લોકસભાની ચૂંટણી પહેલા સુરત ભાજપમાં ભરતી મેળો : માજી AICCના સભ્ય અને પૂર્વ કોર્પોરેટર સહિત કાર્યકરો ભાજપમાં જોડાયા
- ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે કોંગ્રેસીઓને ખેસ પહેરાવી કેસરિયા કરાવ્યા
સુરત,તા.21 ફેબ્રુઆરી 2024,બુધવાર
લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતના અન્ય શહેરો સાથે સુરતમાં પણ ભાજપનો ભરતી મેળો શરૂ થયો છે. આજે સુરતના ભાજપ કાર્યાલય ખાતે માજી એઆઈસીસી સભ્યો અને માજી કોર્પોરેટરો સહિત અનેક લોકો ભાજપમાં જોડાયા હતા. કોંગ્રેસનું સંગઠન નબળું છે અને નાના કાર્યકરોનો કંઈ સંભળાતું નથી ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવેલો વિકાસ અને ભાજપના મજબૂત સંગત નથી પ્રભાવિત થઈને કોંગ્રેસીઓએ ભાજપમાં જોડાયા હોવાનું જણાવ્યું હતું.
ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર પાટિલે આજે સુરત ભાજપ કાર્યાલય ખાતે કોંગ્રેસી નેતાઓ અને કાર્યકરોને કેસરી ખેસ પહેરાવીને ભાજપમાં પ્રવેશ આપ્યો હતો. સુરત મહાનગરપાલિકાના માજી કોર્પોરેટર સુનિલ પટેલ અને તેમના દીકરા નિકેત પટેલ જેઓ માજી એઆઈસીસી સભ્ય છે. તેમની સાથે સ્થાનિક નેતાઓ સંખ્યાબંધ કાર્યકરો સાથે આજે ભાજપમાં જોડાયા છે.
આ કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ પ્રમુખે સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, કોંગ્રેસમાં વર્ષો સુધી કામ કરનારા કાર્યકરો અને નેતાઓ હવે કોંગ્રેસની વિચારધારાથી મોહભંગ થઈ ચૂક્યો છે. કેન્દ્રમાં મોદીની સરકાર મહિલા, યુવા, કિસાન અને ગરીબોના ઉત્થાન માટે કામ કરી રહી છે.
ભાજપમાં જોડાતા પહેલા માજી એઆઈસીસી સભ્ય નિકેત પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિચારસરણી થી પ્રભાવિત થયા છે. કોંગ્રેસમા કામ થતા નથી અને સંગઠન પણ મજબુત નથી અને લોકોના કામ કરવા છે અને ભાજપનું સંગઠન મજબૂત છે તેથી તેઓ વડાપ્રધાન ની વિકાસગાથા ને જોઈને ભાજપમાં જોડાયા છે.
જોકે, સુરત પાલિકાની ચૂંટણીમાં 120 માંથી કોંગ્રેસ એક પણ બેઠક જીતી શકી નથી આવી જ રીતે વિધાનસભાની તમામ 12 બેઠક પર કોંગ્રેસનો સફાયો થયો હતો અને લોકસભામાં પણ કોંગ્રેસની ઝીરો બેઠક આવી છે. કોંગ્રેસ નેતાગીરીમાં પણ શુન્યઅવકાશ સર્જાયો છે તેથી કોંગ્રેસી નેતાઓ કાર્યકરો અને નેતાઓ કોંગ્રેસથી દૂર થઈ રહ્યા છે.