વિશ્વ યોગ દિવસે સુરત પાલિકાની શાળાઓ બની યોગમય : એક જ દિવસ નહીં પરંતું અનેક શાળામાં દરરોજ પ્રાર્થનાની શરૂઆત યોગથી થાય છે

Updated: Jun 21st, 2024


Google NewsGoogle News
વિશ્વ યોગ દિવસે સુરત પાલિકાની શાળાઓ બની યોગમય : એક જ દિવસ નહીં પરંતું અનેક શાળામાં દરરોજ પ્રાર્થનાની શરૂઆત યોગથી થાય છે 1 - image


International Yoga Day : આજે વિશ્વ યોગ દિવસે સુરત પાલિકા સંચાલિત શિક્ષણ સમિતિની શાળાઓ યોગમય બની ગઈ હતી. શિક્ષણ સમિતિની તમામ શાળાઓમાં ધોરણ 6થી 8ના હજારો વિદ્યાર્થીઓએ યોગ કરી યોગ દિવસની ઉજવણી કરી હતી. જોકે, સુરત પાલિકાની કેટલીક શાળાઓ એવી છે જ્યાં એક દિવસ માટે નહી પરંતુ શાળા ચાલુ હોય તે તમામ દિવસોમાં રોજ સવારે યોગ થાય છે. ઉગતની શાળામાં દરરોજ પ્રાર્થનાની શરૂઆત યોગથી કરવામાં આવે છે જેમાં બાળકો હળવું ધ્યાન પ્રાણાયામ અને યોગ કરે છે સંચાલન પણ વિદ્યાર્થીઓ જ કરે છે.

સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં શૈક્ષણિક કાર્ય સુધારવા સાથે બાળકોના હેલ્થનો પણ ખ્યાલ રાખવામાં આવી રહ્યો છે. આજે વિશ્વ યોગ દિવસે સુરત પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની તમામ શાળાઓમાં વિદ્યાર્થીઓ સાથે વાલીઓ પણ યોગ ક્રિયામાં જોડાયા હતા.શાળામાં યોગ શિક્ષકો સાથે પાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને શિક્ષકો સાથે વિદ્યાર્થીઓએ તાડાસન, વૃક્ષાસન, પાદહ્સ્તાસન, અર્ધચક્રાસન, ત્રિકોણાસન, ભદ્રાસન, અર્ધ ઉષ્ટ્રાસન, શશાંકાસન,વક્રાસન, સેતુબંધાસન, પવનમુકતાસન અને શવાસનનું નિદર્શનની સાથે – સાથે યોગાભ્યાસ કરાવવામાં આવ્યો. અનુલોમ- વિલોમ,ભ્રામરી પ્રાણાયામ તથા ધ્યાનાત્મક આસન વિતરાગ મુદ્રા સાથે કરાવવામાં આવ્યું. હતું.

વિશ્વ યોગ દિવસે સુરત પાલિકાની શાળાઓ બની યોગમય : એક જ દિવસ નહીં પરંતું અનેક શાળામાં દરરોજ પ્રાર્થનાની શરૂઆત યોગથી થાય છે 2 - image

મોટા ભાગની શાળાઓમાં એક દિવસ માટે યોગ નિર્દેશન કાર્યક્રમ થયો હતો પરંતુ સુરત પાલિકાના રાંદેર ઝોનમાં જહાંગીરાબાદ, ઉગતની, શ્રી રવિશંકર મહારાજ પ્રાથમિક શાળામાં શાળામાં શૈક્ષણિક કાર્યચાલુ હોય તે તમામ દિવસોમાં વિદ્યાર્થીઓને યોગ કરાવવામા આવે છે. શાળાના આચાર્ય રોશની ટેલર કહે છે, શાળામાં છેલ્લા બે વર્ષથી યોગ અંતર્ગત ઇનોવેશન પણ હાથ ધરવામાં આવેલ છે જેનો એક માત્ર હેતુ બાળકોને યોગમય બનાવવા અને સ્વસ્થ જીવન શૈલી તરફ બાળકો વળે અને પોતાના માતા પિતાને પણ યોગનું મહત્વ સમજાવે તેવા હેતુસર શાળામાં દરરોજ પ્રાર્થનાની શરૂઆત યોગથી કરવામાં આવે છે જેમાં બાળકો હળવું ધ્યાન પ્રાણાયામ અને યોગ કરે છે ત્યારબાદ પ્રાર્થનાની શરૂઆત કરે છે જેનું સંપૂર્ણ સંચાલન બાળકો જાતે જ કરે છે

વિશ્વ યોગ દિવસે સુરત પાલિકાની શાળાઓ બની યોગમય : એક જ દિવસ નહીં પરંતું અનેક શાળામાં દરરોજ પ્રાર્થનાની શરૂઆત યોગથી થાય છે 3 - image

શાળાના શિક્ષિકા આરતી સારંગ કહે છે,  બાળકો રોજે રોજ યોગ કરે છે તેના કારણે તેઓની હેલ્થ સાથે એકાગ્રતા વધે તેવો પ્રયાસ કરવામા આવે છે. ઉપરાંત બાળકો દ્વારા રોજ યોગ કરવામા આવે છે તેના વિડીયો પણ યુ ટ્યુબ પર અપલોડ કરવામાં આવે છે. આ પ્રયાસના કારણે બાળકોના વાલીઓ પણ આ યોગ જુએ અને યોગમય બને એવો હેતુ છે.  પ્રત્યેક જન સ્વસ્થ , શાંત ,આનંદી અને પ્રિય બનવાનો પ્રયત્ન કરે તે માટે સૌ દ્વારા સમૂહમાં સ્વસ્થ આરોગ્ય માટેનો સંકલ્પ કરવામા આવ્યો હતો તેથી બે વર્ષથી શાળા માં આ પ્રવૃત્તિ ચલાવવામાં આવે છે.


Google NewsGoogle News