યશપાલ સિંહ સોલંકી પેપર લીક થતા પરીક્ષા રદ થયાની જાણ થતાં જ સુરત થી ભાગી છુટયો હતો
( પ્રતિનિધિ દ્વારા ) સુરત, તા. 6. ડિસેમ્બર 2018 ગુરૂવાર
લોકરક્ષક પેપર લીક કૌભાંડમાં મહત્વના એવા યશપાલ સિંહ સોલંકીની ગુજરાત પોલીસે ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં ખુલાસો થયો છે યશપાલ સિંહ સોલંકી લોકરક્ષક ની પરીક્ષા આપવા સુરતના અલથાણ ખાતે ના સેન્ટર ઉપર આવ્યો હતો. જોકે, પેપર લીક થતા પરીક્ષા રદ થયાની જાણ થતા સાથે જ તે સુરતથી ફરાર થઈ ગયો હતો.
આધારભૂત સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ લોકરક્ષક પેપર લીક કૌભાંડમાં મહત્વના એવા યશપાલ સિંહ સોલંકીની ગુજરાત પોલીસે આજરોજ વિરપુર ખાતેથી ધરપકડ કરી હતી.
પોલીસની તપાસમાં જાણવા મળ્યું હતું કે યશપાલસિંહ પણ પરીક્ષામાં ઉમેદવાર હતો અને તેનું સેન્ટર સુરતના અલથાણ શિવાની પાર્ક ખાતેની શ્રી દયાળજી કસનજી ભટારકર વિધાસંકુલ હેઠળની પ્રાથમિક શાળા ખાતે હતું.
ગત રવિવારે પરીક્ષા આપવા માટે યશપાલસિંહ સુરતના સેન્ટર ઉપર પણ આવ્યો હતો. પરંતુ પેપર લીક થતા પરીક્ષા રદ કરવામાં આવી હતી. આ અંગેની જાણ થતા જ યશપાલસિંહ સુરતમાંથી જ ભાગી છૂટયો હતો. શરૂઆતમાં સુરતના આજુબાજુના વિસ્તારોમાં ફરતા રહેલા યશપાલ સિંહે વડોદરા જઇ પરિવાર સાથે પણ મુલાકાત કરી હતી અને બાદમાં વિરપુર પહોંચ્યો હતો. જો કે, ત્યાં એક પરિચિતે તેને ઓળખી લેતાં પોલીસને જાણ કરી હતી અને ઝડપાઈ ગયો હતો.
પરીક્ષા કેન્દ્રના સીસીટીવી ફૂટેજમાં યશપાલસિંહ સ્પષ્ટ નજરે ચઢે છે. ઉપરાંત , પરીક્ષાર્થીઓ ના હાજરી રજીસ્ટરમાં તેણે સહી પણ કરી હોવાનું જાણવા મળ્યું છે.