દિવાળીના બે ત્રણ હજાર આપવા જ પડશે નહીં તો મારા ઘરે સામાન પડેલો છે તેનાથી તારૂ પૂરૂ કરી નાખીશ કહી યુવાને બે મિત્રો સાથે મળી આધેડ મંડપ ડેકોરેટરને ધમકી આપી
- વાર તહેવારે પૈસાની માંગણી કરતા યુવાને બેસતા વર્ષના દિવસે મંડપ ડેકોરેટરના પૌત્રના જન્મદિવસની ઉજવણી થતી હતી ત્યારે ઘર પાસે જઈ હંગામો કર્યો : અગાઉ પણ તોડફોડ કરી હતી
સુરત,તા.8 નવેમ્બર 2021,સોમવાર
સુરતના નવાગામ ડિંડોલી વિસ્તારમાં વાર તહેવારે પૈસાની માંગણી કરતા યુવાને બેસતા વર્ષના દિવસે મંડપ ડેકોરેટરના પૌત્રના જન્મદિવસની ઉજવણી થતી હતી ત્યારે ઘર પાસે જઈ બે મિત્રો સાથે મળી હંગામો કર્યા બાદ ધમકી આપી હતી કે દિવાળીના બે ત્રણ હજાર આપવા જ પડશે નહીં તો મારા ઘરે સામાન પડેલો છે તેનાથી તારું પૂરું કરી નાખીશ.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ મહારાષ્ટ્રના જલગાંવના વતની અને સુરતમાં નવાગામ ડિંડોલી ઉમિયાનગર 1 ઘર નં.124 માં રહેતા 56 વર્ષીય ભરતભાઇ તુકારામ પાટીલ નવાગામ ડિંડોલીમાં રાકેશ મંડપ ડેકોરેશનના નામે વેપાર કરે છે. નવાગામ ડિંડોલી આર.ડી.નગર પ્લોટ નં.80 માં રહેતો 24 વર્ષીય રાજેશ ધનુરાય યાદવ છેલ્લા બે ત્રણ વર્ષથી વાર તહેવારે ભરતભાઈ પાસે આવી તમારો ધંધો બહુ સારો ચાલે છે કહી પૈસાની માંગણી કરે છે. ભરતભાઈ ના પાડે તો ગાળાગાળી કરતા રાજેશે છ મહિના અગાઉ ભરતભાઈએ પૈસા નહીં આપતા તોડફોડ પણ કરી હતી. દરમિયાન, ગત 5 મી ના રોજ બેસતા વર્ષના દિવસે તેમના પૌત્ર પ્રણવનો 16 મોં જન્મદિવસ હોવાથી તેઓ ઘરે ઉજવણી કરતા હતા ત્યારે રાત્રે 9 વાગ્યે ઘર નીચે કોઈ જોરથી બોલતું હોય જોયું તો રાજેશ તેના બે મિત્રો ભટુ ધનરાજ બોરસે ( ઉ.વ.23, રહે.101, જયેશનગર, નવાગામ, ડીંડોલી, સુરત ) અને ચંદ્રકાન્ત ઉર્ફે સાગર અશોક પાટીલ ( ઉ.વ.24, રહે.51, જય રણછોડનગર, નવાગામ, ડીંડોલી, સુરત ) સાથે આવી હંગામો કરતો હતો.
રાજેશે દિવાળીના ખર્ચા પાણીના પૈસા તો આપવા જ પડશે તેમ કહેતા ભરતભાઈએ શેની દિવાળી, શેના પૈસા, હું તમને શા માટે પૈસા આપું તેમ કહ્યું તે સાથે જ ત્રણેયે ઝપાઝપી કરવા માંડી હતી.આથી ભરતભાઈ, તેમના બે પુત્રો અને કારીગરે સમજાવવા પ્રયત્ન કર્યો તો રાજેશે કહ્યું હતું કે તારે દિવાળીના બે ત્રણ હજાર આપવા જ પડશે નહીં તો મારા ઘરે સામાન પડેલો છે તેનાથી તારું પૂરું કરી નાખીશ.આ અંગે ભરતભાઈએ બીજા દિવસે ત્રણેય વિરુદ્ધ ડિંડોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણેયની ધરપકડ કરી હતી. આ તરફ રાજેશે વળતી ફરિયાદ નોંધાવી હતી કે ભરતભાઇના પુત્રો અને કારીગરે તેમની સાથે ઝઘડો કરી કારીગર રૂપેશે ચપ્પુ માર્યું હતું.