સુરતમાં ટ્રાફિક સમસ્યા દૂર કરવા માટે પાલિકા અને પોલીસનો પ્રયાસ : 40 સર્કલો પર કામગીરી કરી અને 139 બમ્પ દૂર કરાયા

Updated: Jul 18th, 2024


Google NewsGoogle News
સુરતમાં ટ્રાફિક સમસ્યા દૂર કરવા માટે પાલિકા અને પોલીસનો પ્રયાસ : 40 સર્કલો પર કામગીરી કરી અને 139 બમ્પ દૂર કરાયા 1 - image


Surat Traffic Problem : સુરત પાલિકા વિસ્તારમાં ટ્રાફિક સિગ્નલની અમલવારીમાં નડતી મુશ્કેલી દુર કરવા માટે પાલિકા અને પોલીસ વચ્ચે સંકલન બેઠક થયા બાદ સુરતમાં પોલીસે સૂચના આપી તેવા તમામ 40 સર્કલ નાના કર્યા કે દૂર કરવા સાથે સાથે 139 બમ્પ દૂર કરવામાં આવ્યા છે. પોલીસ દ્વારા આપવામાં આવેલી સુચના બાદ પાલિકાએ શહેરમાં 20 સર્કલ દૂર કરી દીધા છે જ્યારે 20 સર્કલ એવા છે જે નાના કરી દીધા છે. પાલિકા અને પોલીસ દ્વારા ટ્રાફિક સમસ્યા હળવી કરવા માટે બમ્પ અને કામગીરી તો કરી છે ત્યારબાદ હવે ટ્રાફિક સમસ્યા હળવી થશે કે પછી યથાવત રહેશે તે તો સમય જ બતાવશે. 

સુરતમાં ટ્રાફિક સમસ્યા દૂર કરવા માટે પાલિકા અને પોલીસનો પ્રયાસ : 40 સર્કલો પર કામગીરી કરી અને 139 બમ્પ દૂર કરાયા 2 - image

સુરત શહેરમાં હાલમાં ટ્રાફિક સિગ્નલ લોકો સાથે તંત્ર માટે પણ સળગતો પ્રશ્ન બની રહ્યો છે. ટ્રાફિક સિગ્નલ સિસ્ટમ શરૂ કર્યા બાદ અનેક મુશ્કેલીઓ પડતા ઘણી જગ્યાએ ટ્રાફિકની સમસ્યા વધી રહી છે. સિગ્નલ સિસ્ટમથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે તેના કારણે ટ્રાફિક સિગ્નલ સિસ્ટમ સુદઢ બનાવવા માટે પાલિકા અને પોલીસ વચ્ચે સંકલન બેઠક મળી હતી. આ બેઠક બાદ પોલીસ દ્વારા ચાર રસ્તા પર સ્પીડ બ્રેકર (બમ્પર) દુર કરવા માટે સાથે-સાથે કેટલાક ટ્રાફિક સર્કલ ટ્રાફિક સમસ્યા માટે આફતરૂપ છે તેને દુર કરવા તથા કેટલાક સર્કલની ડિઝાઇન બદલીને નાના કરવા માટે સુચના આપવામાં આવી હતી.

આ બેઠક બાદ પાલિકાના સ્થાયી સમિતિ અધ્યક્ષ રાજન પટેલે તમામ ઝોનના અધિકારીઓ સાથે બેઠક કરીને પાલિકાએ બનાવેલા સર્કલ અને પીપીપી મોડલમાં બનેલા સર્કલ દુર કરવા કે નાના કરવા માટે સૂચના આપી દીધી હતી. આ સુચના બાદ હાલમાં સુરત શહેરમાં 137 જેટલા સ્પીડ બ્રેકર દૂર કરી દેવામાં આવ્યા છે જ્યારે 20 સર્કલ દુર કરી દેવામા આવ્યા છે અને ટ્રાફિકથી ધમધમતા એવા અઠવા ઝોનમાં 20 સર્કલને રાત્રી દરમિયાન કામગીરી કરીને નાના કરવામાં આવ્યા છે. પાલિકાએ હાલ જે કામગીરી કરી છે તેમાં અઠવા ઝોનમાં સૌથી વધુ 37 બમ્પ દૂર કરાયા, અઠવા ઝોનમાં જ સૌથી વધુ 7 સર્કલ દૂર કરવામા આવ્યા છે. પોલીસની સુચના પ્રમાણે પાલિકાએ ફેરફાર કરી દીધા છે ત્યાર બાદ હવે ટ્રાફિક સમસ્યા હળવી થાય છે કે યથાવત રહે છે તે તો સમય જ બતાવશે.


Google NewsGoogle News