વિશ્વ પર્યાવરણ દિવસ : સુરતના લોકોને રાશી અને નક્ષત્ર પ્રમાણેના વૃક્ષો રોપી પુણ્ય કમાવવા માટે વૃક્ષારોપણ કર્યું
World Environment Day : વિશ્વ પર્યાવરણ દિવસે સુરત પાલિકા દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારમાં વિના મુલ્યે રોપા આપવાનું શરૂ કરવામાં આવ્યું છે તો બીજી તરફ સુરતના પાલ વિસ્તારની એક સોસાયટીએ લોકોને ભાવનાત્મક રીતે જોડવાનો પ્રયાસ કર્યો છે. સોસાયટીના લોકો પાસે રાશિ અને નક્ષત્ર જાણી તેમણે ક્યા વૃક્ષ વાવવા જોઈએ તે પ્રમાણે પાલિકા અને અન્ય જગ્યાએથી વૃક્ષો લાવી વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. હવે આ વૃક્ષ જેઓએ રોપ્યા છે તે જ એની માવજત કરશે આમ પર્યાવરણની જાળવણી માટે એક સોસાયટીએ પ્રયોગ કર્યો તેવો પ્રયોગ પાલિકા કે અન્ય સંસ્થા કરે તો લોકોમાં વધુ જાગૃતિ આવી શકે છે.
સુરત પાલિકા દ્વારા શહેરને ગ્રીન સીટી બનાવવાના ભરપૂર પ્રયાસ કરી રહી છે. શહેરમાં વૃક્ષારોપણ અને તેની માવજત માટે હાલ પાલિકા વર્ષે દહાડે કરોડ રૂપિયાથી વધુ રકમ ખર્ચી રહી છે તેમ છતાં જોઈએ તેવું પરિણામ હજુ મળી શક્યું નથી. સુરત પાલિકા અને સરકારે વિશ્વ પર્યાવરણ દિવસે પર્યાવરણની જાળવણી માટે વૃક્ષારોપણના અનેક કાર્યક્રમો કર્યા છે તેમ છતાં પર્યાવરણ માટે લોકો જોઈએ તેટલા જાગૃત નથી. શહેરમાં વૃક્ષોની જગ્યા હવે બિલ્ડિંગો લેતાં શહેર સિમેન્ટ કોંક્રિટના જંગલમાં ફેરવાઈ ગયું છે. આવા સમયે સુરતના પાલ વિસ્તારની સાર્થક રેસીડેન્સી સોસાયટીએ પોતાની સોસાયટી અને આસપાસના લોકો પર્યાવરણ પ્રત્યે વધુ જાગૃત થાય તે માટે એક અનોખો પ્રયોગ કર્યો છે. આ અનોખા પ્રયોગમાં જો સફળતા મળે તો પાલિકા પણ આવા પ્રકારનો પ્રયોગ કરી શકે છે.
આધુનિક યુગમાં પણ લોકોને જયોતિષવિધા પર વિશ્વાસ અટૂટ રહ્યો છે. જ્યોતિષવિદ્યામાં કે શાસ્ત્રોમાં લોકોને વિશ્વાસ છે ભારતીય સંસ્કૃતિ વેદ અને શાસ્ત્રોમાં રાશી પ્રમાણે વૃક્ષો વાવવાનો મહિમા દર્શવવામાં આવ્યો છે અને તે અંગે લોકોમાં થોડી જાગૃતિ આણી વૃક્ષારોપણ થતું હોય તો શહેરના હિતમાં તેવી માહિતી બાદ પાલની સાર્થક રેસીડન્સીના સભ્યોએ રાશિ પ્રમાણે વૃક્ષારોપણ કરવાનો નિર્ણય કર્યો હતો. સોસાયટીના લોકોની રાશિ અને નક્ષત્ર પ્રમાણે વૃક્ષની યાદી બનાવીને પાલિકા કે અન્ય જગ્યાએથી તે વૃક્ષોના રોપા લાવવામાં આવ્યા છે. આ રોપા સભ્યોની આપીને તેમના હાથે રોપાવ્યા છે. એટલું જ નહીં પરંતુ તેની જાળવણીની જવાબદારી પણ સભ્યોને સોંપવામાં આવી છે. પોતાની રાશિ પ્રમાણે વૃક્ષ જે વ્યક્તિએ રોપ્યું હોય તે ભાવનાત્મક રીતે જોડાયેલું હોય તે માવજત યોગ્ય રીતે કરશે અને પર્યાવરણની જાળવણી યોગ્ય રીતે થશે તેવું સોસાયટીના લોકોનું માનવું છે.
સુરતની એક રહેણાંક સોસાયટીના લોકોએ રાશી અને નક્ષત્ર પ્રમાણે વૃક્ષારોપણ કર્યું છે તેવી રીતે જો પાલિકા પણ આ રીતે આયોજન કરે તો અનેક લોકો મોટી સંખ્યામાં વૃક્ષો ઉગાડી શકે અને પર્યાવરણની જાળવણી કરી શકે તે શક્યતા નકારી શકાતી નથી.
રાશિ
|
વૃક્ષ |
મેષ
|
રક્ત ચંદન |
વૃ૫ભ
|
સપ્તપર્ણી |
મિથુન
|
ફણસ |
કર્ક
|
પલાસ |
સિંહ
|
કનક ચંપો |
કન્યા
|
આંબો |
તુલા
|
બકુલ |
વૃશ્ચિક
|
સોપારી |
ધન
|
પીપળો |
મકર
|
સીસમ |
કુંભ
|
શમી |
મીન
|
રબર પ્લાન્ટ (વટ) |