શીતળા સાતમના તહેવારમાં યંગસ્ટર્સનો ટ્રેન્ડ બદલાયો : પરંપરાગત વાનગી અને ઠંડા ખોરાકની જગ્યા ફાસ્ટફુ઼ડે લીધી
Shitala Satam and Randhan Chhath : પવિત્ર શ્રાવણ માસ એટલે હિન્દુઓના તહેવારોની વણઝારનો મહિનો છે. આ મહિનામાં અનેક તહેવાર સાથે રાંધણ છઠ, શીતળા સાતમ જેવા પરંપરાગત તહેવારોનું પણ અનેરું મહત્વ હોય છે. રાંધણ છઠ એટલે ભોજન બનાવીને બીજા દિવસે આરોગવાની હિન્દુ ધર્મની પરંપરા મૂળ સુરતીઓમાં હજી પણ યથાવત જોવા મળે છે. જોકે, સમયની સાથે-સાથે રાંધણ છઠ અને શીતળા સાતમના તહેવારની ઉજવણી પણ ફેક્સીબલ થઈને બદલાઈ રહી છે. આજની પેઢી પહેલાના લોકોની જેમ ઠંડો ખોરાક ખાતી ન હોવાથી સુરતીઓએ તહેવારની ઉજવણી પણ થાય અને બાળકો ઠંડો ખોરાક પણ ખાઈ તે માટે બાળકોને ભાવતો ફાસ્ટ ફૂડ જેવો ખોરાક રાંધણ છઠના દિવસે બનાવી રહ્યા છે.
મૂળ સુરતીઓ ગણાતી જ્ઞાતિઓમાં આજે પણ તહેવારોની ઉજવણી પરંપરાગત રીતે કરવામાં આવે છે. તેમાં પણ શ્રાવણ માસમાં સુરતીઓ વધુ પડતા ધાર્મિક થાય છે અને આ મહિનામા આવતા તહેવારની ઉજવણી પરંપરાગત રીતે કરી રહ્યાં છે. જોકે, પેઢીઓ બદલવાની સાથે તહેવારની ઉજવણીમાં પણ બદલાવ આવી રહ્યો છે. પહેલાની પેઢીના લોકો રાંધણ છઠના દિવસે આખા ઘરની મહિલાઓ ભેગી થતી અને જાત-જાતના વ્યંજન બનાવતી અને રાત્રીના સમયે ચુલા ઠારીને બીજા દિવસે નાહવાના પાણીથી માંડીને તમામ ખોરાક ઠંડા જ ઉપયોગ કરતી હતી.
પરંતુ હવે આજની પેઢી ઠંડા ખોરાકને હાઈજેનિક માનતી નથી અને વાસી ખોરાકને ખાવાનું પણ ટાળે છે. જેથી નવી પેઢીમાં રાંધણ છઠ અને શીતળા સાતમના તહેવારની ઉજવણીનું મહત્વ રહે તે માટે જૂની પેઢીએ પરંપરામાં બાંધછોડ કરીને રાંધણ છઠનો પરંપરાગત ખોરાક જ બદલી નાંખ્યો છે. પહેલાની રાંધણ છઠમાં મગ-મઠ, પુરી, લાડુ, મોહનથાળ, બાફેલા પાતરા, ખાટા વડાં, ગુલાબ જાંબુ, શ્રીખંડ પુરી,સુકા બટાકાનું શાક, બાસુંદી, સક્કરપારા સહિતની વાનગીઓ બનાવી દેતા હતા. પરંતુ હવે બીજા દિવસે આ વાનગીઓ યંગસ્ટર્સ ખાતા ન હોવાથી હવે યંગસ્ટર્સના જીવનમાં હેબીટ થઈ ગઈ છે તેવી પાણીપુરી, દહીપુરી, દહીંવડા, સેન્ડવીચ બનાવી બંગાળી મીઠાઈ તૈયાર લઈ આવે છે. આ વાનગીઓ શીતળા સાતમના દિવસે યંગસ્ટર્સ હોંશે હોંશે ખાઈ સાતમના તહેવારની ઉજવણી કરે છે.