ગતિશીલ સુરતના વિકાસના કામની ગતિનો નમુનો : પાલિકાના અઠવા ઝોનમાં દોઢ વર્ષ પહેલાં ખાત મુર્હુત કરાયું તે રસ્તાનું કામ શરૂ કરવામાં ઠાગાઠૈયા
Surat News : ત્રીપલ એન્જિનવાળી ગતિશીલ ગુજરાતમાં ખાત મુર્હુત થયાના દોઢ દોઢ વર્ષ સુધી કામ શરું થતા ન હોવાની ફરિયાદ ખુદ શાસક પક્ષના કોર્પોરેટરોએ કરી છે. હાલમાં વરસાદ શરૂ થયો છે ત્યાર બાદ અઠવા ઝોનની પ્રિમોન્સુન કામગીરી ની સમીક્ષા બેઠક વિવાદી બની હતી. અઠવા ઝોનના મોટા ભાગના કોર્પોરેટરોએ ઝોન દ્વારા પ્રિમોન્સૂન કામગીરીના નામે વેઠ ઉતારવામાં આવી હોવાનો બળાપો ઠાલવ્યો હતો. આ ઉપરાંત કોર્પોરેટરોએ કાર્યપાલક ઈજનેરની નબળી કામગીરી સામે રોષ ઠાલવ્યો હતો. અધિકારીઓ કામ કરતા નથી બહાના કાઢે છે અને કાર્યપાલક ઈજનેર ફોન પણ ઉચકતા નથી તેવી ગંભીર ફરિયાદ પણ કરી હતી.
સુરત શહેરમાં વરસાદ શરૂ થયો છે પરંતુ પાલિકા અઠવા ઝોન દ્વારા પ્રિમોન્સૂન કામગીરી ની સમીક્ષા માટે ગઈકાલે બેઠક બોલાવી હતી. વરસાદ શરૂ થયાં પહેલા બેઠક બોલાવી હતી અને પહેલા જ વરસાદમાં એક સાથે કેટલીક જગ્યાએ પાણી ભરાવાના તથા ભુવા પડવાના બનાવ પણ શરૂ થઈ ગયાં છે. અઠવા ઝોન દ્વારા કામગીરી ન થતાં કોર્પોરેટરોને લોકોને જવાબ આપવા ભારે પડી રહ્યાં છે તેથી કોર્પોરેટરોએ અધિકારીઓ સામે પોતાનો રોષ ઠાલવ્યો હતો.
અઠવા ઝોન ની બેઠકમાં કોર્પોરેટર દીપેશ પટેલે અઠવા ઝોનની કામગીરી સામે ગંભીર આક્ષેપ કર્યા હતા. તેઓએ કહ્યું હતું કે, દોઢેક વર્ષ પહેલા ધારાસભ્યના હસ્તે ભીમરાડ અને મગદલ્લા એમ બે રોડના ખાત મુર્હુત કરવામાં આવ્યા હતા. આ ખાત મુર્હુતને દોઢ વર્ષ થઈ ગયાં હોવા છતાં હજી સુધી ઝોન દ્વારા રોડની કામગીરી શરૂ કરવામાં આવી નથી. આ ઉપરાંત તેઓએ ગંભીર ફરિયાદ કરતાં કહ્યું હતું કે, 15 માર્ચે બેઠક થઈ હતી તેમાં અઠવા ઝોનના ગ્રામ્ય વિસ્તારમાં પાણીનો ભરાવો થાય છે તેના સ્પોટ સાથે માહિતી આપી હતી અને આ ચોમાસામાં પાણી ન ભરાય તેવી કામગીરી કરવા સુચના આપી હતી. પરંતુ ઝોન દ્વારા આ ફરિયાદ પર કોઈ ધ્યાન આપવામાં આવ્યું નથી અને હાલ નાના ઝાંપટા ત્યાં પાણી ભરાયા છે.
વધુમાં તેઓએ કહ્યું હતું કે અઠવા ઝોનના ઝોનલ ઓફિસર મીતા ગાંધી કોઈના ફોન ઉપાડતા નથી એટલું જ નહી પરંતુ સમસ્યાના નિવારણ માટે ગ્રુપ બનાવ્યું છે તેમાં પણ તેઓ કોઈ જવાબ આપતા ન હોવાથી લોકોની સમસ્યા વધી રહી છે. આ ઉપરાંત ગત વર્ષે એરપોર્ટ સામે અને મગદલ્લા પાસે રોડ બનાવવામાં આવ્યો હતો તે રોડ એક જ ચોમાસમાં બેસી ગયો છે તેથી આ રોડની કામગીરી ઉતરતી કક્ષાની છે અને તેના કારણે લોકોની હાલાકી વધી રહી છે.આ ઉપરાંત અધિકારીઓ કામગીરી કરવાના બદલે બહાનાં કાઢી રહ્યાં છે તેથી સમસ્યા વધી રહી છે.
દીપેશ પટેલ ઉપરાંત અન્ય કેટલાક કોર્પોરેટરોએ પણ સુરત પાલિકાના અઠવા ઝોન દ્વારા પ્રિમોન્સૂન કામગીરી માં વેઠ ઉતારવામાં આવી છે જાળીયાની સફાઈ થઈ ન હોવાથી આ ચોમાસામાં પણ મુશ્કેલી પડશે તેવી ફરિયાદ કરી છે. કોર્પોરેટરોએ 15 માર્ચ ની બેઠકમાં અનેક પ્રશ્નો રજૂ કર્યા હતા તેમાંથી મોટા ભાગના પ્રશ્નોનો હલ ન થતા કોર્પોરેટરોએ ઝોનલ ઓફિસરની કામગીરી સામે પસ્તાળ પાડી હતી.