પાર્કિંગ માફિયા વિરુદ્ધ અમે કરેલી ફરિયાદને દબાવવા અમારા પર લાંચના ખોટા આરોપ થયાં : સુરત આપના કોર્પોરેટરો
Surat Pay and Park Controversy : સુરત પાલિકાના પે એન્ડ પાર્કના કોન્ટ્રાક્ટર પાસેથી આપના બે કોર્પોરેટરે પાલિકાના બે અધિકારીઓની હાજરીમાં 11 લાખ રૂપિયાની લાંચ માંગી હોવાની ફરિયાદ અમદાવાદ એન્ટી કરપ્શન બ્યુરોને કરી છે. જેમાં આપના કોર્પોરેટરો અને અધિકારીઓની સ્થળ તપાસના સીસીટીવી ફુટેજ પણ અરજી સાથે સામેલ કરવામાં આવ્યા છે અને પૈસાની માગણીનું રેકોર્ડિંગ પણ એસીબીને મોકલી પગલાં ભરવાની માંગણી કરી છે.
આ ફરિયાદ સામે આપના કોર્પોરેટરોએ આરોપોનો ખોટા જણાવી પાર્કિંગ માફિયા વિરુદ્ધ અમે કરેલી ફરિયાદને દબાવવા આવા ખોટા આરોપ થયા હોવાનું જણાવ્યું છે. ACB માં અરજી સંદર્ભે 'આપ' ના કોર્પોરેટર જીતેન્દ્રભાઈ કાછડીયાએ જણાવ્યું હતું કે, અમે ભૂતકાળમાં પાર્કિંગના ગેરકાયદે ઉઘરાણા બાબતે જે તે સમયે પાલિકા કમિશ્નરને પાર્કિંગ માફિયાઓ વિરુદ્ધ લેખિતમાં રજૂઆત કરેલી હતી. જે બાબતનો ખાર કાઢીને અમારી ઉપર ખોટી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ફરિયાદમાં કોઈ તથ્ય નથી. ફક્ત અમારી ઉપર પ્રેશર બનાવવા આવા તૂત છે. કોર્પોરેટર વિપુલભાઈ સુહાગીયાએ જણાવ્યું હતું કે, મેં ભૂતકાળમાં અનેકવાર પાર્કિંગ માફિયાઓના ભ્રષ્ટાચાર ખુલ્લા પાડ્યા છે. અનેક ગેરકાયદે કામો થતાં અટકાવ્યા છે. આ લોકોના ગેરકાયદે ધંધા બંધ ના થઇ જાય એ માટે અમારી પર લગામ રાખવા આવા ખોટા આક્ષેપો કરે છે. આ બન્ને કોર્પોરેટરોએ કહ્યું હતું કે,વધુમાં જણાવ્યું હતું કે, અમે આ ફરિયાદ સંદર્ભે અમારી લીગલ ટીમ જોડે વિમર્શ કરીને આગળની કાર્યવાહી કરીશું.