સાયરસ મિસ્ત્રી અને મિસ્ત્રી પરિવાર માટે વેસુના આશાપુરી માતજીનું મંદિર આસ્થાનું કેન્દ્ર
- તેમના પરદાદા અહીં કાલભૈરવની પૂજા કરતા હતા
સુરત,તા.5 સપ્ટેમ્બર 2022,સોમવાર
ટાટા ગ્રૂપના ભૂતપૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીનું મુંબઈના પાલઘરમાં માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું છે. ત્યારે સુરતના વેસુ વિસ્તારમાં આવેલું આશાપુરા માતાનું મંદિર મિસ્ત્રી પરિવાર માટે આસ્થાનું કેન્દ્ર હતું. સાયરસ મિસ્ત્રીના પરદાદાનો જન્મ વેસુમાં થયો હતો અને આ વિસ્તારમાં આવેલા આશાપુરા માતાના મંદિરે તેમના પરદાદા કાલભૈરવની પૂજા પણ કરતા હતા.
સાઈરસ મિસ્ત્રી પાસે પરદાદાએ લખેલી એક ડાયરી હતી જેને લઇને વર્ષ 2017માં તેઓ સુરતના વેસુ વિસ્તારમાં ખાનગી કાર્યક્રમ હેઠળ આવ્યા હતા. જ્યાં તેમના પરદાદાનો જન્મ થયો હતો અને તેમણે ત્યાં જ ભણતર પૂર્ણ કર્યું હતું.
વેસુના અગિયારી મોહોલ્લામાં આ ફાયર હાઉસ જોવા મળે છે. જેમાં સાઇરસ મિસ્ત્રીના નામનો પણ ઉલ્લેખ પણ છે. આ ફાયર હાઉસના પુનરુત્થાનનું કાર્ય પણ સાઇરસ મિસ્ત્રી દ્વારા કરાવવામાં આવ્યું હતું.
આ વિસ્તારમાં આશાપુરા માતાનું મંદિર આવેલું છે. જે મિસ્ત્રી પરિવાર માટે ખૂબ જ આસ્થાનું કેન્દ્ર છે. કારણકે અહીં વર્ષો પહેલા સાઇરસ મિસ્ત્રીના પરદાદા કાલભૈરવની પૂજા પણ કરતા હતા. વર્ષ ૨૦૧૭માં સાઇરસ મિસ્ત્રીએ પોતે અહીં આવી ખાસ પૂજા-અર્ચના કરી હતી. વૈદિક મંત્રો સાથે થયેલી આ પૂજા અર્ચના પાંચ પૂજારીઓ દ્વારા કરવામાં આવી હતી. જેના કેટલાક અંશ અંગ્રેજીમાં પણ અનુવાદ કરી સાઇરસ મિસ્ત્રીને સમજાવવામાં આવ્યા હતા. સાઈરસ મિસ્ત્રીએ પોતાના પરદાદાની ડાયરી મુજબ ગામના લોકોને જણાવ્યુ હતું કે, આશાપુરા મંદિરમાં એક પ્રતિમા છે. જે કાલભૈરવની છે.