સુરતમાં ભારે વરસાદના કારણે ફરી એકવાર પર્વત ગામની સ્કૂલમાં પાણી ઘુસ્યા, વિદ્યાર્થીઓ-વાલીઓના જીવ તાળવે ચોંટ્યા
Heavy Rain in Surat : સુરત શહેરના પર્વત ગામમાં આવેલી એક સ્કૂલમાં દર ચોમાસામાં ભારે વરસાદ હોય ત્યારે પાણીનો ભરાવો થાય છે. આજે સુરતમાં રેડ એલર્ટ હતું અને ભારે વરસાદ હતો તેમ છતાં સ્કૂલ ચાલુ હતી. ચાલુ સ્કુલે પાણીનો ભરાવો થતાં વિદ્યાર્થીઓ સાથે વાલીઓના જીવ તાળવે ચોંટ્યા હતા. દરમિયાન એક શિક્ષકે કમર સુધીના પાણીમાં વિદ્યાર્થીઓને હાથ પકડીને બહાર કાઢવામાં આવ્યા હતા. દર વર્ષે આ પ્રકારની સ્થિતિ ભારે વરસાદમાં થાય છે તેમ છતાં સ્કુલ કે તંત્ર દ્વારા કોઈ કામગીરી કરાતી ન હોવાથી વિદ્યાર્થીઓનો જીવ જોખમમાં મુકાઈ રહ્યો છે.
સુરત શહેરમાં પર્વત ગામ વિસ્તાર આવ્યો છે ત્યાં સરસ્વતિ સ્કુલ આવી છે અને દર ચોમાસામાં આ સ્કુલમાં પાણીનો ભરાવો થાય છે. ગઈકાલથી ભારે વરસાદ છે અને આજે પણ રેડ એલર્ટની આગાહી સાથે વરસાદ ભારે તીવ્રતાથી પડી રહ્યો છે. તેના કારણે આ સ્કૂલમાં ફરી એક વાર પાણીનો ભરાવો થયો હતો. સ્કૂલમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા અને કમર સુધીના પાણીનો ભરાવો થતાં વિદ્યાર્થીઓ સાથે સાથે તેમના વાલીઓ પણ ગભરાઈ ગયા હતા. પાણીનો ભરાવો થતાં વિદ્યાર્થીઓને રજા આપવામાં આવી હતી. જોકે, રસ્તા પર કમર સુધીના પાણી હોય શાળાના શિક્ષક વિદ્યાર્થીઓની ચેઈન બનાવી તેમને હાથ પકડાવીને રસ્તા પરથી બહાર લાવવામાં આવ્યા હતા.
દર વર્ષે આ સ્કૂલમાં પાણીનો ભરાવો થાય છે તેમ છતાં પાલિકા તંત્ર, શિક્ષણ વિભાગ કે સ્કૂલ સંચાલકો દ્વારા આ સમસ્યાના નિકાલ માટે કોઈ કામગીરી કરતા નથી. જેના કારણે દર વર્ષે વિદ્યાર્થીઓનો જીવ જોખમમાં મુકાઈ રહ્યો છે. જો આ સમસ્યાનો કાયમી નિવેડો નહીં લાવવામા આવે તો નિર્દોષ વિદ્યાર્થીનો જીવ જાય તેવી શક્યતા નકારી શકાતી નથી.