સ્વચ્છ સર્વેક્ષણમાં પહેલા નંબરના સુરત શહેરમાં લિંબાયતમાંથી પસાર થતી કોયલી ખાડીમાં કારખાનેદારો દ્વારા વેસ્ટ નાખી ખાડીમાં ફેલાવાતી ગંદકી
- કમેલા પાસેથી પસાર થતી કોયલી ખાડીની આસપાસ આવેલા ઔદ્યોગિક એકમો દ્વારા આ ખાડીમાં નિયમિતપણે ગંદકી અને કચરો નંખાતા રોગચાળો ફેલાવાની દહેશત
સુરત,તા.01 માર્ચ 2024,શુક્રવાર
સ્વચ્છ સર્વેક્ષણ દરમિયાન સુરત શહેર દેશમાં ઈન્દોર સાથે પહેલા નંબરનું સ્વચ્છ શહેર બની ગયું છે. સુરતનું દેશમાં સ્વચ્છ બની રહે તે માટે લોક જાગૃતિ સાથે અનેક પ્રયાસ કરી રહી છે. સુરત શહેરમાંથી પસાર થતી ખાડીની સફાઇ સાથે બ્યુટીફીકેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. પાલિકા એક તરફ ખાડી સફાઇ માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે પણ બીજી તરફ લિંબાયતમાંથી પસાર થતી કોયલી ખાડીમાં કારખાનેદારો વેસ્ટ નાખી ખાડીમાં ગંદકી ફેલાવી રહ્યાં છે પાલિકા તંત્ર દ્વારા કોઈ આકરા પગલાં ભરતી ન હોવાથી ખાડીમાં ગંદકી સતત વધી રહી છે.
સુરત પાલિકા સ્વચ્છતા માટે ખાસ આગ્રહ રાખી રહી છે જેમાં મોટા ભાગના સુરતીઓ પાલિકાની કામગીરી ને સાથ આપી રહ્યાં છે. જોકે, કેટલાક લોકો સુરતની સ્વચ્છતા માટે વિલન બની રહ્યાં છે. સુરત પાલિકાના લિંબાયત ઝોનમાં આવેલી કોયલી ખાડી માં સતત ગંદકી વધી રહી છે. લિંબાયતમાં નવા કમેલા પાસેથી પસાર થતી કોયલી ખાડી ની આસપાસ આવેલા ઔદ્યોગિક એકમો દ્વારા આ ખાડીમાં વેસ્ટેજ ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન ગાડીને આપવા કે યોગ્ય નિકાલ કરવાના બદલે સીધા ખાડીમાં પધરાવી રહ્યાં છે.
ખાડી કિનારે આવેલા ઔદ્યોગિક એકમો દ્વારા બેફામ રીતે ખાડીમાં ગંદકી થઈ રહી છે. તેના કારણે મચ્છરનો ઉપદ્રવ વધી રહ્યો છે તેના કારણે લોકોના આરોગ્ય સામે પણ ખતરો ઉભો થયો છે. આવી સ્થિતિ છતાં પણ પાલિકા દ્વારા ગંદકી કરનારા સામે કોઈ આકરા પગલા ભરાતા ન હોવાથી કારખાનેદારો બેફામ બનીને ખાડીમાં ગંદકી કરી રહ્યાં છે. આવા લોકોને ઝડપી અને તેમની સામે આકરા પગલાં ભરવા માંગણી થઈ રહી છે.