસભાની ચૂંટણીની સાથે ગાંડેય વિધાનસભા બેઠકની પેટાચૂંટણી પણ યોજાવાની છે. આ પેટાચૂંટણી માટે કલ્પના સોરેનને ઝારખંડ મુક્તિ મોરચાનાં ઉમેદવાર બનાવવાનું નક્કી હોવાનું કહેવાય છે. ભાજપે આ બેઠક માટે દિલીપકુમાર વર્માને ઉમેદવાર બનાવ્યા છે.

ઝારખંડ વિધાનસભાની ૨૦૧૯ની ચૂંટણીમાં ગાંડેય બેઠક પરથી જેએમએમના ડો. સરફરાઝ અહમદ જીત્યા હતા. ડો. સરફરાઝે થોડા સમય પહેલાં રાજીનામું આપ્યું ત્યારે આ બેઠક કલ્પના માટે ખાલી કરાઈ હોવાની અટકળો ચાલી હતી. હેમંત જેલમાં જાય તો કલ્પનાને મુખ્યમંત્રી બનાવાશે એવી વાતો પણ ચાલી હતી પણ હેમંતનાં ભાભી સીતાના વિરોધના કારણે એ વિચાર માંડી વળાયેલો. હવે સીતા ભાજપમાં છે ઇઅને લોકસભાની ચૂંટણીમાં દુમકા બેઠકનાં ઉમેદવાર છે તેથી કલ્પનાને પણ ચૂંટણી લડાવવાનો નિર્ણય સોરેન પરિવારે લીધો હોવાનું કહેવાય છે.

કોંગ્રેસના બે દિગ્ગજ નેતા જાહેરમાં બાખડયા

રાજસ્થાનમાં કોટા લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પ્રહલાદ ગુંજાલ અને દિગ્ગજ નેતા શાંતિલાલ ધારીવાલના સમર્થકો જાહેર સભામાં  બાખડી પડતાં કોંગ્રસ શરમજનક સ્થિતીમાં મૂકાઈ ગઈ છે. ગુંજાલે સ્ટેજ પરથી જાહેરાત કરી હતી કે, ધારીવાલ સાથેના પોતાના મતભેદો હવે સમાપ્ત થઈ ગયા છે. તેની સામે ધારીવાલે સવાલ કર્યો હતો કે, ગુંજાલે પોતાની સામે પહેલાં કરેલા આક્ષેપો ખોટા હતા એવું પોતે માની લે ?

ધારીવાલે ગુંજાલને કોંગ્રેસની વિચારધારા પ્રમાણે સેક્યુલર બનવાની સલાહ આપતાં ગુંજાલના સમર્થકોએ જય શ્રી રામના નારા લગાવ્યા હતા. તેના પગલે બંનેના સમર્થકો ઝગડયા હતા.

ગુંજાલ પહેલા ભાજપમાં હતા અને ધારીવાલના રાજકીય હરીફ મનાતા હતા પણ ટિકિટ ના મળતાં કોંગ્રેસમાં આવી ગયા છે. કોંગ્રેસે લોકસભાના સ્પીકર ઓમ બિરલા સામે ગુંજાલને મેદાનમાં ઉતારી દીધા છે. ગુંજાલ કોંગ્રેસમાં જોડાયા ત્યારે ધારીવાલ હાજર નહોતા રહ્યા પણ પછી હાઈકમાન્ડના દબાણથી ગુંજાલને મળીને તેમને ગળે લગાડયા હતા.

ભાજપે વધુ બે નિવૃત્ત અધિકારીને ટિકિટ આપી

 નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા પછી નિવૃત્ત અધિકારીઓને રાજકારણમાં લાવવાનું પ્રમાણ વધ્યું છે. ભાજપે પોતાની આઠમી યાદીમાં વધુ બે નિવૃત્ત અધિકારીઓને ટિકિટ આપીને આ સિલસિલાને આગળ ધપાવ્યો છે. ભાજપે અમેરિકા ખાતે ભારતીય રાજદૂત રહી ચૂકેલા તરણજીતસિંહ સંધુને પંજાબના અમૃતસરથી જ્યારે આઈપીએસ ઓફિસર દેબાશિષ ધરને પશ્ચિમ બંગાળની બિરભૂમ લોકસબા બેઠક પરથી ટિકિટ આપી છે. દેબાશિષ ધરે થોડા સમય પહેલાં આઈપીએસમાંથી રાજીનામું આપ્યું ત્યારે જ એ ચૂંટણી લડશે એ નક્કી થઈ ગયેલું.

દેબાશિષ ધરની ગણના ભાજપ તરફ સહાનુભૂતિ ધરાવતા અધિકારી તરીકે થતી હતી. કૂચબિહાર જિલ્લાના એસપી રહી ચૂકેલા દેબાશિષને બંગાળની ૨૦૨૧ની વિધાનસભા ચૂંટણી વખતે કેન્દ્રીય દળોના ગોળીબારમાં ચાર લોકોનાં મોત થયાં તેના પગલે સસ્પેન્ડ કરી દેવાયા હતા. બંગાળ પોલીસે દેબાશિષના ઘરે દરોડા પાડયા હતા. આ દરોડામાં કરોડોની અપ્રમાણસરની સંપત્તિ મળી હોવાનો દાવો કરીને તેમની સામે કેસ પણ કરાયો છે. 

