ભારે વરસાદના કારણે નર્મદ યુનિવર્સિટી દ્વારા બુધવાર અને ગુરુવારની પરીક્ષાઓ મુલતવી રખાઈ
VNSGU Exam Postponed : સુરત શહેર જિલ્લામાં ત્રણ દિવસથી ભારે વરસાદના કારણે સ્કૂલોમાં રજા જાહેર કર્યા બાદ આજે નર્મદ યુનિવર્સિટી દ્વારા બુધ અને ગુરુવારની પરીક્ષાઓ મુલતવી રાખવામાં આવી છે.
સુરત શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. જેમાં આજે અને કાલે ભારે વરસાદની આગાહી કરાઈ છે. આ આગાહી વચ્ચે આજે બુધવારે સ્કૂલોમાં રજા જાહેર કરાઇ છે. પરંતુ નર્મદ યુનિવર્સિટી દ્વારા પરીક્ષાઓ ચાલી રહી હોવાથી આજે કૉલેજ ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો હતો. પરંતુ આજે નર્મદ યુનિવર્સિટીના રજીસ્ટર આર.સી. ગઢવીએ એક સર્ક્યુલર જારી કરીને હાલની અતિભારે વરસાદની પરિસ્થિતિને ધ્યાને લઈને તારીખ 24/07/24 અને 25/07/24 ની હાલ ચાલુ તમામ પરીક્ષાઓ (પૂરક, Physiotherapy તેમજ અન્ય) મુલતવી રાખી હતી. આ પરીક્ષા પાછળથી લેવામાં આવશે. જેનો વિગતવાર કાર્યક્રમ પાછળથી જાહેર કરવામાં આવશે. વધુમાં વરસાદની પરિસ્થિતિને ધ્યાને લઈને જે તે કોલેજ શૈક્ષણિક કાર્ય અંગે નિર્ણય કરી શકશે અને લીધેલ નિર્ણયની અત્રે જાણ કરવાની રહેશે.