સુપ્રીમ કોર્ટની અવમાનના કરવાના વિવાદીત પ્રકરણમાં વેસુ પીઆઇ રાવલ સસ્પેન્ડ
- બિલ્ડર તુષાર શાહે વકીલ હસ્તક કોર્ટમાં અરજી કરતા સચિવ અને પો. કમિશ્નર સહિતનો કોર્ટએ નોટીસ ફટકારી હતીઃ ઇન્ચાર્જ પીઆઇ તરીકે ડી.યુ. બારડને હવાલો અપાયો
સુરત,તા.24 જાન્યુઆરી 2024,બુધવાર
સુપ્રીમ કોર્ટમાંથી આગોતરા જામીન મેળવનાર બિલ્ડરની વેસુ પોલીસ દ્વારા ધરપકડ કરીને રિમાન્ડ મેળવવાના વિવાદીત પ્રકરણમાં સુરત પોલીસ કમિશ્નર અજયકુમાર તોમર દ્વારા વેસુ પીઆઇ આર. વાય. રાવલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
સુરતના ઘોડદોડ રોડના આભુષજ્ઞ એપાર્ટમેન્ટમાં રહેતા બિલ્ડર તુષાર રજનીકાંત શાહ વિરૂધ્ધ વેસુ પોલીસમાં છેતરપિંડીનો ગુનો નોંધાયો હતો. આ ગુનામાં તુષાર શાહ સુપ્રીમ કોર્ટમાંથી આગોતરા જામીન મેળવી વેસુ પોલીસ સ્ટેશનમાં હાજર થયો હતો. પોલીસ દ્વારા આગોતરા જામીનના હુકમ મુજબ અટકાયત બાદ જામીન મુકત કર્યો હતો અને ત્યાર બાદ નોટીસ આપી હાજર રહેવા જણાવી ધરપકડ કરી ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. જેને પગલે બિલ્ડર તુષાર શાહે વકીલ હસ્તક કોર્ટમાં અરજી કરી સુપ્રીમ કોર્ટના આગોતરા જામીનનો અનાદર કરી રિમાન્ડ મેળવવા ઉપરાંત ટોર્ચરનો આક્ષેપ કર્યો હતો. સુપ્રીમ કોર્ટએ આ બાબતને ગંભીરતાથી લઇ
રાજ્યના અધિક સચિવ, સુરત પોલીસ કમિશ્નર અજયકુમાર તોમર, ડીસીપી વિજયસિંહ ગુર્જર, પીઆઈ આર. વાય. રાવલ અને ચીફ જ્યુડીશિયલ મેજિસ્ટ્રેટ વિરુદ્ધ અદાલતના અવમાનનાની નોટીસ ઇસ્યુ કરી હતી. આ વિવાદીત પ્રકરણમાં પોલીસ કમિશ્નર અજયકુમાર તોમરે વેસુ પીઆઇ આર. વાય. રાવલ વિરૂધ્ધ શિક્ષાત્મક પગલા રૂપે સસ્પેન્ડ કરતો હુકમ કર્યો છે. જયારે તેમના સ્થાને સ્પેશીયલ બ્રાંચના પીઆઇ ડી.યુ. બારડને વેસુ પોલીસ સ્ટેશનનો વધારાનો ચાર્જ આપવામાં આવ્યો છે.