સુરત પાલિકાના વિવિધ વિભાગોમાં સંકલનના અભાવે મંજુર થયેલા પ્રોજેક્ટ સામે પ્રશ્નાર્થ
- બ્રિજ માટેની કામગીરી શરૂ થતાં ઉત્રાણમાં 2.88 કરોડના ખર્ચે બની રહેલા સેલ્ટર હોમનું કામ અટકાવી દેવાયું
- વરાછા ઝોનમાં શેલ્ટર હોમ માટે બે વર્ષ પહેલા અંદાજ મજુર થયા હતા, બે મહિના પહેલા કામગીરી શરુ થઈ ફુટીંગની કામગીરી થયા બાદ બ્રિજના કારણે રૂટ જાવોનો આદેશ
સુરત,તા.11 માર્ચ 2024,સોમવાર
સુરત મહાનગરપાલિકા દ્વારા તાપી નદી પર ઉત્રાણ અમરોલી વચ્ચે બ્રિજનું આયોજન જાહેર કર્યું છે તેની સામે સ્થાનિકોએ ભારે વિરોધ વ્યક્ત કર્યો છે. આ બ્રિજની કામગીરી સામે એક તરફ સ્થાનિકો વિરોધ કરી રહ્યા છે તો બીજી તરફ આ બ્રિજના નિર્માણ માટે વરાછા ઝોનમાં પાલિકાના અનામત પ્લોટ પર બની રહેલા શેલ્ટર હોમનું કામ અટકાવી દેવામાં આવ્યું છે. આ શેલ્ટર હોમ માટે બે વર્ષ પહેલા અંદાજ મજુર થયા હતા, બે મહિના પહેલા કામગીરી શરૂ થઈ ફુટીંગની કામગીરી બંધ કરાવી દેવા માટે સુચના આપતા હવે પાલિકાના આ પ્રોજેક્ટ લટકી પડે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે.
સુરત મહાનગર પાલિકાના વિવિધ વિભાગોમાં સંકલનના અભાવે મંજુર થયેલા પ્રોજેક્ટ સામે પ્રશ્નાર્થ ઉભો થયો છે. સુરત પાલિકાએ ઉત્રણ વિસ્તારમાં પાલિકાના અનામત પ્લોટ પર માથાભારે દબાણ કરનારા સામે કામગીરી કરીને બે વખત ઝુંપડા દુર કરી દીધા હતા. પાલિકાએ ઝુંપડા દુર કર્યા છે તેવા પ્લોટ પર પાલિકાએ બે વર્ષ પહેલાં 2.88 કરોડના ખર્ચે શેલ્ટર હોમનું કામ મંજૂર કર્યું હતું. કેટલાક વિવાદોના કારણે આ શેલ્ટર હોમની કામગીરી થઈ ન હતી. બે મહિના પહેલાં આ શેલ્ટર હોમ માટે પાલિકાએ વર્ક ઓર્ડર આપી દીધા છે અને ફુટીંગ સુધીની કામગીરી પણ શરૂ થઈ ગઈ છે અને નજીકના દિવસોમાં આ કામગીરી પૂરી થાય તેવી શક્યતા છે.
જોકે, આ સમય દરમિયાન પાલિકા દ્વારા તાપી નદી પર ઉત્રાણ અમરોલી વચ્ચે બ્રિજનું આયોજન જાહેર કર્યું છે. પાલિકાએ આ બ્રિજ માટે જે લોકેશન સુચીત કર્યું છે તેના કારણે સ્થાનિકોમાં ભારે વિરોધ છે. પાલિકાએ જે લોકેશન નક્કી કયું છે તે રીતે જો બ્રિજ બનાવવામાં આવે તો ગામતળ વિસ્તારમાં આવતા અનેક મકાનોને મોટું નુકસાન થાય તેમ છે. આ ઉપરાંત આ લોકેશનના કારણે ટ્રાફિક સમસ્યા હળવી થવાના બદલે વધશે તેવી વિગતો સાથે સ્થાનિકોએ આ બ્રિજ માટેનું લોકેશન બદલવા માટે પાલિકા સામે ઉગ્ર વિરોધ કર્યો છે.
તો બીજી તરફ પાલિકાના વરાછા ઝોનમાં પાલિકાના અનામત પ્લોટમાં બે મહિના પહેલાં 2.88 કરોડના ખર્ચે શેલ્ટર હોમ બનાવવા માટેનો વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો અને કામગીરી સોંપી દીધા બાદ હાલ ફુટીંગ સુધીની કામગીરી થઈ ગઈ છે. આ કામગીરી ઝડપથી થઈ રહી છે પરંતુ પાલિકાના બ્રિજ વિભાગે સુચિત બ્રિજ માટે શેલ્ટર હોમ નડતરરૂપ બને તે માટે આ કામગીરી અટકાવવા માટેની સુચના આપી દીધી છે તેના કારણે શેલ્ટર હોમની કામગીરી સ્થગિત કરી દેવામાં આવી છે.
બે વર્ષ પહેલાં આ જગ્યાએ શેલ્ટર હોમ બનાવવા માટે આયોજન કરાયું હતું પરંતુ ત્યાર બાદ હાલમાં કામગીરી ચાલી રહી છે હવે અહીં બ્રિજનું આયોજન થઈ રહ્યું છે. તેના કારણે શેલ્ટર હોમનું ચાલુ કામ બંધ કરાવી દેવા માટેની સુચના આપતા પાલિકા તંત્રમાં સંકલનના અભાવે અગાઉ નક્કી કરેલા પ્રોજેક્ટ સામે પ્રશ્નાર્થ ઉભો થયો છે. પાલિકા હવે લોકોનો ભારે વિરોધ છે તે બ્રિજ માટે પ્રાધાન્ય આપીને શેલ્ટર હોમને અન્ય જગ્યાએ ખસેડી દેશે ? કે શેલ્ટ હોમની કામગીરી ચાલુ રાખીને બ્રિજનું લોકેશન બદલશે ? તે અંગે અનેક અટકળો થઈ રહી છે.