***

રાજદ સાથે બેઠક-વહેંચણી, કોંગ્રેસ માટે માથાનો દુઃખાવો

બિહારમાં રાજદ (રાષ્ટ્રીય જનતા દળ) સાથેની બેઠકોની વહેંચણી, કોંગ્રેસ માટે શિર દર્દથી કમ ઉપાધિ નથી. રાજદે જીતાય નહિ એવી બેઠકો કોંગ્રેસની ઝોળીમાં નાખી આપી છે, જ્યારે જીતાય એવી બેઠકો એને આપવાનો ઇન્કાર કર્યો છે. બંને પક્ષો મહાગઠબંધનના સાથીઓ છે કે જેમાં બિહારમાં ડાબેરી મોરચો પણ સામેલ છે. વળી, બંને જૂથો રાષ્ટ્રીય કક્ષાએ વિપક્ષી મોરચા 'ઇન્ડિયા' ના ભેરૂઓ છે જ. બિહારની લોકસભાની ૪૦ બેઠકો પૈકી રાજદે કોંગ્રેસે નહિ માગેલી નવ બેઠકો એને ફાળવી છે, જ્યારે જે બેઠકો માટે એનો આગ્રહ છે એ, કોંગ્રેસને આપી નથી, એમ કોંગ્રેસના નેતા અને ઔરંગાબાદના પૂર્વ સાંસદ નિખિલકુમારે જણાવ્યું.

૨૦,૦૦૦ પુસ્તકો ઃ કેરળના પૂર્વ મંત્રીની સંપત્તિ

બે વાર નાણામંત્રી રહી ચૂકેલા, જ્યારે ચાર વાર ધારાસભ્યપદે રહેલા, કેરળના એલડીએફ (લેફટ ડેમોક્રેટિક ફ્રન્ટ)ના પાથાનામપિટ્ટા બેઠક માટેના ઉમેદવાર ડો. થોમસ આઇઝેકે એમના ઉમેદવારીપત્રની સાથોસાથ કરેલા સોગંદનામામાં જણાવ્યું છે કે એમની પાસે ૯.૬ લાખના કુલ મૂલ્યના ૨૦,૦૦૦ પુસ્તકો છે. ચિટ ફંડ કેએસએફઇમાં એમનું ૭૭,૦૦૦ રૂપિયાનું રોકાણ છે. એમની પાસે ૧૦,૦૦૦ની રોકડ રકમ છે, જ્યારે મલયાલમ કોમ્યુનિકેશન્સ કંપનીના ૧૦,૦૦૦ રૂપિયાના શેર છે, એમ એમણે ઉમેર્યું. 

''કાળા નાણાની તબદીલીનો સારો રસ્તો છે નોટબંધી''

સુપ્રીમ કોર્ટે શનિવારે નોટબંધી વિષે આપેલા ચુકાદામાં અસંમતિનો સૂર રજૂ કરનારાં એકમાત્ર ન્યાયમૂર્તિ બી.વી. નાગારત્નાએ તેલંગાણાના હૈદરાબાદસ્થિત નાલસાર યુનિવર્સિટી ઓફ લોમાં વ્યાખ્યાન કરતા જણાવ્યું કે જો ૯૮ ટકા ચલણી નોટો રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા પાસે આવી ગઇ તો બેહિસાબી નાણાને દૂર કરવા માટેની એની અસરકારકતા સામે પ્રશ્ન ઊભો થાય છે. મને લાગે છે કે કાળા નાણાને સફેદ કરવાનો એક એક સારો રસ્તો છે એમ વકતાએ કટાક્ષ પણ કર્યો.  એ પછીની આવકવેરાની કાર્યવાહીઓનું શું થયું એ આપણે જાણતા નથી. આથી જનસામાન્યની એ વેળા થયેલી દુર્દશાએ મને ખરેખર વિચલિત કરી દીધી,  પરિણામે મારે સુપ્રીમ કોર્ટના નોટબંધી સંબંધી ચુકાદામાં અસંમતિ વ્યક્ત કરવી પડી, એમ એમણે કહ્યું.

જાતીય સતામણી માટે ઓનલાઇન ટાર્ગેટ કરાય છે

૨૦૨૨ના વર્ષની તુલનામાં ગયા વર્ષે ૨૦૨૩માં પોકસો (પ્રોટેકશન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેકસ્યુઅલ ઓફેન્સિસ) ધારા અંતર્ગત ૧૯ ટકા કેસ વધારે નોંધાયા, જ્યારે એના આરોપીઓની સંખ્યામાં ૬૫ ટકાનો વધદારો નોંધાયો.  દિલ્હી પોલીસે આમ જણાવીને  ઉમેર્યું કે પોતે ૨૦૨૨માં ૯૫ ટકા કેસ ઉકેલી શકી હતી, જ્યારે ૨૦૨૩માં એમાં થોડો વધારો થતાં ૯૭ ટકા કેસ ઉકેલી શકાયા. મોટાભાગના કેસોમાં આરોપીઓ, બાળકોના સગાંઓ, મિત્રો, ટયુશન-શિક્ષકો તથા પડોશીઓના ઓળખીતા જ હોય છે. અનેકવાર એમને ઓનલાઇન પણ લક્ષ્ય બનાવાય છે, એમ પોલીસે ઉમેર્યું.

- ઇન્દર સાહની


Google NewsGoogle News